લખાણ પર જાઓ

નેતાજીના સાથીદારો/શ્રી. જગન્નાથરાવ ભોંસલે

વિકિસ્રોતમાંથી
← શ્રી. ગુરુબક્ષસીંગ ધીલોન નેતાજીના સાથીદારો
શ્રી. જગન્નાથરાવ ભોંસલે
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ
બેટાઈ દંપતિ →



[૮]

શ્રી. જગન્નાથરાવ ભોંસલે


[કર્નલ: આઝાદ હિંદ સરકાર]


‘આઝાદ હિંદ ફોજમાં મેં જે કર્યું છે તે માટે, મને જરા પણ દિલગીરી થતી નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝે અમારા વિચારો અને નિર્ણયોમાં ચમત્કારિક ફેરફારો કર્યાં. તેમના તેજસ્વી વ્યક્તિત્વથી અમે આકર્ષાયા, તેમની ચમત્કારિક કાર્યશક્તિ અને આઝાદીની ઉગ્ર તમન્નાએ, અમારા શુષ્ક દિલમાં નવો પ્રવાહ વહેતો થયો. તેમની પાછળ અમે ખેંચાયા, અને તેમના આદેશને વફાદાર રહીને, અમારી માતૃભૂમિની આઝાદી માટે જંગ ખેલવા અમે નિર્ણય કર્યો. જે સૈન્યમાં અમે જોડાયા, જે સૈન્યની સાથે અમે પરદેશની ભૂમિ પર ખભે ખભા મિલાવીને લડ્યા, એ સૈન્યમાંના અમારા સાથીદારોની સામે જ લડવાનો અમારો ધર્મ હતો. અમે જેને માટે લડતા હતા એ હેતુ શુદ્ધ હતો.’

‘યુદ્ધમાં જેઓ ઝંપલાવે છે તેઓ બધા જ કાંઈ વિજય પામતા નથી પણ જે ઉચ્ચ હેતુ માટે અમે લડ્યા એ હેતુ માટે અમને આજે પણ અભિમાન છે. અમે ગૌરવ ધરીએ છીએ.’

દિલ્હીનો લાલ કિલ્લો, જે કિલ્લા પર આજેય, યુનિયન જેક ફરકી રહ્યો છે. એ સ્થળે, બરાબર, એ જ કાઠી પર, ત્રિરંગી ઝંડો કરકાવીને, ‘જય હિન્દ’ની, જયઘોષણા ગજાવી, હિંદને આાઝાદ બનાવવાનાં જેમણે સ્વપ્નાં સેવ્યાં, એ સ્વપ્નાંની સિદ્ધિ માટે, નેતાજી સુભાષ બોઝની સાથે રહીને, જે ઝૂઝ્યા, અને ઝૂઝતાં ઝૂઝતાં દુશ્મનને હાથે કેદ પકડાયા અને એ જ લાલ કિલ્લાની એક બરાકમાં પૂરાયેલા એવા આઝાદ ફોજના એક કર્નલ, શ્રી. જગન્નાથરાવ ભોંસલેના આ વિચારો છે.

લાલ કિલ્લામાં વારેવારે તેમને કહેવામાં આવતું હતું, ‘તમારી સામેનો મુકદ્દમો તૈયાર થઇ રહ્યો છે.’

અને કર્નલ ભોંસલે પણ પોતાની સામેના મુકદ્દમાની રાહ જોતાં દિવસો પસાર કરી રહ્યા હતા. દિલ્હીના લાલ કિલ્લામાં પૂરાયેલા પોતાના બીજા સાથીદારો સાથે તેઓ મળતા; ત્યારે પણ એમની ખૂમારી એવી ને એવી જ હતી. ત્યારે લશ્કરી અદાલત સમક્ષ આઝાદ ફોજના ત્રણ અફસરોનો મુકદ્દમો ચાલી રહ્યો હતો.

‘પૂર્વ એશિયામાં અમે જે કાંઇ કર્યું છે, તેનાથી અમને સંતોષ છે, કારણ કે અમે જે કાંઇ કરી છૂટ્યા તેની, અમારા દેશબાંધવો કદર કરે છે.’

જ્યારે લશ્કરી અદાલત સમક્ષ મેજર જનરલ શાહનવાઝ અને તેમના બે સાથીદારો સામેનો કેસ ચાલી રહ્યો હતો, ત્યારે હિંદી પ્રજાએ ઉઠાવેલો અવાજ, અને મોહબ્બતથી મુગ્ધ બનેલા કર્નલ ભોંસલેએ પોતાના સાથીઓ સમક્ષ ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં હતા.

આઝાદ ફોજ પ્રત્યે જેમ હિંદી પ્રજાના દિલમાં, પ્રેમનાં ઊંડાં મૂળ નંખાયાં છે તેવી જ રીતે આઝાદ ફોજના અદનામાં અદના સૈનિકો પ્રત્યે પણ હિંદી પ્રજાના દિલમાં પ્રેમભાવના છલકાય છે.

કર્નલ જગન્નાથરાવ ભોંસલે આઝાદ હિંદ સરકારની રચનામાં જે વીરોએ ભાગ લીધો અને જેમણે આઝાદ હિંદ સરકારની રચનાને કામયાબી અપાવી, એટલું જ નહિ પણ આઝાદ હિંદ સરકાર વ્યવસ્થિત રીતે, જગતની બીજી સરકારોની માફક જ પોતાનું તંત્ર ચલાવે તેની પ્રતિષ્ઠા કાયમ રહે અને જગતના બીજા દેશોમાં એને કોઈ ‘પૂતળા’ સરકાર તરીકે માનવાને જરા પણ લલચાય નહિ એ જોવાની જેમણે તકેદારી રાખી એવા નેતાજીના નિકટના ચૂનંદા સાથીદારોમાંના એક હતા.

સદ્ભાગ્યે આઝાદ હિદ ફોજની રચનામાં કર્નલ જગન્નાથરાવ ભોંસલે પહેલેથી જ સંકળાયેલા છે. સીગાપોરના પતન પછી કૅપ્ટન મોહનસિંહને હાથે જ્યારે આઝાદ હિંદ ફોજની રચનાનાં સૂત્રો જાપાની સેનાપતિએ મૂક્યાં, ત્યારે પણ કર્નલ ભોંસલે તેમની સાથે હતા. એ ફોજનું વિસર્જન થયું અને બીજી આઝાદ હિંદ ફોજની રચના થઇ, નેતાજીએ તેની જગતને જાણ કરી ત્યારે કર્નલ ભોંસલે મોજૂદ હતા.

એમના દિલને ચોટ લાગી ગઈ હતી. બ્રિટિશરો, હિંદીઓને ગરીબ ગાયના ટોળાની માદક હાંકીને જાપાની સેનાપતિને સુપ્રત કરી ગયા. જતાં જતાં તેમણે જાપાની સેનાપતિના ફરમાનને માન્ય કરવાની આજ્ઞા આપી, ત્યારે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો.

કર્નલ જગન્નાથરાવ ભોંસલે મરાઠા જેવી શૌર્યવાન જાતિમાં જન્મેલા છે. મરાઠાઓએ હિંદના ઇતિહાસમાં શૌર્યનાં તેજસ્વી પ્રકરણો પોતાના રક્તથી આલેખ્યાં છે. મરાઠા જુવાનોના દિલમાં દેશ પ્રત્યેની અપાર ભક્તિનાં જે દર્શન થાય છે તેનું બીજારોપણ બાલવયમાં થાય છે. આવી જાતિને વારસામાં શૌર્યનો ઇતિહાસ મળ્યો છે.

કર્નલ જગન્નાથરાવ ભોંસલે, ઇતિહાસપ્રસિદ્ધ ભોંસલે કુટુંબમાંથી ઊતરી આવેલા છે. ભોંસલે કુટુંબે દેશની સેવામાં અગત્યનો હિસ્સો આપેલો છે. હિંદ ભોંસલે કુટુંબના વીરત્વથી પરિચિત છે. ઉપરાંત ભોંસલે કુટુંબ સીંધિયા રાજકુટુંબ સાથે સકળાયેલું હોઈને, રાજકુટુંબનો માન મરતબો, મોભો પ્રતિષ્ઠા ધરાવે છે. વફાદારી અને બલિદાન એ તો એમના કુટુંબનો ઉમદામાં ઉમદા ગુણ છે. એટલે ભોંસલે કુટુંબના સભ્યો જ્યાં જ્યાં પથરાયા છે ત્યાં ત્યાં ઉજ્જ્વલ કારકીર્દિ પ્રાપ્ત કરી શકાય છે.

બેલગામ જીલ્લાના તીરોડા નામના નાનકડા ગામડામાં જગન્નાથરાવ ભોંસલેનો જન્મ થયો હતો. પિતા સાથે ત્યાં બાલપણ વ્યતિત કર્યા પછી, કેળવણી માટે તેમને સાવંતવાડી સ્ટેટમાં આવવું પડ્યું, ત્યાં તેમણે પ્રાથમિક કેળવણી પૂરી કરી. પ્રાથમિક કેળવણી અને માધ્યમિક કેળવણી તેમણે એટલી ઝડપથી પૂરી કરી કે જ્યારે તેમને દહેરાદુનની પ્રીન્સ ઓફ વેલ્સ મિલિટરી કોલેજમાં દાખલ થવાની પરવાનગી મળી, ત્યારે તેમની વય માત્ર ચૌદ વર્ષની હતી.

દહેરાદુનની શાહી લશ્કરી શાળામાં તાલીમ લેવા માટે દાખલ થનારાઓને માટે ચોક્કસ નિયમનો હોય છે. હિંદની લડાયક ખમીરવાળી કોમોમાંથી, ચૂંટીને પસંદ કરવામાં આવેલા જુવાનોને જ ત્યાં દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને પંજાબમાંથી એ શાહી લશ્કરી શાળામાં વધુ ભરતી કરવામાં આવે છે. મરાઠાઓને માત્ર એક જ બેઠક આપવામાં આવેલી અને એ બેઠક માટે પણ સ્પર્ધાઓ થતી હતી. એટલે જગન્નાથરાવને વહેલી ઊંમરે ત્યાં દાખલ થવાની જે તક મળી એ પ્રસંગ તેમને માટે જ નહિં પણ તેમના કુટુંબને માટે આનંદજનક હતો. ભોંસલે કુટુંબની પ્રતિષ્ઠા અને સાવંતવાડીના વહિવટદારોની કાળજીને પરિણામે જ જગન્નાથરાવને પરવાનગી મળી હતી.

દહેરાદુનની લશ્કરી શાળાનો અભ્યાસ પણ તેમણે કુશળતાથી પૂરો કર્યો. એ અભ્યાસકાળ દરમિયાન તેમણે બતાવેલી કુશળતાને પરિણામે શાળાના અધિકારીઓનાં દિલ જગન્નાથરાવે જીતી લીધાં હતાં.

શાળાના અધિકારીઓએ જગન્નાયરાવની ભાવિ કારકીર્દિ માટે ઊંચી આશાઓ વ્યક્ત કરી હતી. રાજવંશી ખમીર અને લડાયક પ્રકૃતિએ જગન્નાથરાવ ભોંસલેને શાળાના અન્ય વિદ્યાર્થીઓ કરતાં અગ્રણી સ્થાન અપાવ્યું હતું. શાળામાં તેમના સહાધ્યાયીઓમાં મુખ્યત્વે પંજાબના શીખ જુવાનો હતા.

અને સાચે જ, તેમની ઉચ્ચ કારકીર્દિની શરૂઆત શાળા જીવન દરમિયાન જ થઈ હતી. અભ્યાસ પૂરો થતાં જ જગન્નાથરાવને ઇંગ્લેન્ડની સેન્ડહર્સ્ટ મિલિટરી એકેડેમીમાં ઉચ્ચ કક્ષાની લશ્કરી તાલીમ લેવા માટે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.

જ્યારે તેમને ઇંગ્લાંડ જવાને વિદાય આપવામાં આવી, ત્યારે તેમને એવા શબ્દોથી વિદાય આપવામાં આાવી હતી કે, ‘તમે તમારા દેશની અને તમારા કુટુંબની માત્ર ઉચ્ચ પ્રણાલિકાને જાળવી રાખશો એટલું જ નહિ, પણ તેને વધુ યશસ્વી બનાવો. હિંદી જુવાનોને માટે તમે પ્રેરણાદાયી દૃષ્ટાન્ત પૂરું પાડશો.’

જ્યારે એ શબ્દોમાં તેમને વિદાય આપવામાં આવી ત્યારે ભાવિનો ખ્યાલ કોને આવ્યો હશે ? કોના દિલમાં એવી કલ્પના પણ આવી હશે કે જે ઉજ્જ્વલ કારકીર્દિ મેળવવાને જગન્નાથરાવ ભોંસલે જઈ રહ્યા છે, તે ઉજ્જવલ કારકીર્દિની ખરી શરૂઆત તો બર્મામાં થઈ.

લંડનની કારકીર્દિ પણ સફળતાને પામી અને તેમને ૧૯૨૮માં ક્વેટા ખાતે લેંકેશાયર રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા. એક વર્ષ પછી ત્યાંથી ફરીને તેમને પાંચમી રોયલ મરાઠા ઇન્ફેન્ટરીમાં મૂકવામાં આવ્યા.

ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ અને ૧૯૩૭માં તેમને કેપ્ટનપદે નીમવામાં આાવ્યા. એ જ વર્ષે, શહેનશાહ જ્યોર્જ છઠ્ઠાને ગાદીનશીન કરવાનો ઉત્સવ ભારે ધામધૂમથી લંડનમાં ઉજવાયો હતો. આઠમા એડવર્ડના ગાદીત્યાગ પછી શહેનશાહ જ્યોર્જ છઠ્ઠા ગાદી પર આવતા હતા. શાહી દરબારમાં હાજર થવાને માટે હિંદના પ્રથમ પંક્તિના રાજવીઓને અને વફાદારોને આમંત્રણો મળ્યાં હતાં. ત્યારે હિંદના લશ્કરી ઓફિસરોને પ્રતિનિધિ તરીકે શહેનશાહના દરબારમાં હાજરી આપવાને હિંદી સૈન્ય તરફથી જગન્નાથરાવ ભોંસલેની પસંદગી કરવામાં આવી હતી. તેઓ બકિંગહામ પેલેસમાં ભરાયેલા દરબારમાં હાજર થયા અને ત્યાંથી જ ગાયક્વાડ નરેશ સાથે જગતના પ્રવાસે નીકળ્યા. યુરોપનાં અગત્યનાં તમામ શહેરોની તેમણે મુલાકાત લીધી અને સ્વાધીનતાનો આાસ્વાદ ભોગવી રહેલી પ્રજાના સુખનાં, વૈભવનાં ને સુખી જીવનનાં દર્શન કર્યાં. એ પ્રવાસ દરમિયાન તેમના દિલમાં પોતાની માતૃભૂમિનું ચિત્ર પણ ઉપસ્થિત થયા જ કરતું હતું, પણ એક લશ્કરી તરીકે તેઓ શિસ્તને મક્કમતાથી વળગી રહેતા, એટલે ક્યારેય તેઓ કાંઈ બોલ્યા નથી. માત્ર આંખો દ્વારા જે જોવા જેવું હતું તે જોયું, અનુભવ્યું અને યુરોપનો પ્રવાસ પૂરો કર્યો. યુરોપનો પ્રવાસ પૂરો થતાં જ તે રશિયાના પ્રવાસે ઉપડ્યા. રશિયાના પ્રવાસ દરમિયાન તેમને ઘણું જાણવાનું મળ્યું. રશિયાની રાજ્યવ્યવસ્થા અને રશિયાની પ્રજાના જીવનને સ્પર્શતા પ્રશ્નોનો તેમણે અભ્યાસ કર્યો.

યુરોપ અને રશિયાના પ્રવાસ દરમિયાન સ્વાધીનતાના જે શ્વાસ તેમણે લીધા હતા, તેનાં પ્રતિબિંબ તો, આઝાદ હિંદ ફોજમાં તેમણે જે ઉત્સાહપૂર્વક પોતાની ફરજો બજાવી, તેમાં પડે છે.

અમેરિકા અને જાપાનનો પ્રવાસ કરીને તેઓ હિંદ પાછા ફર્યા અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા.

આ વખતે જ લશ્કરી તાલીમ માટેના સ્ટાફમાં હિંદીઓને સ્થાન નહિ આપવાની નીતિ પ્રત્યે સખ્ત ટીકા થઈ રહી હતી. લાયક હિંદીને લાયક સ્થાન મળવું જ જોઈએ. જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માટે કર્નલ ભોંસલેને પસદ કરવામાં આવ્યા. આ તાલીમ માટે પસંદગી પામનાર, હિંદી તરીકે તેઓ પહેલા જ હતા અને સંયુક્ત પ્રાન્તના બરેલીમાં આવેલી તાલીમ શાળામાં તેમણે જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માંડી. એ તાલીમમાં તેમને રસ પડ્યો અને સક્રિય તાલીમ લીધા પછી તેમને લેફ. કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો.

આમ ઉત્તરોત્તર, જગન્નાથરાવ ભોંસલે પ્રગતિ કરી રહ્યા હતા. યુદ્ધકલાનાં વિવિધ અંગોની જે તાલીમ તેમણે આ વર્ષો દરમિયાન હાંસલ કરી હતી, એની જાણે પરીક્ષા આવી હોય એમ, યુરોપિય યુદ્ધનો દાવાનળ ફ્રાટી નીક્ળ્યો અને પરિસ્થિતિ એવી આવી કે એ દાવાનળ વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ ને વધુ પ્રદેશો પર ફેલાતો જ ગયો. એક પછી એક દેશ, દાવાનળમાં હોમાતા ગયા અને એશિયા પર એ દાવાનળ આવી પહોંચ્યો.

જાપાની પ્રતિનિધિ મંડળ જ્યારે અમેરિકામાં, મંત્રણા ચલાવવાના કાર્યમાં રોકાઈ પડ્યું હતું, ત્યારે બ્રિટિશ્ન શાહીવાદ એશિયામાંનાં પોતાનાં મથકોના રક્ષણ માટેની તૈયારીઓમાં રોકાઈ ગયો હતો. હિંદમાંની તમામ તાકાત એશિયા પર લવાઈ રહી હતી. જાપાન પણ બ્રિટનની તૈયારીઓ સામે સાવધ જ હતું અને તેણે એક બાજુ મંત્રણાઓ ચાલતી હતી, તેને ચાલવા દઈને જ, યુદ્ધમાં ઝંપલાયું. એશિયાની ધરતી પર યુદ્ધ ફાટી નીકળતાં જ બ્રિટિશ સરકારે પોતાની ચૂનંદી તાકાતને એશિયામાં મોકલી.

લેફ. કર્નાલ ભોંસલેને તેમની ગુરખા રાઈફલ ઈન્ફન્ટ્રી સાથે સીંગાપોર મોકલ્યા. સીંગાપોરના રક્ષણ માટે ગુરખા છેલ્લી ઘડી સુધી લડતા રહ્યા, પણ સીંગાપોરમાં જંગી તાકાત ખડી કરી દીધી હોવાની જે લાંબી લાંબી જાહેરાત કરવામાં આવતી હતી અને સીંગાપોરના રક્ષણ માટે જેમને મૂકવામા આવ્યા હતા તેમને પણ એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે સીંગાપોરનું રક્ષણ કરવા માટે, સામ્રાજ્ય તમામ તાકાત કામે લગાવશે. સામ્રાજ્ય સીંગાપોરને એમ સહેલાઈથી છોડી દેશે નહિ.

પણ એ આશ્વાસનો ખોટાં નીકળ્યાં અને સીંગાપોરને જાપાનનું શરણું સ્વીકારવું પડ્યું. સીંગાપોરમાંની હિંદી ફોજોને જાપાની સેનાપતિને સુપ્રત કરી દઈને, અંગ્રેજો ચાલ્યા ગયા હતા. હિંદીઓની હાલત પણ એવી જ કફોડી અને વિચિત્ર થઈ પડી હતી. હિંદીઓની નિ:સહાયતા અને કફોડી હાલતનાં દિલ કંપાવનારાં દૃશ્યો, કર્નલ ભોંસલેએ જોયાં અને તેમનું હૈયું હચમચી ઊઠ્યું. હિંદિઓ પોતાના રક્ષણ માટે દોડાદોડ કરતા હતા. કોને આશરે જવું ? જાપાનીઓનો તેમને ભય હતો. બર્મિઝો તેમને હિંદીઓને લૂંટતા હતા. હિંદીઓની સલામતીને માટે, કોઈ વ્યવસ્થા નહતી, સર્વત્ર અવ્યવસ્થા હતી. એ સ્થિતિમાં જાપાની સેનાપતિએ કૅપ્ટન મોહનસિંહને કેદ પકડાયેલા હિંંદી સૈનિકોનો હવાલો આપ્યો. હિંદની આઝાદી માટે, જાપાનના સહકારથી લડી શકે એવું સૈન્ય તૈયાર કરવાનો આદેશ હતો.

કેપ્ટન મોહનસિંહે, અટકાયતમાંના હિંદી સૈનિકોની છાવણીમાં ઘૂમવા માંડ્યું અને આઝાદ હિંદ ફોજની રચનામાં સાથ આપવાને સૌથી પહેલાં તેમણે લેફ. કર્નલ ભોંસલેને સમજાવ્યા. લેફ. કર્નલ ભોંસલેએ મોહનસિંહને તમામ સહાય આપવાનું સ્વીકાર્યું, ત્યારે એમના દિલમાં એક જ ખ્યાલ હતો કે જાપાન સાથેના સારા સંબંધો જો સ્થાપિત થતા હોય તો, આજે જે હિંદીઓ હાડ હાડ થઈ રહ્યા છે, પદદલિત પ્રજા સમા આથડી રહ્યા છે તેમને કાંઈક સહાયતા આપી શકાય, એમને દિલાસો મળી શકે કે, અમારી મુશ્કેલીઓમાં જોનાર કોઈક મોજૂદ છે.

લેફ. કર્નલ ભોંસલેની શક્તિ, કૅપ્ટન મોહનસિંહને પોતાના કામની સફળતા માટે ખૂબ કિંમતી જણાઈ. પંદરસો તાલીમ પામેલા અફસરોને, તેમની દોરવણી મળી. તેમના આગમને જે બાકીના હિંદી સૈનિકો અને અફસરો આઝાદ ફોજમાં જોડાતાં ખચકાતા હતા, તે સરળતાથી આઝાદ ફોજમાં જોડાઈ ગયા.

બીજી બાજુ, આઝાદ ફોજ રચવા સામે શાહનવાઝખાન અને બીજાઓનો જે વિરોધ હતો એ વિરોધને તોડી પાડવામાં કર્નલ ભોંસલેનું આઝાદ હિંદ ફોજમાં આગમન અગત્યનું થઇ પડ્યું.

પણ કેપ્ટન મોહનસિંહના પ્રયાસો કોઈ સફળ પરિણામ લાવી શકે તે પહેલાં જ, નાકામયાબ નિવડ્યા. એમને પોતાને જ, જાપાનીઓએ અટકમાં લીધા અને પહેલી આઝાદ ફોજ વિસર્જન થઈ ગઈ. ભડકો થાય તે પહેલાં જ અગ્નિનાં રજકણો વિખરાઈ ગયાં.

એ વિખરાયેલાં રજકણોને એકત્ર કરીને, ભડકો કરવાનો પ્રયાસ જ્યારે નેતાજીએ કર્યો, ત્યારે કર્નલ ભોંસલે તેમના પ્રયાસોમાં સાથ આપવાને હાજર હતા. નેતાજીના એ પ્રિય અને વિશ્વાસુ સાથીદાર બની ગયા. નેતાજીએ તેમને લશ્કરી સ્ટાફના વડાનું જવાબદારીભર્યું સ્થાન આપ્યું.

જનરલ સ્ટાફ અંગેની કર્નલ ભેાંસલેને જે તાલીમ પ્રાપ્ત થઈ હતી, એનો ઉપયોગ ફોજની હરોળમાં મૂકવા માટેના કાર્યમાં કર્યો. આઝાદ હિંદ ફોજ એક વ્યવસ્થિત ફોજ બને એ જોવાનો તેમનો પ્રયાસ હતો અને ફોજનાં નિયમનો, કાનૂનો, એની રચના અને વ્યવસ્થા અંગેની નેતાજીની ચિંતાનો બોજ હળવો કરનારાઓમાં કર્નલ ભોંસલે પણ હતા, નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારની રચના કરી અને તેના માટે જે પ્રધાનમંડળ રચ્યું, તેમાં ભોંસલેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે.

આઝાદ ફોજની તાલીમ પૂરી થઈ અને જ્યારે જંગ મેદાનમાં ઉતરવાનો નિર્ણય થયો, ત્યારે નેતાજીની દોરવણી હેઠળ જે ‘સંગ્રામસમિતિ’ની રચના કરવામાં આવી તેમાં કર્નલ ભોંસલે પહેલા હતા.

જાપાન સાથેના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જ્યારે જ્યારે નેતાજીને ટોકીઓમાંના લશ્કરી સત્તાવાળાઓ સાથે મંત્રણા કરવાને જવું પડતું, ત્યારે નેતાજીના સાથી તરીકે કર્નલ ભોંસલે ટોકિયો જતા. તે ચર્ચા દરમિયાન ખૂબ ઉપયોગી સૂચના કરતા અને લશ્કરી વ્યૂહરચના અંગે તેમની સલાહ આવશ્યક ગણાતી હતી.

આઝાદ હિંદ ફોજની ટુકડીઓ જ્યારે હિંદની સરહદ પર હિંદની આઝાદીનો જંગ ખેલી રહી હતી, ત્યારે કર્નલ ભોંસલે અવારનવાર, નેતાજીની સૂચનાઓ સહિત મોરચાઓની મુલાકાત લેતા, મોરચા પરના અધિકારીઓ સાથે પરિસ્થિતિ વિશે મંત્રણાઓ ચલાવતા અને યુદ્ધને સફળ સંચાલન થતું રહે, એ માટે તેઓ પ્રયાસો કરતા હતા, પણ જ્યારે તેમણે જોયું કે, આઝાદ હિંદ ફોજના સૈનિકોના પ્રયાસો છતાં પણ યુદ્ધ ગુમાવી રહ્યા છીએ અને કેટલાક પ્રસંગોએ તો આઝાદ હિંદ ફોજના સૈનિકોનું ખમીર પણ તૂટતું જાય છે અને કેટલાક બનાવોમાં તે દુશ્મનોને મળી જનારા અમીચંદો પણ મોજૂદ છે, ત્યારે તેમણે યુદ્ધ અને શરણાગતિ વચ્ચેથી એકની પસંદગી કરવાની હતી. નેતાજી પણ પરિસ્થિતિથી સારી રીતે પરિચિત હતા. પહેલા વર્ષે આઝાદ ફોજે જે સુન્દર શક્તિ બતાવી હતી, એ શક્તિ બતાવવાની તક ફરીને મળી નહિ, નેતાજીની તેજસ્વી વાણી ઝીલીને મોરચા પર ગયેલા સૈનિકોના દિલમાં તમન્ના હતી. મરી ખૂટવાનો નિશ્ચય પણ હતો, પણ એમ માત્ર આંધળિયાં જ કરવાના શો અર્થ? આખરે નેતાજીએ જ નિશ્ચય કર્યો—રંગુનમાંથી આઝાદ હિંદ સરકારનું વડું મથક ખસેડવાનો અને—રંગુનમાંના હિંદીઓના રક્ષણ માટેની વ્યવસ્થા કરીને નેતાજી અને આઝાદ હિંદ સરકારે રંગુનનો ત્યાગ કર્યો. ત્યાર પછી જ મોરચા પરની ફોજોએ અરમાનોના ઉમળકાને દબાવીને ભારે હૈયે દુશ્મનની શરણાગતિ સ્વીકારી.

કર્નલ ભોંસલે ત્યારે શરણાગતિ સ્વીકારવામાં ન હતા. તેમને રંગુનના પતન પછી બેંગકોકમાંથી ગીરફતાર કરવામાં આવ્યા અને દિલ્હીના લાલ કિલ્લામાં જ્યારે તેમને લાવવામાં આવ્યા, ત્યારે તો આઝાદ ફોજના ત્રણ અફસરો સામેનો મુકદ્દમો ચાલી રહ્યો હતો, એ મુકદ્દમો તેઓ રસપૂર્વક નિહાળી રહ્યા હતા. તેમની સામેના મુકદ્દમાની ભૂમિકા તૈયાર થઈ રહી હતી, પણ એ ભૂમિકાનું સર્જન કરવામાં શાહી સત્તાવાળાઓને નિષ્ફળતા સાંપડી, કર્નલ ભોંસલે સામે એવો કોઈ આરોપ ન હતો, કે જેને માટે તેમની સામે કામ ચલાવી શકાય, જે આરોપ હતો તે માત્ર સમ્રાટ સામે યુદ્ધ જગાવવાનો હતો, પણ એ આરોપ તો, આઝાદ ફોજના ત્રણ અફસરો સામેના પહેલા મુકદ્દમાઓમાં જ ઊડી ગયો, એટલે એ આરોપસર તેમની સામે કામ ચલાવી શકાય તેમ નથી, એ જ્યારે સત્તાવાળાઓએ જોયું, ત્યારે જ કર્નલ ભોંસલેને જેલમુક્ત કરવાનો નિર્ણય થયો અને તેમને આખરે, છોડી મૂકવામાં આવ્યા, આજે તેઓ સ્વતંત્ર વ્યક્તિ તરીકે છે.

આમ છતાં, જેમ કારાવાસમાંથી મુક્ત થતાં જ, કર્નલ શાહનવાઝ અને તેમના સાથીદારો, આઝાદ હિંદ ફોજના સૈનિકોના પ્રશ્ન અંગે જે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, તેવી રીતે કર્નલ ભોંસલે આજે જાહેરમાં જણાતા નથી. કદાચ એમને જે લશ્કરી તાલીમ મળી છે અને જે ઉચ્ચ કક્ષાનું લશ્કરી જીવન તેમણે વ્યતિત કર્યું છે, તેને પરિણામે તેમને રાજકીય જીવનમાં રસ ન પણ હોય ! આમ છતાં તેઓ આઝાદ ફોજમાંના પોતાના સાથીઓ વિશે સતત ચિંતાતુર રહ્યા કરે છે. જે સાથીઓએ રણભૂમિમાં પોતાના પ્રાણ દીધા છે, જે સાથી અપંગ બની ગયા છે, તેમના કુટુંબને સહાયતા પહોંચાડવાનો પ્રશ્ન તેમની ચિંતાનો વિષય બની રહ્યો છે.

કર્નલ ભોંસલેને બાળવયમાં જ તેમના કાકાએ તેમના પિતા પાસેથી દત્તક લીધેલા જો કે આજે તો તેમના પિતા કે તેમને દત્તક લેનાર તેમના કાકા એમાંથી કોઈ મોજૂદ નથી. ૮૫ વર્ષનાં તેમનાં માતા ગંગાબાઈ પાછલી જિંદગી ઈશ્વર સ્તવનમાં પૂરી કરી રહ્યાં છે. તેમને ત્રણ ભાઈઓ છે. સૌથી મોટા બંધુ અમૃતરાવ તીરોડામાં પોતાના વતનમાં રહીને કુટુંબની સંભાળ રાખી રહ્યા છે. બીજા ભાઈ લક્ષ્મણરાવ, સાવંતવાડીના મહારાજાના એ. ડી. સી.નો હોદ્દો સંભાળી રહ્યા છે. જ્યારે સૌથી નાના પ્રતાપરાવ, પુનામાં પોતાનો ધંધો સંભાળી રહ્યા છે. બીજા સંબધીઓ પણ ગ્વાલીઅર રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ સંભાળી રહ્યા છે.

તેમનાં પત્નીનું નામ ચંદ્રિકાબાઈ; કોલ્હાપુર રાજ્યના પેટા વિભાગ શીરોલ પેઠના જાગીરદાર શ્રી. અન્નાસાહેબનાં એ પુત્રી, અત્યારે તો અન્નારાવ વડોદરા નરેશની સેવામાં છે. લગ્નજીવનને પરિણામે ભોંસલેને ત્રણ પુત્રીઓ છે. લીલા, ઉષા અને રત્નપ્રભા.

કર્નલ ભોંસલેનુ જીવન સાહસોથી ભરપૂર છે. તેઓ જુદી જુદી ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે. ટેનિસ અને ફૂટબોલની રમતો એની પ્રિય રમતો છે. જોકે ક્રિકેટની રમતમાં પણ એમને સારો રસ છે.

પરદેશનો પ્રવાસ ખેડ્યા છતાં વ્યસનો તેમને સ્પર્શી શક્યાં નથી, એ જાણીને ઘણાને આશ્ચર્ય થશે. તેમને બીડી જેવી સામાન્ય અને સર્વમાન્ય ચીજનું પણ વ્યસન નથી. સાવ સાદા અને નિરભિમાની માનવી તરીકે કર્નલ ભોંસલે પોતાના સાથીદારોમાં ખૂબ જાણીતા છે. તેમની શારીરિક સંપત્તિ પણ સરસ છે.

સશક્ત દેહના જગન્નાથરાવને જ્યારે મદ્રાસમાં આવેલા કેનાનોરેના લશ્કરી કેમ્પમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે એક વખત તેઓ સાગરકાંઠે ઘૂમતા હતા, ઘૂમતાં ઘૂમતાં બે બ્રિટિશ લશ્કરી ઓફિસરો ડૂબતા જણાયા અને તેમણે તરત જ દરિયામાં ઝંપલાવ્યું. બન્નેનાં જીવન તેમણે પોતાના સાહસથી બચાવ્યાં. આ સાહસ માટે તેમને શહેનશાહના દરબારમાં ઇનામ આપવામાં આવ્યું, ત્યારે જેમને તેમણે બચાવ્યા હતા, એ બન્ને બ્રિટિશ અફસરો ત્યાં મોજૂદ હતા.

આજે તેએ શાન્ત જીવન ગાળી રહ્યા છે, તેમના ભાવિ કાર્યક્રમ વિશે તેઓ અત્યારે કાંઈ કહેવા માગતા નથી.

નેતાજીને પૂર્વ એશિયામાં જે ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, એમાં તેના ચૂનંદા અને વિશ્વાસુ સાથીદારોનો હિસ્સો અપૂર્વ છે. એવા ચૂનંદા સાથીઓમાંના એક કર્નલ જગન્નાથરાવ ભોંસલેનો આ પરિચય, નેતાજી અને આઝાદ હિંદ ફોજની પૂણ્ય સ્મૃતિઓ ખડી કરે છે.