નિહારિકા/મુખડે ફૂલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સુહાગી દૃશ્ય નિહારિકા
મુખડે ફૂલ
રમણલાલ દેસાઈ
નાની શી હોડી →


મુખડે ફૂલ


૦ ચોપાઈની ઢબ ૦

મુખડે ફૂલ ને આંખમાં હીરા !
દેવ પૂજું કે તમને વીરા !
દેવ રિસાયા મંદિર વસે !
વીરો મારો ખડખડ હસે !

હસતાં હસતાં મોતી ખર્યાં;
બ્હેનીએ જઈ ખોબા ભર્યા.
મોતીના એકાવન હાર !
બ્હેનીના પૂર્યા શણગાર.

હસતાં બંધ ન રહેશો વીર !
ભાભી માગે રેશમચીર !
રેશમનાં તો મોંઘાં મૂલ !
પૈસો જે દરિયામાં ડૂલ !

પરદેશીનાં પીધાં ઝેર,
વીરા લાવે તકલી ઘેર.
તકલીમાંથી તાણ્યા તાર;
તાર મહીં ભાળ્યો ઉદ્ધાર .

તેની સાડી વીરે વણી.
લઈને આવ્યા ભાભી ભણી.

ભાભીનાં નિત હસતાં મુખ;
રેશમની પણ ભાંગી ભૂખ.

સૂ ૨ જ વ ર્ણું ખાદી વસ્ત્ર;
ભાભી કેરાં નયનો મસ્ત,
વીરા હું ના માગું ગામ;
માગું હું એક જ વરદાન.

ભાભી પહેરે સાડી શ્વેત
તે અણુમાપ્યું ઊછળે હેત.
વીરો મારો વિનતિ કરે :
ભાભી લાજી સાડી ધરે.

વીરા શું નિહાળો ફરી ?
ભાભી મારી રૂપાપરી,
ઊજળી ભાભી ઊજળાં વસ્ત્ર;
ઊજળું ઘર, ઊજળું ય સમસ્ત,

ઊજળી શેરી, ઊજળાં ગામ;
ખાદીનાં સહુ ઊજળાં કામ.
ઉજ્વલ વીરો, ઉજ્જલ દેશ;
ઉજ્જવલ ત્યાં બ્હેનીના વેશ.