નિહારિકા/ઘેલી ગોપી
Appearance
< નિહારિકા
← નયનનૃત્ય | નિહારિકા ઘેલી ગોપી રમણલાલ દેસાઈ |
ઝુલાવો ધીમે ? → |
ઘેલી ગોપી
રાહ-નાથ કૈસે ગજકો બંધ છોડાયો
ઘેલી ગોપી ! કોનાં તું લે છે ઓવારણ ?
નંદકુંવર હૃદયેશ્વર આવી, ઊભો મારે બારણ;
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?
હૈયે નવરસ, ખટરસ દેહે, ગોપી તણે શીશ ભારણ;
જગોરસ ભરી મોહ મટુકીનો કાનડ એક ઉતારણ !
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?
ભાન ભૂલી, ડગલાં અસ્થિર, નયને શાં ઊંડાં ઘારણ ?
રસભર રાસ રમાડ્યાં રસિયે; સારી રાતનાં જાગરણ.
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?
જનમે જનમે તરસી રાધાને જુગજુગનાં સંભારણ.
મુરલીનાદ સૂણી હું ઝબકી, ભવભવનાં એ ઉદ્ધારણ !
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?
જીવનનાં કાંઈ ઝેર ચઢ્યાં! શેં શોધું મોહનમારણ ?
રાધાને મુખ આઠે પહોરે કૃષ્ણકૃષ્ણ ઉચ્ચારણ !
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?