નિહારિકા/નાની શી હોડી
Appearance
< નિહારિકા
← મુખડે ફૂલ | નિહારિકા નાની શી હોડી રમણલાલ દેસાઈ |
અભિલાષા → |
નાની શી હોડી
લય - મારે મોઢે મનાવી
મારી નાની શી હોડી,
ડોલે એ થોડી થોડી,
ઘેરાં વારિને હૈયે એ
નિત્યે રમે— મારી
ધીમી લહેરે સમીર
ચૂમે નાવ તણાં નીર;
આછી હલકે એ નાવ મારી
નાચતી નમે— મારી
ઝરે ચંદ્ર તણાં તેજ,
ગૂંથી તારલાની સેજ,
મારી હોડલી સુએ ને શીળી
ચાંદની ઝમે— મારી
ઊંચી ભેખડો કરાલ,
ખડક ડોકાતા વિશાલ .
હસી નાવ મારી રંગભરી
ફૂદડી ઘૂમે—મારી
કદી સૂર્ય તપી જાય,
અડી મેઘની ઝીંકાય,
ઊઠે આંધી !- એ નાવ તો યે
જલમાં ભમે— મારી
ભર્યાં કાલ તણાં નીર,
નાવ શોધે અમર તીર,
એક આશનાં સુકાન,
વ્હાણવટીને ગમે— મારી