નિહારિકા/ભોળી કુમુદિનીને
Appearance
< નિહારિકા
← યુગલ હંસ | નિહારિકા ભોળી કુમુદિનીને રમણલાલ દેસાઈ |
નીંદમાં ઝૂલો → |
ભોળી કુમુદિનીને
૦ બિહાગ ૦
ન ખીલ તું મુજ કુમુદિની ભોળી
ચંદ્ર તને હરનીશ પટાવે.
હસિત વદન તુજ જરી જરી ડોલે,
અંતરે પિયુ નીરખી ચઢ્યું ઝોલે.
છકેલ એને છાંડી જતાં કદી
પ્રભાત સમયે શરમ ન આવે.-ન ખીલ તું.
બુલબુલ ગાતાં ગાતાં થાકી,
સ્વરલીનતામાં ગયું શીશ ફાટી,
સંતાયો ગુલ ગુલાબમાં પ્રિય
સુણે છતાં સંદેશ ન કહાવે-ન ખીલ તું.
પ્રેયસી પ્રિયનાં ત્રાટક કરતી,
પાંપણ પલકાશે નવે ભરતી,
દુ:ખ મહાન અરે પણ પ્રિય નવ
પ્રતિ ઉત્તરમાં નયન નચાવે–ન ખીલ તું.