લખાણ પર જાઓ

નિહારિકા/નયનનૃત્ય

વિકિસ્રોતમાંથી
← કવિતા નિહારિકા
નયનનૃત્ય
રમણલાલ દેસાઈ
ઘેલી ગોપી →




નયનનૃત્ય


રાહ નંદજીનો છેલો જાદુનો ભરેલો

નયન નયન નાચે ! હે સૃજન સકલ રાચે.
સૃજન સકલ રાચે, હો નયનમંત્ર વાંચે !
નયન નયન નાચે—

નાચે પર્ણવેલી, હો રેલી રસની હેલી.
નયનનૃત્ય તાલમાં જો તારિકાઓ ઘેલી !
નયન નયન નાચે—

સરિત લલિત લાસ્યમાં, જો ચન્દ્રી હાસ્યમાં.
તાંડવની ભવ્ય તાલી લે નિધિ ઉલ્લાસમાં !
નયન નયન નાચે—

પોયણાં ઝઝમે, હો લલિત લહર ચૂમે.
બુલબુલોની બેલડી વિરાજે પુષ્પ લૂમે.
નયન નયન નાચે—

આંખ તણા ચાળા, જો પાડે ઉર ઉછાળા.
તો દિવ્ય નાચમાંહી ચાલો વિસ્મયે રસાળા !
નયન નયન નાચે—