નિહારિકા/ચાલ્યો તું તો શહેરમાં !
← ગુલામોનું ગીત | નિહારિકા ચાલ્યો તું તો શહેરમાં ! રમણલાલ દેસાઈ |
ગામડિયા → |
ચાલ્યો તું તો શહેરમાં !
તું તો શહેરમાં કોડે, હો !
ભલા શાને ગામડું છોડે !
અલ્યા શેં ઉતાવળે દોડે, હો ?
ફૂટ્યું ભાગ્ય શાને ફોડે ?
શહેર મહીં મિલ મેલડી ફૂંકે ?
ધૂ મ ના ગો ટે ગો ટ;
હૈયે ભર્યો અંગાર, રખે તને
લાગતી એની ચોટ !
એને જોઈએ માણસ ખાવા !
ઊનાં ઊનાં લોહીનાં ના’વા !
વીજળિયાં કંઈ ગાડાં દોડે
કચરે માનવી રોજ;
દોડતાં ના’વું, દોડતાં ખાવું,
દોડતાં સૂવું, એમોજ !
ઘડી બેસાય ન પગ વાળી;
બધી મેજ મૂકી બાળી.
મોટા મોટા મહેલ ઊંચે કરતા
વાદળ સાથે વાત;
તો ય તસુ તને ભોંય મળે નહિ;
ભીંસાય તારી જાત,
માથાંપગ ભીંતે અડકે;
સૂવું પડે કાં તો સડકે.
રસ્તા પહોળા ને હૈયાં ટૂંકાં,
પોસાય ના મહેમાન;
સગુંવહાલું ભૂલચૂકથી આવ્યું –
નીકળી જાયે જાન !
બધા જીવ બળિયલ પાપી;
પરોણાગતને ઉથાપી.
નાટક ખેલ સિનેમા સટ્ટા
હોટલ ખાણાં ને ચા,
ઊજળા ઠગ ને હસતી વન્ત્રી
જોઈએ તો શહેરમાં જા !
રોગે પછી રોજ તું સડસડજે
વિના મોત એક દી મરજે !
ખેતર ઝૂંપડી ગામડું છોડી
શહેરમાં ખોળે સુખ;
ભૂલ્યા, ન સમજે શહેરને લાગી
બ્રહ્મરાક્ષસની ભૂખ !
તને કાચો કાચો ગળશે.
તોયે એની ભૂખ ન ટળશે !