નેતાજીના સાથીદારો/બેટાઈ દંપતિ
← શ્રી. જગન્નાથરાવ ભોંસલે | નેતાજીના સાથીદારો બેટાઈ દંપતિ પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ |
સિપેસાલારનાં ફરમાનો → |
[૯]
બેટાઇ દંપત્તિ
[કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર]
‘કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર’
હિંદ સરકાર, હિંદની
આઝાદી માટે, મોરચા પર
લડી રહેલા આપણા બહાદુર સૈનિકોને માટે હું
તમારી પાસે સર્વસ્વ માગું
છું. સંપૂર્ણ બલિદાન માગું
છું, તમે જેટલું આપી
શકો તેટલું આપો, તમારી
પાસે જે કાંઈ હોય તે
બધું જ આપી દો. આપણે
માટે આવો પ્રસંગ ફરી
ફરીને આવવાનો નથી.
એટલું યાદ રાખજો.
આ૫ણી માતૃભૂમિ ની
આઝાદી માટેનો આપણો
જંગ, તમારી પાસે સર્વસ્વનું બલિદાન માગે છે.
કોણ કહે છે કે આ રહી
મારી મિલ્કત ?’
આ વિરાટ સભા: જાણે માનવ મહાસાગર હેલે ચડ્યો; પૂર્વ એશિયાના જાહેર જીવનનાં આટલાં વર્ષોમાં ક્યારેય આવી સભા થઈ નથી, ક્યારેય આટલી જંગી મેદની જમા મળી નથી. જાણે ઇતિહાસ નવો પલ્ટો લઈ રહ્યો છે.
નેતાજીનાં ભાષણોથી એ મૂંઝાયેલી પ્રજાને નવો જ માર્ગ મળ્યો હતો. નેતાજીની તેજસ્વી વાણીએ, સૂતેલાં માનવીઓ ચેતનવંતા બનીને ઊભાં થયાં હતાં.એ માનવીઓની આંખોમાં નવા તેજના ચમકારા થતા હતા : એમના નિર્જીવ હાડમાં નવો પ્રાણ પૂરાતો હતો. જાણે મરોડ ખાઈને, વિરાટ જાગતો હતો :
આવી વિરાટ સભાઓ તો હવે સામાન્ય બની ગઈ હતી. નેતાજીની સભાઓમાં દૂર દૂરથી, માઈલોના માઈલોથી લોકો પગપાળા આવતાં; નેતાજીની વાણી ઝીલવાને ગ્રીષ્મનો તાપ અને વર્ષાનાં તોફાનોની એમને પરવા ન હતી. આ સભાઓમાં માત્ર હિંદીઓ જ નહિ પણ પૂર્વ એશિયામાં વસતી બધી કોમોના લોકો તેનો ઉલટથી ભાગ લેતા હતા.
રંગુનનાં વિશાળ સભાસ્થાનો પણ નેતાજીની સભાઓ માટે નાનાં પડતાં હતાં.
ત્રિરંગી ઝંડો, આકાશ સાથે વાતો કરવાને મથતો હતો. પવનની લહેરીઓ ઝંડાને પપોતાની સાથે ખેંચી જવાને મથતી હતી.
એવી એક વિરાટ સભા સમક્ષ નેતાજી સુભાષ બોઝ ઉપરના શબ્દો ઉચ્ચારી રહ્યા છે. આખી સભા મંત્રમુગ્ધ બનીને નેતાજીની વાણી ઝીલી રહી છે.
‘મોરચા પર જઈને જુવાન જ્યારે પોતાના લોહી વહાવી રહ્યા છે. ભૂખ, તરસ, તાપ અને વર્ષાની વચ્ચે જેઓ દુશ્મનની ગોળીઓ છાતી ઉપર મર્દાનગીથી ઝીલી રહ્યા છે એવા જુવાનોને માટે જરૂરી સહાય પહોંચાડવાના કામમાં તમે સાથ આપવાની ના કેમ પાડી શકો? એ જુવાનોને અનાજ જોઈએ, એ જુવાનાને તબીબી સારવાર માટે દવા જોઈએ. એ બહાદુર જુવાનોના હાથમાં શસ્ત્રો જોઈએ અને એ બધા માટે આઝાદ હિંદ સરકાર તમારી પાસે નાણાં માગે છે. આઝાદ હિંદ સરકાર કાયદાના બળે ફરજિયાત તમારી પાસેથી નાણાં લઈ શકે છે પણ બીજી સરકારોની માફક આઝાદ હિંદ સરકાર ધાકધમકી કે સત્તાના બળે તમારી પર હુકુમત ચલાવતી નથી. આઝાદ હિંદ સરકારે, હિંદી પ્રજાની અનુમતિ વિના હિંદી પ્રજાના સહકાર વિના, જંગમાં ઝૂકાવ્યુ નથી. આઝાદ હિંદ સરકાર સારી રીતે જાણે છે કે પૂર્વ એશિયામાં વસતા ત્રીસલાખ જેટલા હિંદીઓ પોતાના દેશની આઝાદી માટે અધિરા થયા છે. પોતાના દેશમાં ઊઠેલા ‘અંગ્રેજો ચાલ્યા જાવ’ના અવાજને કામયાબ બનાવવા માટે પોતાનાં ખૂન આપવાને તૈયાર થયા છે. સર્વસ્વનું બલિદાન આપવાનો હિંદી પ્રજાએ નિશ્ચય કર્યો છે. હું તમને એની યાદ આપવા માગું છું, કે આપણે તો ફકીર બનવાનો નિશ્ચય કર્યો છે. એટલે જેની પાસે દોલત હોય તેમણે તમામ દોલત આઝાદ હિંદ સરકારને હવાલે કરી દેવી જોઈએ. આઝાદ હિંદ સરકારનો જ તમારી દોલત પર સંપૂર્ણ અધિકાર છે.’
નેતાજીની તેજીલી વાણીનો પ્રવાહ, સાગરનાં ઉછળતાં મોજાંની માફક ચાલી રહ્યો હતો.
ત્યાં અવાજ આવ્યો. ‘નેતાજી; મારા ૫૦ હજાર’.
‘૫૦ હજાર?’ નેતાજીએ પ્રશ્ન કર્યો એ પ્રશ્નમાં ભારોભાર વ્યંગ હતો. તેમણે પૂછ્યું, 'કોણ બોલે છે. એ ૫૦ હજાર?’ અને તરત જ તેમણે કહ્યું, ‘મને ૫૦ હજારના આંકડો નથી જોઈતો, મને એવા હિંદીઓ જોઈએ છે જે અહીં આવીને એમ કહી દે કે ‘મારી તમામ મિલ્કત, મારી પાઈએ પાઈ હું આાઝાદ હિંદ સરકારને અર્પણ કરું છું’ એ મિલ્કત ભલે ગમે તેટલી હોય, મને મોટા આંકડાવાળી રકમો - કરતાં આવા ફકીરોની વધારે જરૂર છે.
‘નેતાજી ! એક લાખ !’ ૫૦ હજાર બોલનાર વ્યક્તિએ ફરીને અવાજ કર્યો.
‘એક લાખ નહિં, સંપૂર્ણ બલિદાન ! બનો સબ ફકીર, કરો સબ ન્યોછાવર’ કરીને નેતાજીની વાણી લાઉડ સ્પીકર પરથી ગર્જી ઊઠી.
‘નેતાજી! બે લાખ.’
‘બે લાખ નહિ! સબ ન્યોછાવર કરો.’ નેતાજી હજીય માગણી કરી રહ્યા હતા.
સભા વિસ્મિત વદને આખોય પ્રસંગ નિહાળી રહી હતી.
એ વિરાટ સભાને છેલ્લે ખૂણે બેઠેલા એક મામુલી હિંદી સભાને વિંધીને નેતાજી પાસે આવી રહ્યો છે. સહુની આંખો એના પર મંડાઈ રહી છે. નેતાજી પાસે જઈ પહોંચવાને ઉત્સુક બનેલા એ માનવીને માટેનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.
શ્વાસોચ્છ્વાસભર્યો એ માનવી વિરાટ સભાને વિંધીને આખરે નેતાજી પાસે આવી પહોંચે છે, નેતાજીના કદમને સ્પર્શ કરે છે. એ કરાંગુલિઓ પોતાનાં નયનોને સ્પર્શે છે.
નેતાજી તેને વહાલથી પોતાની પાસે બોલાવે છે. મંચ પર એને લેવાને માટે પોતાનો હાથ આપે છે. જાણે નેતાજીના સહારે જીવન ધન્ય બનાવતો હોય એમ એ માનવી મંચ પર આવીને નેતાજી સમક્ષ ઊભો છે.
‘નેતાજી! મારી તમામ મૂડી આપને અર્પણ કરું છું.’ ધીમેથી તેણે એ શબ્દો ઉચ્ચાર્યાં.
ને નેતાજીએ તેને આલિંગન દીધું. ‘જયહિંદ’ કરીને નેતાજીએ તેને ધન્યવાદ દીધા અને સભાને ઉદ્દેશીને કહ્યું, ‘આ મારા દેશનો ગરીબ બિરાદર, પેાતાની પસીનાની, પરિશ્રમની કમાણી આઝાદ હિંદ સરકારને અર્પણ કરે છે. એની મૂડી કેટલી હશે એની મને પરવા નથી, પણ એના દિલની તમન્નાને હું આવકારું છું. તમારા બધા પાસેથી હું જે માગું છું તે આ જુવાને જે આપ્યું તેઃ તમે આપશો ? કોણ હજી ખચકાય છે? શા માટે ખચકાય છે? તમારી માતૃભૂમિ જ્યારે પેાતાની વર્ષો જૂની ગુલામીની બેડી તોડવાને અધિરી બની રહી છે. તમારા દેશમાં તમારા આગેવાનો, મહાત્માજી જેવા વંદનીય આગેવાનો જ્યારે કારાગારમાં પડ્યા છે અને હજારો જ્યારે જાન ફેસાનીનો જંગ ખેલી રહ્યા છે, ત્યારે તમને હજી તમારી લક્ષ્મીનો મોહ છે?’
હવે નેતાજીની વાણીમાં વધુ ઉગ્રતા હતી, સભાજનો સ્તબ્ધ બની રહ્યા હતા.
સ્ત્રીઓનો મોટો સમુદાય નેતાજીની વાણી ઝીલવાને જમા થયો હતો. નેતાજીની ઝોળીમાં સ્ત્રીઓએ પણ પોતાનો હિસ્સો અત્યાર સુધી આપ્યો જ હતો, પણ હવે તો નેતાજી સર્વસ્વનું બલિદાન માગતા હતા. પોતાની જીવનભરની કમાણી આપી દેવાને કોણ હામ ભીડે ? ત્યાગવું એ એવું પગલું હતું કે જે ભરવાને તૈયાર થનાર કોક વિરલા જ નીકળે !
છતાં નેતાજીને માટે, એ નવી વાત ન હતી. આજ સુધી એવા કેટલાય વીરલાઓ નીકળ્યા હતા કે જેમણે નેતાજીને ચરણે પોતાની તમામ માલમિલ્કત આપી દીધી હતી. નેતાજીનું વ્યક્તિત્વ, નેતાજીની બુદ્ધિપ્રભા, નેતાજીની તમન્ના અને નેતાજીની વાણીમાં એવી શક્તિ હતી કે નેતાજી જે ઈચ્છતા, જેની આશા કરતા એ બધું જ થઈ જતું હતું. પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિંદીઓને, નેતાજી જેવો નેતા અત્યાર પહેલાં મળ્યો ન હતો, અને હવે પછી ક્યારે મળશે એ નિશ્ચિત નથી.
સભામાં નિરવ શાંતિ પથરાય છે, ચાર ચાર કલાકથી અવિશ્રાંતપણે નેતાજી ભાષણ આપી રહ્યા છે.
ત્યાં એક વ્યક્તિ ઊભી થાય છે. એ પ્રભાવશાળી વ્યક્તિ પોતાને નેતાજી પાસે પહોંચવા માટે માર્ગ આપવા સભાસ્થાનમાં જમા થયેલાઓને વિનંતી કરે છે. એ વ્યક્તિને માર્ગ આપવા પૂરતી સભામાં સહેજ અશાંતિ થાય છે, નેતાજીની અસ્ખલિત વહેતી વાક્ધારામાં ઘડીક ખલેલ પડે છે.
‘કોણ છે ?’ નેતાજી સાથેની એક વ્યક્તિને પ્રશ્ન કરે છે.
‘શ્રી. બેટાઈ આપની પાસે આવી રહ્યા છે. જેમણે બે લાખની ઓફર કરી હતી.' નેતાજીને જવાબ મળે છે.
નેતાજી એમને આવકાર આપે છે. આંગતુક નેતાજી સમક્ષ મંચ પર આવીને ઊભા રહે છે અને કહે છે ‘જયહિંદ’.
‘જયહિંદ!’ નેતાજી પ્રત્યુતર આપે છે અને આંગતુકના નિર્ણયને સાંભળવાને અધિર બનેલી જનતા ‘જયહિંદ’ના ગગન ભેદી અવાજોથી વાતાવરણને ગજવી મૂકે છે.
નેતાજીના ચરણોને સ્પર્ષ કરીને આંગતુક નેતાજીને કહે છે, નેતાજી મારી મિલ્કતની પાઈએ પાઈ આપને — આઝાદ હિંદ સરકારને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો એવી મારી વિનંતિ છે.’
—ને નેતાજીએ, જંગી મેદનીને, આ નિર્ણયની જાણ કરી.
આમ પોતાની મિલ્કત અર્પનાર શ્રી, હેમરાજ રણછોડદાસ બેટાઇ હતા. રંગુનની તેન્ગાજુન નામના એક પરાંમાં મળેલી એ વિરાટ સભા. હજારોની માનવમેદની ભરેલી સભાને ચાર ચાર કલાકથી, બલિદાન આપવાની, મરી ફીટવાની, આગળ આવવાની હાકલ કરી રહ્યા હતા.
પોતાની કરોડોની માલ મિલ્કત નેતાજીને અર્પણ કરનાર, મુસ્લિમ બિરાદર શ્રી. હબીબ પછી, પોતાની લાખોની દોલત આપી દેનાર શ્રી. બેટાઇને, નેતાજીએ સભામાં જ અભિનંદન દીધાં અને બીજા ફકીર તરીકે તેમને સત્કાર્યા.
સદ્ભાગ્યે નેતાજીને પૂર્વ એશિયામાં વસતા હિંદીઓએ પ્રાંતભેદ ભૂલીને તમામ પ્રકારની સહાયતા આપી હતી. ત્યાં કોઇ નહોતું ગુજરાતી, કોઈ નહોતું બંગાળી કે કોઈ નહોતું પંજાબી, જૈન કે હિંદુ નહતું અને કોઈ મુસ્લિમ નહતું. સહુ હતા હિંદીઓ અને સૌનો ધર્મ હતો આઝાદી’.
શ્રી. હેમરાજ બેટાઈ, નેતાજીના પરિચયમાં આ પહેલાં આવ્યા હતા, આ પહેલાં તેમણે આઝાદ હિંદ સરકાર અને આઝાદ હિંદ ફોજને પોતાની સેવાઓ આપી હતી. નેતાજી પ્રત્યેનો તેમનો પ્રેમ અને વિશ્વાસ અપૂવ હતો. નેતાજી સુભાષ બોઝ વિશે જેમ પૂર્વ એશિયામાંના બીજા હિંદીઓ અજ્ઞાત હતા, તેવી જ રીતે શ્રી. બેટાઇ પણ અજ્ઞાત હતા; પરન્તુ નેતાજીના આગમને જેમ હિંદીઓમાં નવો પ્રાણ પૂરાયો, તેવી જ રીતે શ્રી. બેટાઇનો સ્વદેશપ્રેમ પણ જાગી ઊઠ્યો.
ચાલીસેક વર્ષના જુવાન શ્રી. હેમરાજ કાઠીઆાવાડમાં આવેલા દ્વારકા પાસેના બેટ શંખોદ્ધારના મૂળ રહીશ. બાલ્યકાળ ત્યાં જ પૂરો કરીને, માત્ર ચૌદ વર્ષની વયે જ તેમણે પોતાના વતનને રામરામ કર્યા. પોતાના દેશને પણ રામરામ કર્યા અને પારાવાર મુશ્કેલીઓ યાતનાઓ વચ્ચેથી સફળતાથી પસાર થઈને, બર્મા પહોંચ્યા.
બર્માની ભૂમિ પર ત્યારે હિંદીઓ સત્કાર પામતા હતા. હિંદીઓ પ્રત્યે બર્મિઝોના દિલમાં સદ્ભાવ હતો. એ સદ્ભાવનાને ઝીલીને હિંદીઓ ત્યાં સ્થિર થયા. વ્યાપાર ધંધો જમાવ્યો. ધન કમાયા અને હિંદીઓ ફૂલ્યા, ફાલ્યા ને વિકસ્યા. એ હિંદીઓએ માત્ર પોતાના બુદ્ધિબલથી કે કૌશલ્યથી જ પોતાનો વ્યાપાર ધંધો જમાવ્યો હતો, એમ નહિ, પણ બર્મિઝોની ભલી લાગણી તેમાં ઓતપ્રોત થયેલી હતી.
શ્રી. બેટાઈએ પણ ધીમે ધીમે પોતાનો વ્યાપાર જમાવવા માંડ્યો, ભારેમાં ભારે પરિશ્રમ ઉઠાવીને તેમણે પોતાના ધંધામાં કુનેહપૂર્વક સફળતા મેળવી અને રંગુનમાં ગ્રામોફોનની દુકાન જમાવી. આક્યાબમાં અને સાંધવેમાં કાચા માલ અને અનાજની દુકાનો જમાવી. વ્યાપાર ધંધો વ્યવસ્થિતપણે ચાલતો હતો અને ધંધામાંથી સારી જેવી કમાણી પણ થતી હતી, પણ તેમનાં પત્ની ત્રણ બાળકોને મૂકીને પરલોકના પંથે પરવાર્યાં હતાં, એ ત્રણ બાળકોને પોતાનાં જ ગણીને ઉછેરી તેમનામાં સસ્કારનું સિચન કરે, તેમનું ધડતર કરે અને પોતાના સંસારને નવપલ્લવિત બનાવે તેવી પત્નીની ખોટ તેમને જણાતી હતી.
રંગુનમાં આવીને ધંધામાં દિનપ્રતિદિન પ્રગતિ કરતાં શ્રી. હેમરાજ બેટાઈ પર તેમના જ એક જ્ઞાતિબંધુ શ્રી. વસનજીભાઈની નજર હતી. શ્રી. વસનજીભાઈ પણ રંગુનમાં જ પોતાનો વ્યાપાર ધંધો જમાવીને બેઠા હતા, તેમનો વ્યવસાય મુખ્યત્વે કાપડનો હતો. એમાંથી તેમણે પણ સારી જેવી મૂડી જમાવી હતી.
તેમણે શ્રી. હેમરાજ બેટાઈને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યા અને રંગુનમાં જ તેમનાં લગ્ન થયાં. તેમનાં પત્નીનું નામ શ્રી. હીરાબહેન. શ્રી. હીરાબહેનમાં સામાન્ય રીતે ગુજરાતી સ્ત્રીઓમાં ક્વચિત જ જોવા મળે એવા ઉમદા ગુણો અને પરદેશના વસવાટના કારણે સ્વાભાવિક રીતે જ જે હિંમત આવે છે તે મોજૂદ હતાં. તેમણે શ્રી. બેટાઈનાં ત્રણે સંતાનોના જીવનમાં હૂંફ આપી, તેમના ઓશિયાળા જીવનમાં નવો ઉત્સાહ પૂર્યો અને માતા ગુમાવી બેઠેલાં એ ત્રણે સંતાનોને જાણે નવા સ્વરૂપે જ પોતાની માતા મળી હોય એવો આનંદ થયો.
દરમિયાન બર્મામાં રમખાણો જાગવા માંડ્યાં. એ રમખાણો હિંદી વિરુદ્ધનાં હતાં. અને એ રમખાણોના પરિણામે હિંદીઓના વ્યાપાર ધંધાને ઘણું સહન કરવું પડ્યું.
દરમિયાન યુદ્ધની જ્વાલાઓ ચોમેર ફેલાઈ ગઈ અને બર્મામાં લૂંટફાટ શરૂ થઈ. યુદ્ધની શરૂઆતમાં જ બર્માના વડા પ્રધાનને અટકમાં લેવામાં આવ્યા. એના પરિણામે બર્મિઝ પ્રજામાં ભારે રોષ વ્યાપી રહ્યો હતો. આ લૂંટફાટોમાં શ્રી. બેટાઈની સાંધવે અને આક્યાબમાં આવેલી બન્ને દુકાનો લૂંટાઈ ગઈ. પરિણામે શ્રી. બેટાઈને પણ સહન કરવુ પડ્યું. તેમણે જમાવેલો ધંધો ખોરવાઈ ગયો. દરમિયાન જાપાનના બોંબમારામાં તેમની રંગુનની દુકાન પણ ભોગ બની ગઈ.
આામ છતાં સ્વભાવે જ સાહસિક એવા શ્રી. બેટાઈ હિંમત હારે તેમ ન હતા, તેમણે પુનઃ પુરુષાર્થ આદર્યો અને નવાં સાધનો સાથે પોતાનો ધંધો શરૂ કર્યો અને આર્થિક સ્થિતિ સંગીન બની.
ધંધો ચાલતો હતો, વ્યાપારમાંથી લક્ષ્મી પણ પ્રાપ્ત કરી હતી, પણ બર્માભરમાં પથરાયેલા હિંદીઓ વચ્ચે કોઈ જાતનો સંપર્ક ન હતો. હિંદી વ્યાપારીઓ વચ્ચે પણ સંપ નહતો. છિન્નભિન્ન હાલતમાં તેઓ વેરણછેરણ દશામાં પડ્યા હતા.
જાપાને જ્યારે રંગુન પર પોતાની વિજયપતાકા ફરકાવી, ત્યારે રંગુનનુ રક્ષણ કરનારા અંગ્રેજો તો ક્યારનાય ભાગી ગયા હતા. જાપાનીઓના વિજય પછી રંગુનની શેરીઓ હિંદીઓના રક્તથી લાલ બનવા લાગી. બર્મિઝોએ હિંદી પર હુમલા કરવા માંડ્યા, તેમની માલ મિલ્કત લૂંટવા માંડી, તેમના પોતાના દેશમાં વ્યાપાર ધંધા અર્થે આવેલા, તેમના જ પાડોશીઓ સમા હિંદીઓને તે દુશ્મન જેવા ગણવા લાગ્યા. એના પરિણામે હિંદીમાં ભારે ગભરાટ વ્યાપી રહ્યો હતો. શાંતિની શોધમાં તેઓ દોડાદોડ કરતા હતા.
બરાબર એ જ સમયે સીંગાપોરમાં કેપ્ટન મોહનસિંહ આાઝાદ હિંદ ફોજની રચના કરતા હતા. એ આખાય બનાવનો કરુણ અંત આવ્યો, ત્યાં સુધી બર્માના હિંદીઓ, તેનાથી અલિપ્ત હતા. એમનામાં પ્રાણ પૂરવાનો અને તેમના વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ તો નેતાજીના આગમન પછી થયો. આઝાદ હિંદ સરકારનું વડું મથક સીંગાપોરથી ખસેડીને રંગુનમાં લાવવામાં આવ્યું, ત્યાં સુધી બર્મામાં હિંદીઓની દેખરેખ રાખનાર કોઈ નહતું. બર્મિઝો તો તેમના પર હુમલા કરતા જ હતા, પણ જાપાનીઓ પણ હિંદી પ્રત્યે શંકાશીલ બનેલા હતા. એટલે હિંદીઓને ક્યારેક જાપાની સૈનિકો ઉઠાવી જતા હતા, તેમને અટકાયતમાં રાખવામાં આવતા હતા, નેતાજીના આાગમન સાથે જ એ સ્થિતિનો અંત આવ્યો અને હિંદીઓમાં વિશ્વાસ આવતો ગયો.
નેતાજીએ, આઝાદ હિંદ સરકારનું વડું મથક રંગુનમાં લાવ્યા પછી, સૌથી પહેલાં હિંદી વેપારીઓને મળવાનું કાર્ય કર્યું, તેમણે હિંદી વેપારીઓને હિંદની આંતરિક પરિસ્થિતિનો અને આઝાદ હિંદ સરકારની રચના, તેનો હેતુ અને એ હેતુની સિદ્ધિ માટે ઊભી કરવામાં આવેલી આઝાદ હિંદ ફોજનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો. નેતાજીએ એ સભામાં જ કહ્યું, ‘હિંદની આઝાદીની લડતમાં તમે દૂર રહી શકો નહિ. તમે પરદેશમાં આવીને જે કમાયા છો, તેના પર સૌથી પહેલો અધિકાર હિંદનો છે. આજે તમારી માતૃભૂમિ તમારી પાસે બલિદાન માગે છે. રણમેદાનમાં જઈને પોતાનાં લોહી વહાવનાર જુવાનો મને પૂછતા નથી કે અમારે કેટલું લોહી આપવું? તેઓ જાણે છે કે મૃત્યુ જ એમને માટે આખરી અંજામ છે. ત્યારે તમે વેપારીઓ મને કેમ પૂછી શકો કે કેટલાં નાણાં જોશે? આઝાદ હિંદ સરકાર તમારી પાસેથી સ્વેચ્છાપૂર્વકનો ફાળો માગે છે.’
નેતાજીનાં આવાં વચનથી, હિંદી વ્યાપારીઓ જાગ્રત થયા. જાણે ચિરકાળની નિદ્રામાંથી કોઈ ચેતનવંતો હાથ એમને જગાડી રહ્યો હતો. ‘ઊઠ! હવે પ્રભાત થયું છે. જાગ અનેં કર્તવ્યને પંથે પરવર!’
વેપારીઓ પણ જાગ્રત થયા અને તેમણે નેતાજીને વિશ્વાસ આપ્યો, ‘અમે આઝાદ હિંદ સરકારને નાણાવિષયક ચિંતાથી મુક્ત કરીએ છીએ.’ અને તેમણે ‘નેતાજી ફંડ કમિટી’ની રચના કરી. એ કમિટીએ હિંદી વ્યાપારીઓ પાસેથી નાણાં ઉઘરાવવાનું અને આઝાદ હિંદ સરકારની પ્રવૃત્તિઓને અબાધિતપણે ચાલુ રાખવાનું કાર્ય સફળતાથી પાર પાડ્યું. એ કમિટીના ઉપપ્રમુખ તરીકે શ્રી. હેમરાજ બેટાઈ હતા.
આ કમિટીએ બીજું જે કાર્ય કર્યું, તે વ્યાપારીઓને સંગઠ્ઠિત કરવાનું કાર્ય હતું. નેતાજી અને શ્રી. બેટાઈ વચ્ચેનો સંપર્ક પણ એ રીતે વધતો જ રહ્યો.
આઝાદ હિંદ સરકાર અને જાપાનના લશ્કરી વડાઓ વચ્ચેની મંત્રણાઓના પરિણામે હિંદ પર વ્યવસ્થિત આક્રમણ કરવાનો આઝાદ હિંદ સરકારે નિશ્ચય કર્યો અને જ્યારે રણમોરચા પર આઝાદ હિંદ ફોજ દુશ્મન સામે યુદ્ધમાં ઊતરી, ત્યારે નેતાજી એક દિવસ રણમેદાન પર સૈનિકો વચ્ચે તો બીજે દિવસે રંગુનમાં હોય અને ત્યાંથી વળી બેન્કોક, સીંગાપુર, કોલાલમપુર વગેરે સ્થળે વિમાનમાં ઘૂમતા હતા અને સંપૂર્ણ તાકાત કામે લગાડવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે હિંદીઓ સમક્ષ, ખૂન, ખૂન, ઔર ખૂન દો’ના પ્રચલિત થયેલા સૂત્રને બદલે ‘કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર’ની ઘોષણા આપી હતી. ત્યારે મોરચાપરના આઝાદ હિંદ ફોજના સૈનિકોને પૂરવઠો પહોંચાડવાની વ્યવસ્થા શ્રી. બેટાઇએ સંભાળી હતી.
વિરાટ સભાઓમાં તેઓ ફકીરી પ્રાપ્ત કરવાને આતુર હોય એવા માનવીને જ, સર્વસ્વનું બલિદાન દેવાને આગળ આવવા હાકલ દેતા હતા.
રંગુનની જંગી સભામાં એવા ફકીર બનવાને નીકળનાર પહેલો જુવાન શ્રી. હબીબ નીકળ્યો. એણે નેતાજીની હાકલે પોતાની કરોડોની દોલત આઝાદ હિંદ સરકારને ચરણે ધરી દીધી. નેતાજીએ તેને સેવક—ઇ—હિંદનો ખિતાબ આપી તેનું સન્માન કર્યું. સ્વેચ્છાથી ફકીર થવાને નીકળનાર બીજા શ્રી. બેટાઈ, ૧૮ લાખની મિલ્કત તેમણે નેતાજીને ચરણે ધરી દીધી.
શ્રી. બેટાઇ આઝાદ હિંદ સરકારની પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થઈ ગયા હતા. વ્યાપાર ધંધો સંભાળવાની તો એ વેળા ન હતી.
નેતાજીને વિચાર આવ્યો. આઝાદ હિંદ સરકારને, પોતાની બેંક હોવી જોઈએ. દરેક દેશમાં સરકારને પોતાની બેંક હોય છે જ. જો રંગુનમાં આવી બેંકની શરૂઆત થઈ હોય તો, આઝાદ હિંદ ફોજ જ્યારે હિંદમાં પ્રવેશે, ત્યારે આઝાદ થયેલા મુલ્કોનો વહિવટ, આ બેંક દ્વારા સારી રીતે ચલાવી શકાય અને સરકારને નાણાંકિય મુશ્કેલીઓ બરદાસ કરવી પડે નહિ. તેમણે રંગુનના આગેવાન હિંદી વેપારીઓને બોલાવ્યા અને તેમની સમક્ષ આ વિચાર મૂક્યો. બેંકની તમામ જવાબદારી ઉપાડવાને ચાર વેપારીઓ તૈયાર થયા. તેમાં શ્રી. બેટાઈ પણ એક હતા. અને ‘નેશનલ બેંક ઓફ આઝાદ હિન્દ’ની સ્થાપના કરી. આ બેંકના એક અગ્રણી ડાયરેક્ટર તરીકે શ્રી. બેટાઇએ અંત સુધી તેનો વહિવટ સંભાળ્યો હતો.
આવા શૂરા અને ત્યાગી પુરુષના જીવનમાંથી શૂરવીરતા અને ત્યાગ ભાવના ઝીલીને પતિને સાથ દેનારી પત્નિ મળે, એ માત્ર એક અકસ્માત જ હોઈ શકે.
શ્રી. હીરાલક્ષ્મી બેટાઇ વીર પુરુષની વીરપત્ની તરીકે નામના મેળવી ચૂક્યાં છે. નેતાજી અને આઝાદ હિંદ ફોજની કાર્યવહીમાં જેમ શ્રી. હેમરાજ બેટાઈ ઓતપ્રોત થયા હતા, તેમ શ્રીમતિ હીરાલક્ષ્મી પણ એ પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયાં હતા. નેતાજીએ જ્યારે સ્પષ્ટતા કરી કે હું સ્ત્રીઓને પણ યોગ્ય કામ આપવાનો છું, ત્યારે શ્રી. હીરાલક્ષ્મી જેવી કેટલીય બહેનોને આનંદ થયો હતો. પતિ સાથે વ્યાપાર ધંધા અર્થે પરદેશામાં વસવાટ કરતી ગુજરાતણોને માટે પરદેશમાં કોઈ વ્યવસાય હોતો નથી. તેઓને સ્વતંત્ર જીવનની હવા પણ મળતી નથી, અથવા તો તેમની નૈસિર્ગક શક્તિઓનો વિકાસ થાય એવી કોઈ તક મળતી નથી. જ્યાં પુરુષવર્ગ જ અસંગઠ્ઠિત, અવ્યવસ્થિત હોય અને જ્યાં વ્યાપાર સિવાય જીવનનાં બીજાં પાસાંઓને જોવાની કોઈને ખેવના જ ન હોય, ત્યાં સ્ત્રીઓનું તો પૂછવું જ શું ?
એટલે જ્યારે નેતાજીએ હિંદી સ્ત્રીઓને માટે ખાસ કાર્ય ચિધ્યું, ત્યારે હિંદી સ્ત્રીઓને પોતાની શક્તિ બતાવવાનો મોકો મળ્યો અને હિંદી સ્ત્રીઓએ જે કરી બતાવ્યુ છે તેવું કાર્ય જગતની બીજા પ્રગતિશીલ દેશોની સ્ત્રીઓએ પણ કદાચ નહિ કરી બતાવ્યું હોય.
નેતાજીને સાંભળવાને જેમ પુરુષોની મેદની જમા થતી હતી, તેમ સ્ત્રીઓની પણ જંગી સભાઓ મળતી હતી.
આવી એક સભામાં નેતાજી સ્ત્રીઓને સર્વસ્વનું બલિદાન દેવાને આવાહન આપી રહ્યા છે. ‘કરો સબ ન્યોછાવર અને બનો ફકીર'ના મંત્રનો આદેશ આપી રહ્યા છે.
નેતાજીની ઝોળી છલકાઇ રહી છે, પણ નેતાજીને સંતોષ નથી. જેમ પુરુષો પોતાના સર્વસ્વનું બલિદાન આપે છે, તેમ સ્ત્રીઓ શા માટે ન આપી શકે? સ્ત્રીઓ પુરુષો કરતાં પાછળ શા માટે રહે ?
—ને નેતાજી બોલે છેઃ ‘બહેનો ! હવે આપણે આખરના તબક્કામાં આવ્યાં છીએ. ધીમે ધીમે તમે આપશો તે નહિં ચાલે. જેમ પુરુષો પોતાની તમામ દોલત આપી દે છે, તેમ બહેનો પાસે પણ હું એવી જ આશા રાખું છું.
નેતાજીની વાક્ધારા હજી તો ચાલુ જ છે, ત્યાં શ્રી. હીરાલક્ષ્મી આગળ આવે છે. નેતાજી પાસે આવીને નમ્રતાપૂર્વક વંદના કરે છે. નેતાજી એને ‘જયહિંદ' કહીને આવકારે છે.
—ને શ્રી. હીરાલક્ષ્મી પોતાના અંગ પરના દાગીના, હીરા માણેકના દાગીના ઊતારી આપે છે. અથાગ હોંશથી પોતાના માટે બનાવેલી હજારોની કિંમતની માળાઓ, જરા પણ ખચકાયા વિના ગળામાંથી ઊતારીને નેતાજીને ચરણે ધરી દે છે. સૌભાગ્ય ચિહ્નો પણ એ ઉતારી દે છે. જાણે સાપ પોતાની જૂની કાંચળીને ઊતારે તેમ.
નેતાજી, આશ્ચર્ય મુગ્ધ બનીને જોઈ રહે છે. શ્રી. હીરાલક્ષ્મી નેતાજીને એ બધું સુપ્રત કરતાં કહે છે, ‘નેતાજી, જેને મારું કહી શકાય, એ આ મારા દાગીના છે. આપ એ સ્વીકારો’. એ દાગીનાની કિંમત એંસી હજારની થવા જતી હતી. જે દાગીનાઓ પહેરીને તેમને વૈભવનો ખ્યાલ આવતો, જે દાગીનાઓ સાથે મમતા બંધાયેલી હતી, એ દાગીનાઓ અર્પણ્ કરી દેતાં એ જરાપણ અચકાઇ નહિ!
‘ધન્ય!’ નેતાજીએ એ વીરાંગનાને અભિનદન દીધાં અને પોતાની સમિપ પડેલા દાગીનાઓમાંથી બે બંગડી અને બીજા બે દાગીનાઓ, શ્રી. હીરાલક્ષ્મીને પાછા આપતાં કહ્યું, ‘બહેન! આ તારાં સૌભાગ્યચિહ્નો તું પાછાં લઈ જા !’ અને બીજા દાગીનાઓનો નેતાજીએ સ્વીકાર કર્યો.
એ પ્રચંડ સભામાં શ્રી. હીરાલક્ષ્મીના આ વીરલ ત્યાગ પર, નેતાજીએ પ્રશંસાનાં પુષ્પો વેર્યાં અને તેમને ‘સેવિકા-ઈ-હિંદ’નો ખિતાબ એનામત કર્યો.
એ સાંજે જ્યારે પતિ-પત્ની ઘરમાં દાખલ થયાં, ત્યારે શ્રી. બેટાઇએ જોયું, તો પત્નીના અંગ પર દાગીના ન હતા. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરીને પૂછ્યું, ‘દાગીના ક્યાં?’
‘નેતાજીને ચરણે’ શ્રી. હીરાલક્ષ્મીએ જવાબ દીધો. એનું અંતર હસું હસું થઈ રહ્યું હતું. એને ખાત્રી હતી કે પોતાના પતિને, આ સમાચારથી આનંદ થશે જ.
પણ એથીય અધિક આનંદના સમાચાર શ્રી. બેટાઈને આપવાના હતા. તેમણે પોતાની તમામ મિલ્કત નેતાજીને અપર્ણ કરી દીધાની વાત કરી.
બન્નેને માટે એ દિવસ ધન્ય હતો. તેમની જિંદગીની કમાણી પણ ધન્ય બની હતી.
ત્યારથી બન્નેએ, ફકીરી લીધી. શ્રીમતિ હીરાલક્ષ્મી બેટાઇએ, ઝાંસીની રાણી રેજિમેન્ટમાં જોડાઇને, સક્રિય ભાગ લેવા માંડ્યો. તેમણે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માંડી.
પરન્તુ જે ગુલાબી સ્વપ્ન સર્જાયુ હતું, ધીમે ધીમે આકાર પણ લેતું જતું હતું, તે એકાએક તૂટી પડ્યું અને દુશ્મન વિમાનોએ બોંબવર્ષા કરીને પારાવાર ખુવારી કરવા માંડી.
૧૯૪૫ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ બોંબરોએ, રંગુનના મ્યાનગો ખાતેની આઝાદ હિંદ સરકારની પ્રથમ શ્રેણીની હોસ્પિટલની નેતાજી જ્યારે મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે બોંબવર્ષા કરી. નેતાજીનો પ્રાણ લેવાનો એ પ્રયાસ હતો. એ બોંબવર્ષાના પરિણામે હોસ્પિટલ તારાજ થઈ. હોસ્પિટલમાં, અપંગ દર્દીઓ, જેઓ હલનચલન કરી શકે નહિ, તેવી લાચાર હાલતમાં હતા, તેવા સેંકડોના જાન ગયા. સેંકડો ઘાયલ થયા.
એ બોંબવર્ષા વચ્ચે, ઘવાએલા દર્દીઓને ખસેડવાના કાર્યમાં નેતાજી રોકાઈ ગયા હતા. એક બાજુ બોંબવર્ષાના પરિણામે નેતાજીની મોટર સળગતી હતી અને બીજી બાજુ નેતાજી ઘાયલ થયેલાઓને આશ્રયસ્થાનમાં ખસેડી રહ્યા હતા, ત્યારે બેટાઇ દંપતિ ત્યાં પહોંચી ગયાં અને નેતાજીએ તેમના હાથમાં એ કામગીરી સુપ્રત કરી. એ દંપતિએ દિવસો સુધી દર્દીઓની માવજત કરી, તેમની તબીબી સારવારથી માંડીને તેમના ખોરાક અને દવાઓ સુધીની વ્યવસ્થા તેમણે ઉપાડી લીધી.
પરન્તુ આઝાદ હિંદ સરકાર રંગુન છોડીને બેન્કોક પહોંચી ગઈ હતી અને હિંદની આઝાદી માટેની લડત લડનારાં એકત્ર થયેલાં તત્ત્વો વિખરાઇ રહ્યાં હતાં. મોરચા પરના સેનાપતિઓ શરણે થયા હતા. કેટલાકને અંગ્રેજોએ બર્મા અને મલાયામાંથી ગીરફતાર કર્યા હતા. આમ આઝાદ હિંદ સરકાર અને તેની ફૂલીફાલેલી પ્રવૃત્તિઓ સંકેલાઈ ગઈ હતી.
આ પલ્ટાયેલી પરિસ્થિતિમાં બેટાઈ દંપતિ હિંદ પાછાં ફર્યાં, શ્રી. બેટાઈ આજે કલકત્તામાંની ગ્રામોફોનની દુકાન સંભાળી રહ્યા છે.
નેતાજીએ ફકીરોની સેના રચી હતી. એમના સંપર્કમાં જેઓ આવ્યા તેમને ફકીર બનાવ્યા અને એવા એક ફકીર દંપતિની આ કથા ગુજરાતને માટે ગૌરવસમી છે.