લખાણ પર જાઓ

નેતાજીના સાથીદારો/શ્રી. ગુરુબક્ષસીંગ ધીલોન

વિકિસ્રોતમાંથી
← શ્રી. પ્રેમકુમાર સહગલ નેતાજીના સાથીદારો
શ્રી. ગુરુબક્ષસીંગ ધીલોન
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ
શ્રી. જગન્નાથરાવ ભોંસલે →



[૭]

શ્રી. ગુરુબક્ષસીંગ ધીલોન


[કર્નલ : આઝાદ હિંદ ફોજ]

નેતાજી અમારા માટે અખૂટ પ્રેરણાદાયી હતા. આઝાદ હિંદ ફોજના પ્રત્યેક સૈનિકની તેઓ જાતે સંભાળ લેતા, આજાર સૈનિકોના બિછાના પર તેઓ બેસતા અને તેની માવજત કરતી. નેતાજીના દિલમાં જેમ આઝાદ ફોજના એક અદનામાં અદના માનવી માટે પ્રેમ અને મોહબ્બત ભર્યા હતા તેવી જ રીતે આઝાદ ફોજના નાના મોટા સહુ કોઈ માનવીના દિલમાં નેતાજીને માટે પ્રેમભાવ હતો. એમનું ફરમાન અમારા માટે આજ્ઞા હતી. એ આજ્ઞા એવી હતી કે ફરમાનનો અમે અમલ કરતાં કરતાં પ્રાણ આપી દઈએ.

આઝાદ હિંદ ફોજ નામમયાબ થઈ છે પણ એણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે એવી ભવ્ય છે કે જગત એને ક્યારેય ભૂલી શકશે નહિ.

અમદાવાદની એક વિરાટ સભા સમક્ષ, આ શબ્દો ઉચ્ચારનાર કર્નલ ધીલોનને કોણ પીછાનતું નથી ? લાલ કિલ્લાના ઐતિહાસિક મુકદમામાં સંડોવાયેલા ત્રણ સિંહોમાંના એ એક છે.

ઉંચા, પાતળા અને પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા કર્નલ ધીલોનની વાણીમાં જોશ અને દર્દભર્યા છે. તેઓ પોતે સૈનિક છે અને સૈનિક તરીકેનું જીવન જીવે છે, એટલે તેઓ શિસ્તના ચૂસ્ત હિમાયતી હોય જ.

જંગી માનવ મેદનીવાળી સભામાં જ્યારે તે ગેરશિસ્ત જુએ છે, અવ્યવસ્થા જુએ છે ત્યારે તેઓ વ્યથા અનુભવે છે. સહુને તેમનો આદેશ એક જ હોય છે: ‘શિસ્ત જાળવો.’

બર્મામાં નેતાજીને સાંભળવા જમા થતો લાખોની મેદનીવાળી સભાઓમાં તેમણે હાજરી આપી છે. પણ ત્યાં ગેરશિસ્ત તેમણે જોઈ નથી, એથી હિંદીઓની અવ્યવસ્થા તેમને ખૂંચે છે.

એમના દિલ અને દિમાકમાં ખૂમારી છે. ગૌરવથી એમની ગરદન સદાય ટટ્ટાર રહે છે. શીખ જાતિને જન્મ સિદ્ધ એવા લડાયક ખમીરના દર્શન તો પહેલી મુલાકાતે થાય છે.

એમનુ નામ ગુરુબક્ષસીંગ ધીલોન. તેમના પિતાનું નામ સરદાર ઠાકુરસીંગ ધીલોન, માતાનુ નામ શ્રીમતી કરણીદેવી ધીલોન: તેમના પિતા સરદાર ઠાકુરસીંગ ધીલોન બત્રીસ વર્ષની એકધારી લશ્કરી સેવા બજાવ્યા પછી નિવૃત થયા છે: તેમનું કુટુંબ વિશાળ છે:

શીખ જાતિ લડાયક જાતિ છે. બ્રિટિશ સલ્તનતની સ્થાપના પછી શીખોએ સલ્તનતની રક્ષા અને તેની વૃદ્ધિ માટે, આજ સુધી પોતાનાં લોહી વહાવ્યાં છે.

કર્નલ ધીલોનના પિતા જેમ લશ્કરી સેવા બજાવીને નિવૃત થયા છે, તેવી જ રીતે તેમના વડીલ બધુ ગુરદયાલસીંગ ધીલોન પણ લશ્કરમાં જમાદાર હેડક્લાર્ક હતા. તેમના બીજા ભાઈ બલવંતસીંગ ધીલોન પણ લશ્કરમાં છે. આમ એમનું કુટુંબ લશ્કરને પોતાની સેવા આપી રહ્યું છે.

ગુરુબક્ષ ધીલોનનો જન્મ ૧૯૧૪ના માર્ચ માસમાં લાહોર જિલ્લાના આલ્ગોન નામના ગામમાં થયો હતો. તેમના પિતા દેવલાલી ખાતે વડા વેટરનરી સર્જન હોઇને, દેવલાલીની ટેકરીઓ પરથી, લશ્કરી ટુકડીઓની હિલચાલ તેમને આકર્ષી રહી હતી. ઘોડેસ્વાર ટુકડીઓ જોવામાં તેઓ ખૂબ તલ્લીન બની જતા. ત્યાં જ તેમનું શિક્ષણ શરૂ થયું. પિતાએ ખાનગી શિક્ષક રોકીને તેમને પ્રાથમિક જ્ઞાન આપવા માંડ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરુંં થતાં છાંગામાગા ખાતેની શાળામાં દાખલ થયા આધ્યાત્મિક શિક્ષણ પટોકીની શાળામાં લીધું અને સીમલા નજદિકના ભગત સ્ટેટની વિક્ટોરિયા દલિપ હાઈસ્કૂલમાં વધુ અભ્યાસ માટે જોડાયા.

શાળાના જીવનકાળમાં જ, દેશભરમાં શરૂ થયેલી અસહકારની હિલચાલ પ્રત્યે તેઓ આકર્ષાયા. તેમણે ખાદી પહેરવાનું શરૂ કર્યું, રાષ્ટ્રપ્રેમના ઉછળતા ધોધમાંથી હાથ લાગેલાં મોતી તેમણે કાવ્યમાળામાં ગૂંથી ગૂંથીને અર્પણ કરવા માંડ્યા; પણ તે રાષ્ટ્રની આઝાદી માટેના જોસીલા પ્રવાહમાં તણાય તે પહેલાં તેમના પિતા રૂકાવટ થઇને ઊભા રહ્યા. વફાદારીની અનન્ય ભાવના અને લશ્કરી નોકરીની શિસ્તે તેમના પિતાને, મહાસભા પ્રત્યેના વિરોધી બનાવ્યા હતા. મહાસભાની પ્રવૃત્તિ પ્રત્યે તેમને નફરત હતી. બ્રિટિશરો પ્રત્યેની તેમની વફાદારી તેમને કહી રહી હતી કે, ‘તારા પુત્રને રોક, તારો પુત્ર રાષ્ટ્રભક્તિના પ્રવાહમાં તણાઇ ન જાય એ તું જોતો રહે’ અને પિતાએ તેને રોક્યો. પ્રવાહ જોશભર્યો હતો અને ગુરબક્ષસીંગ તેમાં તણાય એ પહેલાં તે બહાર નીકળી આવ્યા. આમ છતાં એમના દિલમાં મહાસભા પ્રત્યેની ભક્તિના જે અંકુરો ફૂટ્યા હતા તે કાયમ રહ્યા.

પંજાબ આર્યસમાજની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે અને ગુરુબક્ષસીંગ પણ આર્યસમાજ પ્રત્યે આકર્ષાયા. આજે પણ તેઓ આર્યસમાજના પ્રશંસક છે.

અભ્યાસ દરમિયાન તેમને તબીબી થવું હતું આજાર માનવીઓની સેવા કરવાના તેમને કોડ હતા, પણ પિતાએ તે સામે વિરોધ ઉઠાવ્યો. જે કુટુંબના તમામ સભ્યો જાતિનો વીરત્વનો વારસો લઈને લશ્કરમાં જોડાયા હોય એ કુટુંબનો ગુરુબક્ષ ડોક્ટર બને, એ કોને ગમે ? અને સદાને માટે ડોક્ટર બનવાનાં સ્વપ્નાં નાબૂદ થયાં.

રાવલપીંડીની ગોર્ડન મીશન કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન તેમને ક્રિશ્ચિયન ધર્મ વિષે અભ્યાસ કરવાની તક મળી. તેમ જ એક વિદ્વાન મુસ્લિમ જજનો પુત્ર જે ગુરુબક્ષસીંગનો મિત્ર હતા તેની દ્વારા ઈસ્લામ વિષેનો પ અભ્યાસ કર્યો. તેઓ ધર્માંધતાથી પર છે.

પિતાએ તબીબી બનવાની ના પાડી દીધી એ સંજોગોમાં ગુરુબક્ષસીંગ પોતાના કુટુંબને માથે બોજા રૂપ થવા ઇચ્છતા ન હતા, એથી તેમણે લશ્કરમાં જોડાવા માટે પરવાનગી આપવાની પિતા પાસે માગણી કરી અને તા. ર૯મી મે ૧૯૩૩ના રોજ તે લશ્કરમાં ભરતી થયા. ભરતી થવાનું મુશ્કેલ હોવા છતાં તેમણે સારા માર્ક્સ સાથે કોર્સ પસાર કર્યો. તા. ૨૪ ફેબ્રુ. ૧૯૩૪ના રોજ ફીરોઝપુર ખાતેની તાલીમ પુરી કરી અને લાહોર ખાતે પંજાબ રેજીમેન્ટની બેટાલિયનમાં તેમને મૂકવામાં આવ્યા, પણ ત્યાંય તેમને આગળ આવવાની તક તો ઓછી જ મળી ! ઈરાદાપૂર્વક તેમની પ્રગતિના માર્ગમાં અંતરાયો ઊભા કરવામાં આવ્યા. તેમના સુબેદાર પણ શીખ હતો. છતાં ગુરુબક્ષસીંગ ભણેલા અને જુદા જીલ્લાના હોવાથી તેઓ પ્રત્યે સદાય દ્વેષતાભર્યું વર્તન રાખવામાં આવતું હતું. આમ છતાં પણ એક મુસ્લિમ જમાદારની સહાનુભૂતિથી ત્રણ મહિનાની વધુ તાલીમ માટે તેમને પસંદ કરવામાં આવ્યા. સદ્ભાગ્યે તેઓ આ તાલીમમાં પ્રથમ નંબરે આવ્યા અને કામચલાઉ લાન્સ નાયકની પદવીએ પહોંચ્યા. અલબત્ત, આ પદવી કામચલાઉ અને બીન વેતનની હતી.

પ્રગતિ અને વિકાસ માટે ફાંફાં મારતા ગુરુબક્ષસીગનું ધ્યાન મશિનગન વિભાગ તરક ગયું. પણ એની સામે બધાનો વિરોધ હતો. એવી જોખમભરી કામગીરી સામે સહુ કોઇને વાંધો હતો. એ દિવસો દરમિયાન ગુરુબક્ષસીંગનાં પત્ની બસન્ત તેમની સાથે રહેતી. એક દિવસ ગુરુબક્ષસીંગે પત્નીને કહ્યું: ‘હવે હું તો આ નોકરીથી કંટાળ્યો છું. હું તે રાજીનામું આપવા માગું છું.’ પત્નીને પતિનો આ વિચાર ગમ્યો નહિ. એ પણ શીખ બાળા હતી. એના દેહમાં પણ ગરમ લોહી વહેતું હતું. એણે પતિને કહ્યું: ‘પિતાની આ બાબતમાં સલાહ લેવી જરૂરી છે.’

અને બન્યું પણ એમ જ; પતિપત્ની જ્યારે આ પ્રશ્નપર ગંભીરતાથી ચર્ચા ચલાવી રહ્યાં હતાં, ત્યાં એકાએક ગુરુબક્ષસીંગના પિતા આવી ચડ્યા.

ગુરુબક્ષસીંગે પત્નિને કહ્યું કે, ‘પિતાજી સમક્ષ આ વાત મૂકવાની કોઈ જરૂર નથી.’

પણ પતિની ગેરહાજરીનો લાભ લઇને પત્નીએ તમામ હકીકતથી સસરાને વાકેફ કર્યાં.

‘ગુરુબક્ષસીંગ ! તારા જેવા કાયર પુત્ર માટે મને શરમ ઉપજે છે.’ ઘરમાં પગ મૂકતાં જ પિતાએ પુત્રને આ શબ્દોથી નવાજ્યો. ગુરુબક્ષસીંગ પરિસ્થિતિ સમજી ગયા. પત્નીએ પોતાની ગેરહાજરીમાં પિતાને બધું જ કહી દીધું છે એ સમજી જતાં એમને વાર લાગી નહિ.

‘હું તારી પલ્ટણના કમાન્ડરને તારી બદલી કરવાની ભલામણ કરીશ. તું જરાપણ ગભરાતો નહિ. પિતાએ પુત્રને હિંમત આપવાનો પ્રયાસ કર્યો.

શરમના ભારથી જેની ગરદન લચી રહી છે, એવા પુત્રે હવે હિંમત એકઠી કરી હતી. તેણે જવાબ દીધો ‘પિતાજી એમ ન કરશો.’

પુત્રનું ગૌરવ માગતું હતું કે તેના પિતા કમાન્ડર પાસે એવી કોઈ કાકલુદી કરવાને ન જાય.

‘જો તને આટલું બધું ગુમાન છે તો પછી રડે છે શા માટે ?’ પિતા, પુત્રના દિલનો મર્મ સમજી ગયા હતા અને એ મર્મને પકડીને તેના પર ઘા માર્યો.

‘હું તોપચીનું કામ ચાલુ રાખીશ પણ કદાચ જો એ ફરજ બજાવતાં મારું મૃત્યુ થાય તો તમે હતાશ થશો નહિ.’ આંખમાં આંસુ લાવીને પુત્રે પિતા માસે માંગણી કરી.

‘કદિ નહિ !’ પિતાએ હિંમતભર્યો જવાબ આપ્યો. મેં પણ ઘોડાઓ અને ખચ્ચારો વચ્ચે જીવનના દિવસો વ્યતિત કર્યા જ છે. તું જ્યારે તેમને ખોરાક આપવા જાય, ત્યારે તેમની સાથે માયા કર અને તે પણ તારી સાથે માયાળુ બની જશે.’

એ જ સાંજે પુત્રને સલાહ આપીને, પિતા ચાલ્યા ગયા અને એ સલાહે પુત્રના માર્ગમાં રહેલી મુશ્કેલીઓ દૂર થઈ. ગુરુબક્ષસીંગને હવે પ્રાણીઓ પ્રત્યે કુમળી લાગણીઓ જન્મવા લાગી. ખચ્ચરો વિશેનો ભય દૂર થયો.

લશ્કરી જીવનમાં પત્ની સાથે રહેતા ગુરુબક્ષસીંગ પોતાની પત્ની બસંતને, પોતાની રાઇફલ; પોતાનો સરંજામ ચકચકાટ રાખવા પાછળ ઉઠાવેલા પરિશ્રમને પરિણામે પોતાને કમાન્ડર તરફથી મળતી શાબાસીનો ઉલ્લેખ કરીને જણાવે છે કે, ‘અમે અમારા ટૂંકા પગારમાં દિવસો વ્યતીત કરતા હતા. તે હંમેશા મને પ્રેરણા દેતી હોય એમ વિનવતી હતી. નવરાશનો વખત તમે જો વાંચવા લખવામાં ગાળો તો કોઈક દિવસ તમે દહેરાદુનની ઈન્ડિયન મેડિકલ એકેડેમીમાં સહેલાઈથી જોડાઈ શકો. અમે પાંચથી છ મહિના સાથે રહ્યા. એ દિવસે, અમે જે દરમાસયો મળતો તે રકમમાં જ વ્યતીત કરતા હતા. બસંત પોતાની સાથે થોડાંક નાણાં લાવેલી અને ઘર ખરચને પહોંચી વળવા માટે એ રકમ પણ અમે વાપરતાં. એમાંથી માત્ર આઠ આના જ બાકી રહ્યા. અને એ આઠ આના તો રાખી મૂકવાનો જ અમે આગ્રહ રાખ્યો હતો, પણ એક દિવસ તો અમારા ઘરમાં આટો જ ન હતો અને પિતા અમારા મહેમાન બન્યા હતા. એ આઠ આના અમે સાચવી મુક્યા છે એ વાત જ અમે ભૂલી ગયા હતા અને જો પિતા અમારી આ મુશ્કેલી જાણી જાય તો અમારા માટે કેટલું શરમિંદુ ગણાય ? એની અમને ચિંતા હતી. રેજીમેન્ટને અનાજ પૂરું પાડતા વાણિયાને ત્યાં ગયે પણ ત્યાં આટો નહતો. ઉછીના પૈસા લેવાનું તો મને ગમતું જ નહતું. મારી મુશ્કેલીનો પાર નહતો, પણ અચાનક જ મને પેલા આઠ આના ચાદ આવ્યા અને હું મારી ઓરડી પર દોડી ગયો. બસંતને મેં પેલા આઠ આનાની યાદ આપી અને તેણે હસીને પૈસા આપ્યા અને પિતાજી સમક્ષ અમારું જીવન ઉઘાડું પડી જવાનો જે ભય હતો તે દૂર થયો અને પિતાજી જ્યારે વિદાય થયા, ત્યારે તો તેમણે અમને થોડા પૈસા આપ્યા હતા.

રેશન અને શાકભાજીમાં જ મારો પગાર ખર્ચાઈ જતો હતો અને અમારે તો, જાણે અમે શ્રીમંત છીએ એવો જ ડોળ કરીને જીવવાનું હતું. ગરીબ સિપાહી એના કુટુંબનું ભરણપોષણ કેમ કરતો હશે તેનો મને ત્યારે જ ખ્યાલ આવ્યો. ઈશ્વરનો ઉપકાર કે સદ્ભાગ્યે અમને કોઈ બાળક નહતું અને વસ્ત્રો તો અમારે માટે કદિ લીધાં નથી જ.’

ઈન્ડિયન મિલિટરી એકેડેમી માટે ત્રીસ ઉમેવારામાંથી ૧૩ને જ પસંદ કરવાના હતા અને તેમાં સદ્ભાગ્યે ગુરુબક્ષસીંગની પસંદગી થઈ. ગુરુબક્ષસીંગ અભ્યાસકાળ દરમિયાન પણ કવિતાઓ રચતા હતા, ધીમે ધીમે એ શોખ વધતો ગયો. ‘ઈન્ડિયન મિલિટરી એકેડેમી’માં જોડાયા પછી પણ તેઓ હિંદુસ્તાનીમાં કાવ્યો લખતા હતા.

૧૯૩૮માં તેઓ ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં જોડાયા અને બે વર્ષમાં જ એનો અભ્યાસ પૂરો કર્યો. ૧૯૪૦માં તેઓ સફળતા પામ્યા અને પંજાબ રેજીમેન્ટમાં તેમને મૂકવામાં આવ્યા. સિપાહી તરીકે તેઓ ત્યાં રહ્યા. ૧૯૪૧ના ઓક્ટોબર માસમાં તેમની બેટાલીયન સીકંદરાબાદ ગઈ અને ત્યાંથી એ બેટાલીયનને દરિયાપાર જવાનું ફરમાન થયું.

સીકંદરાબાદના અનુભવ વિશે તે કહે છે કે ‘સીકંદરાબાદમાં મારી સાથે મારી પત્ની બસંત પણ રહેતી હતી. તે દરમિયાન તમામ ઓફિસરો મારા પ્રત્યે માનપૂર્વક વર્તતા હતા. સામાન્ય રીતે સીરસ્તો જ એવો હતો, પણ કર્નલ અને કમાન્ડરનું વર્તન ખૂંચતું હતું. મને પહેલી જ વાર ત્યારે સમજાયું કે હિંદી ગમે તેવા હોદ્દા પર હોય તો પણ એ માત્ર હિંદી છે તે જ કારણે તેને યોગ્ય માન આપવામાં આવતું નથી. હું જ્યારે લાહોરમાં હતો ત્યારે મને ઓફિસરો માટેની સ્વીમિંંગ ક્લબમાં દાખલ કરવામાં આવ્યો ન હતો. મારું એ ખૂલ્લું અપમાન હતું. જ્યારે મેં મારા સાથીદાર હિંદી ઓફિસરો સમક્ષ મારી મનોવેદના વ્યક્ત કરી ત્યારે મને આશ્ચર્ય થયું કે તેમને પણ એવા ઘણા અનુભવો થયેલા છે.

તા. ૩જી માર્ચ ૧૯૪૧ ના રોજ તેમને અજાણ્યા સ્થળે મોકલી આપવા માટે મુંબાઈ રવાના કરવામાં આવ્યા. એ પછી પણ જ્યારે બેટાલીયન દૂર પૂર્વના દેશોમાં રવાના થઈ રહી છે ત્યારે પણ હિંદી ઓફિસરો પ્રત્યેના અંગ્રેજ અમલદારોના તુમાખીભર્યા વર્તનના કડવા ઘૂંટડા તો તેમને ભરવા જ પડ્યા.

તા. ૧૭ મી માર્ચે ગુરુબક્ષસીંગ તેમ જ બેટાલીઅન સાથે પીનાંગ પહેાંચ્યા. અને ત્યાંથી કૂચ કરીને ઇપોહ ગયા. તમામ ઓફિસરો ઇપોહની મોટી હોટલમાં રહેતા હતા. એપ્રિલમાં ગુરુબક્ષસીંગ બિમાર પડ્યા પણ તેમની નજદિકમાં જ રહેતા ઓફિસરોએ તેમની દરકાર પણ કરી નહિ.

હિંદી ક્લબમાં જોડઈ શકતા નહિ અને એવા એવા તો કેટલાયે અપમાનો હિંદી સૈનિકોને નસીબે લખાયેલાં હતાં.

દિલમાં વેદનાના કાંટા વાગતા હતા. અને યુરોપીય યુદ્ધનો દાવાનળ એશિયાની સરહદોને સ્પર્શી ચૂક્યો હતો. પોતાના સાથી અફસરો સમક્ષ ધીલોને પોતાની હ્રદયવેદના રજૂ કરી તેઓ સ્વમાનને ખાતર રાજીનામું આપવા તૈયાર થયા હતા. પણ સાથીઓએ તેમને એ પગલું ભરતાં અટકાવ્યા. સ્વમાનનો ઘા જોવાને ત્યારે કોઈને નવરાશ નહતી. એવી ધીલોનને પણ પ્રતિતી થઈ અને મૂંગા મૂંગા તેમણે પોતાની ફરજ અદા કરવાનું ચાલું રાખ્યું. ઇપોહથી સૂંગી ગયા ત્યાં પણ એવો જ અનુભવ સામો મળ્યો. ધીલોન અને બીજા હિંદી અફસરો, વ્યવસ્થિત રીતે અફસરો હોવા છતાં તેમને કમાન્ડિંગ તરીકેનો ચાર્જ આપવાનો ઇન્કાર થયો. મેજર કીઆની એકાએક બિમાર પડતાં આ મુશ્કેલ પરિસ્થિતિનો સતત મુકાબલો કરીને પોતાનો માર્ગ કરી રહેલા ધીલોનને તેમના સ્થાને નીમવામાં આવ્યા. એમની શક્તિ છુપી રહી નહિ અને હિંદમાં સીગ્નલ કોર્સના અભ્યાસ માટે તેમને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. ૩ જુલાઈ ૧૯૪૧ના રોજ તેઓ મદ્રાસ પહોંચ્યા અને ત્યાંથી ફીરોઝપુર જવાને રવાના થયા.

આ પ્રવાસ દરમિયાન તેમને ક્ષુધાર્ત હિંદના દર્શન થયા. હાડ ચામનાં માળખાંઓ બની ગયેલા ખેડૂતોનાં દર્શન થયાં અને પોતાના દેશ ને દેશવાસી વિષે વિચાર કરવાની પહેલીજ તક પ્રાપ્ત થઈ. લશ્કરીઓ પાસે ભીખ માગતા, નગ્નાવસ્થામાં ભીખ માટે દોડતાં કુમળાં બાળકોનાં દ્રશ્યો તેમના માનસ સાથે એવી સજ્જડ રીતે અંકીત થઈ ગયાં કે જ્યારે નેતાજીએ હિંદની દરીદ્રતાનો શોષાયેલા પરાધીન હિંદનો જુસ્સાદાર શબ્દો દ્વારા ખ્યાલ આપ્યો ત્યારે એ ચિત્ર સ્વચ્છ બનીને નજર સમક્ષ ઊભું રહ્યું. એ દ્રષ્યોએ તેમનું દિલ હલબલી ઊઠ્યું અને ઘડીક તો જે રાજતન્ત્રે પેાતાના દેશબાંધવોની આવી બેહાલી સર્જી છે, તેની નોકરી ફગાવી દેવાનો વિચાર ઉદભવ્યો. પણ એ વિચારબિન્દુ સહજમાં દબાઈ ગયું. સીગ્નલકોર્સનો અભ્યાસ પુનામાં પૂરો કરીને ૩૦ મી નવેમ્બર ૧૯૪૧ ના રોજ પુનઃ સીંગાપોર પહોંચી ગયા અને જત્રાખાતેની પોતાની ટુકડી સાથે જોડાઈ ગયા.

યુદ્ધનો દાવાનળ એશિયાની ભૂમિ પર આવી પહોંચ્યો હતો અને તા૦ ૮ મી ડીસેમ્બર ૧૯૪૧ના રોજ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું. જાપાનની ફોજો આગળ ધપતી હતી. પંજાબ બેટેલીયન સામે સંગ્રામ જામ્યા પછી ચીગહામ ખાતેનો જંગ જામ્યો અને ધીલોનની ફોજ છૂટી પડી ગઈ. ધીલોન પોતાના સાથીદારોથી તદ્દન વિખુટા પડી ગયા, મહામહેનતે ચાલીસેક માણસોને એકત્ર કર્યો અને ચીલોરસ્ટાર ખાતેની પોતાની ફોજ સાથે જોડાઈ જવાનો પ્રયાસ કર્યાં. એ પ્રયાસમાં કૅપ્ટન હબીબુ રહેમાન પણ જોડાયા. તેમણે પણ ચાલીશેક માણસોને એકત્ર કર્યાં પણ ચીલોરસ્ટાર અને જીત્રાનું તો પતન થઈ ગયું હતું. એટલે તેઓ બન્ને નાની બોટમાં બેસીને પીનાંગ જવા ઉપડ્યા, પણ ત્યાં સમાચાર મળ્યા કે પીનાંગ તો ખાલી થઇ રહ્યું છે.

દરમિયાન ધીલોનને નીબાંગ ખાતેના પૂલનું રક્ષણ કરવાની ફરજ સુપ્રત થઇ અને છેલ્લી ઘડી સુધી તેનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો; પણ જ્યાં સામ્રાજ્યની તાકાતનાં વળતાં પાણી થયાં હતાં, ત્યાં ધીલોનનો પુરુષાર્થ શા ખપનો ? એ પહેલાં તો સીંગાપેાર પડ્યું હતું અને હિંદી ફોજોને, જાપાનના હવાલે કરવાને ફેરાર પાર્કમાં ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૪૨ ના રોજ જમા કરવામાં આવી હતી. ધીલોન એ વખતે જ પોતાની ફોજ સાથે જોડાઈ ગયા.

શરણાગતિ પછી લશ્કરી શિસ્ત અને નૈતિક બળ એટલી હદે તૂટી પડ્યું હતું કે સૈનિકો પોતાના અફસરો પર હુમલાઓ કરી રહ્યા હતા.

[ ૨ ]

કેપ્ટન મોહનસિંહ પ્રત્યે ધીલોન બહુ માનની દૃષ્ટિએ જોતા હતા. મોહનસિંહની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. મોહનસિંંહ આઝાદ હિંદ ફોજની રચના કરતા હતા તે અંગે ધીલોને કલાકો સુધી તેમની સાથે ચર્ચા કરી અને ચર્ચાને અંતે તેમણે આઝાદ હિંદ ફોજમાં જોડાવાનો નિશ્ચય કર્યો, પરંતુ એ નિશ્ચયને અમલમાં મૂકતાં પહેલાં એક પ્રશ્ન તેમની સમક્ષ ઊપસ્થિત થયો. લશ્કરમાં જ્યારે તેઓ જોડાયા, ત્યારે તેમણે રાજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે પહેલું શું? રાજા કે દેશ? વફાદારીના કોના પ્રત્યે પહેલી, રાજા પ્રત્યે કે દેશ પ્રત્યે ? અને ખૂબ વિચારણાને અંતે ધીલોને દેશ પ્રત્યેની વફાદારીને પ્રથમ સ્થાન આપ્યું. અને મોહનસિંહને, આઝાદ હિંદ ફોજની રચનામાં પૂરતી સહાય આપવાનું સ્વીકાર્યું. મોહનસિંહની પરવાનગીથી હિંદી સૈનિકો સમક્ષ તેમણે શિસ્ત, આરોગ્ય અને મોભાને સ્પર્શતા પ્રશ્નો પર વિવેચનો આપવા માંડ્યાં.

એ દિવસો મુશ્કેલીના હતા. પતનને પરિણામે જે નૈતિક અધઃપતન આવે છે એ અધઃપતનની ગર્તામાં હિંદી સૈનિકો ગળાબૂડ હતા. તેમને બહાર કાઢીને, તેમના ગળામાં ક્યારેય ન ઉતર્યાં હોય એવા રાષ્ટ્રવાદના, રાષ્ટ્રીય ગૌરવના અને રાષ્ટ્રીય ઐક્યતાના ઘૂંટડા ઉતારવાનું કામ ધીલોને હાથ ધર્યું.

પરન્તુ આઝાદ હિંદ ફોજ કાંઈ પણ, કામયાબી પ્રાપ્ત કરે તે પહેલાં તો તેને વિસર્જન કરવી પડી અને તેના સ્થાપક કૅપ્ટન મોહનસિંહને જાપાનની છાવણીમાં અટકાયતમાં રહેવું પડ્યું.

પહેલી આઝાદ ફોજના અનુભવથી દાઝી ઊઠેલા ધીલોન બીજી આઝાદ ફોજની રચના વખતે વિરોધમાં ઊભા હતા, પણ નેતાજીના વ્યક્તિત્વે તેઓ આકર્ષાયા અને જ્યારે પોતાના સાથીદારો શાહનવાઝખાન અને પ્રેમ સહગલે નેતાજીની સાથે જ ઊભવાનો નિશ્ચય કર્યો અને નેતાજી અને આઝાદ હિંદ સરકારને વફાદાર રહેવાના શપથ લીધા. જો કે નેતાજીના આગમન પછી પણ ધીલોન એવો અભિપ્રાય ધરાવતા હતા કે મેાહનસિંહે ઊભી કરેલી આઝાદ હિંદ ફોજ લશ્કરી દૃષ્ટિએ વધુ ક્રાંતિકારી ફોજ હતી, પણ રાજકિય દૃષ્ટિએ તે નેતાજીના નેતૃત્વ હેઠળની આઝાદ હિંંદ ફોજ સાથે તેની સરખામણી થઈ શકે તેમ નહતી, એટલે ધીલોન નેતાજીના નેતૃત્વ હેઠળની ફોજને કામયાબ બનાવવા માટે સખ્ત પરિશ્રમ ઉઠાવી રહ્યા.

૧૯૪૪ના ઓક્ટોબરમાં નેતાજીએ ધીલોનને બોલાવ્યા અને કલાકો સુધી તેમની સાથે ચર્ચા કરી. નેતાજી સાથેની આ મુલાકાતે ધીલોન પર જાદુઈ અસર થઈ. ધીલોનને ત્યારે જણાયું કે એમના હૃદયના ધબકારાને સમજનાર નેતાજી માત્ર એક જ છે. ધીલોનની લાગણીઓને નેતાજી સમજી શક્યા હતા.

નેતાજીએ ધીલેાનને પૂછ્યું ‘તમે શું પસંદ કરો છે? સ્ટાફ ઓફિસરશીપ કે કમાન્ડિંગ ?’

ધીલેાનને સ્વતંત્રપણે પેાતાનું શૌર્ય બતાવવાની તક જોઈતી હતી. એ તક એમને મળી અને કમાન્ડિંગની પસંદ કરી. નેતાજીએ ‘નહેરૂ બ્રિગેડ’ના કમાન્ડિંગ ઓફિસર તરીકે ધીલોનની પસંદગી કરી. એ નહેરૂ બ્રિગેડ ત્યારે મોરચા પર લડી રહી હતી. ધીલોને પોતાની બ્રિગેડનો ચાર્જ મીંગ્યાન ખાતે મેજર મહેબુબ પાસેથી સંભાળી લીધો. માત્ર બ્રિગેડનો જ ચાર્જ નહિ પણ તેની સાથે જ બ્રિટિશરોના બોંબમારાનો ભોગ બનેલાઓ પણ હવાલે થયા.

જ્યારે ધીલોને નહેરૂ બ્રિગેડનો ચાર્જ લીધો ત્યારે એની સ્થિતિ વિકટ હતી. સૈનિકો પાસે પૂરતાં વસ્ત્રો નહતાં અને યુદ્ધ માટેની તમન્ના ભરી હોવા છતાં પૂરતી શસ્ત્ર સહાય મળી નહતી. શિસ્ત અને નૈતિક બળનો અભાવ હતો. કેટલાક મતભેદો પણ મોજૂદ હતા. ધીલોન તરત જ પરિસ્થિતિ સુધારવાના અને શિસ્ત તેમ જ નૈતિક બળ ઊંચું લાવવાના કામમાં લાગી ગયા. સૈનિકોને એકત્ર કરીને તેમણે ભાષણો આપવા માંડ્યાં. વ્યક્તિગત સૈનિકોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું અને તેમની ફરિયાદો પર પૂરતું ધ્યાન આપવા માંડ્યું.

‘તમારે જો પાછા ફરવું હોય તો પાછા જઈ શકે છો !’ એવી સાફ સાફ વાત ધીલોને, સૈનિકો સમક્ષ કરવા માંડી. દરેક ઓફિસર સાથે વ્યક્તિગત સંપર્ક સાધવા માંડ્યો. દરેકની તબીબી સારવાર પર તેમણે પૂરતું ધ્યાન આપવા માંડ્યું. અને પરિણામે નહેરૂ બ્રિગેડ વધુ સશક્ત અને વધુ સંગઠ્ઠિત બની શકી. અઠવાડિયામાં એક દિવસ - ‘જવાનો કા દીન’ તરીકે ઉજવવા માંડ્યો. એ દિવસે અદનામાં અદના સૈનિકથી માંડીને કમાન્ડિંગ ઓફિસિર ધીલોન સુદ્ધાં સાથે જ ભોજન લેતા. ક્યારેક ધીલેાનની કાવ્યપંક્તિમાંથી વાતાવરણ ઉત્સાહભર્યું જોમભર્યું બની જતું હતું એ દિવસનું સૂત્ર હતું! ખૂનકા બદલા ખૂન, ખૂન, ખૂન.

જાપાની અફસરની દરમિયાનગીરી ધીલોને કયારેય બરદાસ કરી નથી. એક રાત્રે જાપાનિઝ અફસરો ધીલોનની છાવણીમાં ધસી આવ્યા. ધીલોને તેમને સંભળાવી દીધું, ‘અબધડી તમે ચાલ્યા જાવ નહિ તો મારા સંત્રી તમને ઠાર કરશે’ અને તેઓ ચાલ્યા ગયા.

એક વખત જાપાનિઝ અમલદારોએ બર્મિઝ સત્તાવાળાઓને વિનંતિ કરી કે ‘કૃપા કરીને ચોક્કસ ઇમારત આઝાદ હિંદ ફોજવાળા મેળવી લે નહિ એ જોશો.’ ત્યારે બર્મિઝ સત્તાવાળાઓએ જવાબ દીધો કે તમે કર્નલ ધીલોનને સીધા મળો. પણ તેઓને ડર હતો કે કર્નલ ધીલોન જાપાનિઝ અફસરોની દરમિયાનગીરી સહન કરતા નથી. એટલે તેમનું અપમાન થઈ બેસશે.

નહેરૂ બ્રિગેડની શિસ્ત ધીમે ધીમે સંતોષકારક થતી જતી હતી, પણ શસ્ત્રસરંજામની દૃષ્ટિએ હાલત ઘણી કંગાલ હતી. સ્ટાફ અને ઓફિસરોની તંગી નડતી હતી, મશિનગનો ન હતી. પટાઓ નહતા અને શસ્રો માટેનાં વધારાનાં ઓજારો પણ નહતાં. બે મોટર ફક્ત હતી. તે પણ ગમે ત્યારે અટકી જાય તેવી.

નેતાજીનો હુકમ મળ્યો ઇરાવદી નદીની પશ્ચિમે પેગોનની સામે રક્ષણાત્મક હરોળ ઊભી કરો. આ મથકેથી કર્નલ ધીલોન ૬૦ માઇલ દૂર હતા અને તેમની પાસે ૩૭ બળદ ગાડાં જ વાહનમાં હતાં અને એક પૂલ પરથી પસાર થવાનું હતું અને જાપાનિઝોના વડા મથક સાથે કે આઝાદ હિંદ ફોજના વડા મથક સાથે સંપર્ક સાધવાને માટે કોઈ માર્ગ પણ ન હતો, પણ નેતાજીએ જે હુકમ મોકલ્યો હતો તે મળ્યો, તા. ૨૯ મી જાન્યુઆરી ૧૯૪૫ના રોજ જ્યારે એ હુકમમાં જણાવવામાં આવ્યું હતું કે તા. ૨૦મી જાન્યુઆરી ૧૯૪૫ પહેલાં એ સ્થાન કબજે કરી લેવું જોઈએ. આમ જે તારીખે એ સ્થાન કબજે કરવાનું હતું તે તારીખ વીતી ગયા પછી નવ દિવસે એ હુકમ મળ્યોઃ એ વખતે કર્નલ ધીલોન ગળાના દર્દથી પીડાતા હતા અને તેમની મોટર ખોટકાઈ ગઈ હતી.

પરિસ્થિતિ બગડતી જતી હતી. જંગ દરમિયાન નહેરૂ બ્રિગેડના ૮૦૦ માણસોમાંથી ૨૦૦ જેટલા ચૂનંદા અને પ્રથમપંક્તિના સૈનિકો માર્યા ગયા હતા. આઝાદ હિંદી ફોજને માટે હવે વિજય કરતાં ટકી રહેવાનો અને દુશ્મનો સાથે ટક્કર લેતાં રહેવાનો જ પ્રશ્ન હતો, પણ દુશ્મન ફોજો આગળ વધતી હતી. બીજી બાજુ જાપાનિઝ ફોજો પણ મોરચાઓ પરથી પીછેહઠ કરતી હતી.

મોરચા પર નિરાશા ફેલાઈ હતી. અધૂરાં સાધનો અને બીજી અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવતાં આઝાદ હિંદ ફોજના સૈનિકોને લલચાવીને ફોડવાનો પ્રયાસ પણ દુશ્મન ફોજો તરફથી થયો હતો. અલબત્ત આ પ્રયાસના કેટલાક ખરાબ પ્રત્યાઘાતો તો પડ્યા અને કેટલાક સૈનિકો આઝાદ હિંદ ફોજમાંથી નાસીને દુશ્મનને પણ મળી ગયા હતા. એની અસર આઝાદ હિંદ ફોજ પર સમગ્ર રીતે નૈતિક બળ તોડવામાં સફળ થઈ હતી.

કર્નલ શાહનવાઝે પણ હવે તો શરણાગતિ સ્વીકારી હતી. એ જોતાં તેમ જ હવે પલટાયેલી પરિસ્થિતિમાં લડત ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી એવી પ્રતીતિ કર્નલ ધીલોનને થવા લાગી. દરમિયાન જાપાની સેનાપતિએ દુશ્મન વધુ થાણાઓ કબજે કરતો કરતો આગળ વધી રહ્યો છે તેવા સમાચાર પહોંચાડ્યા. એના પરિણામે કર્નલ ધીલોને, શરણાગતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો અને નજદિકના મિત્રદળોના સેનાપતિ પર નીચે મુજબનો પત્ર મોકલ્યો.

પ્રતિ,

મિત્રદળોના સેનાપતિ જોગ,

હું મારા અફસરો અને સાથીદારો સાથે, યુદ્ધ કેદીઓ તરીકે શરણે આવવાને તૈયાર છીએ.

(સહી) જી. એસ. ધીલોન
કર્નલ

મિત્રદળોના સેનાપતિ કર્નલ ધીલોનની માગણીનો સ્વીકાર કરતાં ઘડી પણ અચકાય શા માટે ? તેમણે તરત જ કર્નલ ધીલોનને જવાબ આપ્યો અને કર્નલ ધીલોન સહિત આઝાદ હિંદ ફોજના સૈનિકો, મિત્રદળોના સેનાપતિને શરણે થયા.

કર્નલ ધીલોનને તેમના સૈનિકોથી જુદા પાડવામાં આવ્યા અને ત્યાંથી કેદી હાલતમાં રંગુન લઈ જવામાં આવ્યા. એમની પહેલાં જ મેજર જનરલ શાહનવાઝને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. કર્નલ ધીલોનને પણ રંગુનથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં મેજર જનરલ શાહનવાઝ અને કર્નલ પ્રેમ સહગલ સાથે અટકાયતમાં રાખવામાં આવ્યા.

હિંદી સરકારે ત્રણે અફસરો સામેના કેસ ચલાવવા માટે, લાલ કિલ્લામાં જ લશ્કરી અદાલતની સ્થાપના કરી. આ મુકદમાએ હિંદભરમાં ભારે રોષ પેદા કર્યો, મહાસભાએ ત્રણેના બચાવ માટે ચૂનંદા ધારાશાસ્ત્રીઓની એક કમિટી નીમી એ બધી વિગતો આગળનાં પાનામાં આપવામાં આવી છે.

લશ્કરી અદાલત સમક્ષ, કર્નલ ધીલોને નિવેદન કરતાં જણાવ્યુ હતું કે:

‘દહેરાદુનની હિંદી લશ્કરી શાળામાં ‘ચેટવુડ હોલ’ માં આ પ્રમાણે મુદ્રાલેખ કોતરવામાં આવ્યો છે; ‘હરેક પ્રસંગે દેશની સલામતી, સ્વમાન અને કલ્યાણનો સવાલ મોખરે હોવો જોઈએ. તમે જે માણસોનું સેનાપતિપદ કરો તેમની સલામતિ, સુખસગવડ અને કલ્યાણનો તમે હંમેશાં વિચાર કરજો. તમારી સુખસગવડનો વિચાર છેલ્લે કરજો.’

‘મેં મારી સમક્ષ આ મુદ્રાલેખ ધ્યાનમાં રાખીને આઝાદ ફોજના અફસર તરીકે સેવા બજાવી છે.’ ત્યારબાદ તેઓએ સિંગાપુરની શરણાગતિ અને કપ્તાન મોહનસિંગને હસ્તે આઝાદ ફોજની રચનાના બનેલા બનાવોનું વર્ણન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મલાયાના પ્રજાજનોની જે દુર્દશા થઈ તે મેં નજરે નિહાળી હતી. આથી હિંદ પર આક્રમણ થતાં મારા દેશબાંધવોની શું દશા થાય એ વિચારતાં હું ધ્રૂજી ગયો હતો.

આ વખતે દોઢસો વરસના બ્રિટિશ શોષણનો મને ખ્યાલ આવ્યો હતો. મને વિચાર આવ્યો હતો કે, અંગ્રેજોએ પોતાના લાભને માટે, સાધનસામગ્રીઓનું ભારે શોષણ કર્યું છે અને શાહી યુદ્ધો માટે માનવશક્તિનો ઉપયોગ કર્યો છે. કટોકટીની પળે દેશની રક્ષા કરી શકાય એ માટે આપણને તૈયાર કરાયા નથી, પણ આપણને સદાને માટે ગુલામીમાં રાખવા પ્રયત્ન કર્યો છે અને દુર્બળ બનાવી દીધા છે.

કપ્તાન મોહનસિંગે આઝાદ ફાજની જે રચના કરી હતી, એમાં મને નવી આશા દેખાઈ. આ ક્ષણે એક મજબૂત સેના ઊભી કરી શકાય તો એ હિંદને પરદેશી લશ્કરની ધૂંસરીમાંથી મુક્ત કરે. જાપાનિઝો જો વચનભંગ થાય અને પોતાના લાભાર્થે દેશનું શોષણ કરવા મથે તો એનો સામનો પણ થઈ શકે. મને એમાં હિંદ માતાનો અવાજ સંભળાયો અને મેં મારું નશીબ કપ્તાન મોહનસિંંગ સાથે જોડી દીધું.’

શ્રી. સુભાષચંદ્ર બોઝનાં પ્રવચનો, એમની નેતાગીરી વગેરે વસ્તુઓના તેમ જ પેાતાના ભાષણોના ઉલ્લેખ કરતાં કપ્તાન ધીલાંએ વધુમાં કહ્યું હતું કે, ‘અમે સાધનોના અભાવે પૂરતા માણસો તૈયાર કરી શકતા નહોતા. દેશ પ્રત્યેના પ્રેમના કારણે જ એમાં જોડાવાની સ્પષ્ટતા અમે કરી હતી, બસો માણસોને મીગ્યાન છોડ્યા પહેલાં દૂર મોકલી આપવામાં આવ્યા હતા.’

અત્યાચારોના આરોપો વિશે લેફ્ટ. ધીલાંએ જણાવ્યુ હતું કે, ‘અટકાયતી છાવણી જ ન હતી, પણ શિસ્તભંગના ગુના માટે એક અલગ છાવણી હતી, અહીં રખાતા કેદીઓનો અર્થ એ થતો કે તેમનામાં ચારિત્ર્યની કશી ખામી હતી, આ વસ્તુ ફોજમાં જોડાવા માટે એક નાલાયકી ગણાતી હતી. ફરિયાદ પક્ષના સાક્ષીઓએ જુદી અને વિકૃત હકીકતો રજૂ કરી છે. તેનો આશય સરકારની કૃપા મેળવવાનો છે.

આઝાદ ફોજ છોડી જવાની દરેક સૈનિકને છૂટ હતી. અમે દુશ્મન હરોળથી માત્ર બે માઈલ દૂર નહોતા. છતાં અઠવાડિયાંઓ સુધી કોઈ પણ માણસે બાતમી આપી નહોતી.

ઘણી વખત, વીસ-વીસ કલાકો સુધી અમારે પાણી અને ખોરાક વિના ચલાવવું પડતું. આ ત્રાસ સ્વૈચ્છાએ જોડાયેલી સેના જ સહન કરી શકે. એ ખરું છે કે ચાર માણસોને સજા કરાઈ હતી, પણ મારા હુકમ હેઠળ દેવાઈ હતી એ વસ્તુ ખોટી છે. હું એ વખતે પથારીવશ હતો. પાછળથી વિભાગી સેનાપતિએ સજા રદ કરી હતી અને તેનો કદિ અમલ કરાયો નહોતો.

મેં સરકારની એક વ્યસ્થિત સેનાના એક ભાગ તરીકે કાર્ય કર્યું છે. આથી હિંદી ફોજદારી ધારા હેઠળ મારા પર કામ ચાલી શકે નહિ. હું આઝાદ ફોજમાં શુદ્ધ આશયથી જોડાયો હતો. આથી હું ઘણા યુદ્ઘકેદીઓને પૈસા અને બીજી સામગ્રીઓ આપી શક્યો હતો અને હિંદીઓનું સ્વમાન સાચવી શક્યો હતો.

‘જાપાનિઝોની સજા પામેલા ઘણા નાગરિકોને મેં બચાવ્યા હતા. હિંદનાં શહેરો પર બોંબવર્ષા ચલાવતા જાપાનિઝોને અટકાવ્યા હતા. આ સેના માટે દૂર પૂર્વના હિંદીઓએ કામચલાઉ આઝાદ સરકારના ફાળામાં કરાડો રૂપિયા ભરીને કદર કરી હતી.

(૩)

કર્નલ ગુરુબક્ષસીંગ ધીલોને, રણમોરચે જે વીરતા બતાવી, જે ખમીર તેમના સાથીદારોએ બતાવ્યું અને આઝાદ હિંદ ફોજના નામ પર યશકલગી ચઢાવી, એથી સર સેનાપતિ નેતાજી સુભાષ બોઝને અપાર આનંદ થયો હતો; અને તેમણે કર્નલ ધીલોનને અભિનંદનપત્ર આપ્યો હતો. એ અભિનંદનપત્ર અને કર્નલ ધીલોનનો પ્રત્યુત્તર, કર્નલ ધીલોનના હૈયાની વેદના ધીકતી કરે છે.

સદર દફતર અલ કમાનઃ આઝાદ હિંદ ફોજ
રંગુન
૧૨ માર્ચ ૧૯૪૫

મેજર જી. એસ. ધીલેાન,
જય હિંદ.

તમારી ફોજ અને તમે જાતે જે કાર્ય કરી રહ્યા છો. તેને હું ખૂબ રસપૂર્વક નિહાળી રહ્યો છું અને કટોકટીની પળે તમે જે બહાદુરીથી, મક્કમતાપૂર્વક સામનો કરી રહ્યા છો, એ માટે તમને હું મુબારકબાદી આપું છું, હાલની કેટોકટીની પળે તમારામાં અને તમારી પડખે ઊભા રહેનારાઓમાં હું મારો પૂર્ણ વિશ્વાસ જાહેર કરું છું.

આ ઐતિહાસિક લડતમાં વ્યક્તિગત રીતે આપણું ગમે તે થાય, પણ જગત પર એવી કોઈ શક્તિ અસ્તિત્વમાં નથી કે જે હિંદને હવે વધુ વખત માટે ગુલામીમાં રાખી શકે. આપણે જીવતા રહીએ ને કાર્ય કરતા રહીએ અથવા તો લડતાં લડતાં આપણે મૃત્યુ પામીએ, પણ હરેક સંજોગોમાં આપણે એટલો તો સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે કે આપણે જે કાર્યને માટે લડી રહ્યા છીએ તેની સિદ્ધિ અનિવાર્ય પણે ચોક્કસ છે. હિંદની આઝાદી પ્રત્યે ઇશ્વર અંગુલિનિર્દેશ કરી આપણને માર્ગ બતાવી રહ્યો છે, આપણે માત્ર આપણી ફરજ બજાવવાની છે અને હિંદની આઝાદી માટેની કિંમત ચૂકવવાની છે. અમારાં હૈયાં, તમારી અને આપણા રાષ્ટ્રની ગુલામીની જંજીરો તોડવા માટેની આપણી લડતમાં જેઓ તમારી સાથે ઊભા છે, તે તમામની સાથે છે.

મહેરબાની કરીને તમારા હાથ નીચેના તમામ ઓફિસરો અને સૈનિકોને મારાં હૃદયપૂર્વકનાં અભિનંદન પાઠવશો. તમને પણ મારાં અતઃકરણપૂર્વકનાં અભિનંદન. ઈશ્વરના આશિર્વાદ તમારા પર ઊતરી રહો અને વિજયશ્રીને વરો.

જયહિંદ

(સહી)સુભાષચંદ્ર બેઝ

આ પત્રના પ્રત્યુત્તરરૂપે કર્નલ ધીલોને નેતાજી સુભાષચંદ્ર બોઝ પર લખેલો પત્ર નીચે મુજબ છે.


બર્મા
૨૦ માર્ચ ૧૯૪૫

પ્યારા નેતાજી,
જયહિંદ
આપનો તા. ૧૨ મી માર્ચ ૧૯૪૫નો પત્ર મળ્યો. પત્રમાંની વિગતો જાણી. મારી લાગણીઓ તો, મારા અશ્રુ દ્વારા જ જાણી શકશો.

મારા પ્રત્યે અને મારા સાથીઓ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવા માટે હું આપના અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું. અમારા નેતાજી, હું મારી ફોજ તરફથી આપને ખાત્રી આપું છું કે અમારા માર્ગમાં ગમે તે મુશીબતો આવે તેની પરવા કર્યા વિના, આપના આદર્શ અને આપની ઇચ્છા મુજબ, આપણી માતૃભૂમિની આઝાદી પ્રાપ્ત કરવાને, જ્યાં સુધી એક પણ સૈનિક જીવતો હશે ત્યાં સુધી લડતા રહેશે.

મારા સંબંધી તો, મેં આપને રંગુનમાં જે શબ્દો કહ્યા હતા તે — મેં આપકી આંખેં કીસી કે સામને નીચી ન હોને દૂંગા — ની યાદ આપું છું. જ્યારથી હું આપની વિદાય લઈને છૂટો પડ્યો, ત્યારથી એ શબ્દોનો રણકાર મારા કાનમાં ગુંજ્યા કરે છે. ન્યાઉગુ ખાતે પાછા ફર્યા પછી તો એ શબ્દ વધુ ને વધુ જોશથી મારા કર્ણ પટ પર અથડાઈ રહ્યા છે. હું બરાબર રીતે જાણું છું કે, ગમે તે કારણો હોય તો પણ મેં સ્વેચ્છાપૂર્વક જે વચન આપ્યું હતું, તેનું પાલન કરવામાં હું નિષ્ફળ જઈ શકું નહિ. એટલું જ નહિ પણ હું એવી એક ટુકડીનો કમાન્ડર છું કે જાણે અજાણે તમને અને આઝાદ હિંદ ફોજને અપમાન પહોંચાડી શકું નહિ. હું ફરીથી કોઈ વચન આપતો નથી પણ મારું કાર્ય જ જે કહેવાનું હશે તે કહેશે.

આપનો પત્ર અમારામાં નવું બળ અને જુસ્સો પૂરે છે.

અહીં મોજૂદ છે તેવા તમામ અફસરો, સૈનિકો અને હું અંતઃકરણપૂર્વક આપના આશિર્વાદ સ્વીકારીએ છીએ. અમને વિશ્વાસ છે કે ઈશ્વરની કૃપાથી અને આપની આશીષથી ફતેહ મેળવવામાં અમને મુશ્કેલી નહિ પડે.

આ પવિત્ર યુદ્ધમાં અમને દોરવણી આપવા માટે ઈશ્વર આપને દીર્ઘાયુઃ અને તંદુરસ્તી બક્ષે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.

જયહિંદ

આપ નામદારનો
આજ્ઞાંકિત
(સહી) જી. એસ. ધીલોન

કર્નલ ધીલોનની વીરતાનો સાચો ખ્યાલ તો તેમની ડાયરીનાં પાનાઓ પરથી આવી શકે છે. એ ડાયરીનાં થોડાંક પાનાં આપવાં જરૂરી માન્યું છે.

આ પાનાંઓ ક્રમબદ્ધ આપી શકાયાં નથી, કારણ કે જે પાનાંઓ પ્રાપ્ત થાય છે તે ક્રમશઃ ગોઠવી શકાય તેમ ઉપલબ્ધ નથી. સૌથી છેલ્લે મેજર જનરલ શાહનવાઝખાન પરના પત્ર આપવામાં આપવામાં આવ્યો છે પણ ખરી રીતે એ પત્રને સ્થાન પહેલું જોઇએ. કારણ કે પત્ર લખાયા પછી તો પરિસ્થિતિ પલ્ટાઇ ગઈ હતી.

નં. એ./૧૯/૧૮
નં. ૧૨૫ યુનીટ. આ. હિં. ફો.
બર્મા. ૨૨ ડીસેમ્બર ૧૯૪૪


પ્રતિ,
લીસીઅન ઓફિસર,
હીકારી કીકાન

આઝાદ હિંદ ફોજે બે બ્રિટિશ ઓફિસરોને કેદ પકડ્યા છે.

બે પી. ઓ. ડબલ્યુ. સાથે એક રિવોલ્વર તેના કેસ સાથે હાથ લાગી છે તે જાપાની સૈનિકોએ લઈ લીધી છે. બ્રિટિશ ઓફિસરોને આઝાદ હિંદ ફોજે ગીરફતાર કર્યા હોવાથી તેઓ અમારા કેદી છે. તેમને અને રિવોલ્વરને અમારા વડા મથકે મોકલી આપશો. નકશા અને બીજી ચીજો જાપાનિઝોને તપાસ માટે જરૂરી હોય તો તેઓ ભલે રાખે. આભાર સહિત.

(સહી) જી. એસ. ધીલોન
કમાન્ડર નં. ૧૨૫ યુનીટ

તા. ૩ જી માર્ચ ૧૯૪૫ના રોજ મેજર ધીલોનની સહીથી ‘ખૂબજ ખાનગી’ પરિપત્ર પ્રસિદ્ધ થયેલો એ પરિપત્રમાં જુદી જુદી તારીખોના બનાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ નીચે મુજબ છે.

૨૮ ફેબ્રુ. ’૪૫ : એવા સમાચાર મળ્યા છે કે દુશ્મનો પીન્બીન લેટફીનબીનના માર્ગેથી કયાઉક પાદૌંગ તરફ આગળ ધસી રહ્યા છે. કેટલીક જાપાનિઝ ટુકડીઓએ હુમલો કર્યો હતો પણ જ્યાં હુમલો કર્યો ત્યાં કોઈ જણાયું નહતું.

નીચે જણાવેલા ઓફિસરો ડિવિઝનલ એક્સીલિયરી યુનીટસ સાથે ત્યાં ગયા હતા. યુનીટ્સ સલામત રીતે પાછા ફર્યા પણ ઓફિસરો અને તેમના સૈનિકો પાછા ફર્યાં નથી. એમ જણાય છે કે ક્યાં તો દુશ્મનોએ તેમને પકડ્યા છે, અથવા તો તેઓ દુશ્મનો સાથે મળી ગયા છે.

મેજર મહમદ રીઆઝખાન, મેજર પી. જે. મદન, મેજર એસ. એમ. દવે, મેજર મહમદ સરવાર અને લેફ. મહમદ બક્ષ.

તા. ૧ માર્ચ ’૪૫: આ દિવસો દરમિયાન કાંઈ ખાસ બન્યું નથી. આપણા તરફથી નિરીક્ષક પ્રવૃત્તિ ચાલુ રહી છે. તીબુ વિસ્તારમાંની આપણી ગેરીલા પાર્ટીને ઘેરવાનો દુશ્મનોએ પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ ગયા છે, આપણા નિરીક્ષકો સીકટીએન અને વેલૌંગ ગયા હતા અને એવી માહિતી મેળવી શક્યા છે કે દુશ્મનો ટૌંગથા તરફ ગયા છે. દુશ્મન પાસે ૧૨ ટેન્કો અને ૫૦૦ લોરીઓ છે. ટૌગથા, વેલૌંગ અને સીક્ટીએન રસ્તાઓ પર કોઈ દુશ્મન નજરે પડ્યો નથી. તેમજ ટેલિફોન લાઈન પણ જણાઈ નથી. મોટા ભાગના નાગરિકો અમેરિકા તરફી છે કારણ કે તેમને ચોખા, દૂધ અને સીગારેટ આપવામાં આવે છે, જોડા અને વસ્ત્રો પણ પૂરાં પાડવામાં આવે છે. દુશ્મનો પાસે હળવી અને મધ્યમ કદની ટેન્કો અને કેરીઅર્સ પણ હોવાનું જણાયું છે.

પોપાથી છ માઈલ દૂર આવેલા આપણા મથક પર સખ્ત બોંબમારો ઉત્તર તરફથી કરવામાં આાવ્યો હતો. જેના પરિણામે આપણી નીચે મુજબ ખૂવારી થવા પામી છે.

રાઈફલ ૬, બેયોનેટ ૬, ગ્રેન્ડીસ ૨, રેશનટીન ૧૧, ગ્રાઉન્ડ શીટ્સ ૧૧, ઇક્વીપમેન્ટસ ૯, રાઉન્ડસ ૩૦૩”ના બોલ ૫૦૦, બ્લેન્કેટ્સ ૯, પે બુક્સ ૮. માત્ર એક જ સૈનિકને ઈજા થવા પામી છે.

તા. ૩ માર્ચ ’૪૫ : દુશ્મનો જેઓ પીન્બીન તરફ પૂર્વમાં અને ટૌંગથા તરફ આગળ વધ્યા હોવાનું જણાય છે, તેના એક ભાગે મીંગ્યાન ખાતે આક્રમણ શરૂ કર્યું છે. અને બીજા પોપા તરફથી ટૌંગથા તરફ આક્રમણ શરૂ કર્યું છે. આઝાદ હિંદ ફોજની ટુકડીઓ ક્યાઉક તરફથી નૌન્ગુના રસ્તા પર આક્રમણ કરી રહી છે.

(સહી) જી. એસ. ધીલોન
મેજર સી.


બીજો પરિપત્ર જે તા. ૪ માર્ચ ૧૯૪૫ના રોજ પ્રસિદ્ધ કર્યો અને જે ખૂબ જ ખાનગી હતો તેમાં વધુ માહિતીઓ આપવામાં આવી છે.

તા. ૩ માર્ચ ’૪૫ : દુશ્મનની સંખ્યા ૩૦૦ હિંદીઓની છે. તેઓ કૌનગ્નો નજીક પડેલી છે. કૌને પોદૌગ ન્યૌગ રોડ પરથી ૪ કેરીયરો એયૌક પેદાંગથી ૧૩ માઈલ દૂર નજરે પડ્યા. સાંજના ૮૦૦ દુશ્મનો નજરે પડ્યા હતા.

પોઝુથી બે માઈલ નજદિક દુશ્મનની નિરીક્ષક ટુકડી આવી પહોંચી હતી. જાપાની થાણાંઓમાંથી તેમના પર ગોળીબાર થયો હતો અને તેઓ નાસી ગયા હતા.

એમ જણાયું છે ટૌગલીન નજદિકના ગામિડયાઓ બન્ને બાજુની માહિતીઓ પૂરી પાડે છે. તેમણે દુશ્મનો જણાવ્યું કે આઝાદ હિંદ ફોજ મોટા ભાગે એ ગામડાંઓમાં પડેલી છે. પરિણામે દુશ્મનો વધુ સાવધ બની ગયા છે. દુશ્મનની તાકાત મુખ્યત્વે ટેન્કો, રણગાડીઓ અને કેરીઅર પર છે. સામાન્ય રીતે સો કરતાં ઓછા માણસોની પાર્ટીને તેઓ બહાર મોકલતા નથી. આ પાર્ટીને લઈ જતાં વાહનોને આગળથી રક્ષણ આપવામાં આવે છે અને જ્યાં તેઓને પહોંચવાનું હોય ત્યાં તેમનાં વાહનોને પણ પૂરતું રક્ષણ આપવામાં આવે છે અને સૈન્યને કંઈ મુશ્કેલી પડતી નથી.

‘સલામતી અને સંરક્ષણ’ને અંગેનો એક જરૂરી પરિપત્ર નીચે મુજબ છે.

‘છાવણીઓમાં ઘણી નવી પગથીઓ બનાવવામાં આવી હોવાનું જણાય છે. દુશ્મનોની હવાઈ તાકાત આપણા કરતાં ઘણી હોવાથી આ પગથીઓ આપણે ક્યાં છીએ તેની ચોક્કસ માહિતી આપી દે છે. આ ભય સામે ઓફિસરો અને કમાન્ડરોએ પોતાનાં માણસોને સદા સાવધ રાખવા.

હજી પણ રાત્રિ દરમિયાન સંત્રી બા મોટા અવાજે પડકાર આપતા અથવા તો આગંતુકની તપાસ મોટા અવાજો કરતા જણાય છે. દુશ્મન જાસૂસ નજદિકમાં હોય તો તે માહિતી મેળવી જવાનો અને પરિણામે આપણી જાનમાલની ભારે ખુવારી થવાનો ભય રહે છે. દુશ્મનને માટે તે માહિતી લાભપ્રદ થઇ પડે. કમાન્ડરોએ કૃપા કરીને આ પ્રથા પર જરૂરી અંકુશ મુકવો જોઈએ.

નકલ હીકીરીકીકાનઃ
(સહી) 'જી. એસ. ધીલોન
મેજર. સી.
 
વ્હાલા જાગીર
જયહિંદ

હું આશા રાખું છું કે તેં જે કાંઇ પૂછાવ્યું છે તેનો જવાબ તો તને આ સાથેના હુકમમાંથી મળી ગયો હશે. બીજાના જવાબ તો હું આવતી કાલે આવીશ, ત્યારે આપીશ. હું આજે જ આવવાનો હતો, પણ ગઇ રાત્રિના મારે અચાનક કેટલીક રક્ષણ હરોળની તપાસ માટે જવું પડ્યું. ત્યાંથી પાછા ફર્યા પછી હું ઘણો થાકી ગયો હતો. એવો થાકી ગયો હતો કે મારી જિંંદગાનીમાં હું ક્યારેય એવો થાક્યો નથી. મેજર શંકરે મને આજે ઈંંજેક્શન આપ્યું છે. જો કે એ કોર્સ પૂરો કરવા માટે હજી મારે બાર લેવાનાં રહે છે, પણ માત્ર થોડાંક જ મળી શકે તેમ છે. આવતી કાલે હું એક વધુ ઈંજેક્શન લઈશ મારે ‘જી’ કાર્ય પણ સુપ્રત કરી દેવું પડ્યું છે.

૪૨૧ અને ૪૨૩ યુનીટના સ્વાગત અને વિદાય માટેની જરૂરી ગોઠવણો કરવા માટે હું મોહીન્દ્રસીંગને મોકલું છું. તેમ જ મેજર વાટસનાથે સાથે નૌન્ગુ ખાતે મોકલું છું. દુશ્મનોનો બરાબર મુકાબલો કરે તેવી રીતે એ યુનીટોની ગોઠવણ થાય એ જોજો. આવતી કાલે હું ચોક્કસ જ આવીશ.

તમારો
(સહી) જી. એસ. ધીલોન
 


તા. ૧૮ માર્ચ ૧૯૪૫નો ‘જંગનો હેવાલ’ કર્નલ ધીલોનની સહીથી જે લખાયો છે તે હેવાલ આઝાદ હિંદ ફોજના વીરત્વની અમર ગાથા સમો છે એ હેવાલમાંની કેટલીક વિગતો અહીં રસપ્રદ થઇ પડશે એમ માનીને આપવામાં આવી છે.

ઉતર પશ્ચિમ તરફથી દશ વાગે દુશ્મનોએ આપણા મથકો પર સખ્ત બોંબમારો શરૂ કર્યો. એ વખતે ‘એ’ કંપનીની નિરીક્ષક ટુકડીના હવાલદાર નાઝીરસીંગ કંપનીના વડા મથકેથી એક માઈલ દૂર નૌન્ગુ તરફ નિરીક્ષણ માટે ગયા હતા. તેમની સામે મુખ્ય રસ્તાની પશ્ચિમ બાજુએથી મજબુત દુશ્મન ટુકડીએ ગોળીબાર શરૂ કર્યો હતો. આાપણા નિરીક્ષકોએ તેનો સામે જવાબ આપ્યો હતો અને સાત દુશ્મનોને ઠાર કર્યાં. આ સંદેશ વડા મથકે મોકલવામાં આવ્યો. દુશ્મન આગળ વધતા હોવાથી, તેને આગળ વધતા અટકાવવા માટે દતુરામની સરદારી હેઠળ બીજી ટુકડી મદદે મોકલવામાં આવી અને તેણે દુશ્મનને આગળ વધતા અટકાવ્યા.

બાર વાગે મુખ્ય રસ્તા પરથી ૧૫ દુશ્મન ટેન્કો, ૧૧ રણગાડીઓ અને ૧૦ ટ્રકો આગળ વધી અને પોઇન્ટ ‘એ’ પર બોંબમારો અને તોપમારો કરવા લાગી. આપણા સૈનિકોએ રાઈફલ અને બ્રેનગનથી તેનો જવાબ આપવા માંડ્યો. આથી દુશ્મનોએ નિશાન બદલ્યું અને પોઇન્ટ ‘બી’ પર મારો શરૂ કર્યો અને પાછો ત્યાંથી પોઇન્ટ ‘એ’ પર મારો શરૂ કર્યો.

‘બી’ પોઈન્ટ પરની આપણી ફોજોને દુશ્મન વડા મથકેથી સંદેશવાહક દ્વારા એવી ચેતવણી આપવામાં આવી કે તેમનો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે. આપણી ફોજોએ તોપગોળા અને હાથથી ફેંકાય તેવા બોંબ ફેંકવા માંડ્યા, પણ આપણી ફોજ અસહાય હતી. દુશ્મન તાકાત વધુ હતી. આપણી ફોજ સાથેની બે સૂરંગોનો ઉપયોગ કરવામાં આવ્યો પણ કમનસીબે તે નકામી નિવડી અને નિશાન ચૂકી ગઇ. ૫ અને ૬ પલ્ટનો ખાઈમાંથી બહાર આવી અને બેયોનેટો ચડાવીને કેસરીયા કર્યાં. ‘નેતાજી કી જય’ ‘ઈન્કીલાબ ઝીન્દાબાદ’ અને ‘ચલો દિલ્હી’ની ગર્જનાઓ સાથે તેણે દુશ્મનો પર હલ્લો કર્યો. દુશ્મનો ટ્રકોમાંથી બહાર કૂદી પડ્યા અને હાથોહાથની લડાઈ શરૂ થઈ. એક કલાક સુધી આમ હાથોહાથનો જંગ ચાલુ રહ્યો. કમાન્ડર ગીયાનસીંગ સૈનિકોને ઉત્સાહિત કરતા હતા. પાંચમી પલ્ટનનો કમાન્ડર મંગુરામ મરાયો અને બન્ને પલટનનો માત્ર દશમો ભાગ જ બાકી રહ્યો. ગીયાનસીંગે નં. ૪ પલ્ટનના કમાન્ડર રામસીંગને બોલાવીને પાછા હઠવાનો હુકમ આપ્યા. તેને માથામાં દુશ્મનની બુલેટ વાગી અને તેનું મરણુ નીપજ્યું પણ એથી ફોજમાં કાંઈ વિક્ષેપ પડ્યો નહિ. દુશ્મનો પણ એ વખતે મૃતદેહો અને શસ્ત્રો ભેગાં કરીને વાહનોમાં પીછેહઠ કરી રહ્યા હતા. દુશ્મનની ખૂવારીમાં ૫૦નાં મરણ અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. જ્યારે આપણા ૪૦ માણસો માર્યા ગયા હતા, ૧૦ને ગંભીર ઇજાઓ થઈ હતી તેમને દુશ્મનો પકડી ગયા હતા, પણ તેમની પાસેથી પાછા છોડાવી લીધા હતા.

‘એ’ પોઈન્ટ તરફ દુશ્મનોએ પહેલાં તો ગામડાં પર તોપમારો કર્યો અને ત્યારબાદ થાણા પર હુમલો કર્યો. દુશ્મનો ગામડામાં પેઠા અને ગોળીબાર શરૂ કર્યો. આપણી ફોજોએ પણ સામો જવાબ દીધો, પણ દુશ્મનોએ બેયોનેટ અને ટોમીગનથી હુમલો કર્યો. જાપાનિઝોએ આખા ગામને આગ લગાડી તેના પરિણામે દુશ્મનોની સ્થિતિ મુશ્કેલ બની ગઈ, ટેન્કો લઇ જવાનું મુશ્કેલ બન્યું એટલે ટેન્કો પડતી મૂકીને દુશ્મનોને ભાગી જવું પડ્યું. બન્ને પક્ષે ત્રણ ત્રણ જણાની ખૂવારી થવા પામી.

સાંજને છેડે ટૌંગજીન હજી અમારા હાથમાં છે. દુશ્મનોને ભાગી જવું પડ્યું છે અને વેરિવખેર થયેલી ‘બી’ ટુકડી પુનઃ વ્યવસ્થિત થઇ રહી છે.

તા. ૨૫ મી માર્ચ ૧૯૪૫નો કર્નલ ધીલોનનો હેવાલ જણાવે છે કે

છેલ્લા હેવાલ પછી કોઈ ખાસ મહત્ત્વનું બન્યું નથી. જો કે બન્ને પક્ષ તરફથી નિરીક્ષક હિલચાલ વધી રહી છે.

એક દિવસ તા. ૨૭ મીના રોજ દુશ્મનની ૫૦ સૈનિકોની નિરીક્ષક ટુકડી આપણી ફોજના થાણા આગળ આવી. આપણી હરોળના ચોકીઆતે સમયસર ખબર આપ્યા અને પરિણામે તેને ઘેરવા માટે બે બાજુથી આપણી પલ્ટણને મોકલવામાં આવી. પણ તેને ઘેરી લેવામાં આવે તે પહેલાં તો તેમણે નાસવા માંડ્યું. આપણા સૈનિકોએ બે માઈલ સુધી તેમનો પીછો પકડ્યો, એમાંના ઘણા તો મલાયામાંથી ભરતી થયેલા નાગરિકો હતા. દુશ્મનોએ નાસતા નાસતા પીછો પકડનારા આપણા સૈનિકો પર ગાળીબારો કરવા માંડ્યા. આપણા સૈનિકોએ ગોળીબારથી બચવાને જમીન પર બેસી જવાને બદલે નાસતા દુશ્મનોને બૂમ પાડીને સંભળાવ્યું, ‘એ બાત તો સુનતે જાઓ’, બે કલાક સુધી પીછો પકડ્યા પછી આપણા સૈનિકા પાછા ફર્યાં, જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ‘તમારે આવું જોખમ લેવું ન જોઇએ. જમીન પર બેસી જવું જોઈએ.’ ત્યારે તેમણે કહ્યું, ‘સાહેબ હમ ક્યા કરે દુશ્મન તો રૂકતા હી નહીં હૈ, ભગે ચલે જાતા હૈ.’ આપણી ફોજનો, આપણા સૈનિકોનો અપૂર્વ જુસ્સો આ શબ્દોથી વ્યક્ત થયા છે પણ એમની તાલીમ પૂરી નથી.

બીજે દિવસે જાપાની અફસરે સમાચાર આપ્યા પામ્ગોબીન નજદિકના ગામડીઆઓએ ત્રણ દુશ્મન લોરીઓ મડદાથી ભરેલી પસાર થતી જોઈ હતી.

એવા પણ સમાચાર મળ્યા કે ટુન્ગીન ટેકરીઓ પાસેના ગામડામાંથી દુશ્મનો બળાત્કારે સ્ત્રીઓને ઉઠાવી ગયા હતા. તેમને એક એ દિવસ રાખીને પાછી મોકલી આપી હતી. બળાત્કારના બનાવો તો એટલા બધા વધી પડ્યા હતા કે ગામડીઆઓ બ્રિટિશ વિરોધી બની ગયા. આ બીજું થાણું છે કે જ્યાં દુશ્મનો આપણને પરાજય આપી શક્યા નથી. દુશ્મનો તેમને કદાચ ખોરાક સામગ્રી આપે પણ તેમનાં અપમાન ભૂલાય તેમ નથી અને બર્મિઝો સ્વમાનને ઘણું મહત્ત્વ આપે છે.

૨૧ માર્ચ: યુનીટ નં. ૪૫૩ની આપણી સ્થિતિનો બર્મિઝ જાસૂસે દુશ્મનને ખ્યાલ આપી દીધો છે. એટલે આપણા યુનીટ પર દુશ્મને સખ્ત તોપમારો, બોંબમારો અને મશિનગનનો મારો કર્યો. ચાર કલાક સુધી આ હુમલો ચાલુ રહ્યો. આમ છતાં આપણો એક જ માણસ ઘાયલ થયો. આપણી રક્ષણાત્મક હરોળની સંગીનતાનો એ પૂરાવો છે.

પ્રતિ,
કર્નલ શાહનવાઝખાન
રવાના,
લેફ. કર્નલ જી. એસ. ધીલોન

કેપ્ટન મહમદ હસનની ગેરહાજરીની સૈન્ય પર કોઈ અસર થવા પામી નથી અને નૈતિક બળને પણ કાંઇ અસર થવા પામી નથી. આગલી હરોળ પર અમે યુદ્ધ ચાલુ રાખવાના છીએ. જ્યાં સુધી ધ્યેયની સિદ્ધિ ન થાય ત્યાં સુધી અમે આરામને જાણતા નથી. આઝાદ હિંદ ફોજની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે અમે અમારા પ્રાણ હોમી દઈશું. અમને પાણી મળે કે ન મળે, અમને ખોરાક મળે કે ન મળે, પણ અમારી લડાયક શક્તિને અમારા ખમીરને તેની કાંઈ પરવા નથી. કૅપ્ટન ચંદ્રભાણ, લેફ. ખાન મહમદ અને લેફ. કરતારસીંગ અને મારો સ્ટાફ, હું આપને અમારા લોહીના છેલ્લા ટીપાં સુધી લડી લેવાની જે ખાત્રી આપી રહ્યો છું તેમાં સાથે છે.

જયહિંદ
(સહી) જી. એસ. ધીલોન
લેફ. કર્નલ