નિહારિકા/સન્દેશ

વિકિસ્રોતમાંથી
← રાતલડી નિહારિકા
સન્દેશ
રમણલાલ દેસાઈ
નિરાશા →


સંદેશ


૦ સાખી–ગરબી ૦

દૂર દેશના રાજવી, દૂર વસે મુજ દેહ !
હૈયામાં ઊછળી રહ્યો પિયુમિલનનો નેહ

વનવગડે રમતાં આજ અચાનક ભૂલી પડી;
મુજ ભાવિ સમો અંધકાર, વરસે દુઃખની ઝડી.
અધીરું મન, અધીરી આંખ – બંને સાથે રડે;
મારી આશ તણા મીચકાર જો ને પડે ઊપડે.

ભર વર્ષા ભર વીજળી, ભર્યું તિમિર આકાશ !
ભર નયણે સંભારતી ! પિયુમિલનની આશ.

પિયુ પિયુ મુખ ઉચ્ચાર ! પંખિણી પડી પિંજરે !
ડુંગર નદી પણ હાય વૈરી થઈ વચમાં પડ્યાં !

ઉડાય ના, ન મરાય, ગગને રમતાં પંખી ઓ !
કહે પિયુને સંદેશ – માનવ હૈયાં સાંકડાં.