લખાણ પર જાઓ

નેતાજીના સાથીદારો/શ્રી. એસ. એ. આયર

વિકિસ્રોતમાંથી
← ડૉ. લક્ષ્મી સ્વામીનાથન નેતાજીના સાથીદારો
શ્રી. એસ. એ. આયર
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ
શ્રી. પ્રેમકુમાર સહગલ →



[૫]

શ્રી. એસ. એ. આયર


[પ્રચારમંત્રી: આઝાદ હિંદ સરકાર]


વિનાશની પ્રચંડ સામગ્રી ધરાવતા હોવા છતાં, પ્રલય સર્જવાને ઉત્સુક એવી પ્રચંડ માનવ તાકાત મોજૂદ હોવા છતાં, વિજય પ્રાપ્ત કરવાને, પોતે જે વિનાશની ભેટ આપી રહ્યો છે એ ભેટ આપવાને તે હક્કદાર છે એમ સમજાવવાને માટે, પ્રચારકલાની આવશ્યકતા, જગતના હરકોઇ માંધાતાને, હરકોઇ સામ્રાજ્યને, ગમે તેવી બાલિષ્ટ તાકાતને, પણ સ્વીકારવી પડી છે. વિજ્ઞાને જેમ સંહારક શક્તિના નવાં નવાં આયુધો જગતને આપ્યાં તેમ પ્રચારકલાએ, જુઠાણાંઓ, ભયંકર જુઠાણાંઓ અને એ જુઠાણાંઓ દ્વારા, અસત્યને પણ

મહા સત્ય તરીકે ઠસાવી દેવાની શક્તિ આપી છે.

યુદ્ધમાં વિજેતા થવાને, દુશ્મન પ્રજાના નૈતિક બળને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગઈકાલ સુધી જેઓ જે પ્રજાની, જે રાષ્ટ્રની અને જે રાષ્ટ્રના અધિકારીઓની કદમપોશી કરવામાં ગૌરવ માનતા હોય, તેઓ બીજે દિવસે એ પ્રજા, એ રાષ્ટ્ર અને એ રાષ્ટ્રના અધિકારીઓની ભયંકરમાં ભયંકર નાલેશી કરીને, જગતનો પ્રજામત પોતાને પક્ષે ખેંચવાનો પ્રયાસ કરવામાં ગૌરવ લે છે. જગતમાં આજે પ્રચાર કલાને હસ્તગત કરવાની સ્પર્ધા જાગી છે. કોણ વધુ ભયંકર અસત્યોને સત્ય તરીકે ઠસાવીને પ્રજાના જુસ્સાને જાગ્રત કરી શકે છે, એ આજના યુગમાં અગત્યની વસ્તુ થઇ પડી છે.

હમણાં જ પૂરા થયેલા વિશ્વવિગ્રહમાં આ પ્રચારકલાએ ઓછો ભાગ ભજવ્યો નથી. પ્રજાના નૈતિક બળને ટકાવી રાખવાને અને હિટલર ને તેના સાથીદારો પ્રત્યે પ્રજાના દિલમાં નફરત જાગે, ધિક્કારની લાગણી જન્મે એવી જાતનો પ્રચાર આપણે જોયો છે. નાઝીઓને આપણા પૂરાણા કાળના લોહી તરસ્યા રાક્ષસો કરતાં પણ વધુ ભયંકર રીતે આપણી સમક્ષ ચીતરવામાં આવ્યા હતા. એ નાઝીઓ પ્રત્યે, યુદ્ધ પહેલાં બ્રિટન કેવું વલણ ધરાવતું હતું એ તે સૌ કોઈ જાણે છે.

જેમ આપણે ત્યાં હિટલર વિરુદ્ધનો પ્રચાર હતો, તેવી જ રીતે હિટલરના દેશમાં બ્રિટન અને તેના સાથીદારો વિરુદ્ધ પણ એવો જ પ્રચાર ચાલતો હતો. જૂઠાને વધુ પ્રચારની જરૂર છે એવી એક લોકોક્તિ આપણે ત્યાં પ્રચલિત છે, અને એના સમર્થનમાં આાજની પ્રચારકલાને સહેજે રજૂ કરી શકાય.

પરન્તુ આપણે દૂરની વાત ન કરીએ અને આપણા જ સામ્યવાદી બિરાદરોએ યુદ્ધકાળ દરમિયાન નેતાજી વિરુદ્ધ જે પ્રચાર કર્યો હતો, તેને જ યાદ કરીએ તો આપણને જણાશે કે પ્રચાર જ્યારે ઝનુની બને છે ત્યારે તેમાં ઝેર ભળે છે. એ ઝેર પ્રજાના માનસને વિકૃત બનાવે છે. એની તુલનાશક્તિ, ન્યાયબુદ્ધિનો હ્રાસ કરે છે.

ત્યારે એથી ઉલટું જ ચિત્ર આપણને નેતાજી અને તેમની આઝાદ હિંદ સરકાર પૂરું પાડે છે. આઝાદ હિંદ સરકારના પ્રચાર ખાતાએ પ્રજાને અસત્યોની ભ્રમણાજાળમાં કદિય ફસાવી નથી. કદિય ઇરાદાપૂર્વકનાં જુઠાણાંઓ ઊભાં કર્યા નથી. બ્રિટન પ્રત્યે વૈર હોવા છતાં, હિંદમાંના તેના ૧૫૦ વર્ષના વહિવટને નામે ઇરાદાપૂર્વકની કપોલકલ્પિત વિગતો રજૂ કરીને પૂર્વી એશિયાવાસી હિંદીઓનો સાથ તેમણે મેળવ્યો નથી. એમ આપણી સમક્ષ જે માહિતી ઉપલબ્ધ છે તે પરથી આપણે કહી શકીએ.

જગતના તમામ બળવાન રાષ્ટ્રોને જો પ્રચાર ખાતાની જરૂર હોય તો, નેતાજી અને તેમની આઝાદ હિન્દ સરકારને પ્રચાર ખાતાની જરૂર તો વિશેષ જ હોય. હિંદીઓને જાગ્રત કરવાનું, તેમનામાં આત્મભાન પ્રગટાવવાનું અને તેમને સર્વસ્વનું બલિદાન આપવાને તૈયાર કરવાનું કાર્ય કઠિન હતું.

પૂર્વ એશિયામાંના લગભગ ત્રીસ લાખ જેટલા હિંદીઓ જેઓ પોતાની માતૃભૂમિથી વર્ષોં થયા દૂર પડ્યા હતા. જેમને મન ધનોર્પાજન સિવાય બીજી કોઈ વસ્તુ મહત્ત્વની ન હતી અને જેઓને પોતાના દેશમાં વસતા, પોતાના બાંધવોને માથે તપતા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામી કેવી કરી રહી છે તેનો સંપૂર્ણ ખ્યાલ ન હતો, એવા એક વિશાળ સમુહ સમક્ષ નેતાજીની તેજસ્વી બનીને, નેતાજીનાં તેજસ્વી પ્રવચનોને, નેતાજીના અદમ્ય ઉત્સાહને, પ્રચારની જરૂર હતી. નેતાજીનો અવાજ પ્રત્યેક હિંદીના હૈયાને સ્પર્શી જવો જોઈએ. એ વિના નેતાજીએ આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી ન હોત.

જેમ નેતાજીનો હેતુ શુદ્ધ હતો, પ્રમાણિક હતો, તેમ આઝાદ સરકારનો પ્રચાર પણ શુદ્ધ હતો, પ્રામાણિક હતો.

એ પ્રચાર ખાતાના વડા હતા. શ્રી. એસ. એ. આયર; નેતાજીની આાઝાદ હિંદ સરકારમાં તેઓ પ્રચારમંત્રીનું માનનીય સ્થાન ધરાવતા હતા.

૪૭ વર્ષનો ઊંચો, પાતળો, બ્રાહ્મણ, આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાપતિઓ કર્નલ શાહનવાઝ, કર્નલ સહગલ અને કર્નલ ધીલોન સામે મૂકાયેલા ગંભીર આરોપોનો મુકદ્દમો ચલાવવા દિલ્હીના લાલ કિલ્લામાં બેઠેલી લશ્કરી અદાલત સમક્ષ બચાવપક્ષના સાક્ષી તરીકે ઊભો થાય છે અને એ અદાલત સમક્ષ બુલંદ અવાજે કહે છે: ‘ના, આઝાદ હિંદ સરકાર એ જાપાનના હાથમાં રમતું કોઈ રમકડું ન હતી. આઝાદ હિંદ ફોજ જાપાનના મનસુબાની સિદ્ધિ અર્થે ઊભી થઈ ન હતી. એ તો સંપૂર્ણ રીતે સ્વયંસેવકોનું દળ હતી.’

આઝાદ ફોજ અને આઝાદ હિંદ સરકારને, જાપાન પક્ષીય ગણીને જગત સમક્ષ બદનામ કરવા માટે જે વ્યવસ્થિત પ્રચાર ચાલ્યો હતો. જેને માટે જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો, એ પ્રચાર પૂરવાર કરવાને એકમાત્ર સાક્ષી તરીકે શ્રી. આયરની પસંદગી કરવામાં આવી હતી, પણ શ્રી. આયરની જુબાનીએ સરકાર પક્ષને મૂંઝવણમાં મૂકી દીધો.

શ્રી. આયર એક પત્રકાર છે. જીવનની શરૂઆત એણે પત્રકાર તરીકે જ કરી હતી. તેઓ નાતે તીનીવેલી બ્રાહ્મણ છે.

માત્ર ઉંચી પદવીઓ જ ધારણ કરનારાઓ જગતને ચકિત કરનારાં સાહસો કરી શકે છે, એવી માન્યતાને શ્રી. આયર પોતાની યશસ્વી કારકીર્દિથી જૂઠી પાડે છે. શ્રી. આયરનો અભ્યાસ માત્ર મેટ્રિક સુધીનો છે; નાનકડા ગામમાં જ અભ્યાસકાળ દરમિયાનનાં વર્ષો વિતાવીને, ૧૯૧૮માં તેમણે પોતાની માતૃભૂમિની વિદાય લીધી અને જીવનવાટે ડગ દીધા.

મુંબાઇ આવીને તેમણે જીવનની શરૂઆત કરી. રખડપટ્ટી પછી એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં મામુલી નોકરી મળી ગઈ, પણ એ નોકરી એમને લાંબો વખત અનુકૂળ ન રહી અને ત્યાંથી તેમણે એસોસીએટેડ પ્રેસ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં કૂદકો માર્યો.

હિંદનાં અખબારોને, હિંદભરના સમાચારો પૂરા પાડનારી એ સંસ્થા છે. દેશના અગત્યના ભાગમાં તેના પ્રતિનિધિઓ પથરાયેલા છે. અહીં શ્રી. આયરને સમાચારો વિશેનું જ્ઞાન મળ્યું. સમાચારોની મહત્તા, એની તુલના માટેની કાબેલિયત એમણે બતાવી અને ત્યાંથી પરદેશો અંગેના સમાચારો પૂરા પાડતી સમાચાર સંસ્થા ‘રૂટર’ વિભાગમાં સ્થાન મળ્યું. અહીં તેઓની દૃષ્ટિ સમક્ષ વિશાળ દુનિયા પથરાએલી હતી. દુનિયાના રાજકારણ, એના આંતરપ્રવાહો, એની રમતોથી તેઓ રોજ રોજ પરિચિત થવા લાગ્યા. ‘રૂટર’માં જોડાયા પછી તેમની શક્તિનો ઝડપી વિકાસ થયો અને એસોસીએટેડ પ્રેસના સમાચાર તંત્રી ‘News Editor’ના જવાબદારીભર્યા સ્થાન માટે તેમની પસંદગી થઇ. તેમની કાબેલિયતથી ખૂશ થયેલા એ સંસ્થાના વ્યવસ્થાપકોએ શ્રી. આયરને વધુ ને વધુ તકો આપવા માંડી, તેમને સંસ્થાએ લંડન મોકલ્યા. લંડનની તેમની સફ્ળ કારકીર્દિએ તેમના ઉત્કર્ષનો માર્ગ ખુલ્લો કર્યો; પ્રથમ હરોળના અગ્રણી સમાચાર મેળવનારાઓમાં તેમનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું હતું.

૧૯૪૦માં વિશ્વયુદ્ધનો દવ લાગ્યો. હિટલરે કેસરિયાં કર્યાં અને એક પછી એક દેશો પર નાઝી ફરફતો થયો. યુદ્ધ અંગેના સમાચારો પણ યુદ્ધના જેટલા જ મહત્ત્વના હતા, અને એ મહત્ત્વના સમાચારો મેળવવા માટે મેદાન પર દોડી જનારા સાહસિક પ્રામાણિક પત્રકારની આવશ્યકતા જગતે સ્વીકારી છે, યુરોપ, અમેરિકાના અખબારોએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા. આ અખબારી માનવીઓએ સમાચારો વહેલામાં વહેલા પૂરા પાડવા માટે, પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી.

શ્રી. આયરને આ યુદ્ધસમાચારો મેળવવા માટે બેંગકોકમાં મોકલવામાં આવ્યા, પણ ત્યાંથી પાછા ફરવાનું તેમના માટે અસહ્ય થઈ પડ્યું. વર્ષો પછી, આઝાદ ફોજના ત્રણ અફસરો સામેના કેસમાં સાક્ષી તરીકે તેમને હિંદમાં લાવ્યા, ત્યારે જ તે આવી શક્યા.

બેંગકોક ગયા પછી જાપાને યુદ્ધમાં ઝંપલાવ્યું અને હિંદની સરહદો બંધ થઈ ગઈ. તેઓ હિંદમાં આવી શકે તેમ ન હતું. એટલે તેમને બેંગકોકમાં જ રોકાઈ ગયા વિના છૂટકો ન હતો.

યુદ્ધની પરિસ્થિતિ બગડતી જતી હતી, જાપાન પણ પોતાના મિત્ર, જર્મનીની માફક કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું હતું. એશિયામાં જાપાનના વિજયે જબ્બર ખળભળાટ મચાવ્યો હતો. બ્રિટિશ હકુમત એશિયામાંથી તૂટતી જતી હતી, જાપાનની દયા પર, પૂર્વ એશિયામાંના લગભગ ૨૫ લાખ જેટલા હિંદીઓને છોડીને અંગ્રેજો વિદાય થયા હતા, ત્યારે જાપાનની હકુમત હેઠળનાં જુદાં જુદાં સ્થળે પથરાયેલા હિંદીઓને સંગઠિત કરીને હિંદની આઝાદી માટેની લડત શરૂ થઈ શકે તે હેતુથી ૧૯૪૨ માં શ્રી. રાસબિહારી ઘોષના નેતૃત્વ તળે આઝાદ હિંદ સંઘની સ્થાપના થઈ. બેંગકોકમાં એની સ્થાપના અંગેની પહેલી પરિષદ મળી. આ પરીષદમાં શ્રી. આયરે હાજરી આપી હતી. પૂર્વ એશિયાના હિંદીઓના દિલમાં સળગતી જ્યોતનાં તેમને ત્યાં દર્શન થયાં. કૅપ્ટન મોહનસિંહ દ્વારા આઝાદ હિંદ ફોજની રચના તેમણે જોઈ અને તેમનો આત્મા જાગ્રત થયો જગત એમણે જોયુ હતું. હિંદની આઝાદી માટેની લડતના ઇતિહાસથી તે પરિચિત હતા.

અને તેમણે આઝાદ હિંદ સંઘમાં જોડાવાનો ને પોતાની તમામ સેવા આપવાને નિશ્ચય કર્યો. શ્રી. રાસબહારી ઘોષે તેમને યોગ્ય એવી કામગીરી આપી. આઝાદ હિંદ સંઘના રાજદ્વારી ખાતાના મંત્રી તરીકે તેમને નીમવામાં આવ્યા, બેંગકોકમાં તેમનું વડું મથક નિયત થયું, એક વર્ષ સુધી આખી ય ચળવળનું વડું મથક બેંગકોક રહ્યું. એ વર્ષ દરમિયાન આાઝાદ હિંદ સંઘ અને જાપાન સાથેનું સંધર્ષણ વધુ ને વધુ તીવ્ર બનતું જતું હતું. આઝાદ હિંદ ફોજની રચના અંગે, તેના સ્થાન અંગે જાપાનના સત્તાવાળાઓ દાદ દેતા ન હતા અને તે હિંદીઓને પોતાની રમતના પ્યાદાં તરીકે ઉપયોગમાં લેવા માગતા હતા. આ સામે રાજદ્વારી ખાતાએ – શ્રી. આયરે – વારંવાર વિરોધ ઉઠાવ્યો હતો એના પરિણામે જાપાનના સત્તાવાળાઓ! અને આઝાદ હિંદ સંઘ વચ્ચે ધર્ષણ થયું, કેપ્ટન મોહનસિંહે આઝાદ ફોજનું વિસર્જન કર્યું.

આ કટોકટીની ઘડીએ જ, નેતાજીને પૂર્વ એશિયાના હિંદીઓનું નેતૃત્વ સ્વીકારવા માટે આમંત્રણ આપ્યુ. નેતાજીના આગમન સાથે જ પરિસ્થિતિ પલ્ટાઈ. જાપાનનું વલણ કંઈક અંશે અનુકૂળ બન્યું હતું અને હિંદીઓમાં નવો ઉત્સાહ પ્રગટ્યો હતો.

૧૯૪૩ના જુલાઈ માસમાં શ્રી. આયરનું વડું મથક બેંગકોકથી ખસેડીને સીંગાપોર લઈ જવામાં આવ્યું. સીંગાપોરમાં નેતાજીએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી અને જે પ્રધાનમંડળની રચના કરી, તેમાં શ્રી. આયરને સ્થાન મળ્યું. નેતાજીના ચુનંદા વિશ્વાસુ સાથીદારોમાં શ્રી. આયર પણ એક છે.

શ્રી. આયરને પ્રચારખાતું સુપ્રત થયું. આઝાદ સરકારનું રેડીઓ મથક, તેમણે સ્થાપ્યું. એ રેડિયો પરથી પ્રવચનો આપ્યાં, હિંદી પ્રજાનો કેસ મજબુતપણે તેમણે જગત સમક્ષ રજૂ કર્યો. હિંદી પ્રજાના થઈ બેઠેલા માલિકોએ, જે પાયમાલી કરી છે તેનો ખ્યાલ અતિ સ્પષ્ટતાથી જગતને તેમણે આપી દીધો. આઝાદ હિંદ સરકારના અખબારોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. એક અંગ્રેજી દૈનિક, ત્રણ દૈનિકો હિંદીમાં પ્રસિદ્ધ થતાં હતાં. શ્રી. આયરની સીધી દેખરેખ હેઠળ એનું સંચાલન થતું હતું. અંગ્રેજી અને હિંદી અખબારોનાં નામ હતાં. ‘આઝાદ હિન્દ’ તામીલ દૈનિકનું નામ હતું ‘સુથાનથરા ઇન્ડીઆ’: મલાયલમ્ ભાષામાં પ્રસિદ્ધ થતાં અખબારનું નામ હતું, ‘સ્વાધીન ભારતમ્’ હતું. ઉપરાંત ‘યંગ ઇન્ડીયા’ નામનું અંગ્રેજી સાપ્તાહિક અને તામીલી અઠવાડિક ‘યુવા ભારતમ્’ પણ તેમની દેખરેખ હેઠળ પ્રસિદ્ધ થતા હતા.

શૅનાન, સીંગાપોરમાંથી રેડિયો પરના વાયુ પ્રવચનોએ હિંદી પ્રજામાં ભારે રસ અને ચેતના પ્રગટાવ્યાં હતાં. ક્યારેક શ્રી. આયરને ટોકિયોના રેડિયોઘર પરથી પણ વાયુ પ્રવચન કરવા જવું પડતું હતું.

રેડિયો ઘર પર, શ્રી. આયરને, બ્રિટિશ પ્રચારનો ખાસ કરીને આઝાદ હિંદ સરકાર, નેતાજી અને આઝાદ હિંદ ફોજ પ્રત્યે બ્રિટિશ હકુમતના રેડિયોઘર પરથી જે આક્ષેપ કરવામાં આવતા તેનો તાત્કાલિક જવાબ આપવાને તૈયાર રહેવું પડતું. આ જવાબ પણ વિગતો સહિતનો એટલો સંપૂર્ણ હતો કે જગત સમક્ષ કેટલીય વાર બ્રિટિશ પ્રચારના જુઠાણા ખુલ્લા પડી જતા હતા.

આપણા દેશના ઇતિહાસમાં, પહેલી સીમલા પિરષદ, યાદગાર રહી જશે. મહાસભાએ ‘ક્વીટ ઈન્ડીયા’ નો નાદ ગાજતો કર્યા પછી દેશમાં જે દમનનીતિ ચાલી એ દમનનીતિને અંતે પણ જ્યારે હિંદી પ્રજાની આઝાદીની ક્ષુધા પ્રજ્વલિત રહી ત્યારે હિંદી પ્રજાને સંતોષવાની લોર્ડ લેવલને જરૂર જણાઈ, અને સીમલા ખાતે હિંદી આગેવાનોને મંત્રણાઓ માટે નોતર્યા હતા; હિંદમાં જ્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે પૂર્વ એશીયામાં આઝાદ હિંદ સરકારની હકુમત વ્યવસ્થિત રીતે ચાલતી હતી. હિંદમાંથી પરદેશી હુકુમતને નાબુદ કરવાને, નેતાજીના નેતૃત્વ નીચે હિંદીઓ જંગ ખેલી રહ્યા હતા.

પ્રચાર ખાતાના વડા શ્રી આયરનું ધ્યાન ત્યારે સીમલા પરિષદની મંત્રણાઓ પર કેન્દ્રિત થયું હતું. આઝાદ હિંદ રેડીયો ઘર મંત્રણાઓથી સતત્ જાગ્રત રહેતું. ઝીણી ઝીણી બાતમી દ્વારા, શાહિવાદી રમતથી ‘નેતાજી' ને પરિચીત રાખવામાં આવ્યા હતા. નેતાજી વાયુ પ્રવચન દ્વારા હિંદીઓને આ શાહિવાદ જાળથી મૂક્ત રહેવાને સૂચના કરતા હતા.

લશ્કરી અદાલત સમક્ષ જુબાની આપતાં શ્રી. આયરે જણાવ્યું હતું કે, ‘આઝાદ હિંદ સરકારની સ્થાપનાથી, પૂર્વ એશીયાના હિંદીઓમાં તેમની માતૃભૂમિની આઝાદી માટે લડવાની તમન્ના જાગૃત થઈ હતી, એટલું જ નહિ પણ હિંદીઓને સલામતિની પણ ખાત્રી થઈ હતી. આઝાદ હિંદ સરકારને વફાદાર રહેવામાં હિંદીઓ પોતાની જાતને ધન્ય માનતા. હિંદીઓ, નેતાજીના વચને, લક્ષ્મીની જે સરિતા વહાવી છે એ કોઈને પણ આશ્ચર્યમુગ્ધ કરે તેમ છે. એક શ્રીમંત મુસ્લિમે આઝાદ હિંદ સરકારની બેંકને કરોડ રૂપીયા અર્પણ કર્યા હતા. લોકોએ માત્ર ધન જ આપ્યું નથી પણ સ્ત્રીઓ પોતાના દાગીનાઓ અંગ પરથી ઉતારી ઉતારીને નેતાજીને અર્પણ કર્યા હતા.’

શ્રી. આયરે પોતાની જુબાનીમાં, ૧૯૪૩ ના ઓગસ્ટ માસમાં જ્યારે બંગાળામાં ભૂખમરો ભયંકર રીતે વ્યાપી ગયો હતો અને લાખો માણસો મૃત્યુના મુખમાં હોમાયા હતા ત્યારે આઝાદ હિંંદ રેડીયો દ્વારા એક વાયુ પ્રવચન કરીને પોતાના દેશબાંધવોને માટે, ચોખા પૂરા પાડવાની આઝાદ હિંદ સરકાર તરફથી બ્રિટિશ સરકારને જે ઓફર કરવામાં આવી હતી તેને લગતી રોમાંચક વિગતો રજુ કરી હતી. જોઈએ તેટલો જરૂરી ચોખાનો જથ્થો બંગાળને પૂરો પાડવાને, આઝાદ હિંદ સરકાર તૈયાર હતી, પણ બ્રિટીશ સરકાર એનો સ્વીકાર કરવાને તૈયાર ન હતી.

નેતાજીના આ વિશ્વાસુ અને બહાદુર સાથીદારે હિંદ અને હિંદીઓને પોતાના દિલમાં ઊંચુ સ્થાન આપીને, આઝાદ હિંદ- સરકારની ભક્તિભાવપૂર્વક વફાદારીથી સેવા બજાવી છે. હિંદનો આઝાદીનો ઇતીહાસ આવા વીરોના પરાક્રમોથી લખાઈ રહ્યો છે.