નિહારિકા/મુરલી
← રસમૂંઝવણ | નિહારિકા મુરલી રમણલાલ દેસાઈ |
રસડોલન → |
મુરલી
૦ ગરબી માઢ ૦
હું તો ઝબકીને જાગી આજ !
મુરલી ક્યાંથી વાગી ?
મુજ સઘન કુંજ સોહાગી આજ !
લગની સૂર શું લાગી.—હું તો.
અણુ અણુ તનના મારા
મુરલીના તાને રાચે !
હૈયું થનથનગન નાચે આજ !
મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
ઘેલી હું શેાધતી એ
રસને કોણે રેલાવ્યો ?
સલૂણો એ ક્યાં સંતાયો આજ ?
મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
પુષ્પોના પુંજ માંહે
મુખડું રસિયાળું ભાળું ?
આવો પ્રિય ! પાલવ ઢાળું આજ.
મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
ના ના એ તો સંતાયો
ચાંદલિયામાં ઝગમગતો;
ચહું કિરણ! કેમ પ્રિય ઠગતો આજ ?
મુરલી ક્યાંથી વાગી? ―હું તો.
આવે તો આપું એને
કુસુમોભર અંક કૂણો;
મુરલીસૂર ભોંકે શૂળો આજ;
મુરલી ક્યાંથી વાગી? ―હું તો
જાણું ના મુરલી કે
મુરલીધરને હું શોધું;
ઘેલા મનને શેં શોધું આજ ?
મુરલી ક્યાંથી વાગી? ―હું તો.
આંખોમાં વસતો કે એ
હસતો હૈયામાં વ્હાલો ?
પછી હાથ પડે શે ઠાલો આજ ?
મુરલી ક્યાંથી વાગી ? ―હું તો.
હૈયાને ધીરું ત્યાં તો
આંખલડી એકલી પડતી;
અધીરી હું વિજોગણ રડતી આજ !
મુરલી ક્યાંથી વાગી ? ―હું તો.
આંખલડી મીંચું-ક્યાંથી
દેહે ફરતી ફૂલકળીઓ ?
બસ વ્હાલમ મુજને મળિયો આજ.
મુરલી ક્યાંથી વાગી ?