લખાણ પર જાઓ

નિહારિકા/સૃષ્ટિસમ્રાટ

વિકિસ્રોતમાંથી
← ઘટઘટમાં રમે નિહારિકા
સૃષ્ટિસમ્રાટ
રમણલાલ દેસાઈ
પ્રાર્થના →





સૃષ્ટિસમ્રાટ


૦ રાગ-સોરઠ ૦

વિરમે તિમિર ભરી ભય રાત,
ઊતરે ઉષા ચુમિત પ્રભાત—વિરમે.

મોહ સુષુપ્તિ પ્રમાદ ભર્યાં મન
નવજીવનમાં કરે નિમજ્જન;
બલ સૌન્દર્ય સમાધિ વિરાજન
ઝીલે દિવ્ય પ્રતાપ—વિરમે.

નયન તૃપ્ત ઉષ્મા વિચી ઝીલી,
આત્મકમલ ઊઘડ્યું પૂર ખીલી;
બંસી અનાહત રસીલી ગુંજે
શબ્દબ્રહ્મ તણી વાત—વિરમે.

કામ ક્રોધ ભય લોભ વિલાતાં;
અભય અખંડાનંદે ગાતાં
દિન નિશ રસમસ્તીમાં ન્હાતાં
શમી ગયા ઉત્પાત—વિરમે.

સવિતુ પ્રભુનાં ભર્ગ વરેણ્યં
મંગલમય વેરંતા કુમકુમ,
જ્યોતિ ઝબકે ઝગમગ અનુપમ
અનવધિ રસસંપાત !—વિરમે.



ઊઘડ્યું એક અનંત સિંહાસન,
દિવ્ય મુકુટ કો ઊતરે પાવન,
નટી-નટ નાચે છુમછુમ, બનીએ
સૃષ્ટિ તણું સમ્રાટ—વિરમે.