લખાણ પર જાઓ

નિહારિકા/ઝુલાવો ધીમે ?

વિકિસ્રોતમાંથી
← ઘેલી ગોપી નિહારિકા
ઝુલાવો ધીમે ?
રમણલાલ દેસાઈ
યુગલ હંસ →


ઝુલાવો ધીમે ?


૦ માઢ ૦

મારી મદભર આંખ ઘેરાણી;
ઝુલાવો ધીમે, હજી ધીમે, પ્રાણ !

નીંદભર્યા અમ પાસે પ્રિયતમ,
રાખિચે ચિત્ત ચકોર
જો જો સલુણા ફાટે નહિ મારા
નવરંગ સાળુની કોર —ઝુલાવો.

કૂણીકૂણી ચૂંટી મેંદી મૂક્યો મેં
પ્હાનીએ કુમકુમરંગ;
આછો ઉઘાડ; ઝુલાવતાં બલથી
ઊડશે લહરી સંગ —ઝુલાવો.

વેગળાં લો જરી નયનો, બીતાં
નાસતાં ખંજન લોલ;
કીકી તણો પડછાય પડી
મારાં કાળાં થાય કપોલ —ઝુલાવો.

નીંદ ઝઝૂમી, ઝૂમો પ્રિયતમ,
નયનો નવ બિડાય;
આઘા રહો અલબેલડા, મારી
કુમળી કમર લચકાય —ઝુલાવો.