નેતાજીના સાથીદારો/શ્રી. પ્રેમકુમાર સહગલ
← શ્રી. એસ. એ. આયર | નેતાજીના સાથીદારો શ્રી. પ્રેમકુમાર સહગલ પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ |
શ્રી. ગુરુબક્ષસીંગ ધીલોન → |
[૬]
શ્રી પ્રેમકુમાર સહગલ
[કર્નલ : આઝાદ હિંદ ફોજ]
‘નેતાજી સુભાષચંદ્ર બોઝ સમક્ષ જે પ્રતિજ્ઞા મેં લીધી હતી તે પ્રતિજ્ઞા આજે પણ કાયમ છે. અમે યુદ્ધ હારી ગયા છીએ, પણ આઝાદીનો જંગ અમે છોડી દીધો નથી અને જ્યાં સુધી આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ જંગ ચાલુ જ છે. પૂર્વ એશીયામાં અમે નેતાજીની આજ્ઞા- નુસાર શસ્ત્રોથી લડ્યા. પણ હવે પલ્ટાયેલા સંજોગોમાં મહાસભાના નેતૃત્વ તળે આઝાદી માટે લડીશું.’
કલકતાના નેતાજીના નિવાસસ્થાનમાં નેતાજીની તસ્વીર સમક્ષ, પુનઃ પ્રતિજ્ઞા લેતાં કર્નલ શ્રી. પ્રેમકુમાર સહગલે ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં હતા. દિલ્હીના લાલ કિલ્લામાં બ્રિટિશ સલ્તનતે બેસાડેલી લશ્કરી અદાલત સમક્ષ ગંભીર તોહમતો માથે લઈને ઉભેલા ત્રણ અફસરોમાંના તેઓ એક હતા. વૃદ્ધ પિતા સર અચ્છુરામ તેમનો મુકદમો લડવા ભુલાભાઈને વિનવે છે. ત્યાં પં. જવાહર પડકાર કરે છે. આઝાદ ફોજના એક પણ સૈનિકનો વાળ સરખો પણ વાંકો ન થવો જોઈએ. ખબરદાર ! : મહાસભાની કારોબારી તેમના બચાવવાની વ્યવસ્થા કરે છે. અને લંબાણ સુનાવણી પછી એ ત્રણે નર—સિંહો મૂક્ત થયા છે. દેશભરમાં, એ નર સિંહોનું ભવ્ય સ્વાગત થાય છે.
ત્રીસેક વર્ષના બહાદુર જુવાન સહગલનો જન્મ તા. ૨૫ માર્ચ ૧૯૧૭ ના રોજ પંજાબના હોશીયારપુર નામના એક ગામડામાં થયો હતો. તેમનાં માતાનું નામ શ્રીમતિ રતનદેવીઃ ૧૯૨પ્-૩૦ માં લાહોરમાં રાવિના તટે ભરાયેલી મહાસભાની યાદગાર બેઠકમાં તેમણે હાજરી આપી હતી. મહાસભાએ ત્યારે પૂર્ણ સ્વરાજનો નાદ ગાજતો કર્યો હતો. લાહોરથી પાછા ફર્યાં પછી જલંદરમાં તેમણે મહાસભાની અસહકારની ચળવળમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. તેમના પિતાએ પણ અસહકારની લતમાં ૧૯૨૦-૨૧ માં સક્રિય ભાગ લીધો હતો. તેના પિતા લાલા અચ્છુરામ લાહોર હાઈકોર્ટના જજ હોઇને, વધુ અભ્યાસ માટે લાહોરમાં આવ્યા. ત્યાં પ્રેમકુમાર સંહગલ આર્યસમાજના સંપર્કમાં આવ્યા.
બ્રિટીશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારી લાલા અચ્છુરામની જેમ તેમના પુત્રમાં પણ ભરી હતી. એના બુંદમાં એ વફાદારી હતી અને પંજાબનું લડાયક ખમીર તેના દિમાકમાં ભરેલું હોઇને તે શિક્ષણ પૂરું થતાં જ પિતા પુત્રને પોતાના વકીલાતના ધધામાં ખેંચવા માંગતા હતા, પણ તેમને લશ્કરમાં જ જોડાવું હતું અને કુટુંબના વિરોધ છતાં લશ્કરી તાલીમ માટે તેઓ દહેરાદુનની પ્રીન્સ ઓફ વેલ્સ રૉયલ ઈડિન્યન મિલિટરી કોલેજમાં જોડાયા. ૧૯૩૯માં ઇન્ડિયન મિલિટરી એકેડેમીનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી તેમને હિંદના ખુશ્કી દળના કેપ્ટન તરીકે નીમવામાં આવ્યા. એક વર્ષની વધુ તાલીમ પછી શ્રી. સહગલને બ્રિટિશ દળની પાંચમી બલુચ રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા.
વિશ્વયુદ્ધ ભયાનક બન્યું હતું, યુરોપમાં ફેલાયેલી એની સંહારક જ્વાલાઓ એશિયામાં પણ વ્યાપી જવાનો ભય ઊભો થયો હતો. બ્રિટિશ સામ્રાજ્યને માટે, એ મુશ્કેલ પળો હતી. અને એશિયામાંના સામ્રાજ્યને બચાવવા માટે હિંદમાંથી લશ્કરો ત્યાં ખડકાઈ રહ્યાં હતાં.
એક દિવસ શ્રી. સહગલને તાકીદનો ઓર્ડર મળ્યો. તમને બીજી બલુચ રેજીમેન્ટના કમાન્ડર નીમવામાં આવે છે અને તમારે સીંગાપોર જવાને ઉપડી જવું. ૧૯૪૦ માં શ્રી. સહગલ પોતાની ટુકડી સાથે સીંગાપોર પહોંચી ગયા. પૂર્વ એશિયામાં જાપાન સજ્જ થઈને ઘા કરવાની તૈયારીમાં હતું. અમેરિકા ગયેલા જાપાની પ્રતિનિધિઓ વાટાધાટ ચલાવી રહ્યા હતા. જાપાન યુદ્ધમાં ઉતરવાની હરેક સંભાવના હોવા છતાં પણ સામાન્ય ખ્યાલ એવો હતો કે હજી તો મંત્રણાઓ ચાલે છે એટલે જાપાન ત્યાં સુધી તે થોભશે, પણ જાપાનને હવે વધુ વખત થોભવું પરવડે તેમ ન હતું અને એકાએક પર્લ હાર્બર પર હુમલો કર્યો. બ્રિટનના પ્રિન્સ ઑફ વેલ્સ અને રીપલ્સ નામના જંગી જહાજોને જળસમાધિ દીધી અને તરત જ બ્રિટીશ હકુમતો તળેના પ્રદેશો પર વ્યવસ્થિત આક્રમણ શરૂ થયાં. મલાયા પર જાપાને ભીંસ દીધી. ત્યારે મલાયાના કોટભાકુ બંદરના બચાવનું કાર્ય શ્રી. સહગલને સુપ્રત થયું હતું. કોટભાકુ બંદર–હવાઈ મથક પણ હતું, એટલે તેના રક્ષણ માટે બેવડી તૈયારી કરવાની હતી. શ્રી. સહગલે આક્રમણ સામે રક્ષણાત્મક હરોળ ઊભી કરી, પણ જાપાનની તોતીંગ તોપો અને જંગી તાકાત સામે રક્ષણાત્મક હરોળો બિચારી કંગાલ હતી અને બીજી બાજુ બ્રિટિશ નીતિ પીછેહઠ કરવાની હતી. પરિણામે સહગલને પણ પોતાના સૈનિકો સહિત પીછેહઠ કરવી પડી. પણ, બ્રિટિશ લશ્કરના ઇતિહાસમાં સહગલની પીછેહઠ માત્ર આંખ મીંચીને દોડતાં અને સીંગાપોરમાં ભરાઈ જવાના એકમાત્ર ખ્યાલવાળી પીછેહઠ ન હતી. ક્યારેક સહગલ પોતાના સૈનિકો સાથે પીછેહઠ કરતાં કરતાં પણ, જાપાની ફાજો સામે પ્રતિ આક્રમણ પણ કરતો, પીછો પકડવામાં મશ્ગુલ બનેલા જાપાનીઓ ત્યારે ચોંકી ઉઠતા, પણ સહગલના સૈનિકો તે પહેલાં તો સારી જેવી ખૂવારી કરતા. આમ પીછેહઠ કરતાં કરતાં આખું મલાયા વિંધીને દક્ષિણ કિનારે આવી પહોંચ્યા.
એ પીછેહઠ દરમિયાન સહગલે જે દૃશ્યો જોયાં, એ દૃશ્યોએ હૈયું હચમચી ઊઠ્યું. ધણી વિનાનાં ઢોર જેવા થઈ પડેલા, બેહાલ બનેલા અને આવનારી આફતો, ખૂવારીઓ, અપમાન અને ત્રાસની કલ્પનાથી ધ્રૂજી ઊઠતા હિંદીઓ, દયા યાચતા હતા. વર્ષોથી જે બ્રિટીશ સામ્રાજ્યની છાયા તળે તેઓ જીવતા હતા. જે સામ્રાજ્યને પોષવાને તેમણે પોતાનાં સાધનો અને શક્તિઓ આપ્યાં, એ સામ્રાજ્ય અણીના અવસરે તેમનું રક્ષણ કરવાને નિષ્ફળ ગયું. એમના દિલમાં કંપ હતો. જાપાનીઓ વિશે જે વાતો સાંભળી હતી, જે ત્રાસદાયક કથાએ જાપાનને નામે ફેલાવવામાં આવી હતી, એનાં ચિત્રો હિંદીઓ સમક્ષ ખડાં થયાં હતાં અને તે થર થર કંપતા હતા. સહગલની બુદ્ધિ તેજ થઇ. લશ્કરી શિસ્ત અને વફાદારીની વચ્ચે એ બિદ્ધિ પોતાના દેશવાસીઓની બેહાલી પ્રત્યે ખેંચાતી હતી. આ મનદુઃખ વચ્ચે જેમ તેમ કરીને સહગલ પોતાના રહ્યાસહ્યા સાથીઓ સાથે સીંગાપોર પહોંચ્યા.
સીંગાપોર, પૂર્વનો દરવાજો, બ્રિટિશ સામ્રાજ્યના તાજનું અણમોલ મોતી. એના રક્ષણ માટે જંગી તૈયારીઓ થઈ હતી. ગમે તેવી તાકાત સામે સીંગાપોરને ટકાવી રાખવાની એ તૈયારીઓ હતી, એની ધરતીને માથે મોટી તોપો ગોઠવવામાં આવી હતી. જગત આખાને વિશ્વાસપૂર્વક કહેવામાં આવતું હતું કે સીંગાપાર તો અણનમ રહેશે જ. પીછેહઠ કરતાં લશ્કરોને પણ એવો જ વિશ્વાસ હતો. સીંગાપુરમાં તેઓ એવું યુદ્ધ આપશે કે જાપાનના દાંત ખાટા થઈ જશે.
સહગલને સીંગાપોરના ફરતા મથકનો હવાલો અપાયો, પણ જાપાન જ્યારે સીંગાપોર પર ત્રાટક્યું, ત્યારે એ બધી તૈયારીઓ જાણે ગંજીફાનાં પાનાંના મહેલની માફક તૂટી પડી, સહગલે મર્દાનગીભર્યો સામનો કર્યો. સામનો કરતાં કરતાં પોતાના સાથીઓથી તે એક એ વખત વિખૂટા પડી ગયા, પણ હિંમતથી, દુશ્મન વચ્ચે થઈને પોતાના સાથીઓને જઈ મળ્યા.
સીંગાપોર પડ્યું. એના રક્ષણહારોએ હથિયારો હેઠાં મૂક્યાં અને એક દિવસે બ્રિટિશ સેનાપતિએ, હિંદી સૈન્યોનો હવાલો, જાપાની પ્રતિનિધી કુજીવારાને સુપ્રત કર્યો. એક ધણી એમ પોતાની માલિકીના ઢોર, બીજા ધણીને સુપ્રત કરે ત્યારે એ ઢોરને ઈસારામાં કહે કે હવે તારા આ નવા માલિકને વફાદાર રહેજે. એવી રીતે બ્રિટીશ સેનાપતિએ આ હિંદી સૈનિકોને સંબોધીને કહ્યું કે, ‘અત્યાર સુધી તમે જેમ અમને વફાદાર રહ્યા છો. તેવી જ રીતે હવે જાપાની સેનાપતિને વફાદાર રહેજો અને તેમના હુકમનું પાલન કરજો.’
સહગલની બુદ્ધિ આ દૃશ્ય જોઈને મુંઝાઈ ગઈ.
એના દિલમાં પ્રશ્ન ઉઠ્યો. જે રાજા પ્રત્યેની વફાદારીની મેં પ્રતિજ્ઞા લીધી હતી, એ વફાદારી હવે ક્યાં સુધી ઊભી રહે છે ? જે સામ્રાજ્ય પોતાના સૈનિકોને આમ મુંગા ઢોરની માફક બીજી સત્તાને હવાલે કરી દે છે, એ સામ્રાજ્ય પ્રત્યે હું શી રીતે વફાદાર રહી શકું? અને તરત જ તેમણે સમ્રાટ પ્રત્યેની વફાદારીની ભાવના દિલમાંથી ભૂંસી નાંખી.
જાપાની પ્રતિનિધી ફુજીવારાએ હિંદીઓને તેમની આઝાદ સેના સ્થાપવાની સૂચના કરી અને મોહનસિંહને એ માટેની કામગીરી સુપ્રત થઈ. મોહનસિંહ એ કાર્યમાં પરોવાઈ ગયા. પણ સહગલે, આઝાદ સેનામાં જોડાવાની સાફ ના પાડી. જાપાનીઓ પ્રત્યે સહગલના દિલમાં વિશ્વાસ નહતો. જાપાનીઓનો ઈરાદો, હિંદી સૈનિકોની સહાયથી હિંદ જીતીને હિંદ પર સત્તા જમાવ- વાનો તો નહિ હોયને ? હિંદ જેઓ સમૃદ્ધ દેશ જો સહેલાઈથી હાથમાં આવતો હોય તો જાપાન શા માટે જવા દે? અને જો જાપાનનો ઈરાદો એવો હોય તો બ્રિટીશરો જાય તોય શું અને ન જાય તોય શું ? હિંદને તો એક માલિક ગયો ને બીજો આવ્યો. એ માટે આપણે જાપાનીઓને મદદ કરવી ?
અને સહગલે, મોહનસિંહને આઝાદ હિંદ ફોજમાં જોડાવાની સાફ ના પાડી દીધી. પરિણામે સહગલને પોતાના સાથીઓથી અલગ પાડવામાં આવ્યા. વિખૂટા પડેલા સહગલના દિલમાં વારંવાર એ પ્રશ્ન જ ઉઠતો હતો. ‘જ્યાં સુધી જાપાનની શુભ નિષ્ઠાની આપણને ખાત્રી ન મળે ત્યાં સુધી તેના પર ઈતબાર શી રીતે મૂકી શકાય ?’
પરન્તુ મોહનસિંહના પ્રયાસો સફળ થતા હતા. વિસર્જન થયેલા હિંદી સૈનિકો, પુન: નવા ધ્યેય સાથે આઝાદ હિંદ ફોજમાં જોડાતા હતા. એમના દિલમાં શ્રદ્ધાની નવી તેજરેખા પ્રગટતી હતી. જુદી જુદી છાવણીઓમાં રહેલા હિંદી સૈનિકોને મોહનસિંહનો સંદેશો પહોંચી ગયો હતો. સહગલનો વિરોધ જ્યારે તેમના કેટલાક સાથીદારોએ જોયા ત્યારે તેની સાથે ચર્ચા કરવાની તક, મોહનસિંહે મેળવી આપી અને સહગલે પોતાના સાથીદારો સાથે છાવણીમાં, એ પ્રશ્નની નવેસરથી ચર્ચા કરવા માંડી. સહગલના દિલમાં જે વસવસો હતો તે તેણે પોતાના સાથીઓ સમક્ષ સ્પષ્ટતાથી મૂક્યો. સાથીઓ એ સમજતા હતા. પણ તેમણે સહગલને સમજાવ્યું કે, બ્રિટિશ સામ્રાજ્ય હવે હિંદનું રક્ષણ કરી શકે એમ માની શકાય તેમ નથી. જાપાન જે ઝડપથી આગળ વધી રહ્યું છે, એ જોતાં એને હિંદ પર ત્રાટકતા વાર નહિ લાગે અને હિંદમાં તો રક્ષણાત્મક તૈયારીઓને નામે મોટું મીંડુ છે. એ સ્થિતિમાં જો આપણી આઝાદ ફોજ જાપાનની મદદથી હિંદ પર જાય તો, હિંદની સત્તા હિંદીઓના હાથમાં જ રહે, અને જાપાનની ગમે તેવી બુરી દાનત હોય તે પણ તેનો સામનો થઈ શકે.
સહગલને ગળે આ દલીલો ઉતરી અને તેણે પોતાના સાથીદારો સાથે જ આઝાદ હિંદ ફોજમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય જ્યારે હિંદી સૈનિકોએ જાણ્યો ત્યારે એમના આનંદની સીમા ન રહી, તેમની સાથે જ શાહનવાઝખાન અને ધીલોન પણ જોડાયા.
સહગલની તેજસ્વી બુદ્ધિ, વ્યવસ્થા શક્તિને કારણે તેમને યુદ્ધમંત્રીનો જવાબદારીભર્યો હોદ્દો સુપ્રત થયો.
કિન્તુ સહગલના દિલમાં જે શંકાઓ હતી, એ શંકાઓ સાબુત પૂરવાર થઈ અને કર્નલ મોહનસિંહ અને જાપાની લશ્કરી સત્તાવાળાઓ વચ્ચે અથડામણ ઉભી થઈ એના પરિણામે આઝાદ ફોજનું વિસર્જન થયું અને મોહનસિંહને ગીરફતાર કરવામાં આવ્યા.
નિરાશાનું વાતાવરણ ચોમેર છવાઈ રહ્યું હતું, ત્યાં નેતાજીના આગમને, ફરીને થંભેલા પ્રગતિનાં પૂર વ્હેતાં થયાં. આાઝાદ હિંદ ફોજની નવેસરથી રચના કરવામાં આવી. ત્યારે પણ શ્રી. સહગલને તો યુદ્ધમંત્રીનો જ, જવાબદારીભર્યો હોદ્દો સુપ્રત થયા હતા.
નેતાજીના તેજસ્વી, સચોટ અને સ્વદેશ ભાવનાની જ્યોત સમા ભાષણોએ શ્રી. સહગલની બુદ્ધિને વધુ સતેજ કરી. અત્યાર સુધી તેણે જે વાંચ્યું હતુ, એમાંથી જે પ્રેરણા મેળવી હતી, તે નેતાજીના ભાષણોએ જાગ્રત બની.
પહેલી આઝાદ ફોજ કરતાં બીજી આઝાદ ફોજને ભારે સફળતા મળી નેતાજીના ભાષણોએ અપાવી હતી—કલ્પનામાં પણ ન આવે તેટલા પ્રમાણમાં ભરતી થવા લાગી. માત્ર સૈનિકોને જ નહિ પણ હિંદી નાગરિકો-વ્યાપારીઓ વ્યાપાર છોડીને હથિયારો ધારણ કરવા તૈયાર થતા. યુવાનોનો ધસારો પણ એવો જ જબ્બર હતો.
આઝાદ હિંદુ ફોજની રચના પછી આઝાદ હિંદની કામચલાઉ સરકારની નેતાજીએ સ્થાપના કરી અને વડું મથક રંગુન ખસેડ્યું. તેની સાથે શ્રી. સહગલ પણ રંગુન ગયા. ભરતી અને તાલીમનું કામ પૂરું થયું અને હિંદ પર વ્યવસ્થિત આક્રમણ કરવાની તૈયારીઓ પૂરી થઈ. નેતાજીએ જાતે એ આક્રમણ માટેની પહેલી પસંદગીમાં, કર્નલ શાહનવાઝખાનની પસંદગી કરી અને આઝાદ હિંદની ફોજને આગળ વધીને, હિંદના સીમાડા ઓળંગી ગઈ. આસામની આઝાદ ધરતી પર, ત્રીરંગી ઝંડો ફ્રકતો થયો.
પણ એ વિજય ઝાઝી વાર ટક્યો નહિ, પ્રતિકુળ હવામાન અને જાપાનની મદદ કરવાની દિલચોરીને કારણે, આઝાદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવાની જરૂર પડી, કર્નલ શાહનવાઝખાન જ્યારે મોરચા પર લડતા હતા ત્યારે યુદ્ધ મંત્રી સહગલ, જાપાન પાસેથી મદદ મેળવવા માટે લડી રહ્યા હતા.
નેતાજીએ જ્યારે જોયું કે હવે આપણે યુદ્ધ ગુમાવતા જઈએ છીએ. દુશ્મનની વધી પડેલી પ્રવૃત્તિને અટકાવવાને માટે ગેરીલા ટુકડી મોકલવાને મોરચા પર મોકલવાનો નિર્ણય કર્યો. કર્નલ સહગલને એ ટુકડીના સેનાપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા. દિવસોથી મોરચા પર જવાને શ્રી. સહગલ ઉત્સુક હતા.
મોરચા પર જઈને, પોતાના જ બિરાદરો સામે, પોતાની માતૃભૂમિની આઝાદી માટે, ત્રીરંગી ઝંડા નીચે લડવાને ખૂબ આતુર હતા. વારંવાર નેતાજીને વિનંતી કરતા ‘મને મોરચા પર મોકલો.’
‘હજી વાર છે. તમારે માટે સમય આવશે ત્યારે મોકલીશ જ’ નેતાજી જવાબ આપતા. આખરે એ સમય આવ્યો.
નેતાજીની આશીષ સાથે કર્નલ સહગલ મોરચા પર ગેરીલા યુદ્ધ ખેલવાને ઉપડ્યા. એ વખતે ઈમ્ફાલ અને કોહીમા મોરચેથી અને વિષ્ણુપુર અને બિગન રોડના મોરચેથી પીછેહઠ શરૂ થઈ હતી.
કર્નલ સહગલ અને તેમની ટુકડીએ વીરતાનો અજબ પાઠ જગતને દીધો. એક વખત તો કર્નલ સહગલ ઘેરાઈ જવાની સ્થિતિમાં હતા. પોતાની ટુકડીના માણસોથી એ વિખૂટા પડી ગયા હતા. તેમની મોટર દુશ્મનને કબજે ગઈ હતી, અને કર્નલ સહગલને માથે કદાચ મોત ભમતું હોય એમ સહુને લાગ્યું, પણ એવી પળોમાં કર્નલ સહગલે એક ખાઈમાં બેસીને સામનો શરૂ કર્યો. એકલે હાથે દુશ્મન સામે લડતાં હતા ત્યાં કૂમક આવીને, દુશ્મનને હાંકીને, ફરીને એ પ્રદેશ હાથ કર્યો; પણ દુશ્મનની તાકાત રોજ-બરોજ બઢતી હતી; એના સરંજામનો જે નાશ થતો હતો તેનાથી અનેક ગણો અધિક સરંજામ રણમેદાન પર ખડકાતો હતો તે બીજી બાજુ આઝાદ હિંદ ફોજના સૈનિકોને માટે ભૂખમરો, વસ્ત્રોની તંગી, યુદ્ધ સામગ્રીનો અભાવ અને ઘવાયેલા માટે તબીબી સારવારની મુશ્કેલી હતી. એનું એક પરિણામ એ આવ્યું કે કેટલાક સૈનિકો દુશ્મનને મળી ગયા. આ જાતની દગાખોરી સામે નેતાજીએ પહેલેથીજ તકેદારી રાખી હતી. કોઈ પણ ફોજને રણમોરચે મોકલતાં પહેલાં નેતાજી જાતે એની મુલાકાત લેતા. અને સૌથી પહેલી વાત એ કહેતા કે, આ જંગમાં તમને હું ભૂખ, વેદના અને મુશ્કેલીઓ આપવાનો છું. મારી પાસે મોટા પગાર આપવાની કોઈ સગવડ નથી. આ તો ફકીરોનું સૈન્ય છેઃ બદલામાં મળશે આપણા દેશની આઝાદી. આમ છતાં જેઓ હજી પણ આઝાદ હિંદ ફોજમાંથી અલગ થવા માંગતા હોય તેઓ થઈ શકે છે. જેમને મોરચા પર લડવાની ઇચ્છા ન હોય તેઓ એમ કરી શકે છે. પણ મોરચા પર ગયા પછી દિલ્હી યા મૃત્યુ એ સિવાય તમારે માટે બીજો કોઈ માર્ગ નથી. દુશ્મનના પ્રલોભન સામે ટકી રહીને આપણે દિલ્હી પહેાંચવાનું છે.’
આમ છતાં પણ આઝાદ ફોજના સૈનિકોનું મનોબળ તૂટતું હતું. દુશ્મનો આગળ વધતા હતા અને છેલ્લે આાઝાદ હિંદ સરકારનું વડું મથક પણ રંગુનથી ખસી ગયું હતું.
કર્નલ સહગલના સાથીદારોએ હવે પરિસ્થીતિ પર નવેસરથી વિચાર કરવાનો આગ્રહ કર્યો. હવે યુદ્ધ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી એમ સમજાયું. પોતાની ચોમેર દુશ્મનો ઊભા છે એમણે હવે કાંતો નાગરિક પોષાકમાં છટકી જવું અથવા તો યુદ્ધ કેદી તરીકેની શરણાગતી સ્વીકારવી એ બે જ માર્ગ ખુલ્લા હતા. સાથીદારો અને સૈનિકોએ યુદ્ધ કેદી તરીકે શરણે જવાનો નિર્ણય કર્યો. કર્નલ સહગલે, એ નિર્ણય, એક વફાદાર સિપાહીની અદાથી સ્વીકારી લીધો. પરન્તુ આ સ્થિતિમાંય યુદ્ધ ચાલુ રાખવા ને મૃત્યુને ભેટવાનો આગ્રહ કરનારાઓ મોજુદ હતા. કર્નલ સહગલે શરણાગતિનો નિર્ણય સ્વીકાર્યો છે એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે તેમને સખ્ત આઘાત લાગ્યા. કર્નલ સહગલે જવાબમાં કહ્યું: ‘સાથીદારોએ જે નિર્ણય કર્યો છે તેને વફાદાર રહેવાનો આપણો ધર્મ છે. જે આવી પડે તે આપણે સહુએ સાથે જ ભોગવીએ એમાં જ આપણી કસોટી છે.
થયેલા નિર્ણય પ્રમાણે કર્નલ સહગલે બ્રિટિશ દળના સેનાપતિને સંદેશો મોકલ્યો: ‘જો અમને યુદ્ધ કેદી તરીકે સ્વીકારતા હો તો અમે શરણે આવવા તૈયાર છીએ.’
બ્રિટિશ સેનાપતિએ એ શરત સ્વીકારી અને આલેનમ્પો ખાતે કર્નલ સહગલ પોતાના ૪૦ ઓફિસરો અને ૫૦૦ સૈનિકો સાથે શરણે થયા.
કર્નલ સહગલની શરણાગતી પછી તેમને અટકમાં રાખવામાં આવ્યા અને ત્યાંથી દિલ્હી લાવીને લાલ કિલ્લામાં રાખવામાં આવ્યા. ત્યાં પાછળથી કર્નલ શાહનવાઝખાન અને કર્નલ ધીલોનને પણ લાવવામાં આવ્યા અને તેમની સામે મુકદમો ચલાવવાને માટે દિલ્હીના લાલ કિલ્લામાં જ લશ્કરી અદાલત બેસાડવામાં આવી. એ અદાલત સમક્ષ, કર્નલ સહગલે યાદગાર નિવેદન કરતાં, પોતાના હૈયામાં જે વેદના ભરી હતી તેને વ્હેતી મૂકી છે. એ નિવેદનમાં જણાવ્યું છે કે
ફેરાર પાર્ક માં બ્રિટિશરોના પ્રતિનિધિ લેફ્ટ. કર્નલ હંટે અમને હિંદીઓને ઘેટાંનાં ટોળાંની માફક જાપાનિઝોને સોંપ્યા હતા. આ વસ્તુ અમને સૌને એક ફટકારૂપ લાગી હતી. હિંદી સૈન્યે પારાવાર મુશ્કેલીઓની સામે લડાઈ કરી હતી, એનો બદલો બ્રિટિશ વરિષ્ઠ સત્તાવાળાઓએ, અમને જાપાનિઝોની દયા પર છોડીને આપ્યો હતો.
અમને લાગ્યું હતું કે, બ્રિટિશ સરકારે આપમેળે જ બ્રિટિશ તાજની સાથે સાંકળતાં અમારાં બંધનો તોડી નાંખ્યા હતાં અને અમારી જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા. જાપાનિઝોએ અમને કપ્તાન મોહનસિંગને હવાલે કર્યા હતા.
તેઓ આઝાદ સેનાના વડા સેનાધિપતિ તરીકે અમારી આગળ આવતા હતા. અમારૂં ભાવિ ઘડવા માટે અમને તેમના હાથ તળે મુક્ત કરાયા હતા. અમે પ્રમાણિકપણે એમ માનતા હતા કે, ‘બ્રિટિશ તાજે અમને રક્ષણ આપવાનું બંધ કર્યું છે. આથી તે અમારી પાસેથી વફાદારીની માગણી કરી શકે નહિ.’
ત્યારબાદ કપ્તાન સહગલે ’૪૨ નો ‘હિંદ છોડો’ નો ઠરાવ અને ત્યારબાદ બનેલા બનાવોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, અખિલ હિંદ રેડિયો કે લંડન રેડિઓએ આ બનાવ પર પરદો પાડ્યો હતો. આમ છતાં, હિંદમાંથી છૂપા રેડિયો તેમ જ ધરી રેડિયોના સમાચારો વિગતવાર આવતા હતા. આ બધાં રેડિયો મથકો પરથી આવતા સમાચારોથી અમને એમ લાગતું હતું કે, ૧૮૫૭ ના બળવા પછી જે દમનરાજ હિંદમાં થયું હતું. તેનું જ આ પુનરાવર્તન હિંદમાં થઈ રહ્યું હતું.
આ વિષય અંગે બ્રિટિશ તેમ જ હિંદી અખબારો અને સત્તાવાર સમાચારો ચૂપકીદી સેવતા. આથી ઉપરના સંદેશાઓની સચ્ચાઈ પુરવાર કરવાને અમારી પાસે કંઈ હતું જ નહિ. આથી અમે જે સ્વજનો છોડીને આવ્યા હતા તેઓની અમને ચિંતા થતી હતી. આ સાથે અમારા દેશને કાયમી ગુલામીમાં રાખનાર બ્રિટિશ શાહીવાદી કટુરોષની લાગણી પણ હતી.
હિંદના બચાવ વિષે અમારી પાસે જે કંઈ માહિતી હતી તે કંઈ ઉત્સાહપ્રેરક નહોતી. અમારામાં જેઓ આશાવાદી હતા, તે પણ જાપાનની આગેકૂચને અટકાવવાની બ્રિટિશ તાકાતની શક્તિ વિષે શંકા ધરાવતા હતા.
લાંબી વિચારણા બાદ, મને એક જ માર્ગ દેખાયો હતો. આ માર્ગ જાપાની સેના સાથે જ હિંદમાં ફૂચકદમ કરી શકે તેવા એક શિસ્તબદ્ધ શસ્ત્રધારી લશ્કરને ઉભો કરવાનો હતો. આ લશ્કર અત્યારના પરદેશી શાસનથી હિંદને મુક્ત કરે અને જાપાનિઝોની સંભાવિત પજવણીથી દેશને બચાવી શકે એમ હતું. આ સેના જ અંગ્રેજોના સ્થાને હિંદમાં જાપાનિઝોને પેસતા અટકાવી શકે એમ હતી.
આઝાદ ફોજમાં જાપાનના ખરાબ વર્તાવના કારણે કે સ્વાર્થી હેતુઓ માટે હું જોડાયો નહોતો. ’૪૨માં ફોજના કપ્તાન તરીકે મને તો માત્ર મહિને ૮૭ ડોલર મળતા હતા હું બહાર રહ્યો હોત તો મને મહિને ૧૨૦ ડોલર મળી શક્યા હોત. કેવળ દેશપ્રેમથી જ હું ફોજમાં જોડાયો હતો.
કપ્તાન સહગલે ત્યાર બાદ યુદ્ધકેદી તરીકેના આ બધા અધિકારોને લાયક હોવાનો દાવો કરતાં જણાવ્યુ. હતું કે,‘ ’૪૫ ના એપ્રિલની ૧૮ મીએ અમે શરણે થયા હતા. એ યાદીમાં અમે યુદ્ધકેદી તરીકે જ શરણે થવાને તૈયાર છીએ એમ અમે જણાવ્યું હતું.’
આ યાદીની શરતો સામે વાંધો ઉઠાવ્યા વિના અમારી શરણાગતીનો સ્વીકાર થયો હતો અને શરણાગતી બાદ યુદ્ધ કેદીઓ તરીકે જણાવવામાં આવ્યા હતા. અમારી આ શરત સ્વીકારાઈ ના હોત તો અમે લડાઈ ચાલુ રાખવાનો નિશ્ચય કર્યો હતો. અમે સૌ સૈનિકો હતા અને અમારામાંના દરેક લોહીનું છેલ્લું ટીપું આપવા તૈયાર હતા.
ખૂનમાં સહાય કરવાના આરોપ સબંધમાં કપ્તાન સહગલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સિપાઇઓ દોષિત સાબિત થયા હતા અને તેઓને મેાતની સજા ફરમાવાઈ હતી; પરંતુ આવા પ્રકારના મુકદ્દમામાંથી પસાર થયેલા બીજા ગુનેગારોની માફક તેઓની પાસે દિલગીરી જાહેર કરાઈ હતી. શિસ્તભંગ ફરીથી નહિં કરાય એવી ખાતરી આપતાં તેઓ સામે સજાનો અમલ થતા અટકી ગયો હતો.
આ સજાનો અમલ કરાયો હોત, તોય મારી સામેનો આરોપ ટકી શકે નહિ. ચાર ગુનેગારો સ્વેચ્છાએ ફોજમાં જોડાયા હતા અને તેની શિસ્તને તાબે થયા હતા. પ્રવૃત્તિ દરમિયાન તેઓએ શરમજનક રીતે ફરજના ત્યાગ કર્યો હતો. આથી વિશ્વના લશ્કરી કાયદા અનુસાર તેઓ મોતની સજાને પાત્ર થયા હતા.
આઝાદ હિંદ ફોજ, હિંદને મુક્ત કરવાના પોતાના ધ્યેયમાં નિષ્ફળ ગઈ હતી, તેમ છતાં, અમારામાંના દરેકને સંતોષ હતો કે આ ફોજે મલાયા, બ્રહ્મદેશ અને અગ્નિ એશિયાના બધા આક્રમણકારો સામે, હિંદીઓના જાનમાલ, મિલ્કત અને આબરૂની રક્ષા કરી છે. આ ખટલો શરૂ થયા બાદ, રંગુનનો હિંદી ખ્રિસ્તી સંસ્થા, તેમજ બ્રહ્મદેશના હિંદીઓના સંઘ વગેરેના તારો આ બાબતના પુરાવા આપે છે.
ખૂબસુરત વદનવાળો ઉંચો પાતળો, ખુશમિજાજ પ્રેમકુંવર સહગલ સૈનિક છે છતાં એનામાં કવિત્વની કોમળતા ભરી છે. આઝાદ ફોજ માટે જ્યારે સૈનિકોની ભરતીનું કાર્ય પૂર જોશમાં ચાલતું હતું અને નેતાજીનાં પ્રવચનો જ્યારે સૂતેલી પ્રજાના પ્રાણને જાગ્રત કરતા હતા ત્યારે કવિ સહગલનાં ગીતો એ જાગ્રતિને પાનો ચડાવતા હતા.
આ યુવાન પર, કદાચ એને ખબર પણ નહિ હોય, પણ પંજાબની એક યુવતિ આશક થઈ પડી. સહગલને માટે, મોરચા પર દુશ્મન સામે લડતો હતો ત્યારે એણે પ્રતિજ્ઞા લીધી કે, જો ‘પરણું તો પ્રેમકુમાર સહગલને જ, બીજાને નહિ !’
એને શ્રદ્ધા હતી કે એના શુદ્ધ પ્રેમનો એકદા વિજય થશે જ. આ જાતની પ્રતિજ્ઞા સામે તેના કુટુંબીઓએ વિરોધ ઉઠાવ્યો. પણ સદ્ભાગ્યે, સહગલને તેઓ જાણતા હતા છતાં દુ:ખ એ હતું કે કોણ જાણે ક્યારેય સહગલ પાછો આવશે ? અને પાછો આવ્યા પછી પણ પ્રતિજ્ઞાબદ્ધ થયેલી, કુમારીને પરણવાને તૈયાર થશે ખરો ? એના માતાપિતાએ તેને ખૂબ સમજાવી પણ એ બાળાએ પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો ઈન્કાર કર્યો.
જ્યારે લાલ કિલ્લામાં, સહગલ સામે મુકદ્દમો શરૂ થયો ત્યારે તો એની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની રહીસહી આશા પણ જતી રહી. છતાં પણ એ બાળાએ હિંમતથી જવાબ આપ્યોઃ ‘સહગલ સિવાય હું કોઈને પરણીશ નહિ.’ એનું દિલ એને કહેતું હતું કે ‘સહગલ જરૂર તને મળશે જ’ અને દેશભરના પ્રચંડ વિરોધને કારણે આઝાદ ફોજના એ ત્રણે અફસરોને મુક્ત કરવામાં આવ્યા, ત્યારે એ બાળાને પોતાના શુદ્ધ પ્રેમનો વિજય જણાયો હોય તો નવાઈ નહિ.
કર્નલ સહગલ મૂક્ત થયા પછી આઝાદ હિંદ ફોજના સૈનિકોના પ્રશ્ન તો ઉકેલવામાં રોકાઈ ગયા છે. તેમણે મેજર જનરલ શાહનવાઝખાન સાથે મહાત્માજીની મુલાકાત લીધી અને ધીમે ધીમે મૂક્ત થઈ રહેલા આઝાદ હિંદ ફોજના સૈનિકોને પુનઃ કામ ધંધે લગાડવાનું કાર્ય, તેમજ જેઓ શહિદ થયા છે તેમના કુટુંબીઓને રાહત આપવાનું કાર્ય જે મહાસભાની દોરવણી હેઠળ ચાલી રહ્યું છે તેને સંભાળી રહ્યા છે. નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા આજેય મોજુદ છે. અને ફરીને જ્યારે હિંદની આઝાદી માટે લડવાનો મોકો મળે ત્યારે મહાસભાની દોરવણી હેઠળ લડવાને તેઓ તૈયાર છે. યુદ્ધનું પલ્લું બીજીતરફ ઢળતું હતું, વિજેતાઓ પરાજીત થઈ રહ્યા હતા, અને જાપાનની તાકાતને સખ્ત ફટકો પડ્યો હતો. આઝાદ હિંદ ફોજની મોરચા પર પહોંચેલી અને બ્રિટિશ તાકાતને પડકાર આપીને, અપૂર્વ યુદ્ધ કૌશલ્ય બતાવતી સેનાને શસ્ત્રોની, અનાજની અને દવાદારૂની તંગી જણાતી હતી ત્યારે જાપાનના વલણ અંગે સહગલે તા. ૨૦મી ઓગસ્ટના રોજ લખેલો યાદગાર પત્ર નીચે મુજબ છે.
પ્રિય જામન,
કર્નલ શાહનવાઝના રિપોર્ટ સાથેનો તારો હેવાલ મળ્યો. આ સબંધમાં મેં તરત જ નેતાજીને હેવાલ મોકલી આપ્યો છે. ગઈ સાંજે લેફ. જનરલ ઇશોડા સાથે નેતાજીએ તારા હેવાલમાં જણાવેલા પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી. હું પણ તે વખતે હાજર હતો. જો કે ચર્ચા દરમ્યાન લેફ. જનરલ ઇશોડાએ એ અંગે તાર કરવા જણાવ્યું હતું પણ તે કાંઈ કરી શકે તેમ નથી.
જ્યારથી જાપાનીઓએ રક્ષણાત્મક પગલું ભરવાનો નિશ્ચય કર્યો ત્યારથી તેમના વલણમાં ફેરફાર થયેલો હું જોઉં છું. એ વિષે કદાચ મારા કરતાં તું વધુ સ્પષ્ટતાથી કહી શકશે. ગમે તેમ પણ એક વસ્તુ ચોક્કસ છે કે, રંગુનમાંના જાપાની સત્તાવાળાઓ પાસેથી આપણે કશી આશા રાખવી એ વ્યર્થ છે. તારે તારા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે હામચીબુટાઈ સાથેજ ફોડી લેવાનું રહેશે. મોરચા પરની જાપાની સ્ટીમ લંચને છુટી કરવાને આપણી સ્ટીમ લંચ મોકલવાની અમે ઓફર પણ કરી હતી. પણ તેનો ઈન્કાર કરવામાં આવ્યો.
આપણે છ લોરીઓ [મોરચા પરના સૈનિકો માટેનો પૂરવઠો પહોંચાડવા]ની વ્યવસ્થા કરી. માપણા કારખાનામાંજ તેની સજાવટ થઈ અને તે જવાને તૈયાર થઈ કે તરતજ તેને રવાના કરવામાં આવી છે. માંડલેમાંની હોસ્પીટલ માટે પણ જરૂર છે અને જાપાનીઓ પાસેથી એ મળતાં અમે તરતજ તને મેાકલી આપશું.
મોરચા પરથી પાછા ફરતાં આપણા સૈનિકોને બે જોડ કપડાં આપવાની વ્યવસ્થા થઈ ગઈ છે. બુટની દુકાન પણ ઉઘાડવામાં આવી છે. આપણી મુખ્ય મુશ્કેલી તો સામગ્રી મેળવવાની છે. કોઈ પણ કિંમત આપતાંયે મળી શકતી નથી. અમે અહીં અમારાથી બને તેટલું કરી રહ્યા છીએ. આપણા બિરાદરોની મુશ્કેલીમાં અમે કાંઈ કરી શકતા નથી એવી જે લાગણી પ્રવર્તે છે તે અસહ્ય છે.
ડીવીઝન ૧ અને ૨ ને જ્યાં રવાના કરવામાં આવનાર છે એની તપાસ માટે લેફ. કર્નલ હબીબુર રહેમત ગયા છે. અને એક બે દિવસમાં જ પાછા ફરવાની અમે આશા રાખીએ છીએ. તે પાછા ફરશે કે તરત જ, તને જે કાંઈ મદદ થઈ શકે તે કરવાનો હું પ્રયત્ન કરીશ.
ઈનાયત હસન અને આરશાદ પ્રત્યે શુભેચ્છાઓ સહિત.
(સહી) પ્રેમ
આઝાદ ફોજના સૈનિકોએ મોરચા પર જે વીરત્વભર્યો સામનો કર્યો હતો તે સંબંધમાં કર્નલ સહગલ પોતાની સહી સાથેની ડાયરીમાં નીચે પ્રમાણે લખે છેઃ
(૧) તમામ સૈનિકોએ સંપૂર્ણ વફાદારીપૂર્વક અંતકરણથી પોતાની ફરજો બજાવી છે. ઘણા પ્રસંગોએ તેમની ધ્યેય પ્રત્યેની વફાદારી પૂરવાર કરી છે. અને બહાદૂરી પૂર્વક લડ્યા છે. કોઈપણ પ્રસગે તેમની વફાદારી પરત્વે મને શંકા આવી નથી. (ર) કોઈ પણ અમલદારે જરા પણ કાયરતા બતાવી નથી અને અણીના પ્રસંગે તેઓ ખૂબ જ વીરતાથી લડ્યા છે.
તા. ૨ જીના રોજ જ્યારે દુશ્મનો આપણા મથકો સુધી પહોંચ્યા ત્યારે લેફ. યાસીનખાને જાતે ગોળીબાર કર્યો. દુશ્મનની યાંત્રિક તોપોના મારા વચ્ચે તે આપણા મથકે પહોંચી જઈને ત્યાંના આપણા સૈનિકોને હિંમત આપતા રહ્યા. તા. ર૯ મીની રાત્રે પણ એવી જ વીરતાથી લડ્યા હતા.
એસ. ઓ. અબ્દુલાખાનને તેની વીરતા માટે વીર-એ-હિન્દનો ઇલ્કાબ એનાયત કરવાની ભલામણ કરવામાં આવી છે. તેઓ અને એસ. ઓ. અબ્દુલ હકીમ હંમેશાં મુશ્કેલ પરિસ્થિતિમાં ચોકી કરતા રહ્યા છે.
તા. ૩ જીની રાત્રે લેફ. ગંગાસીંગે ૪૫ સૈનિકો સાથે આપણા કરતાં બઢતી તાકાતવાળી દુશ્મન ટુકડી પર છાપો માર્યો અને તેને ભગાડી મૂકી.
(૩) દુશ્મનનો સામનો કરતાં કોઈ પણ સૈનિકે કાયરતા પિછાની નથી. આપણા થાણા પર આપણા કરતાં વધુ તાકાતવાળી દુશ્મન ટુકડીએ હુમલો કર્યો ત્યારે એક પણ વ્યક્તિ પોતાના સ્થાન પરથી પાછી હઠી નહતી આપણા મર્યાદિત શસ્ત્રો અને સંખ્યાબળ સાથે આપણે બઢતા બળ અને સંખ્યાવાળી દુશ્મન ટુકડી પર હુમલો કર્યો ત્યારે પણ એક પણ સૈનિક હતાશ થયો નહતો. જ્યાં સુધી ટુકડી દુશ્મનનો મુકાબલો કરતી હતી, ત્યાં સુધી હતાશા ફેલાવા પામી નહતી એટલુંજ નહિ પણ આ ટુકડી વીરતાથી લડી હતી, એનું નિશ્ચય બળ અજોડ હતું. હીકારી કોકટન ડીવીઝનનો લેફ. ઇનુઝુકા આ વીરતાથી આશ્ચર્યમુગ્ધ બન્યો હતો. તેણે મને જણાવ્યું હતું કે, દુશ્મનની આટલી મોટી તાકાત સામે આઝાદ ફોજના સૈનિકોનો એ અત્યાર સુધીના જંગોમાંના મોટામાં મોટો જંગ હતો. જે વીરતાથી એ ટુકડી લડી હતી તેની જાપાની ટુકડી પર ભારે અસર થવા પામી હતી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ પર એ અભિપ્રાય મોકલી આપવાની તેણે પાતાની ફોજના વડાને વિનંતિ કરી હતી.
આમ છતાં જે નિરાશા, આપણી ફોજમાં છવાઈ છે તેનું મુખ્ય કારણ તે નીચે મુજબ છે.
{{hi|(૩) ખાસ કરીને આ મોરચા પરના સૈનિકો અને અમલદારોમાં એવી માન્યતા દ્રઢ થતી જાય છે કે, જે દુશ્મન પાસે લશ્કરી બળ, શસ્ત્ર બળ આપણા કરતાં અનેક ગણું વધારે છે અને જેને ખાપણામાંથી નાસી છુટેલા અમીચંદોનો સાથ છે, તેમની સામે હવે લડત ચાલુ રાખવાનો કોઈ અથ નથી. સામાન્ય દિવસોમાં આમાંના મોટા ભાગના અમલદારો આવી દગાખોરી કરવાને પ્રેરાત નહિં પણ જ્યારે તેમણે પોતાના કરતાં અનેકગણી તાકાત સામે જોઈ ત્યારે લડત ચાલુ
રાખવાની તેમની નૈતિક હિંમત તૂટી ગઈ અને દુશ્મનને મળી જઈને પોતાની જાતને બચાવી લેવાનો માર્ગ અખત્યાર કર્યો.}}
સંખ્યાબળમાં અલ્પ, ભૂખથી શક્તિ ગુમાવી બેઠેલા, શારિરીક ઇજા અને માનસિક ચિંંતાઓથી ભરેલા આપણા બહાદુર સૈનિકો પોતાના મથકે જ્યાં સુધી જાપાની સૈનિકો આવ્યા ત્યાં સુધી ઊભા રહ્યા અને વિંધાઈ ગયા. કેટલાય એવા બનાવો છે કે એ મેરીટના અધિકારી છે અને તપાસ પૂરી થતાં જ તે અંગેનો હેવાલ રજૂ થશે.
લેફ. કર્નલ.
આ હેવાલ પૂરો થયા પછી બીજી એક અગત્યની બાબત પ્રકાશમાં આવી છે.
જ્યારે મોટી સંખ્યાના અમલદારો દુશ્મનને મળી જતા હતા ત્યારે તેઓ પોતાના તાબાના સૈનિકોને પોતાની સાથે આવવાનો હુકમ કરતા, અથવા તો તેમને થાણું છોડી જવાની સૂચના કરતા. આ સંબંધમાં તપાસ થઇ રહી છે અને એવી વ્યક્તિઓનાં નામો મેળવવાનો પ્રયાસ થI રહ્યો છે કે જેઓ પોતાની સ્વેચ્છાથી દુશ્મનને મળી ગયા છે અને જેઓને જુઠાં વચનો આપીને લI જવામાં આવ્યા છે.
લેફ. કર્નલ.