નિહારિકા/ઘંટી
Appearance
< નિહારિકા
← જીવનનાં તેજ | નિહારિકા ઘંટી રમણલાલ દેસાઈ |
ગુલામોનું ગીત → |
ઘંટી
૦ ગરબી ૦
મારી ઘંટીને બબ્બે આંખો.
હો ઘંટી મારી ઘમ્મર ઘૂમે, ઘમ્મર ઘૂમે.
મારી ઘંટીને બબ્બે પાંખો.
હો ઘંટી મારી ઘમ્મર ઘૂમે, ઘમ્મર ઘૂમે.
હાં રે એની આંખે જગત ભાસે રૂડું:
હાં રે એની પાંખે જીવનભર ઊંડું.
હો ઘંટી મારી ઘમ્મર ઘૂમે, ઘમ્મર ઘૂમે.
હાં રે એનું ભૂંડું કદી નવ ભાખો;
હાં રે એણે પોષ્યા છે માનવી લાખો.
હો ઘંટી મારી ઘમ્મર ઘૂમે, ઘમ્મર ઘૂમે.
હાં રે ભરી આંખડી એ અમ્મર સોહાગે;
હાં રે એમાં જગની યે ભૂખ બધી ભાંગે.
હો ઘંટી મારી ઘમ્મર ઘૂમે, ઘમ્મર ઘૂમે.
ગાય હૃદય રેલાવતાં ગીત ગભીર રાગે;
હાં રે સૂણી સાહ્યબો સારી રાત જાગે.
હો ઘંટી મારી ઘમ્મર ઘૂમે, ઘમ્મર ઘૂમે.
રાજતી શું માવડીની મૂર્તિ એ થાળે ?
હાં રે ઘસી જાત એ તો પરિયાંને પાળે.
હો ઘંટી મારી ઘમ્મર ઘૂમે, ઘમ્મર ઘૂમે.