નિહારિકા/નિરાશા
Appearance
< નિહારિકા
← સન્દેશ | નિહારિકા નિરાશા રમણલાલ દેસાઈ |
ચોર ઊભા → |
નિ રા શા
o ગઝલ o
પ્રિયની કોઈ ખબર લાવે નહીં !
પ્રાણ કંઠે, તો ય જીવ જાયે નહીં !
પૂર્વનું કો પાપ હાય ફળે હવે !
સ્વપ્નમાં પ્રિય મુખ બતલાવે નહીં !
બુલબુલો સમ વિલપતી હું વિરહિણી !
ગુલબદનને કોઈ સમજાવે નહીં !
રાગમાંહી વિરાગ ધરી જોગણ બનું !
હાય ઘરઘર ભટકવું ફાવે નહીં!
બાવરી સંદેશ હું શા પાઠવું ?
ક્રૂર મીઠા બોલ તો ભાવે નહીં !
વાટ જોતી હું પુકારું મોતને !
મોત પણ માગ્યાં અરે આવે નહીં !