નેતાજીના સાથીદારો/શાહનવાઝખાન
← આનંદમોહન સહાય | નેતાજીના સાથીદારો શાહનવાઝખાન પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ |
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન → |
[૩]
શાહનવાઝખાન
[મેજર જનરલ; આઝાદ હિંદ ફોજ]
“તમારા હાથમાં આપણો ગરવો ઝંડો હું નિર્ભયતાથી મૂકું છું. આપણી માતૃભૂમિને તમે આઝાદ કરો અને આ ઝંડાનું ગૌરવ વધારો.
મને શ્રદ્ધા છે કે આ ઝંડા નીચે તમે આપણા ધ્યેયની સફળતાએ પહોંચશો.”
આઝાદ હિંદ ફોજ, રણમોરચા પર જવાને થનગની રહી છે. મહિનાઓ થયા તાલીમ લઈ રહેલી આઝાદ ફોજ હવે દુશ્મન ફોજોનો મુકાબલો કરી શકે તેમ છે. અનેક ગણી દુશ્મન તાકાત સામે લડી લેવાની તાકાત કરતાંય આઝાદ ફોજનું દૃઢ મનોબળ, ખુવાર થવાની એની તમન્ના હરકોઈને ઉત્સાહ આપે તેવા હતા.
ચોમાસા પહેલાં જ હિંદની સરહદ ઓળંગી જવી જોઈએ. ચોમાસું તો આપણે મણિપુરના પાટનગર ઈમ્ફાલમાં જ ગુજારવું જોઈએ.
નેતાજીનો એ નિર્ણય હતો, એ નિર્ણયથી આઝાદ ફોજના અફસરો માહિતગાર હતા.
‘હવે આપણે આક્રમણ કરવું જ જોઇએ.’ નેતાજી સમક્ષ આઝાદ ફોજના અફસરો વારંવાર માગણી કરતા હતા.
આઝાદ ફોજના સૈનિકો કહેતા, “અમને મોરચા પર ક્યારે મોકલશો ? અમારી શક્તિની કસોટી ક્યારે આવે છે?”
અધિરા બનેલા સૈનિકો આગ્રહ કરીને કહેતા, “અમને દુશ્મનોનો મુકાબલો કરવા માટે મોરચા પર મોકલી આપો. અમારી અધિરાઈનો હવે અંત આવ્યો છે.”
ને ઝાંસીની રાણી રેજીમેન્ટની વીરાંગનાઓ પણ સૈનિકોના કરતાંય અધિક જુસ્સાથી મેદાન પર જવાને અધિરી બની હતી.
નેતાજી પણ ચોમાસા પહેલાં ઈમ્ફાલ કબજે કરવાની યોજનાને અમલમાં મૂકવા માગતા હતા.
જાપાનિઝ સેનાપતિ સાથે નેતાજી એ અંગેની ગંભીર મંત્રણાઓ ચલાવતા હતા. જાપાનની નીતિ સમજ પડે તેવી ન હતી, જાપાનની દાનત વિશે હિંદીઓને પૂરી શ્રદ્ધા પણ ન હતી, આઝાદ હિંંદ ફોજ હિંદની સરહદ ઓળંગે એવો નેતાજીનો આગ્રહ હતો. જાપાની ફોજોને જો ખાવવું હોય, તો તેણે આઝાદ ફોજના ઝંડા નીચે આવવું જોઈએ એવો તેમનોના અભિપ્રાય હતો.
જાપાની સેનાપતિ વખત ટાળવા માગતો હતો. નેતાજી એ પણ સમજી ગયા હતા અને પોતાના સલાહકારો સાથે આ સંબંધમાં ગંભીર મંત્રણાઓ કર્યા પછી હિંદની સરહદ તરફ કૂચ કરવાનો નિર્ણય લેવાયો. કૂચ અંગેની તૈયારીઓ થવા માંડી, આઝાદ ફોજના મરજીવાઓ શહિદ થવાની ઘડી નજીક આવેલી જોઇને આનંદમગ્ન થયા.
કૂચ માટેનો દિવસ નક્કી થયો. મેજર જનરલ શાહનવાઝના હાથમાં આઝાદ હિંદ સરકારનો ત્રીરંગી ઝડો આપતાં નેતાજીએ ત્યારે ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં.
મેજર જનરલ શાહનવાઝખાને એ ઝંડાને સલામી આપી, નેતાજીને સલામી આપી અને હિંદની સરહદ તરફનો માર્ગ લીધો.
આઝાદ હિંદ ફોજના જે ત્રણ અફસરોએ હિંદી પ્રજાનું ધ્યાન ખેચ્યું છે. જેમનો બચાવ કરવા માટે હિંદી પ્રજાએ ભવ્ય પુરુષાર્થ કર્યો છે. જેમની મુક્તિ માટે પ્રબળ આન્દોલનો જગાડ્યાં છે. અને એ આન્દોલનોમાં કેટલાય નિર્દોષોનાં લોહી વહી ગયાં છે. એ ત્રિપુટીમાંના એક મેજર જનરલ શાહનવાઝખાન અગ્રણી છે. નેતાજીના એ અત્યંત વિશ્વાસુ સેનાપતિ મુક્તિ પછી પણ નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું પુનરુચ્ચારણ કરીને માભોમની આઝાદી માટેનો જંગ ચાલુ રાખી રહ્યા છે. નેતાજીના નેતૃત્વ હેઠળ તેઓ શસ્ત્રોથી લડ્યા. હવે તે મહાસભાની દોરવણી હેઠળ અહિંસક રીતે સંગ્રામ ચાલુ રાખી રહ્યા છે.
મેજર જનરલ શાહનવાઝખાન મુસ્લિમ છે, પણ પ્રથમ હિંદી છે. મુસ્લિમ હોવા છતાં પોતાની માતૃભૂમિ માટેની મુક્તિની લડતમાં મઝહબને તેઓ વચમાં લાવતા નથી. મઝહબ એ વ્યક્તિનો પ્રશ્ન છે. ત્યારે પોતાના દેશની મુક્તિ એ તમામ દેશબાંધવોનો પ્રશ્ન છે.
મેજર જનરલ શાહનવાઝખાનનો પરિચય એટલે વીરત્વનો પરિયય; આજીવન યોદ્ધાનો પરિચય; એમના જીવનના વાણે ને તાણે શૌર્ય વણાયેલું છે. જીવનભર એમણે શસ્ત્રોની મોહબ્બત કરી છે; શસ્ત્રો હાથ ધર્યાં છે. સામ્રાજ્યની રક્ષા ખાતર, સામ્રાજ્યની સલામતીને ખાતર પણ નેતાજીની વાણીએ તેમના જીવનમાં ક્રાન્તિકારી પલ્ટો આણ્યો. અત્યાર સુધી દેશ અને દેશની આઝાદીનો ખ્યાલ પણ જેમના મનને સ્પર્શી શક્યો નથી, હૈયાને સ્પર્શી શક્યો નથી. એવા લડવૈયાને પહેલી જ વાર નેતાજીએ તેમના દેશને ખાતર તેમના દેશની આઝાદી ખાતર, વિચાર કરતા કરી મૂક્યા.
મેજર જનરલ શાહનવાઝ નેતાજીના શબ્દોથી આકર્ષાયા. નેતાજીની વાણીએ તેમના સૂતેલા તારને જાગૃત કર્યા અને તેઓ મન સાથે વિચારતા હતાઃ સાચું શું ? સામ્રાજ્યની ભક્તિ-બ્રિટિશ સરકાર પ્રત્યેની વફાદારી કે દેશની ભક્તિ-દેશ પ્રત્યેની વફાદારી ? દિવસોના મનોમંથન પછી તેમણે નિશ્ચય કર્યો. દેશ પ્રત્યેની વફાદારી, દેશ પ્રત્યેની ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે અને એ ભક્તિ ને વફાદારી માગે છે, આઝાદી માટે સર્વસ્વનું બલિદાન. મેજર જનરલ શાહનવાઝખાને નેતાજીના સાથીદાર તરીકે જોડાવાનો નિશ્ચય કર્યો.
ને એક દિવસે શાહનવાઝે નેતાજી સમક્ષ પોતાનો નિશ્ચય વ્યકત કર્યો. નેતાજીએ એ જવાંમર્દને આવકાર આપ્યો. હિંદની આઝાદીનું પોતાનુ સ્વપ્ન સફળ થવાની તેમની આશા દૃઢ બનતી ગઈ. નેતાજીના એ પ્રિય સાથીદાર બની રહ્યા.
બત્રીસ વર્ષનો એ સશક્ત ઊંચો, ખડતલ, ભવ્ય, કદાવર અને બહાદુર યુવાન, હિંદની આઝાદીને ખાતર પ્રાણની પરવા કર્યા વિના બ્રિટિશ સલ્તનતની તાકાત સામે ઝૂઝ્યો. આઝાદ હિંદ ફોજ પર એણે કીર્તિનો કળશ ચઢાવ્યો.
રાવલપીંડી એમનું જન્મસ્થાન. ૧૯૧૪ના જાન્યુઆરીની તા. ૨૪ મી તેમનો જન્મદિન. તેમનું આખુંય કુટુંબ જાણીતું અને ખાનદાન છે. તેમના પિતા લેફ. ટીક્કાખાને ત્રીસ વર્ષ સુધી લશ્કરમાં સેવા બજાવી હતી, એ કુટુંબ પેઢીઓ થયા સામ્રાજ્યને પોતાની સેવા આપી રહ્યું છે. લશ્કરી ખુમારી અને ફનાગીરીના પાઠ તો, એમને બાલવયમાં જ, કુટુંબના વારસા તરીકે મળ્યા હતા.
જાટ જાતિના અને એ કુટુંબનો વીરત્વનો વારસો હતો, અને શાહનવાઝ પણ, વીરત્વનો ઇતિહાસ સર્જે એવાં એમનાં કુટુંબીઓની સ્વાભાવિક ઇચ્છા હતી, ઘર આંગણે પણ શસ્ત્રોની સોબત કરતાં, પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યાં પછી, પિતાનું ૧૯૨૩માં અવસાન થયા પછી કાકા અને બીજા કુટુંબીજનોએ તેમને લશ્કરી તાલીમ આાપવાનો નિશ્ચય કર્યો. શાહનવાઝ સામે ઉજ્જવળ કારકીર્દિ પડી હતી. એમનેય પોતાના પૂર્વજોની માફક હથિયારો સાથે મોહબ્બત હતી. મેદાન પર પહોંચવાના કોડ હતા અને તેમને ૧૯૨૬માં દહેરાદૂનની લશ્કરી તાલીમ શાળામાં મૂકવામાં આવ્યા. ત્યાં તેઓ સફળ કારકીર્દિ પામ્યા અને ૧૯૭૨માં ઇન્ડિયન મિલિટરી એકેડેમીનો કોર્સ પૂરો કર્યો. અને ૧૯૩૬માં તેઓ ઇન્ડિયન લેન્ડ ફોર્સ સર્વિસમાં જોડાયા. એમની કાબેલીયત માંગતી હતી, પ્રગતિ: અને એક જ વર્ષ પછી ૧૯૩૭માં તેમને ૧૪ મી પંજાબ, રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા.
એમને મોરચા પર લડવાના કોડ હતા. અત્યાર સુધી હિંદી ફોજને માટે કોઈ કાર્ય ન હતું. સરકાર મોટી ફોજો પાછળ લાખોનો ધૂમાડો કરતી હતી. એ ફોજોને માટે કોઇ બીજું કાર્ય ન હતું પણ યુદ્ધનો દાનાવળ ફાટી નીકળ્યો અને હિંદને પણ, બ્રિટને હિંદની ઈચ્છા વિરુદ્ધ અને પૂછ્યા વિના જ યુદ્ધમાં ખેચ્યું, હિંદની તાકાતને, યુદ્ધમાં વિજય હાંસલ કરવા માટે કામે લગાડવામાં આવી. હિંદની ફોજોને દરિયાપારનાં દૂર દૂરનાં મથકો પર મોકલવામાં આવી. હિંદી ફોજોએ વીરતાનો ભવ્ય ઇતિહાસ સર્જ્યો છે.
પૂર્વ એશિયામાં ગયેલી એ હિંદી ફોજોને જાપાની ફોજોનો સામનો કરવો પડ્યો, પણ યુદ્ધનું પલ્લું જાપાનને પક્ષે નમતું હતું, જાપાનની તાકાત વધુ હતી, એ સ્થિતિમાં હિંદી ફોજોના અંગ્રેજ અફસરો, હિંદી ફોજોને જાપાનને શરણે મૂકીને સલામત રીતે પલાયન થઈ ગયા, તેમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે, ‘તમે સ્વતંત્ર છો. તમને યોગ્ય લાગે તેમ કરો’ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ તેમને શરણે જવું પડ્યું.
ને જાપાની ફોજોએ હિંદી ફોજોનો કબજો લીધો. હજારો હિંદી સૈનિકોને જાપાની સેનાપતિની દયા પર છોડી દેવામાં આવ્યા. પારવગરની મુશ્કેલીઓ તેમના માર્ગમાં હતી. જાપાનિઝો તેમને પોતાના હિત માટે ઉપયેગમાં લેવા માગતા હતા.
જાપાની યુદ્ધ કેદીઓની છાવણીમાં પૂરાયેલા હિંદી સૈનિકોને જાપાની સેનાપતિને હવાલે કરતાં બ્રિટિશ સેનાપતિએ કહ્યું હતું કેઃ
‘તમે હવે જાપાની સેનાપતિના હાથમાં છો, અત્યાર સુધી તમે જે રીતે અમારો હુકમ સ્વીકાર્યો છે એવી જ રીતે હર્ષથી તમે જાપાનિઝ સેનાપતિનો હુકમ માનજો !’
પણ જાપાનિઝ સેનાપતિએ તેમને કેપ્ટન મોહનસિંહના હાથમાં મૂકતાં, મોહનસિંહે આઝાદ હિંદ ફોજની રચના કરી. કેદ પકડાએલા હિંદી સૈનિકોમાંથી કેટલાક એ માઝાદ ફોજમાં જોડાયા, પણ કર્નલ શાહનવાઝ ત્યારે એ પ્રવૃતિ તરફ આકર્ષાયા નહોતા. એમને મોહનસિંહ પ્રત્યે શંકા હતી. જાપાનના હાથમાં તેઓ રમતા હોય એવો વહેમ હતો. કેપ્ટન મોહનસિંહને પૂરી સફળતા ન મળી એની પાછળ મહત્ત્વનું કારણ એ હતું. કે આઝાદ ફોજના વ્યવસ્થાપક અને જાપાની સત્તા વચ્ચે સમાન મોભો નહતો. જાપાનની દાનત શુદ્ધ ન હતી એ એક વાત હતી અને જાપાનિઝોની સામે થઈને, પોતાનું ધાર્યું કરાવી શકે એવી શક્તિ કૅપ્ટન મેાહનસિંહમાં નહતી અને સ્વ. રાસબિહારી ઘોષમાં પણ નહતી; એટલે ગીરફતાર થયેલા હજારો હિંદીઓના દિલમાં વસવસો હતો.
કૅપ્ટન મેાહનસિંહે આાઝાદ ફોજનુ વિસર્જન કરવાનો નિર્ણય કર્યો અને જ્યારે પરિસ્થિતિ એવી હદે પહોંચી હતી કે ફરીને તમામ હિંદી સૈનિકાને જાપાનની છાવણીઓ વચ્ચે જ પૂરાઈ જવું પડે, પણ રાસબિહારી ઘોષે, નેતાજીને જર્મનીથી તેડાવ્યા ને આખુંય સૂકાન તેમના હાથમાં સુપ્રત કર્યું.
નેતાજીએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, હિંદની પરિસ્થિતિનું સાચું ચિત્ર પહેલી જ વાર નેતાજીની તેજસ્વી વાણીમાં દોરાયું. પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિંદીઓને પહેલી જ વાર, પોતાની માતૃભૂમિના કરુણ ચિત્રનું દર્શન થયું. નેતાજીના વાણીપ્રવાહે, તેમની સાથે જોડાએલા હજારોએ સર્વસ્વનું સમર્પણ કર્યું છે. એ સમર્પણની અણખૂટ ધારામાં તણાઈ આવનારાઓમાં શાહનવાઝખાન પણ હતા. નેતાજી સાથે જોડાવાના તેમણે નિર્ણય કર્યો, એ ઐતિહાસિક પળનું સ્મરણ કરતાં તેઓ જણાવે છે કે, ‘જ્યારે મે આઝાદ હિંદ ફોજમાં જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે સર્વસ્વનો ભોગ આપવાનો મારો નિર્ણય હતો, મારું જીવન, મારું ઘર, મારા કુટુંબને અને રાજાને વફાદાર રહેવાના કુટુંબની પેઢી દર પેઢીના વારસાનો પણ ભોગ આપવાનો નિશ્ચય કર્યોં હતો. મારો ભાઈ પણ જે મારા માર્ગમાં આડો આવીને ઊભા રહે તો, તેની સામે પણ લડવાનો મારો નિશ્ચય હતો.’
નેતાજીએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી અને કર્નલ શાહનવાઝખાનને પ્રધાનમંડળમાં લશ્કરી મંત્રીનો અગત્યનો હોદ્દો આપવામાં આવ્યો. એ હોદ્દાનો સ્વીકાર કરતાં તેમણે શપથ લીધા હતાઃ ખૂદાને સાક્ષી રાખીને. જે પ્રતિજ્ઞા હજીય તેઓ કાયમ રાખી રહ્યા છે તે પ્રતિજ્ઞા આ હતી.
‘ખૂદાને નામે, હું પ્રતિજ્ઞા કરું છું કે હિંદની અને હિંદના મારા ૩૮ કરોડ દેશબાંધવોની આઝાદી માટે અમારા નેતા સુભાષચંદ્ર બોઝને હું સંપૂર્ણ પણે વફાદાર રહીશ અને આઝાદી માટે હું મારી જિંદગીની કુરબાની કરવાને સદાકાળ તત્પર રહીશ.’
નેતાજીએ,કેપ્ટન મોહનસિંહે વિખેરી નાંખેલી આઝાદ હિંદ સેનાની પુનર્વ્યવસ્થાનું કામ, કર્નલ શાહનવાઝને સુપ્રત કર્યું. નેતાજીના દિલમાં શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે, કર્નલ શાહનવાઝ જેવા કાબેલ પુરુષને હાથે હિંદી સૈનિકોનું જે સંગઠ્ઠન થશે તે મજબૂત થશે.
કર્નલ શાહનવાઝખાને પૂર્વ એશિઆના પ્રદેશોમાં ઘૂમીને, માત્ર હિંદી સૈનિકો જ નહિ પણ નાગરિકોના દિલમાં પણ વતન પ્રત્યેનો જુસ્સો જાગ્રત કર્યો. દેશની આઝાદીની મહોબત જાગ્રત કરી. આઝાદ હિંદ ફોજ વધુ વધુ સંગઠ્ઠીત બની રહી અને તેની વધુને વધુ ટુકડીઓ ઊભી થતી રહી.
કર્નલ શાહનવાઝખાનને, મોરચા પર વિદાય દેતાં નેતાજીએ ઉપરના શબ્દોમાં, પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ત્રિરંગી ઝંડો સુપરત કર્યો હતો.
વીરત્વનો નવો ઇતિહાસ એ પુરુષે સર્જ્યો. સ્વદેશભક્તિનાં, ધૈર્યનાં અને શૌર્યનાં, નવાં સીમાચિહ્નો એ વીર પુરુષે ઊભાં કર્યાં.
ચીની ટેકરીઓમાંથી કર્નલ શાહનવાઝ પોતાની ફોજોને દોરવણી આપી રહ્યા છે.
આઝાદ ફોજને અટકાવવાની જવાબદારી, બ્રિટિશ લશ્કરી સત્તાવાળાઓએ કર્નલ શાહનવાઝના ભાઈને સુપ્રત કરી અને પોતાના ભાઈ સામે મેદાનમાં લડવાની, જે ખ્વાહિશ હતી તે પૂરી થઈ : પૂરી તાકાતથી, કર્નલ શાહનવાઝે પોતાના ભાઈ સામે મોરચો માંડ્યો. ભાઈ પ્રત્યેની મહોબતના અંકૂરોને દિલમાં જ ડામી દીધા. ભાઈ નહિ પણ, દુશ્મન પ્રત્યે એક વફાદાર સૈનિક જેટલો કઠોર થઈ શકે તેટલી કઠોરતા કર્નલ શાહનવાઝના દિલમાં જાગી હતી.
દિવસો પર દિવસો પસાર થતા ગયા અને બે ભાઈઓ સામ સામા ટકરાતા રહ્યા. ભાઈ ભાઈ વચ્ચેનો સંગ્રામ, આજના યુગમાં અનોખો જ હતો. બન્ને ભાઇઓ શૌર્યમાં પૂરા હતા. બન્ને ભાઈઓની હિંમત અજબ હતી.
બે મહિના થયા, અંતે કર્નલ શાહનવાઝે પોતાના ભાઈને ઘાયલ કર્યો. એ ધાયલ થયેલા ભાઈ પ્રત્યે, એના દિલમાં દયાનો એક અંશ પણ જાગ્યો નહિ અને આઝાદ ફોજ આગળ વધી.
મણિપુરના સીમાડા એણે ઓળંગ્યા; આઝાદ હિંદ ફોજના સૈનિકો મરણિયા હતા, નેતાજીએ એને સ્વયંસેવકોની જે ફોજ કહી હતી તે યથાર્થ હતું. મૃત્યુનો કોઈને ભય નહોતો, કારણ કે એ મરજીવાઓ હતા, ‘દિલ્હી પહેાંચવુ છે’ એ જ નિશ્ચય સાથે ઝૂઝતા હતા.
મરજીવાની આ ફોજને રણમેદાનમાં દોરી જનાર, કર્નલ શાહનવાઝ શુષ્ક ન હતો. સામન્યતઃ લશ્કરમાં શુષ્કતા જ હોય છે. શીસ્તને શુષ્કતાનું નામ અપાઈ ગયું છે, પણ કર્નલ શાહનવાઝ પોતાની ફોજના એકે એક સૈનિકની સંભાળ લેતા, ઘાયલ થયેલાની માવજત કરતા.
એક વખત અતિ શ્રમિત થયેલા સૈનિકને કર્નલ શાહનવાઝે કહ્યું: “લાવ તારો સામાન હું ઉઠાવું; તને આરામ મળશે અને ફૂચ ઝડપી થશે!”
“નહિ ! એમ ન બની શકે; પણ હવે મને લાગે છે કે છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છું. તમારી સાથે દિલ્હી પહોંચી શકીશ નહિ. એની મને ગમ છે, પણ નેતાજીને મારા જયહિંદ કહેજો ને કહેજો કે મૃત્યુએ મને મારા નિશ્ચયમાંથી ડગાવી દીધો છે.”
મણિપુરની સરહદ ઓળંગીને જ્યારે કર્નલ શાહનવાઝની ફોજે હિંદના એ પ્રદેશને આઝાદ કર્યો ને ત્રિરંગી ઝંડો ફરકતો કર્યો ત્યારે, તેમણે હિંદની ધરતીને પ્રણામ કર્યાં, એની ધૂલિ માથે ચડાવી.
આગળ વધવુ હતું, પણ હવામાન પ્રતિકૂળ હતું. ઇમ્ફાલને ઘેરો ઘાલીને કર્નલ શાહનવાઝની ફોજ પડી હતી. ઈમ્ફાલના પતનની ઘડીઓ ગણાતી હતી. અંગ્રેજ ફોજ પલાયન થઈ ગઈ હતી. પણ ચોમાસું શરૂ થયું. મુશળધાર વરસાદ તૂટી પડ્યો ને પાછળથી આવતો પૂરવઠો બંધ થઈ ગયો. આઝાદ ફોજના સૈનિકોને માટે ભૂખમરો ઊભો થયો. ઘવાયેલાઓને દવા મળી શકી નહિ. ઘેરો ઉઠાવી લેવો પડ્યો. નેતાજીનું ફરમાન હતું કે હવે પાછા ફરવું અનિવાર્ય જરૂરી છે.
પરિસ્થિતિ પલ્ટાઈ ગઈ હતી. ભાગ્યબળ ઊલટું થયું હતું. વિજયની આશા નિષ્ફળ ગઈ. નેતાજીને રંગુન છોડીને ચાલ્યા જવું પડ્યું. ત્યારે કર્નલ શાહનવાઝે ઇરાવદી નદીની ઉપર ૬૦ માઇલ દૂર આવેલી પોપા ટેકરીઓમાં આઝાદ ફોજનો જમાવ કર્યો અને તેને જુદી જુદી ચોકિયાત ટુકડીઓમાં વહેંચી નાંખી, પણ બ્રિટિશ ફોજોએ તેને ઘેરો ઘાલ્યો. કર્નલ શાહનવાઝ ઘેરામાં હતા, એમને નેતાજી સમક્ષ પહોંચી જવું હતું, નેતાજીની આજ્ઞા વિના તેઓ કોઈ નિર્ણય કરવા માગતા ન હતા.
એમણે નિશ્ચય કર્યો: બ્રિટિશ ઘેરામાંથી છટકી જવાનો. પોતાના થોડાક વિશ્વાસુ સાથીઓ સાથે વેશપલટો કરીને તેઓ ઘેરામાંથી છટકી ગયા ને નેતાજીને મળ્યા, નેતાજી સાથે પરિસ્થિતિની ચર્ચા કરી. હવે કોઈ માર્ગ નહતો. શરણાગતિ સ્વીકારવાનો પ્રશ્ન હતો.
નેતાજીએ તેમની વિદાય લેતાં પહેલાં કહ્યું હતું, ‘જે સ્વમાનપૂર્વક આપણે જીવ્યા છીએ, તે જ સ્વમાનપૂર્વક શરણાગતિ સ્વીકારવી પડે તો સ્વીકારજો. આઝાદ સરકાર અને આઝાદ ફોજનું સ્વમાન સાચવજો.’
એ સ્વમાની પુરુષે, નેતાજીનાં એ વચનો માથે ચડાવ્યાં ને પેગુમાંથી બ્રિટિશ સેનાપતિને તેમણે કહેણ મોકલ્યું, ‘શરણે આવવા તૈયાર છું પણુ આઝાદ ફોજના એક સેનાપતિ તરીકેનું સ્વમાન સાચવીને, જો તમે મને યુદ્ધકેદી તરીકે રાખવા માંગતા હો તો, બ્રિટિશ સેનાપતિ એનો સ્વીકાર ન કરે તો, કેસરિયાં કરવાની ભારે ખૂવારી કરત, એ વાત બ્રિટિશ અમલદારો સમજતા હતા એટલે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો.
'ખૂશીથી આવો, અમે તમને યુદ્ધકેદી ગણીશું !’ શાહનવાઝ અને તેમની ફોજને યુદ્ધકેદી તરીકે ગણવામાં આવ્યા.
પરન્તુ એવાં વચનો બ્રિટને ક્યારે પાળ્યાં છે? કર્નલ શાહનવાઝને કેદમાં પૂરીને તેમના સૈનિકો પાસે રંગુનની શેરીઓ સાફ કરાવી છે અને ત્યાર બાદ તેમને હિંદમાં લાવવામાં આવ્યા ને જે લાલ કિલ્લા પર ત્રિરંગી ઝંડો ફરકતો કરવા કર્નલ શાહનવાઝ ધસી રહ્યા હતા, તે લાલ કિલ્લામાં જ, ‘યુનિયન જેક’ નીચેની એક ઓરડીમાં તેમને પૂરવામાં આવ્યા ત્યાં જ તેમને માટે લશ્કરી અદાલત ઊભી કરવામાં આવી.
[૨]
મોતની પરવા નહતી. નેતાજી સમક્ષ લીધેલા શપથ પાળવાને, મૃત્યુને ભેટવાને એ વીર તત્પર હતો. લશ્કરી અદાલતમાં ગુનાનો ઈન્કાર કરતાં કર્નલ શાહનવાઝે કરેલું નિવેદન હિંદના જ નહિ, પણ જગતના પદદલિત દેશેાની આઝાદીના ઇતિહાસમાં અમર રહેશે. એ નિવેદન વીરત્વના અમર કાવ્ય સમું છે. જરાય થડકાટ વિના તેમણે કહ્યું.
‘બ્રિટન વિરુદ્ધની લડતમાં ભાગ લેવાના મારી સામેના આરોપનો હું ઈન્કાર કરતો નથી, પણ આ કાર્ય મેં આઝાદ ફોજના એક સિપાહી તરીકે કર્યું હતું. આઝાદ ફોજે, માતૃભૂમિ હિંદની મુક્તિ માટે, દુનિયાના કાયદા મુજબ યુદ્ધ જાહેર કર્યું હતું. આ સેનાને બ્રિટિશ સૈન્યોએ પ્રતિપક્ષી દળ તરીકે સ્વીકાર્યું હતું.
આઝાદ ફોજમાં જોડાયો, ત્યારે મેં મારી બધી વસ્તુઓનું બલિદાન આપવાનો નિર્ણય કર્યો હતો. જો મારો ભાઈ મારા માર્ગમાં આડે આવે તો એની સામે લડવા પણ મેં નિર્ણય કર્યો હતો. ’૪૪માં લગભગ બે મહિના સુધી હું અને મારો પિત્રાઈ ભાઈ સામસામે ટેકરીઓમાં લડ્યા હતા.
મારી સામે એક જ સવાલ હતો કે મારે મારા દેશને વફાદાર રહેવું કે રાજાને ? મેં મારા નેતાજી સુભાષચંદ્ર બોઝને વચન આપ્યું હતું કે, હું દેશની આઝાદી ખાતર મારા સર્વસ્વનું બલિદાન આપીશ. આ વચનને વફાદાર રહેવાનો મેં નિશ્ચય કરી લીધો હતો. આઝાદ હિંદ સરકારે માતૃભૂમિ હિંદની આઝાદી માટે, દુનિયાના સાચા કાયદા મુજબ લડાઈ જાહેર કરી હતી.
ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રીએ રજૂ કરેલી હકીકતો સાચી , મારો ગૂનો સાબિત કરાય એમ નથી. શ્રી. મહમદહુસેન સ્વેચ્છાએ આઝાદ ફોજમાં જોડાયો હતો અને એની શિસ્તને તાબે થયો હતો. ખરી કટોકટીની પળોમાં ફોજમાંથી એણે છટકવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ સફળ થયો હોત તો તે મારાં દળોની માહિતી અંગ્રેજો પાસે લઇ ગયો હોત, આઝાદ હિંદ ફોજના કાનૂનો તેમ જ સભ્ય દેશોના લશ્કરી કાનૂનો હેઠળ આ ભયંકર ગુનો લેખાય અને આના માટે મોતની સજા કરી શકાય.
આમ છતાં મેં એને દેહાંતદંડની સજા કરી હતી, અથવા તો મારી કરાયેલી સજા મુજબ એ ઠાર કરાયો હતો, એમ કહેવું ખોટું છે? વિધિસર શ્રી. મહમદહુસેન અને એના સાથીઓ મારી સમક્ષ રજૂ કરયા હતા. તેઓની સામે તહોમતનામાં ઘડાયાં નહોતાં, પણ મેં મહમદહુસેનને સલાહ આપી હતી અને કહ્યું હતું કે આવા ગુના માટે એને ઠાર કરવો જોઇએ.
આમ છતાં મેં એ વાત ત્યાં જ પડતી મૂકી હતી અને આરોપીને બીજી વખત મારી સમક્ષ બે ટુકડીના સરદાર સમક્ષ રજૂ કરવાનું જણાવ્યું હતું. આ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ નહોતી. એટલે આ વાત મારા આગળ આવી જ નહોતી.
બ્રિટિશો સાથેના પોતાના કૌટુંબિક સંબંધોનો નિર્દેશ કરતાં કપ્તાન શાહનવાઝે જણાવ્યું હતું કે, ‘મારા પિતાએ હિંદી લશ્કરમાં ત્રીસ વરસ સુધી સેવા કરી હતી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મારા કુટુંબના દરેક સશક્ત માણસે ભાગ લીધો છે. હિંદી સેનામાં મારા કુટુંબના ૮૦ જેટલા અફસરો છે. તાજ પ્રત્યેની વફાદારી મારા કુટુંબની પ્રણાલિકા છે.
જાપાનિઝોના હાથે કેદ પકડાયા બાદ, મેં મારા માણસોના હિતમાં આઝાદ ફોજમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. સાથે, મેં એ ફોજ જાપાનની શોષણનીતિ આગળ નમતું આપે, તો એમાં ભાંગફોડ કરી તેને છિન્નભિન્ન કરી નાખવાનો મેં નિર્ણય કર્યો હતો.
મેં સુભાષચંદ્ર બોઝને હિંદમાં કદી જોયા નહોતા અને એમની પ્રવૃત્તિ વિષે કશું સાંભળ્યું નહોતું, પણ મલાયામાં જો એમનાં ઘણાં ભાષણો સાંભળ્યાં હતાં. એની મારા પર સારી અસર થઈ હતી. એમનાં ભાષણોએ અને વ્યક્તિત્વે મારા પર સારી છાપ પાડી હતી, તેઓએ અમારી સમક્ષ હિંદનું સાચું ચિત્ર રજૂ કર્યું હતું અને પહેલીવાર હિંદીની દૃષ્ટિએ મેં હિંંદ જોયું હતું. શ્રી. સુભાષબાબુની ભક્તિ, સ્વાર્થત્યાગ, નિખાલસતા તેમ જ જાપાનને સહેજ પણ નમતું આપવાની એમની ‘ના’ એ મારા પર સારી અસર કરી હતી.
અમને ગમે કે ન ગમે, જાપાનિઝોએ હિંદમાં આવવાનો નિશ્ચય કર્યો હતો. જાપાનની આગેકૂચને બ્રિટિશ દળો થંભાવી શકે એમ હું માનતો નહોતો. હિંદની ભૂમિ પર યુદ્ધ થવાની તમામ શક્યતા મને લાગતી હતી.
મલાયા પરનું આક્રમણ મેં જોયુ હતું. હિંદમાં એનું પુનરાવર્તન હું માગતો નહોતો, મલાયામાં લાચાર, નિ:સહાય, યુદ્ધકેદી તરીકે પડી રહું, એના કરતાં મારા દેશના સ્વમાન, માલ મિલકત અને જીવનની રક્ષા માટે, હાથમાં રાઈફલ લઈને હું લડું, તો એથી હું રાષ્ટ્રને વધુ ઉપયોગી થઈ શકીશ, એમ હું માનતો હતો.
આઝાદ ફોજમાં મેં એવા માણસોની ભરતી કરી હતી કે જેઓ જાપાનિઝો બેવચની નીવડે તો પણ એમની સામે લડવા તૈયાર થાય. આ હકીકત ખૂદ ફરિયાદ પક્ષના સાક્ષીઓએ પૂરવાર કરી છે. આને માટે કોઈ પણ યુદ્ધકેદી પર દબાણ લાવવાના આરોપનો હું ઇન્કાર કરું છું. આ માટે દબાણ કરનાર અફસરોને સખત શિક્ષાની ચેતવણી મેં ખાપી હતી.
અમારા નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં જે કોઈ માણસ આત્મભોગ આપવા તૈયાર ન હોય, તેઓને ફોજ છોડી જવાની છૂટ આપી હતી. આઝાદ ફોજમાં જોડાનારાઓને ભૂખ, તરસ, કૂચ અને મૃત્યુનો સામનો કરવાની ચેતવણી અપાઈ હતી.
મેં મારી આંખે દૂરપૂર્વના હિંદીઓને આઝાદ ફોજ માટે સર્વસ્વ અર્પતા જોયા હતા. કેટલાક તો સમગ્ર કુટુંબો સહિત જોડાયા હતા અને દેશને માટે ફકીર બની ગયા હતા.
અમને સાચા નેતા મળ્યા હતા. જ્યારે હિંદનાં કરોડો ગરીબ, નિઃશસ્ર અને લાચાર લોકો માટે આ નેતાએ આત્મભોગ માગ્યો ત્યારે કોઈ પણ સ્વમાનશીલ હિંદી એટલું ત્યાગ કરવાની ના પાડી શકે એમ નહોતું. મને એક સાચો નેતા મળ્યો હતા અને મેં એમને અનુસરવાનો નિર્ણય કર્યો હતો.
મારા જીવનનો આ એક મહાન નિર્ણય હતો. બ્રિટિશ હિંદી લશ્કરમાં સેવા બજાવતા મારા સગાઓ સામે લડવાનો આ સવાલ હતો. મને ખાતરી હતી કે, તેઓ મારી દૃષ્ટિએ આ વસ્તુ કદી પણ જોઈ શકે એમ નથી.’
લશ્કરમાં ભેદભાવ ભરેલી નીતિ વિષે તેઓએ લાંબુ નિવેદન કર્યું હતું. ત્યારબાદ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે હું અંગ્રેજોના હાથે શોષાઈ રહેલા અને ભૂખે મરતા કરોડો મારા બાંધવોનો વિચાર કરતો હતો, ત્યારે મને આ શાસનપ્રથા સામે તિરસ્કાર થતો. આ શાસનપ્રથાએ ઇરાદાપૂર્વક જનતાને અભણ અને અજ્ઞાન રાખી હતી. આ અન્યાય અને અસમાનતા નાબૂદ કરવા મેં મારું સર્વસ્વ-મારું જીવન, ઘર, કુટુંબ અને એની પ્રણાલિકા—હોમવાનો નિર્ણય કર્યો હતો.
હું મારા દેશબાંધવો અને તમારા પર એ વસ્તુ ધ્યાનમાં લાવવા માગું છું કે આઝાદ ફોજે જે જે હાડમારીઓ વેઠી છે, એ કાઈ પણ ભાડૂતી લશ્કર વેઠી શકે નહિ. અમે હિંદની આઝાદી માટે લડતા હતા.
કોહીમા અને ઇમ્ફાલના મોરચા પર તાકાત અને સંખ્યામાં દુશ્મન ફોજના મુકાબલે અતિ અલ્પ કહી શકાય એવી આઝાદ ફોજને સફળ દોરવણી આપીને ઇમ્ફાલને ઘેરો ઘાલનાર મેજર જનરલ શાહનવાઝે રણમેદાનમાં અંગ્રેજોની બહાદુરી કેવી છે એ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. એની સાથે જ કોહીમા અને ઇમ્ફાલના મેદાન પરનાં કેટલાક સ્મરણો પણ તેમણે આપ્યાં છે.
અંગ્રેજ ફોજના સંબંધમાં કર્નલ શાહનવાઝે અભિપ્રાય આપતાં જણાવ્યું છે કે રણમેદાન પર અમે જોઈ શક્યા છીએ કે અંગ્રેજો બહાદુર નથી. કોહીમા અને ઇમ્ફાલના મોરચા પર આઝાદ હિંદ ફોજના એકલા નવજુવાન સૈનિકોએ ઓછામાં ઓછા ત્રણ હજાર જેટલા અંગ્રેજ સૈનિકોને ખતમ કરી નાંખ્યા હતા. મૂળ તો અંગ્રેજોનો ઇતિહાસ દગા ફટકા અને છેતરપીંડીથી ભરપૂર છે. આપણે આશા રાખીએ છીએ કે જીવનભર દગા ફટફા અને છેતરપીંડી કરનાર જીવનના અંતકાળે નીતિના પાઠ શીખે એમ હવે અંગ્રેજો પણ નીતિના નવા પાઠ શીખી લે. એવી આશામાં તો આપણે શાન્ત બેઠા છીએ. આપણા નેતાઓ આપણને ખામોશી રાખવાને કહે છે.
જો ફરીને અંગ્રેજો બેઇમાની કરશે. તો અમે અમારા દેશ બાંધવોને કહીશું કે હવે તલવારથી લડીને આઝાદી પ્રાપ્ત કરો. ૧૮૫૭ના બળવામાં મોગલ સમ્રાટ બહાદુરશાહને જીવનભર કેદની સજા કરવામાં આવી હતી. એના બે શાહજાદાઓને ગોળીએ દેવામાં આવ્યા હતા. ગઈ કાલે અંગ્રેજો જેવા હતા, તેવા જ આજે પણ છે. સો વર્ષ પૂર્વે જે હતા તેમાં આજે જરા પણ ફેર પડતો નથી. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે સો વર્ષ પૂર્વે જે ગુના માટે મોગલ સમ્રાટ બહાદુરશાહને કેદમાં નાખ્યો અને તેના બે પુત્રોને ગોળીએ દીધા એ જ ગુના માટે અમને છોડી મૂકવામાં આવ્યા.
પણ એ બન્યું શી રીતે ? એની પાછળ ઇતિહાસ પડ્યો છે. સો વર્ષ પૂર્વે જ્યારે મોગલ સમ્રાટને કેદમાં ધકેલવામાં આવ્યા ત્યારે આપણે કમજોર હતા. આપણામાં કુસંપ હતો અને અંગ્રેજોની ભાગલા પાડોની કૂટ નિતિ કામયાબ બની હતી. તેઓ પોતાની યોજનામાં ફાવ્યા હતા. આજે સ્થિતિ પલટાઈ છે આજે અમારો છુટકારો થયો છે. એની પાછળનું મુખ્ય કારણ તો હિંદુ મુસલમાન શીખ સૌના સંગઠ્ઠીત અને બુલંદ અવાજમાં રહેલું છે. એ બુલંદ અવાજે કારાવાસમાંથી મને તમારી સમક્ષ ઊભો કર્યો છે. સંગઠ્ઠીત અવાજની તાકાતની એ પારાશીશી છે.
ફરીથી તમે એકત્રિત, સંગઠ્ઠીત અવાજ ઉઠાવો.
હિંદુ, મુસ્લિમ, શીખ સહુ એક સાથે અવાજ ઉઠાવો. ‘અંગ્રેજો હિંદ છોડો.’ અને ખાત્રી રાખજો કે તમારો એ બુલંદ અવાજ કામયાબ બનવાનો છે.
૧૯૪ર અને તે પછી અંગ્રેજો પર, આક્રમણ કરનાર, આઝાદ હિંદ ફોજ અને દેશની અંદરની અહિંસક ફોજ હતી. આઝાદ હિંદ ફોજ હિંદથી દૂર મલાયામાં હતી અને જ્યારે તમારાથી દૂર મલાયામાં બેઠા હતા, ત્યારે અમને દેશમાં દેશની આઝાદી માટે લડતી અહિંસક ફોજની કુરબાનીના સમાચારો મળતા હતા. દેશમાં સરકારી બંદુકોની ગોળી સામે પોતાના પ્રાણ આપતાં બાળકોની કહાણીઓ પણ અમે સાંભળતા હતા અને હર્ષથી નાચી ઊઠતા હતા. આનંદ અમારા રોમેરોમમાં વ્યાપી જતો હતો.
તમને પહોંચવાની અમારી ઉમેદ હતી. દિલ્હીના લાલ કિલ્લા પર કોમી નિશાં ફરકાવવાની અમારા નેતાજીની આજ્ઞા હતી, પણ અમે તમને પહોંચી શક્યા નહિ, ન પહોંચી શક્યા એનું કારણ અંગ્રેજોની તાકાત નહોતી. અમને રોકનારી શક્તિ તો બીજી હતી.
સિંગાપુરથી જ્યારે અમે ઉપડ્યા, ત્યારે જ નેતાજીએ અમને કહ્યું હતું, તમારા માર્ગમાં મોટી મુશીબતો પડેલી છે. મારી પાસે ભૂખ, તૃષા અને મુશ્કેલીઓ, સિવાય બીજું કાંઇ નથી: તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.’
ને અમે વચન આપ્યું હતું જો અમારા લોહીથી અમારો દેશ હિંદુસ્તાન આઝાદ થાય તો અમે લોહીની નદીઓ વહાવીશું.’
અમે આપેલા વચનનું અમે પાલન પણ કરી બતાવ્યું, ઇમ્ફાલ અને કોહીમામાં જ્યારે અમે જંગ ખેલી રહ્યા હતા ત્યારે સહુની, કોઈ જાતના કોમી ભેદભાવ વિના સહુના રક્તની ભેગી ધારા વહી રહી હતી. હિંદુ શું કે મુસ્લિમ શું કે શીખ શું? સૌ ઘાયલ સૈનિકોનાં રક્ત એક જ પ્રવાહમાં વહેતાં હતાં. આઝાદ ફોજના સૈનિકોએ પોતે હિંદુ છે કે મુસ્લિમ છે એનો ક્યારેય વિચાર કર્યો નથી. સદાકાળ પોતે હિંદી જ છે એવો ખ્યાલ તેમના દિલ અને દિમાગમાં રમત રહ્યો છે.
અમે આઝાદ હતા; નેતાજીએે અમને જણાવ્યું હતું કે અમે સૌ એક જ માતાના સંતાન છીએ. મુસ્લિમોનું માદરે વતન અને હિંદુઓની ભારતમાતા એક જ છે: ધર્મના ઝઘડા તો અંગ્રેજોએ ઊભી કરેલી એક ભૂતાવળ છે.
ત્યાં રણમેદાન પર અમને અટકાવવાને અંગ્રેજોની તાકાત નિષ્ફળ ગઇ હતી અમારી હાલત બૂરી હતી અમારી પાસે ક્ષુધા શાન્ત કરવા અનાજ ન હતું, પીવાને જળ નહતું પહેરવાને વસ્ત્રો ન હતાં, અને શસ્ત્રોની પણ તંગી હતી. અમારું રક્ષણ કરવાને હવાઇદળ ગેરહાજર હતું. ટેન્કો અને રણગાડીઓનો પણ અભાવ હતો: આમ છતાં આઝાદ ફોજના મરણિયા વીરોએ અંગ્રેજોના સૈન્યને છીન્નભિન્ન કરી નાંખ્યુ હતું. અને અમે કોહીમા પહોંચી ગયા. હિંદુસ્તાનની એ આઝાદ ધરતી પર અમે આપણા ત્રિરંગી ઝંડો ફરકાવ્યો.
૧૯૪૪માં અંગ્રેજોનું સૈન્ય મોટું હતું, પણ એમની તાકાતનાં પાણી તો આઝાદ હિંદ ફોજના નવજુવાન સૈનિકોએ ઉતાર્યાં. અમારી ફોજ સામે એ સેના સ્થીરપણે ટકી શકી નહિ. મેદાનમાંથી તેઓ ભાગવા લાગ્યા અને આઝાદ હિંદ ફોજના સૈનિકોએ તેમનો પીછો પકડ્યો હતો: આઝાદ ફોજના સૈનિકોએ નેતાજી સમક્ષ ફરિયાદ કરી કે, અમે દોડી દોડીને થાકી ગયા પણ અંગ્રેજો અમને સામનો આપતા નથી.’
અંગ્રેજ ફોજોએ કોઈ વાર પણ અમને સામનો આપ્યો નથી. અમારી સામે એ ટક્યા નથી. અંગ્રેજો પોતાના વતનને માટે લડતા ન હતા, અત્યારે આઝાદ હિંદ ફોજના સૈનિકોના દિલમાં વતનની આઝાદીનો જોશ હતો. આાઝાદ ફોજનો નિશ્ચય હતો કે દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચીને જ નિરાંતનો શ્વાસ ખાવો. કાંતો રણમેદાનમાં ખપી જઇને અંતિમ શાંતિનો નિશ્ચય દમ ખેંચવો.
જોશ અને તમન્નાઓનો એ ઇતિહાસ હતો, બીજી મહત્ત્વની વાત એ હતી કે અંગ્રેજ સૈન્યના મોટા અધિકારીઓ મોખરા પરના સૈન્યથી અલગ ને અલગ જ રહેતા હતા. ત્યારે આઝાદ ફોજના અધિકારીઓ પહેલી હરોળની સાથે જ રહેવાનો પ્રયત્ન કરતા હતા અને એથી જ નેતાજી અમારી ફોજોમાં મોખરે રહેતા હતા.
એક વાર નેતાજીને મોખરાપર આવતાં અટકાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે નેતાજીએ હસીને કહ્યું હતું કે ‘હજી સુધી અંગ્રેજો એક પણ એવી એક ગોળી બનાવી નથી કે સુભાષ બોઝને અટકાવી શકે.’
સાચે જ, નેતાજીને અટકાવવાને કોઈ ગોળી સફળ નિવડી નથી.
પણ કમનસીખે પ્રતિકૂળ હવામાન અમારા માર્ગમાં અંતરાયરૂપ બની રહ્યું. ભયંકર વરસાદ શરૂ થયો. સડકો તૂટી જવા પામી, ભૂખનું દુ:ખ તો હતું જ, કેટલાય દિવસો સુધી અમારે કડાકા ખેંચવા પડ્યા. દારૂગોળાની અછત હતી. પણ સૌથી ભયંકર અછત તો અમારા ધવાયેલા આઝાદ સૈનિકોની સારવાર માટેની દવાની હતી. અમે લાચાર બન્યા. પીછેહઠ કરવા સિવાય, અમારા માટે બીજો કોઈ માર્ગ જ ન હતો. ફોજના જુવાનોને પીછે હઠ કરવાની સૂચના અપાઈ, ત્યારે તેઓ ખીજાઈ ગયા.
એ જુવાનો બોલી ઊઠ્યા. ‘અમે હરગીઝ પીછેહઠ નહિ કરીએ. ભારતમાતાની પવિત્ર ધરતી પર, આઝાદ ધરતી પર એકવાર અમે જે ઝંડો રાખ્યો છે, તે ઝંડો અમે શી રીતે ઉઠાવી લઈએ ?’
પણ અમારે માટે બીજો કોઈ માર્ગ ન હતો. પીછેહઠ અનિવાર્ય હતી. નેતાજીએ પણ પીછેહઠ કરવાની તાકીદ આપી અને લશ્કરી શિસ્ત મુજબ ઉત્સાહથી ઉછરતા એ સૈનિકોએ પીછેહઠ કરવી પડી.
અમારી મુશ્કેલીઓનો ખ્યાલ તો બીજાને ક્યાંથી આવે? પણ એ મુશ્કેલીઓની કથની સાંભળનારનાં હૈયાં હચમચાવે તેવી છે.
સાફસુફ કર્યા વિનાનું, કચરાવાળું અનાજ અને ઘાસ સાથે ઉકાળીને અમે અમારી ક્ષુધાને તૃપ્ત કરતા હતા. અમને મીઠું પણ મળતું ન હતું એવી અમારી હાલત હતી.
અમારી બેહાલીની અંગ્રેજોને ખબર હતી. તેમણે અમારી વિવશ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો માર્ગ અખત્યાર કર્યો. અમારા સૈનિકોની કસોટીની એ ઘડી હતી. એક દિવસ હવાઈ વિમાનમાંથી, અમારી ફોજો પર પત્રિકાઓનો વરસાદ વરસ્યો. એ પત્રિકામાં લખ્યું હતું કે ‘તમે જલદી અમારી સાથે આવી જાઓ. તમને જલદી રજા આપીને તમારા ઘેર મોકલીશું, તમારાં બાળ બચ્ચાંને મળી શકશો. તમે અહીં ઘાસ ખાઈને જાનવરોની માફક જીવો છો, પણ અમારી પાસે આવશો તો તમને માખણ, દૂધ અને ડબલ રોટી મળશે.’
આ લાલચનો, આઝાદ ફોજના જુવાનોએ જવાબ આપ્યો કે, ‘અમારે મન તમારાં ગુલામીનાં રોટી માખણ કરતાં, આઝાદીના ઘાસની કિંમત વધુ છે, તમારું ઘી અને ડબલ રોટી તમને જ મુબારક હો.’
એ પછી કરીને અમારી ફોજોને લલચાવવાનો પ્રયાસ થયો નથી.
અંગ્રેજો જગતને એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે હિંદમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે ઐક્યતા નથી, એટલે ખૂવારીના ડરથી અમે હિંદ છોડતા નથી, પણ એ તો એક માત્ર બહાનું છે. નેતાજીએ બર્મા અને પૂર્વ એશિયામાંના ૨૫ લાખ જેટલા હિંદીઓ જેમાં હિંદુ મુસ્લિમ અને શીખ હતા, તેમના પર ત્રણ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એ ત્રણ વર્ષ દરમિયાન અમારી વચ્ચે કોઈ તકરાર થઈ ન હતી. એ ઝઘડાઓ બંધ થયા હતા, કારણ કે પૂર્વ એશિયામાંથી અંગ્રેજો અદૃશ્ય થઇ ગયા હતા. એ ઝઘડાઓ લાવનાર અંગ્રેજો હતા. જ્યારે હું લાલ કિલ્લામાં પૂરાયેલો હતો, ત્યારે એક અંગ્રેજ જનરલ મારી પાસે આવ્યો, તેણે મને કહ્યું, અમે તો અહીંથી જવા માટે બીસ્તરા બાંધવા તૈયાર છીએ, પણ તમારી વચ્ચેના અંદર અંદરના ઝઘડા ક્યાં દૂર થાય છે ? એટલે અમે જતા નથી. મેં જવાબમાં કહ્યું, જ્યારે તમે પૂર્વ એશિયામાં ન હતા ત્યારે ત્યાં ઝઘડાનું નામ નિશાન પણ ન હતું. તેવી રીતે અહીંથી વિદાય થશો, ત્યારે અહીં કોઇ પણ જાતના ઝઘડા રહેવાના નથી.
નેતાજીએ આઝાદ હિંદફોજનું, કૅપ્ટન મોહનસિંહે વિસર્જન કર્યુંં હતું, તેની પુનર્રચના કરવાનો નિર્ણય કર્યોં. અને તેમના વિશ્વાસુ સાથી તરીકે કર્નલ શાહનવાઝખાનને આ અગત્યની કામગીરી સુપ્રત કરવામાં આવી અને તેમણે એ કામગીરી એવી કુશળતાથી અદા કરી કે, આઝાદ ફોજનું જીવન ધન્ય બન્યું. આઝાદ ફોજની રચના અંગે તેમણે જે હુકમ બહાર પાડેલો એ અહીં આપ્યો છે.
આઝાદ હિંદ ફોજની પુનર્રચના અંગેની નીતિની સ્પષ્ટતા કરતો પરિપત્ર નીચે મુજબ છે.
તા. ૨૨-૩-૧૯૪૩
લેફ. કર્નલ
ખૂબ જ ખાનગી
- આઝાદ હિંદ ફોજ
- બીદાદારી
- આઝાદ હિંદ ફોજ
એકમો અને ટુકડી ભવિષ્યની ગુપ્તતા જાળવવાને ખાતર ‘સ્પેશિયલ સર્વિસ ગ્રુપ’ ઊભું થયેલું છે જે હવેથી ‘બહાદુર ગ્રુપ’ને નામે ઓળખાશે. આ હુકમને બીજા હુકમોની માફક પ્રસિદ્ધિ મળવાની નથી. છતાં આ હુકમની જાણ એવી રીતે થવી જોઈએ કે પ્રત્યેક સૈનિક આ પરિવર્તનની અગત્યતા સમજી શકે.
લેફ. કર્નલ
મોરચા પર, આઝાદ હિંદ ફોજની સાથે જ જાપાની ટુકડી પણ કૂચ કરતી હતી. બંને ફોજોના સેનાપતિઓ સાથે જ યોજનાઓ ઘડતા હતા અને એક બી઼જાની પરિસ્થિતિથી વાકેફ કરતા હતા.
નીચેનો પરિપત્ર, કર્નલ શાહનવાઝખાને, જાપાની સેનાપતિને મોકલ્યો હતો:—
- પ્રતિઃ
- પ્રતિઃ
મેજર કૌબારા
૨ જી એપ્રિલ ૧૯૪૫
માહિતિ.
હમણાં જ મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે નં. ૨ ઇન્ફ. રેજી. સાથેના ટેલિફોન વ્યવહારમાં ભંગાણ પડ્યું છે.
લગભગ ૬૦ જણાની એક દુશ્મન ટુકડી લેગીથી ૪૦૦ મીટર દૂર આવી પહોંચી હતી. તેણે અમારા માણસો પર ગોળીબાર કર્યો અને પીછેહઠ કરી ગયા. ટેન્કો સાથેના વધુ આક્રમણની આશા રાખવામાં આવે છે.
કર્નલ
૨-૪-૧૯૪૫
મહત્ત્વની વિગતોથી ભરપૂર છે. એ નોંધપોથીના થોડાંક પાનાં અહીં આપવામાં આવે છે.
તા.૭જાન્યુ. | નીપોન ફોજના કમાન્ડર ઇન ચીફ અહીં મળ્યા. | ||
તા. ૨૭” | તાલીમ લેતી અમારી ફોજોની નેતાજીએ મુલાકાત લીધી. મેજર રામસ્વરૂપને મારી ટુકડીમાં મૂક્યો. | ||
તા. ૨૭” | મેજર કીનાવારી સાથે સાત વાગે ખાણું લીધું. નીપોન ફોજના સુપ્રીમ કમાન્ડરને મળ્યો અને હિંદ તરફના ઘસારાને લગતાં આખરી ફરમાનો મળ્યાં. | ||
તા.૪ફેબ્રુ. | બી ડીવીઝનની પહેલી અને ત્રીજી ટુકડીએ કાલેવા મારા તરફ કૂચ કરી. | ||
તા.૫ ” | ૬ - ૦ વાગે હેડક્વાર્ટસ રેજીમેન્ટ રંગુનથી ખસ્યું. | ||
તા.૯ ” | અમારી રેજીમેન્ટની ત્રણ પાર્ટીઓ સહીસલામત રીતે આવી પહોંચી. | ||
તા.૧૦” | ટ્રેન દ્વારા વધુ ફાજો આવી પાહોંચી. કોઇ જાતના અકસ્માત વિના કીમેવારી અને રામ સ્વરૂપ સાથે માયમાયો ખાતે ગઈ. ત્યાં બી. ટી. સી. એ. ના પ્રમુખ શ્રી. ગોપાલસીંગ સાથે રાત્રી ગુજારી. તેઓ તદ્દન સાદા છતાં ખૂબ જ પ્રમાણીક વ્યક્તિ છે. આરાકાન મોરચા પરની આઝાદ હિંદ ફોજની ભવ્ય પ્રવૃત્તિના સમાચાર મળ્યા. | ||
તા. ૧૧ ” | ઉત્તર બર્માના જી. ઓ. સી. જનરલ મોટો સૂચીને મળ્યો તે એક મહાન સૈનિક અને | બુકીટ તીનાહ ટેકરીના વિજેતા તરીકે જાણીતા છે તે ઘણા માયાળુ છે. આઝાદ હિંદ ફોજને તમામ સહાય આપવાની તેમણે ખાત્રી આપી છે. | |
તા. ૧૨ ફેબ્રુ. | હાઝરોવાળા મી. જમાનખાનને મળ્યો. તેઓ તાજના સંબંધી છે. માંડલે જવા ઉપડ્યા. કીમેવારી બસ દ્વારા કાલેવા જવા રવાના થયા. મોટરની મુશ્કેલીના કારણે હું જઈ શક્યો નહેિ. એમ. ટી. કંપનના સૈનિકો સમક્ષ મેં પ્રવચન કર્યું. તેઓ તમામ પૂર્ણ જુસ્સામાં છે. તેમાંના ઘણા રેજીમેન્ટ સાથે આગળ જવા ઇંતેજાર છે. આરાકાનની હિલચાલ અંગે આઝાદ હિંદ ફોજને મુબારકબાદી આપતો નેતાજીનો સંદેશો મળ્યો. | ||
તા. ૨૦ ફેબ્રુ. | સવારમાં દોડવા માટે ગયો, નજદિકમાં જ દુશ્મન વિમાનો હતાં, કાલેવા જવાની આશા હતી. હજી પણ લોરી પાછી ફરી નથી. રસ્તામાં જ તે તૂટી પડ્યાના સમાચાર મળ્યા. તા. ૨૦ મીએ આઠ વાગે મૂલાઈક છોડીને કાલેવા છાવણીમાં આવ્યો. રામસીંગ લગભગ ૫૦૦ માણસો સાથે ફાલાઓર ગયા. | ||
તા. ૧૧ | માર્ચ હેડક્વાર્ટસ ડીવીઝનમાં ગયો. મેજર ફુજીવારાને મળ્યો. ઘણા સારા સમાચાર હતા ૧૭ મી ડીવીઝને ટી હોમને ઘેરો ઘાલ્યો. ફુજીવારા એવી આશા રાખે છે કે આવતા માસની | મધ્યમાં આપણે ઈમ્ફાલમાં હોઇશું. થાકુરને ટેલિફોન કર્યા અને ત્રીજી બ્રિગેડને બાયગોન લાવવાનો હુકમ કર્યો. એવી આશા રાખવામાં આવે છે કે અમે ટીડીમ પર સમયસર આક્રમણ કરી શકશુંં. | |
તા. ૧૨ માર્ચ | ફરીને ફુજીવારાને મળ્યો, ટીડીમ તરફની કૂચ મુલતવી રહી. કારણ કે ટીડીમનું લગભગ પતન થઈ ચૂક્યું છે. તેનો કબજો લેવાનું યાઝાગ્યો, માઇથા હાકા પરના અધિકારીને જણાવ્યું. કીમેવારી હાકા ગયા. રેજીમેન્ટે ભજવેલા ભાગ વિશે ચોક્કસ વિગતો મળે ત્યાંસુધી મેં અહીં જ રહેવાનો નિશ્ચય કર્યો છે. | ||
તા. ૧૭ ” | ટીડીમ ખાતેથી ૨૦૦ સૈનિકો નાસી ગયાના સમાચાર મળ્યા. તેઓ અત્યારે ૬૦ માઈલ દૂર આવેલા તાલમાની પશ્ચિમે આવેલા કાલાનાગા કુવા ખાતે હોવાનુ જણાય છે. રામસીંગને ત્યાં જવાનો હુકમ કર્યો અને સીંકદરને તેમને કેદ કરવાનો હુકમ કર્યો. પારાના કંપનીના નાયક મંગળસીંગ અને બે સીપાઇઓ સામેની તપાસ ચાલી. | ||
તા. ૨૨ ” | સાડા નવ વાગે પાંચમા થાણેથી ઉપડ્યો છઠ્ઠે થાણે પહોંચતાં સમાચાર મળ્યા કે અવાલે | મેજર માનિંગની પાર્ટીના ૨૨ ચીનાઓને પકડ્યા છે. સાતમા થાણે ખાણું લીધું અને આઠ વાગે ફાલામ પહોંચ્યો. | |
તા. ૨૬ માર્ચ | મેજર ઠાકુરસીંગનો પત્ર મળ્યો. તેઓ આપણા સૈનિકો જે રીતે કાર્યો કરે છે તેથી અને જાપાનીઓના વલણથી ખૂબ નિરાશ થયા છે. | ||
તા. ૩૦ ” | કેનેડીપીક ખાતેથી લુબી પાછો ફર્યો. તેનો હેવાલ નિરાશાજનક છે. જાપાનીઓ આઝાદ ફોજના સૈનિકો પાસેથી મજૂર તરીકે કામ લે છે. હું આ સંબંધમાં કીમેવારીને મળવા માટે આજે હાલ જઉં છું. મને નવાઈ લાગે છે કે આામાંથી શું થવાનું છે? હાકા જવા ૩ વાગે ઉડ્યોડ્યો. આઠવાગે હાકા પહોંચ્યો. રાત્રી તાઓ નદી પર પસાર કરી. આખી રાત વરસાદ પડ્યો. કોઈ આશ્રયસ્થાન નહોતું. | ||
તા. ૧એપ્રિલ | કલીંગરોડ પરના થાણાની તપાસે નીકળ્યો. | ||
તા. ૩ ” | હાકા સાબાક નજીકના થાણાની તપાસ કરી કીમેવારી સાથે આઝાદ ફોજની ટુકડીઓનો જે રીતે જાપાનિઝ ઉપયોગ કરે છે તેના સંબંધમાં વાતાચીત કરી. | ||
તા. ૭ ” | ફાલમા રોકાયો. જંગજુને હાકા જવાનો ઓર્ડર મોકલ્યો કમાન્ડરોને બોલાવ્યા. દીપક, જંગજુ, બી. એચ. આર અને અવાલ સાથે મંત્રણા ચલાવી. |
તા.૮એપ્રિલ | કમાન્ડર જંગજુ અને દીપક આવ્યા. |
તા.૧૧ ” | જંગજુ ફાલમાં નજદિક પહોંચી ગયો. દીપક નૌચાંગ પાછો આવી ગયો. આવતી કાલે તે ફોજો સાથે આગળ વધશે. તમામ તૈયારીઓ પૂર્ણ થવા પામી છે. | ||
તા.૧૪ ” | કલીંગ થાણા પર દુશ્મનોએ હુમલો કર્યો અમરિકી પાર્ટી સાથે પેટ્રોલ પર નીકળ્યો અને આઠ વાગે પાછો ફર્યો. કોઈ દુશ્મન હાથ લાગ્યો નહિ. આપણી કોઈ ખુવારી થવા પામી નથી. | ||
તા.૧૬ ” | સાડા આઠ વાગે દુશ્મનોએ ફરીને કલીંગ થાણા પર ગોળીબાર કર્યો. આજે તેમણે મોટરના ઉપયોગ કર્યો હતો. પણ લેફ. લેહનાસીંગે બહાદુરીથી નેનગ્રાંગ સુધી તેમનો પીછો પકડ્યો હતો. | ||
તા.૨૬ ” | કીકાનમાંથી એક ચાઈનીઝ કેદી પલાયન થઈ ગયો. | ||
તા.૨૮ ” | વડા મથકેથી ફરમાન આવ્યું કે ઈમ્ફાલના પતન સુધી હાકા ખાતે જ રોકાવું. | ||
તા.૧૦મે | તમામ કમાન્ડરોને કાલંગ પર દરોડા પાડવાનો હુકમ કર્યો. | ||
તા.૧ર ” | ૨૮ માઈલ દૂર આવેલા નેનગ્રાંગની મદદે ગયો. ત્યાં કીમેવારીને મળ્યો અને ઉખરાલ મુખ્ય રેજીમેન્ટને મોકલવાનો વડા મથકેથી હુકમ મળ્યો. | ||
તા.૧૩ ” | કીમેવારી મુથાહાકા જવા ઉપડ્યો. મને ભચ છે કે હુમલો ચૂકી જવાશે, આથી ઉખરાલ તરાફ ઉપડવાની મેં ડીવીઝનને આજ્ઞા કરી. | તા.૨૧એપ્રિલ | તામુ ખાતે મેજર ફુજીવારાને મળ્યો. ડીવીઝન કમાન્ડર ખાનને મળ્યો. |
તા. ૪જૂન | ‘એમ. એસ. ૩૦’ના થાણે પહોંચ્યો અને ત્યાં રાત્રી વ્યતિત કરી, રાત્રી દરમિયાન ડીવીઝને જે ભાગ ભજવવાનો હતો તેમાં ફેરફાર કર્યો. હવે તેણે ઈમ્ફાલના જંગલમાં ભાગ લેવાનો છે. ડીવીઝન કમાન્ડર ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેણે મને ભવિષ્યમાં જે ભાગ ભજવવાનો છે તે વિશે, તેમને જે કરવાનું હોય તે કરવાની સૂચના કરી મારી પસંદગી તો ઇમ્ફાલ પર આક્રમણ કરવાની જ હતી. | ||
તા.૧૪ ” | રાત્રી કેમ્પમાં જ ગાળી, ચોખાનો જથ્થો ગામડાંઓને મોકલી આપ્યો. લેફ. માસુદા સાંજના મળ્યો. તેણે મને જણાવ્યું કે જાપાનીઓ ઈમ્ફાલની ઘણી નજદિક છે, અને પાલેલ કબજે કર્યું છે. | ||
તા.૨૧ ” | ડીવીઝન કમાન્ડરે મને જણાવ્યું કે અમને યુદ્ધ કરવા માટેની તક આપો અથવા તો અમને પાછા અમારા ડીવીઝનમાં મોકલો એ વિશે કાંઈક જરૂરી પગલાં ભરવાની મેં ખાત્રી આપી. | ||
તા. ૨૭” | કીમેવારી હુક્મ લેવા માટે વડા મથકે ગયો. સૈનિકોને હજી રેશન મળ્યું નથી. ભૂખમરાને કારણે ચાર ગાવાલીઓનાં મરણ નીપજ્યાં છે હું અને રામસ્વરૂપ હીલરી કીકાન પાસે ગયા કાંઈક કરવા જણાવ્યું. પણ એ સંબંધમાં કાંઈ પણ ધ્યાનમાં લેવાની તેમની વૃત્તિ જ જણાઈ નહિ. મારા સૈનિકોને ઈરાદાપૂર્વક ભૂખે મારવા પાછળ તેનો શો હેતુ છે તેની મને ખબર પડતી નથી. | તા.૧૫જુલાઈ | ભૂખમરાને કારણે માણસો ટપોટપ મૃત્યુના મુખમાં હોમાઈ રહ્યાં છે. કેટલાકે આપઘાત કર્યો છે. જાપાનીઓ કોઇ જાતની મદદ આપતા નથી. |
તા. ૮ઑગસ્ટ | યાવાથી કીમેવારીનો જવાબ મળ્યો. તેણે પૈસાની કોઈ સગવડ કરી નથી, તેમ જ બીજી કોઈ મદદ આપવાની તૈયારી બતાવી નથી. તેણે એવી સૂચના કરી છે કે તેરાઉ ખાતેના અમારા બિમાર માણસોએ આપઘાત કરવો. |
મેજર જનરલ શાહનવાઝખાનની ડાયરીનાં આ પાનાઓમાં એક વાત સ્પષ્ટ કહે છે કે આઝાદ ફોજના સૈનિકોને જાપાનીઓ પૂરતી સહાય આપતા ન હતા. મોરચા પર જ્યારે આઝાદ હિંદ ફોજના સૈનિકો ઈમ્ફાલને માટે ઝૂઝી રહ્યા હતા, અને ઇમ્ફાલના પતનની જ્યારે ઘડીઓ ગણાતી હતી ત્યારે આઝાદ હિંદ ફોજના સૈનિકોમાં ભૂખમારો ફેલાયો. આ ભૂખમરામાંથી બચવા માટે મેજર જનરલ શાહનવાઝખાને જાતે જાપાની સેનાપતિ પાસે અનાજની માંગણી કરી પણ તે અનાજ મળ્યું નહિ અને એવી પણ સૂચના કરવામાં આવી કે આઝાદ હિંદ ફોજના બિમાર સૈનિકોએ આત્મહત્યા કરવી.
આ પૃષ્ઠો એટલી વાત તો જગતને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે હિંદીઓ જાપાનના ગુલામ ન હતા. તે જાપાનને હિંદ જીતી આપવા માટે લડતા ન હતા. તેમણે ભૂખ્યા પેટે, શસ્ત્રોની તંગી વચ્ચે હિંદની આઝાદીનો જંગ ચાલુ રાખ્યો હતો. એક બાજુ દુશ્મન જ્યારે તોપગોળા વર્ષાવતો હતો ત્યારે બીજી બાજુ આઝાદ હિંંદના સૈનિકો, ભૂખમરાના ખપ્પરમાં હોમાઈને ‘જય હિંંદ'ના છેલ્લા શબ્દોચ્ચાર વચ્ચે, મૃત્યુને ભેટતા હતા.
મેજર જનરલ શાહનવાઝ ૧૯૪૨ના ફેબ્રુઆરીમાં સીંગાપોરમાં જાપાનને શરણે થયા ત્યારથી ૧૯૪૫ના મે મહિનામાં બ્રિટિશરોએ તેમને પકડ્યા ત્યાં સુધીના સમયને ત્રણ તબક્કામાં વહેંચી નાંખે છે. પહેલો તબક્કો તા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૨થી મે ૧૯૪૨ સુધીમાં પૂરો થાય છે. આ સમય દરમિયાન તેમના જણાવ્યા પ્રમાણે આઝાદ હિંદ ફોજની રચના થઈ રહી હતી, તેઓ કહે છે કે તે સામે જ મારો વિરોધ હતો અને જે કમનસીબ સંજોગોમાં અમે મૂકાયા હતા તે સંજોગો વચ્ચે પણ હું એ યોજના સામે સારી રીતે લડતો હતો.
બીજો તબક્કો - જૂન ૧૯૪૨ થી જૂન ૧૯૪૩ સુધીનો છે. એ તબક્કા દરમિયાન મને મારા પહેલા ધ્યેયમાં નિષ્ફળતા મળી તેનું ભાન થયું અને મેં મારા માણસોના હિતમાં આઝાદ ફોજમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો કે અંદર રહીને હું તેને તોડી નાંખીશ અથવા તો ભંગાણ પાડીશ. જો તેઓ જાપાનને મદદ કરવા કે હિંદી સૈનિકોનું શોષણ થવા દેવા તૈયાર થશે તો.
ત્રીજો તબક્કો- જુલાઈ ૧૯૪૩ થી મે ૧૯૪૫ સુધીનો છે. જ્યારે મને સ્પષ્ટપણે ખાત્રી થઈ ચૂકી હતી કે આઝાદ હિંદ ફોજ એ હિંદની મુક્તિ માટે લડનારી ફોજ છે.
આ ત્રણે તબક્કામાં બનેલા અગત્યના બનાવોનું બ્યાન ખાપતાં તેઓ જણાવે છે કે–
પહેલા તબક્કામાં હું આઝાદ હિંદ ફોજ ઊભી કરવા સામે વિરોધ કરતો હતો, કારણ કે મને એમ લાગતું હતું કે જાપાનીઓ અમારું શોષણ કરવા માગે છે અને તેને પહોંચી વળે તેવો રાજકિય દૃષ્ટિએ અમારામાં કોઈ નિષ્ણાત ન હતો. તેમ જ જાપાનીઓએ તમામ હિંદી સૈનિકોને કૅપ્ટન મોહનસિંહને સુપ્રત કરતાં હું વધુ શંકાશીલ બન્યો, અને તેથી તે યોજના સામે લડવાની મારી ફરજ છે એમ મને જણાયું.
તા. ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ મને મારી ટુકડી સાથે જાસુન છાવણીમાં મોકલી આપવામાં આવ્યો. થોડાક દિવસો પછી કેમ્પ કમાન્ડર તરીકે નીમવામાં આવ્યો. આ છાવણીમાં લગભગ આઠથી દશ હજાર સૈનિકોનો સમાવેશ થઈ શકે તેમ હતું. ત્યારે ૨૦ હજારને પૂરવામાં આવ્યા હતા. આરોગ્ય માટેની કોઈ સગવડ ત્યાં ન હતી. પૂરતા પાણીનો જથ્થો પણ ન હતો. તબીબી સગવડ તા નહિવત્ હતી. કોઈ દવાદારૂ તો હતી જ નહિ. એના પરિણામે છાવણીમાં રોગચાળો ફાટી નીકળ્યો અને સૈન્યની શિસ્ત તૂટી ગઈ હતી. મારા માટે મુશ્કેલ દિવસો હતા. પાછળથી આરોગ્ય પાણી અને વિજળીની સગવડો મળી શકી.
ફરારપાર્કના બનાવ પછી મને તો પૂરતી ખાત્રી થઈ ચૂકી હતી કે જાપાનીઓ અમારું શોષણ કરવા માગે છે એટલે જાસુન છાવણીમાં પહોંચ્યા પછી મેં ઓફિસરોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો, અને તેમના સંગઠ્ઠન દ્વારા આઝાદ હિંદ ફોજની રચના કરવા સામે વિરોધ ઉઠાવવાનું નક્કી કર્યું. ૧૯૪૨ના મે મહિનામાં અમારા પ્રયાસો નાકામયાબ નિવડ્યા અને આઝાદ હિંદ ફોજની રચના થઈ, અને જેઓ ફોજમાં જોડાયા હોય તેમને અને ન જોડાયા હોય તેમને જુદા પાડવાના હુકમો મળ્યા. આ નવી પરિસ્થિતિમાં ‘ઓફિસર્સ બ્લોક’ સાથે મેં વારંવાર ચર્ચા કરી અને પહેલા પ્રયાસમાં અમે નિષ્ફળ ગયા હોવાથી, સૈનિકોને સંરક્ષણ આપવા, જાપાનીઓના શોષણને અટકાવવા, અને જાપાનીઓને શરણે જવાનો વિચાર આવતાંં જ ફોજને છિન્નભિન્ન કરવાના હેતુથી તેમાં જોડાવાનો અમે નિશ્ચય કર્યો.
મેં તમામ મુસ્લિમ અમલદારોની સભા એક મસ્જીદમાં બોલાવી, અને તેમને મેં આઝાદ હિંદ ફોજમાં જોડાવાનો નિર્ણય શા માટે કર્યો તેનાં કારણો સમજાવ્યાં. મેં તેમને સમજાવ્યું કે આપણે હવે થોડા વખતમાં જ છુટા પડીશું. મેં તેમની પાસેથી એવી ખાત્રી માગી કે જાપાનીઓ તેમના પર ગમે તેટલું દબાણ કરે તો પણ તેઓ જાપાનના સ્વયંસેવકો બનશે નહિ. તેઓ તમામ સમંત થયા અને ઉચાર્યું “દુવા ખૈર”: તેમણે કરેલા નિર્ણયનું ધાર્મિક ઉચ્ચારણ હતું.
એ પછી બીજો તબક્કો શરૂ થાય છે. બેંગકોક પરિષદ ૧૯૪૨ના જૂન મહિનામાં કૅપ્ટન મોહનસિંહે બોલાવી હતી. હું પોતે એવી પરિષદમાં ભાગ લેવાની વિરુદ્ધ હતો. મને મલાયામાં મૂકવામાં આવ્યો. જ્યાં મારી ફરજ હિંદી સૈનિકોનાં થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં જઈને તેમની ફરીઆદો જાપાની વડા મથક સમક્ષ રજૂ કરવાની હતી.
કૌલા લુમ્પુર ખાતે મને જાપાનીઓએ હુકમ કર્યો કે તમામ હિંદી ફોજોને તપાસ માટે એકત્ર કરવી. જાપાની કમાન્ડરે હિંંદી સૈનિકો સમક્ષ ભાષણ કરતાં જણાવ્યું કે ‘તમને બધાને હું આવકાર આપું છું અને મારા હાથ તળે તમને આવેલા જોઇને મને ખૂશી થાય છે, અમે તમને અમારા ભાઈઓ તરીકે ગણીશું. આપણે બધા એશિયાવાસી છીએઃ તમામ જાપાનીઓ અંતઃકરણપૂર્વક ઇચ્છે છે કે હિંદે તેની આઝાદી પ્રાપ્ત કરવી જ જોઈએ અને તમને તમારી આઝાદીની લડત માટે હથિયારો પૂરા પાડવાનો અને જરૂરી તાલીમ આપવાનો નિશ્ચય કર્યો છે.’
આ ભાષણ પરથી મને લાગ્યું કે જાપાનીઓ હિંદી સૈનિકો, જેઓએ શસ્ત્રો હાથમાં લીધાં છે તેમનું શોષણ કરવા માગે છે. મેં જાપાની કમાન્ડર સમક્ષ હિંદની આઝાદીના પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે હિંદની આઝાદીનો પ્રશ્ન, હિંદીઓનો પોતાનો છે. કોઈપણ હિંદીને તેની ઇચ્છા વિરુદ્ધ તેમાં ભાગ લેવા માટે દબાણ કરવાનો જાપાનીઓને કોઈ અધિકાર નથી. તે મારી સાથે સંમત થયા.
એવી જ અથડામણ સેરૅમ્બન ખાતે થવા પામી હતી. હિંદી સૈનિકોએ હથિયારો ઉઠાવવાની ના પાડતાં તેમની સામે જાપાનિઝોએ મશીનગનો ગોઠવી હતી. કમાન્ડર લેફ. ગુલામમહમદને એકાંત કોટડીમાં ખસેડવામાં આવ્યો હતો અને હિંદી સૈનિકોને વિચાર કરવા માટે ૨૪ કલાકની મહેતલ આપવામાં આવી હતી અને ત્યારપછી ગોળીબાર કરવાની ધમકી આપવામાં આવી હતી. મને એ વિષે ખબર પડતાં જ હું ત્યાં પહોંચી ગયો, ત્યાં કેટલીય મહેનત પછી જાપાની અધિકારીઓને સમજાવી શક્યો અને ભવિષ્યમાં અથડામણો ઊભી ન થાય તે માટે તેમને અમારું દૃષ્ટિબિન્દુ પણ સમજાવી શક્યો. એવી જ રીતે મેં મલાયામાંની તમામ હિંદી સૈનિકોની છાવણીઓની મુલાકાત લીધી અને તેમને જણાવ્યું કે જાપાનની દોરવણી હેઠળ તેઓ હથિયારો ઉપાડવાને કે તાલીમ મેળવવાને બંધાયેલા નથી.
કાપલા-લુમ્પુર ખાતે જાપાનીઓએ હિંદીઓને જાપાની ક્વાયત અને સલામી શીખવાડવાનો પ્રયાસ કર્યો હતા, પણ મેં તેનો સખ્ત વિરોધ કર્યો, જો કે રંગુનમાંના અંગ્રેજ સૈનિક કેદીઓએ તો તેનો સ્વીકાર કર્યો હતો એના પરિણામે હિંદી સૈનિકોની સ્થિતિમાં સુધારો થવા પામ્યો હતો.
એક વખત હું પ્રવાસે નીકળ્યો ત્યારે મને જણાયું કે કેટલાક સૈનિકોને તેઓ બ્રિટિશ તરફી વલણ ધરાવતા હોવાના આરોપસર પકડવામાં આવ્યા હતા અને જાપાનીઓ તેમને ફાંસીએ લટકાવવા માગતા હતા. હું તરત જ જાપાની વડા મથકે ગયો અને મારા સૈનિકો મને પાછા સુપ્રત કરવાની મેં માંગણી કરી. મેં તેમને જણાવ્યુ કે હિંદી સૈન્યનો હું જવાબદાર વડો છું અને સિદ્ધાંત તરીકે જાપાનીઓ મારા હાથ તળેના માણસો સાથે સીધી પતાવટ કરે એ બરાબર નથી. મારી જાણ બાર મારા માણસોને લઈ જવામાં આવે તે પણ બરાબર નથી.
છેવટની વાત કહેતાં મેં જણાવ્યું કે જો તેઓ આ માટે આગ્રહ રાખશે તો હું મારી જગ્યાનું રાજીનામું આપીશ. ત્યારે જવાબમાં તેમણે જણાવ્યુ કે પંદરને તેઓ પાછા લઈ જઈ શકે છે, પણ બાકીનાને તો બ્રિટિશ તરફી હોવાથી ફાંસીએ તેઓને ચઢાવવામાં આાવશે તેઓ જાપાની કેદીઓ છે છતાં તેમણે બ્રિટિશરોને વફાદાર રહેવાના કસમ લીધા છે, આવા હિંદીઓને જીવતા રહેવા દેવાને તેઓ તૈયાર નથી. મેં તેમને એ કસમ અંગે સ્પષ્ટતાથી વિગતવાર સમજ આપી અને જણાવ્યું કે હિંદી સૈનિકોના ગુના માટે સામાન્ય માર્ગ તો તપાસ કોર્ટ બેસાડવાનો છે અને હું ઊંડો ઊતરીને તપાસ કરીશ અને જો તપાસમાં ગુનો ગંભીર પ્રકારનો જણાશે તો હું જાતે તેમને તમારા હવાલે કરીશ. તેઓ સંમત થયા અને હું ૨૩ જણાને સલામત રીતે પાછો લઈ આવ્યો.
ત્રીજો તબક્કો: નેતાજીના આગમન પછીનો છે. આ અંગે મેજર જનરલ શાહનવાઝખાને લશ્કરી અદાલત સમક્ષના પોતાના નિવેદનમાં પૂરતું કહ્યું છે. તેઓ કહે છે કે ‘હું સૈનિક હતો અને એક વખત મેં જે નિર્ણય કર્યો તેને વળગી રહેવાનો અને તે મુજબ છેલ્લે સુધી લડવાનો મારો નિશ્ચય છે.’
૧૯૪૭ના સપ્ટેમ્બર માસમાં નેતાજીએ મને આઝાદ હિંદ ફોજના ચુનંદા સૈનિકોની ફોજના વડા તરીકે પસંદ કર્યો અને હિંદની ભૂમિ પર ધસી જવાને વિદાય આપી. એ ટુકડીનું નામ ‘સુભાષ બ્રીગેડ’ અપાયું. આ બ્રિગ્રેડે આરાકાન, હાકા, ફાલમા અને કોહીમાના વિસ્તારમાંનો જંગ ખેલ્યો હતો.
ફેબ્રુઆરી ૧૯૪૫માં જ્યારે વડું મથક પીનામા ખાતે હતું ત્યારે નેતાજી ત્યાં પધાર્યા હતા અને મને જણાવ્યું હતું કે આઝાદ હિંદ ફોજની નં. ૨ ડિવિઝન પોપા વિસ્તાર તરફ આગળ વધી રહી છે. પણ કમનસીબે ડિવિઝનના કમાન્ડર કર્નલ અઝીઝ એહમદ હવાઈ હુમલામાં ઘાયલ થયા છે. તેથી તમારે તેનો ચાર્જ લેવો. મેં એનું પાલન કર્યું, પણ ૧૯૪૫ના એપ્રિલમાં મારે પેગુ પાછા ફરવું પડ્યું, ત્યાં મને ગીરફ્તાર કરવામાં આવ્યો.
નેતાજીના બહાદુર સાથીદારની આ જ્વલંત અને તેજસ્વી કથા છે.