નેતાજીના સાથીદારો/આનંદમોહન સહાય

વિકિસ્રોતમાંથી
← સ્વ. રાસબિહારી ઘોષ નેતાજીના સાથીદારો
આનંદમોહન સહાય
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ
શાહનવાઝખાન →



[૨]

આનંદમોહન સહાય


[મહામંત્રી; આઝાદ હિંદ સરકાર]


‘જુવાન ! તું જેમ બને તેમ જલદી દેશ ભેગો થઈ જા ! જાપાનમાં તું સ્થીર થઈ શકીશ નહિ. જગતના બીજા બધા દેશો કરતાં જાપાન જૂદા પ્રકારનો દેશ છે. અહીં હિંદીઓને સ્થીર થવું મુશ્કેલ છે. અનેક હાડમારીઓ અને યાતનાઓ બરદાસ કર્યા પછી પણ તને સફળતા મળશે કે કેમ ? એ શંકાસ્પદ પ્રશ્ન છે ! ’

'મારી સલાહ છે કે વળતી સ્ટીમરે જ, તું પાછો ચાલ્યો જા ! તારા પાછા ફરવાનું ખર્ચ હું આપી દઈશ એની ચિંતા ન કરતો.’

આશાની પાંખે ચઢીને ઊંચે ને ઊંચે ઉડ્ડયન કરતો એક હિંદી નવજુવાન જાપાનના શાહીવાદી નગર કોબેની શેરીએ શેરીએ ઘૂમી રહ્યો છે. અને જાપાનમાં સ્થીર થવું છે અને જાપાનમાં રહીને હિંદી તરીકેની ઉજ્જ્વલ નામના કમાવી છે. હિંદીઓની સાહસિકતા, હિંદીઓની હિંમત અને હિંદીઓની ચમકતી બુદ્ધિનો જગતને પરિચય આપવો છે. દિવસો થયા એ આથડે છે પણ એને પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી, દિવસો થયા એ કોબેના રાજમાર્ગો અને શેરીઓમાં ઘૂમી રહ્યો છે. કેટલાય જાપાનીઓને મળે છે પણ એને ઊભવાને કાઈ સ્થાન મળતું નથી. હર્ષભર્યો આવકાર આપનારા બે બોલ એને સાંભળવા મળતા નથી.

આમ છતાં નિરાશાની એક પણ રેખા એના વદન પર ઉપસી આવી નથી. ઉત્સાહ ઓછો થયો નથી. પાસે જે ધન હતું તે પણ હવે ખૂટી જવા આવ્યું છે. આર્થિક તંગીની ભીંસ એને ભાસી રહી છે. છતાં એના મુખ પરનું સ્મિત હજીય ફરક્યા જ કરે છે.

રઝળપાટ અને રખડપાટને અંતે એક હિંદીનો એને ભેટો થાય છે. પોતાના દેશના વતનીને જોઇને એ આશ્ચર્ય અનુભવે છે. એને પોતાની પાસે બોલાવે છે એની પીઠ થાબડે છે અને એને સલાહ આપે છે. ‘જુવાન તું પાછો ફર’ જુવાનને એ સલાહ રુચતી નથી. એનો નિશ્ચય એવા ને એવો જ છે.

‘મહેરબાની કરીને મને પાછા ફરવાની સલાહ ન આપો,’ જુવાને મક્કમતાથી જવાબ દીધો, ‘જ્યાં સુધી હું અહીં સ્થીર ન થાઉં ત્યાં સુધી હું કદિ પાછો ફરનાર નથી.’

‘જુવાન ! હેરતભરી આંખે એ હિંદી આ જુવાનને નીરખી રહે છે અને બોલે છે, તારી હિંમત અજબ છે, તારી ધીરજ પણ અખૂટ છે. પણ જાપાનમાં હિંદીઓને સ્થીર થવું ઘણું મુશ્કેલ છે.’

‘મુશ્કેલીઓને બરદાસ કરવાની મારામાં હિંમત છે.’ જુવાને પોતાની તૈયારી બતાવી અને એ જુવાનનો તેણે હાથ પકડ્યો.

એ જુવાન તે આનન્દમોહન સહાયઃ નેતાજીએ પૂર્વ-એશિયામાં સ્થાપેલી આઝાદ હિંદ સરકારના એ મહામંત્રી.

તેમનું કુટુંબ, બિહારમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, તેમના પિતા લાલા મોહન સહાય નાથનગરના એક પ્રસિધ્ધ જમીનદાર હતા. શ્રી. આનંદમોહન તેમનો સૌથી મોટો પુત્ર. લાલા મોહન સહાય પોતાના સંતાનોને કેળવણી આપવા પાછળ પુષ્કળ કાળજી રાખતા.

દેશભરમાં સત્યાગ્રહનો જુવાળ જ્યારે ઉછળી રહ્યો હતો અને દેશના જુવાનો જ્યારે માભોમની મુક્તિ માટે મરજીવાઓ બનીને ઘૂમતા હતા. ત્યારે શ્રી. આનંદમોહન, સ્વ. દેશબંધુ ચિતરંજનદાસ પ્રત્યે આકર્ષાયા. સ્વ. દેશબંધુની ભવ્ય અને તેજસ્વી પ્રતિભા, અપૂર્વ બલિદાન અને અપાર ધગશ શ્રી. આનંદમોહન સહાયને આકર્ષવા માટે પૂરતાં હતાં. અભ્યાસ છોડી દૂઈને તેમણે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. દેશબંધુએ તેમને તેમના પોતાના જ પ્રાંતમાં શ્રી. રાજેન્દ્રબાબુ સાથે રહીને કામ કરવાનો આદેશ આપ્યો.

એ દિવસો દરમિયાન તેમણે જે ઉત્સાહપૂર્વક કાર્ય કરવા માંડ્યું, તેના પરિણામે સત્તાવાળાઓની નજરમાં તેઓ આવી ગયા.

અસહકારનાં પૂર પાછાં વળ્યાં. દેશભરમાં નિરાશાનું ઘોર આવરણ છવાયું હતું. આગેવાનો પણ હતાશ થયા હતા અને પ્રજા પણ હતોત્સાહ બની હતી, ત્યારે પણ શ્રી. આનંમોહનનો ઉત્સાહ અદમ્ય હતો. એના દિલમાં શાંતિ નહતી. એની બેચેની એવીને એવી જ હતી. અસહકારના દિવસો દરમિયાન એના દિલમાં પોતાની માતૃભૂમિની વેદનાના ડંખ એવા જોસથી વાગ્યા હતા કે એની વેદના એ હજી ભૂલી શકે તેમ નહતું, પણુ જ્યારે દેશભરમાં કોઈ કાર્ય કરી શકાય એમ નથી, એવું તેમણે જોયું ત્યારે તેમણે પરદેશમાં જઈને ત્યાં એવા કોઇ પાઠ શીખવા કે જે મારા દેશને ઉપયોગી થઈ પડે, એવી ભાવના સાથે પરદેશ જવાનો નિશ્ચય કર્યો.

અમેરિકા જવાનો તેમનો ઈરાદો હતો, પણ ત્યાં જવાને માટેનો પાસપોર્ટ ન મળ્યો, એટલે તેમને પોતાનો વિચાર બદલવો પડ્યો અને જાપાન જવાનો નિશ્ચય કર્યો. ૧૯૨૩ની એ સાલ હતી.

સ્વમાનશીલ શ્રી. આનંદમોહને પોતાના પિતા પાસેથી, એ માટે કંઈ પણ સહાય લેવાનો ઈન્કાર કર્યો. એમનું સ્વમાન ઘવાતું હતું. એક મિત્ર પાસેથી માત્ર ૫૦૦ રૂપિયા લઈને જ એમણે જાપાન જવાની તૈયારી કરી. જાપાન જવાને તેઓ વિદાય થયા, ત્યારે માત્ર ઉત્સાહ અને સંકટો બરદાસ કરવાની તમન્ના સિવાય કોઈ સાથી ન હતું.

સ્ટીમરમાં ઉપલા વર્ગમાં તો તેઓ મુસાફરી કરી શકે તેમ ન હતું, ડોક પરના ઉતારૂ તરીકે તેમણે પ્રવાસ શરૂ કર્યો, ૨૮ દિવસનો એ પ્રવાસ અતિ કપરો હતો; પણ એ કપરા દિવસો તેમણે હિંમતપૂર્વક વ્યતિત કર્યાં અને તેમના રાજકિય જીવનની ખરેખરી શરૂઆત તો અહીંથી જ થઈ ગણાય.

પ્રવાસ દરમિયાન એ હંમેશાં આકાશ સામે દૃષ્ટિ માંડતા, પણ એની મનોસૃષ્ટિ તો, આકાશના ભિતર ભેદીને પણ આગળને આગળ વધતી. એની સ્વપ્નસૃષ્ટિમાં પોતાના દેશનું ઉજ્વળ ભાવિ ખડું થતું હતું. એ ઉજ્જ્વળ ભાવિ માટે શું કરવુ જોઇએ ? એ માટે જાપાન જવું કેટલે યોગ્ય છે? એવા પ્રશ્નો એના દિલમાં ઊઠતા. જાપાનથી તે સાવ અજાણ્યા છે એની પાસે કોઈ ભલામણપત્ર ન હતો કે કોઈ ઓળખીતા પર ચીઠ્ઠી ન હતી. આમ છતાં એના દિલમાં કશો જ તાપ ન હતો. થડકાટ એ અનુભવતો ન હતો.

સાવ અજાણ્યા માનવી તરીકે જ્યારે એણે કોબેની ધરતી પર પગ મૂક્યો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો ‘ક્યાં જવું ?’ એ જ ઉપસ્થિત થયો; કોબેનો એ સાવ અજાણ્યો હતો અને કોઈને એ જાણતો પણ ન હતો, એની પાસે જે મૂડી હતી તે પણ હવે ખૂટવા આવી હતી.

એણે રોજ રોજ કારખાનાંઓ અને ઑફિસોમાં ધક્કા ખાવા માંડ્યા. કામગીરીની શોધમાં એણે ભગીરથ પુરુષાર્થ આદર્યો; પણ નિષ્ફળતા એની સામે ડોળા ઘૂરકાવતી હતી, એના ઉત્સાહનાં ઉછળતાં મોજાં પાછાં પડતાં હતાં, છતાંય નિરાશા સામે એ લડતો જ હતો.

આફતો સામે લડતાં એ યોદ્ધાને જ્યારે એક હિંદીએ હાથ આપ્યો ત્યારે પોતાના ઉજ્જ્વલ ભાવિની કલ્પના સતેજ થઈ. જાપાનીઓની વિકૃત મનોદશા સામે એ ટટ્ટાર અડીખમ ઊભો રહ્યો અને જાપાનીઓએ તેને આગળ વધવાનો માર્ગ આપ્યો. આમ છતાં જુવાન આનંદમોહન પ્રત્યેના રોષ તો, કોઈ કોઈ જાપાનીઓના હૈયામાં આછો પાતળો ભભુકતો જ હતો; અને જ્યારે એક વખત એ ભયંકર માંદગીના બિછાને પટકાઈ પડ્યો ત્યારે એની સેવા સુશ્રુષા માટે કોઇ મોજૂદ ન હતું. એ હતો જાપાનીઓનો તિરસ્કાર. એ હતો જાપાનીઓનો રોષ; જે હિંદી કુટુંબે એનો હાથ પકડ્યો હતો એ કુટુંબે જ એની સેવા કરી.

હિંદીઓ પ્રત્યેનો, જાપાનીઓનો આા મનોભાવ, જુવાન આનંદમોહનને ખૂંચવા લાગ્યો. જાપાનમાં બ્રિટિશરો હિંદ વિરોધી જે સતત્ પ્રચાર કરી રહ્યા હતા તેનું એ પરિણામ હતું. એક વખત એક સિનેમાગૃહમાં તેણે એક બ્રિટિશ ફિલ્મ જોઈ. એ ફિલ્મમાં જાવાની એક નાનકડી બાળાના હાથમાં બાળક હતું અને તેને હિંદી સ્ત્રી તરીકે ઓળખાવવામાં આવી હતી, જાપાનીઓના દિલ અને દિમાકમાં હિંદી વિરુદ્ધ હળાહળ વિષ રેડવાનો એ પ્રયાસ હતો. એ જોઈ ને જુવાન આનંદમોહન ઉકળી ઊઠ્યા અને બીજે દિવસે કોબેના તમામ અખબારોમાં બ્રિટિશ પ્રચારના એણે ફૂરચા ઉડાવ્યા, પણ એટલેથી જ એ બેસી ન રહ્યો. એણે બ્રિટિશ એલચીની મુલાકાત લીધી.

એની ઝુંબેશના પરિણામે ફિલ્મનો એ ભાગ દૂર થયો. જાપાનમાં રહીને હિંદની પ્રતિષ્ઠાની રખેવાળી કરતાં કરતાં આવી તો કેટલીય લડતો એને લડવી પડી હતી; પરિણામે જાપાનમાં એની ગણના અગ્રણી હિંદીઓમાં થવા લાગી.

જેને સ્વમાનપૂર્વક જીવવું છે, જે સ્વમાનની કિંમત સમજે છે અને તેની રક્ષા માટે જે કિંમત ચૂકવે છે તેનું સ્વમાન સચવાય છે. જાપાનીઓ પણ હવે હિંદીઓને સમજતા થયા, તેમનું સ્વમાન સચવાય તેવી કાળજી રાખતા થયા.

એ દરમિયાન તેઓ રાસબિહારી ઘોષના સંપર્કમાં આવ્યા, અને ધીમે ધીમે તેમની વચ્ચેનો પરિચય પણ વધતા રહ્યો.

ચાર વર્ષના પરિશ્રમ પછી એ જુવાન સિદ્ધિના શીખરે પહોંચ્યો. એ જાપાનમાં સ્થીર થયો. વેપારધંધામાં આગળ વધવા સાથે પ્રતિષ્ઠા પણ પામી શક્યો; અને વિજયશ્રી વરીને એ સ્વદેશ પાછો ફર્યો. હિંદમાં તે શ્રીમતિ ઊર્મિલા દેવીનાં પુત્રી શ્રી. સતિદેવી સાથે લગ્નગ્રંથીથી જોડાયો. પત્ની પણ બહાદુર પતિ સાથે અવિરત ઝૂઝી શકે તેવી મળી.

ફરીને બીજી વાર શ્રી. સહાય જાપાન ઉપડ્યા. હવે વેપાર ધંધામાં આગળ ધપવાને બદલે, શ્રી. સહાય હિંદીઓના પ્રશ્નમાં રસ લેવા માંડ્યા.

કોબેમાં સૌથી પહેલાં, હિંદીરાષ્ટ્રીય મહાસભાની શાખાની સ્થાપના કરનાર શ્રી. સહાય હતા, પણ આ નામ તરત જ બદલવું પડ્યું. હિંદી રાષ્ટ્રીય મહાસભાએ પરદેશમાં પોતાની શાખા સ્થાપવાની ના પાડી. પરિણામે આ સંસ્થાનું નામ ‘ઇન્ડીયન નેશનલ એસોસીએશન ઑફ જાપાન’ રાખ્યું, બીજી બાજુ ટોકીઓમાં સ્વ. રાસબિહારી ઘોષે હિંદ સ્વાતંત્ર્યસંઘની સ્થાપના કરી હતી. અને સંસ્થાઓએ સાથે મળીને કાર્ય કરવા માંડ્યું.

શ્રી. સહાય, હિંદમાંથી રાષ્ટ્રીય મહાસભાએ પ્રસિદ્ધ કરેલા તમામ લેખો પોતાની સંસ્થા દ્વારા જાપાનમાં પુનઃપ્રસિદ્ધ કરવા માંડ્યા. ઉપરાંત ‘હિંદનો અવાજ Voice of India’ સાપ્તાહિક પણ શરૂ કર્યું. આ અખબાર દ્વારા તેઓ હિંદનું સ્પષ્ટ અને સત્ય ચિત્ર આપવા લાગ્યાઃ જાપાન અને હિંદુ વચ્ચેના સબંધો વધુ નિકટના મૈત્રીભર્યા બને, તે માટેનો પુરુષાર્થ કરવા માંડ્યો. પરિણામે બ્રિટિશ પ્રચારને મરણતોલ ફટકો પડ્યો. હિંદમાંની મહાસભાની પરદેશ વિષયક કચેરી સાથે તે સીધો સપર્ક રાખવા લાગ્યો.

જાપાનમાં આવતા હિંદી જુવાનોને હરેક પ્રકારની સગવડ મળી શકે તે માટે, એક ફંડ એકત્ર કરીને ‘ઈન્ડિયા હાઉસ’નું સર્જન કર્યું.

શ્રી. સહાયે હવે પોતાની પ્રવૃત્તિઓ વિકસાવવા માંડી, ચીનમાં જઈને હિંદનો સંદેશ સંભળાવવાનો નિશ્ચય કર્યો, શાંઘહાઇમાં વધુ મથક રાખીને એ જુવાનને ચીનમાં હિંદનો પયગામ પહોંચાડ્યો. તમામ સ્થળોની મુલાકાત લઇને હિંદની પરિસ્થિતિને સ્પર્શતા પ્રશ્નો વિષે વ્યાખ્યાનો આપ્યાં.

જાપાન અને ચીનની પ્રજા હિંદના પ્રશ્નને સમજતી થઈ. તેમ તેમ શ્રી. આનંદમોહનનું સ્થાન વધુને વધુ ઊંચું થતું ગયું. ૧૯૩૯ માં ફીલીપાઈનમાં પ્રવાસ કરવા માટે તેમને મનીલાથી આમંત્રણ મળ્યું પણ શ્રી. સહાય બ્રિટિશ પ્રજાજન હોઈને તેમને ફીલીપાઈન જવા દેવાને તૈયાર નહતી.

દરમિયાન વિશ્વયુદ્ધનો દાવાનળ ફાટી નીકળ્યો. હિટલરની આગેકૂચ વધતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય તૂટી પડવાની અણીપર હતું. તૂટી પડું, તૂટી પડું, કરતાં એ સામ્રાજ્યને એકદા જાપાને ફટકો માર્યો. જાપાને બ્રિટન સામે યુદ્ધ પોકાર્યું અને બદલાયેલી વિશ્વ પરિસ્થિતિને કારણે શ્રી. સહાય પોતાના મંત્રી રામસીંગ રાવલ અને સ્વ. રાસબિહારી ઘોષના મંત્રી ડી. એસ. દેશપાંડે સાથે શાંઘહાઈમાંની કમિટીઓની પુનર્રચનાના કામે લાગી ગયા.

હિંદી પ્રજા દર વર્ષે જે સ્વાતંત્ર્યદિન ઉજવે છે એ સ્વાતંત્ર્યદિન પૂર્વ એશિયાના હિંદીઓ પણ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે એવી સ્વાતંત્ર્યદિનની એક જંગી સભાનું પ્રમુખસ્થાન શ્રી. સહાયે લીધું, એ સભાના પ્રમુખસ્થાનેથી તેમણે પૂર્વ એશીઆના હિંદીઓની એક જ વ્યવસ્થિત સંસ્થાની હિમાયત કરી અને તે મુજબ તેમની ઇન્ડિયન નેશનલ એસોસીએશન ઓફ જાપાનને હિંદ સ્વાતંત્ર્ય સંઘ સાથે જોડી દીધી.

૧૯૪૨માં બેંગકોકમાં પૂર્વ એશીઆના હિંદીઓની જે ઐતિહાસિક પરિષદ મળી હતી તેમાં શ્રી. સહાય જાપાન અને મંચુરીઆમાંના હિંદી પ્રતિનિધિ મંડળના નેતા તરીકે હાજર થયા હતા.

પરિષદમાં ‘હિંદ હિંદીઓ માટે’નો જે બુલંદ અવાજ ગાજતો થયો હતો અને તેના પર જે ચાર મુખ્ય વક્તાઓએ ભાષણો આપ્યાં હતાં તેમાંના શ્રી. સહાય એક હતા.

સ્વાતંત્ર્ય હિંદ સંઘનું વડું મથક હવે બેંગકોક ખાતે ખસેડવામાં આવ્યું અને શ્રી. સહાયને પ્રકાશન વિભાગની જવાબદારી સુપ્રત થઈ હતી.

કૅપ્ટન મોહનસિહે આઝાદ હિંદ ફોજની રચના કર્યા પછી જાપાનના અધિકારીઓ સાથે અથડામણ ઊભી થતાં, સ્વાતંત્ર્ય હિંદ સંઘને માટે કટોકટીની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યારના ઉકળાટભર્યાં દિવસોમાં શ્રી. સહાય તટસ્થ રહ્યા હતા.

૧૯૪૩ના જૂનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ બેંગકોક પધાર્યા ત્યારે શ્રી. સહાય ત્યાં હતા. જુલાઈમાં સીંગાપોરમાં મળેલી હિંદી નેતાઓની પરિષદમાં હાજરી આપવાને તેઓ ગયા. આ પરિષદમાં નેતાજીએ પૂર્વ એશીઆના હિંદીઓનું નેતૃત્વ ધારણ કર્યું અને સ્વાતંત્ર્ય હિંદ સંઘની પુનર્વ્યવસ્થા હાથ ધરી, ત્યારે શ્રી. સહાય તેમના સીધા સંપર્કમાં આવ્યા.

નેતાજીએ તેમની શક્તિ પિછાની અને તેમને પરદેશ ખાતાના મંત્રીપદે નિયુક્ત કર્યા, તેમ જ થાઈલેન્ડ વિભાગીય કમિટીના પ્રમુખ તરીકે પણ તેમની પસંદી કરવામાં આવી. આ વિભાગમાંના હિંદીઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય તેમને માથે આવી પડ્યું. ૨૧ મી ઓક્ટોબર ૧૯૪૩ સુધી શ્રી. સહાય એ સ્થાન પર રહ્યા.

નેતાજીના આગમન પછી પૂર્વ એશીઆના હિંદીઓમાં ભારે ઉત્સાહ પ્રગટી નીકળ્યો. આઝાદીનો આતશ જાગ્યો હતો અને એ ઉત્સાહને વ્યવસ્થિત બનાવવા અને વ્યવસ્થિતપણે આઝાદીનો જંગ ખેલી શકાય તે માટે, નેતાજીએ. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરી ત્યારે હિંદીઓના ઉત્સાહને કોઈ સીમા ન હતી. નેતાજીએ શ્રી. સહાયને પ્રધાનમંડળના મહામંત્રીનું સ્થાન આપ્યું.

નેતાજી સુભાષ બોઝ પૂર્વ એશીઆમાં આવ્યા અને હિંદીઓનું નેતૃત્વ ધારણ કર્યું તે પહેલાં એટલે ૧૯૩૯માં જ્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યુંં, ત્યારથી શ્રી. સહાય હિંદની આઝાદી હાંસલ કરવા માટેના કાર્યમાં સહાય આપવાને નવી લડતની વ્યૂહરચના કરી રહ્યા હતા. એ લડતમાં પરદેશોની જરૂરી સહાય મેળવવાની તેમની યોજના હતી અને જે રાષ્ટ્રોને બ્રિટિશ શાહિવાદ, વિશ્વશાંતિ માટે ખતરનાક હોવાની ખાત્રી થઈ ચૂકી હતી તે રાષ્ટ્રોને, હિંદની સહાયતા માટે અપીલ કરવામાં આવી હતી. જાપાન અને ચીનમાં વસતા હિંદીઓને સંગઠ્ઠીત કરવાનો તેમણે પુરુષાર્થ કર્યો અને જાપાનને પણ તેના પોતાના જ હિતને ખાતર આઝાદ હિંદની આવશ્યકતા સમજવાની અપીલ કરી. આ અપીલ સફળ થઈ. ઠામ ઠામથી શ્રી. સહાયને ઉત્સાહભર્યો જવાબ મળ્યો. બ્રિટિશ સામ્રાજ્ય સામે જાપાન વર્ષોથી દાંત કચકચાવીને બેઠું હતું, એટલે એને તો જે તક જોઈતી હતી એ તક મળી ગઈ. તેણે હિંદની આઝાદી માટેની લડાઈને સંપૂર્ણ સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો, જાપાની અખબારોએ શ્રી. સહાયની અપીલને ખૂબ જ અગત્ય આપ્યું.

શ્રી. સહાયે જે ઉત્સાહભર્યો જવાબ આપ્યો હતો તેને લક્ષમાં લઈને, સંગ્રામ સમિતિની સ્થાપના કરી. આ સંગ્રામ સમિતિમાં સ્વ. રાસબિહારી ઘોષ અને રાજા મહેન્દ્રપ્રતાપ પણ જોડાયા હતા.

નેતાજીની આઝાદ હિંદ સરકાર અને આઝાદ હિંદ ફોજની અન્ય કારકીર્દિનાં મૂળ શ્રી. સહાયે નાંખ્યા હતાં. સંગ્રામ સમિતિની સ્થાપના પછી તરત જ તેમણે જાપાની વરિષ્ટ લશ્કરી સત્તાવાળાઓ સાથે સંપર્ક સાધ્યો અને હિંદની આઝાદીની લડાઈમાં સક્રિય સહાય આપવાના નિર્ણયની જાહેરાત કરવાની માગણી કરી. સ્વ. રાસબિહારી ઘોષની સલાહથી તેમણે પૂર્વ એશિઆમાંની હિંદી સંસ્થાઓનું હિંદની આઝાદી માટેનો સશસ્ત્ર જંગ ખેલવા માટે સંગઠ્ઠન સર્જ્યું. ટોકિયોમાંના પોતાના નિવાસસ્થાન એક હોટલમાં જાપાનમાંના તમામ હિંદી પ્રતિનિધિઓની એક પરિષદ બોલાવી. એ પરિષદમાં પહેલી જ વાર સર્વાનુમતે હિંદની આઝાદી માટે હિંદમાંની અંગ્રેજ હકુમત સામે સશસ્ત્ર જંગ ખેલવાનો નિર્ણય થયો; હિંદી વેપારીઓએ આ લડતને સંપૂર્ણ આર્થિક સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો. હિંદ સ્વાતંત્ર્ય સંઘ નામની નવી સંસ્થાના પ્રમુખ તરીકે સ્વ. રાસબિહારી ઘોષની વરણી થઈ.

શ્રી. સહાયે હવે ઝડપી તૈયારીઓ કરવા માડી; શાંઘહાઈમાં તેમણે હિંદીઓને સંગઠ્ઠીત કર્યાં અને તા. ૨૬ જાન્યુ. ૧૯૪૨ના રોજ ત્યાં હિંદુ સ્વાતંત્ર્ય સંઘની શાખાની સ્થાપના કરી.

૧૯૪૦માં, શ્રી. સહાયને એવી ખાત્રી થઇ હતી કે યુરો૫માં જાપાનનો મિત્ર હિટલર જે ઝડપથી કૂચ કરી રહ્યો છે તે જોતાં જાપાન ઝાઝો વખત હવે યુદ્ધથી અલિપ્ત રહી શકે તેમ નથી, એટલે તેમણે તરત જ થાઈલેન્ડમાંના હિંદીઓનું સંગઠ્ઠન કરવા તરફ ધ્યાન આપ્યું. દરમિયાન નેતાજી સુભાષ બોઝ બર્લિન પહોંચી ગયા છે એવા સમાચાર શ્રી. સહાયને મળ્યા કે તરત જ તેમણે નેતાજી સાથે સંપર્ક સાધ્યો અને જ્યાંસુધી નેતાજી પૂર્વએશિયામાં રહ્યા, ત્યાંસુધી તેઓ સતત રીતે તેમના સંપર્કમાં રહ્યા અને નેતાજીના નેતૃત્વ હેઠળ જંગ ખેલવા માટેનું ક્ષેત્ર તૈયાર કરવા તરફ ધ્યાન આપવા માંડ્યું. નેતાજીને જાપાનની પૂરેપૂરી સહાય મળે તે માટે શ્રી. સહાયે છેલ્લા બે દશકા દરમિયાન જાપાનના જુદાજુદા રાજકિય નેતાઓ સાથે જે સંપર્ક સાધ્યો હતો, તેમને મળીને હિંદની આઝાદીની આવતી ઘડીએ, મદદ કરવા માટે સમજાવવા માંડ્યા, તેમના પ્રયાસો સફળ થયા અને લશ્કરી તેમ જ નાગરિક નેતાઓએ શ્રી. સહાયને પૂર્ણ સહાય આપવાની ખાત્રી આપી. આ આગેવાનોને શ્રી. સહાયે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સદ્ભાગ્યે હિંદીને સુયોગ્ય દોરવણી આપે તેવા, હિંદી રાષ્ટ્રીય મહાસભાના માજી પ્રમુખ શ્રી. સુભાષ બોઝ હિંદની બહાર છે. હિંદીઓને તેમના જેવા નેતા મળી શક્યા છે, એ સુચિહ્ન છે.

શ્રી. સહાયે, નેતાજી સુભાષ બોઝને બૃહત એશીઆનો જંગ શરૂ થાય તે પહેલાં ધરી રાજ્યોના નેતા હિટલર સાથે અંગત સંપર્ક સાધવાની વિનંતિ કરી હતી અને નેતાએ હિટલરની અંગત મુલાકાત લીધી હતી અને હિંદની આઝાદી માટે શરૂ થનારા જંગને, હિટલરે હર્ષથી આવકાર આપ્યો હતો.

૧૯૪૨ના જૂનમાં બેંગકોક ખાતે પહેલી હિંદ સ્વાતંત્ર્ય સંઘની પરિષદ મળ્યા પછી શ્રી, સહાયે, રેડીઓ દ્વારા હિંદમાંના પોતાના દેશબાંધવોને હિંદ બહાર શરૂ થનારી, હિંદીઓની સશસ્ત્ર લડતનો ખ્યાલ આપીને, હિંદીઓને જાપાનના ભયને નામે થઈ રહેલા પ્રચારમાં નહિ ફસાવા માટેનાં પ્રવચનો કરવા માંડયા. નેતાજીના આગમન સાથે, શ્રી. સહાયે તેમને પૂર્વ એશીઆની પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ કર્યા અને હિંદીઓની ચળવળને ફરીથી વ્યવસ્થિત કરવા માટેનાં ઉપયોગી સૂચનો કર્યા. જ્યારે નેતાજીએ નેતૃત્વ હાથ ધર્યું કે તરત જ શ્રી. સહાયને પરદેશખાતું સુપ્રત થયું અને ૧૯૪૩માં નેતાજીએ જ્યારે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરી ત્યારે નેતાજીની સૂચનાથી જ, શ્રી. સહાયને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા અને મહામંત્રીનું જવાબદારીભર્યું સ્થાન આપવામાં આવ્યું. ટોકીઓમાં મળેલી પૂર્વ એશિયા પરિષદમાં નેતાજીએ શ્રી. સહાય અને કર્નલ ભોંસલેને આઝાદ હિંદ સરકારના પ્રતિનિધિ તરીકે મેાકલ્યા હતા અને જ્યારે જાપાન સરકારે શહિદ અને સ્વરાજ ટાપુઓ, આઝાદ હિંદ સરકારને સુપ્રત કરવાનો નિર્ણય કર્યો, ત્યારે તેની ફેરબદલી અંગે ચર્ચા કરવા માટે નેતાજીની સાથે આઝાદ હિંદ સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી. સહાય અને કર્નલ ભોંસલે પણ ગયા હતા.

શ્રો. આનંદમોહન સહાય નેતાજીની ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ તરીકે ૧૯૨૦થી સ્થાન ધરાવે છે. ૧૯૨૦ માં જ્યારે શ્રી. આનંદમેાહન સહાય, બાબુ રાજેન્દ્રપ્રસાદના મંત્રી હતા, ત્યારે દેશબંધુ દાસના જમણા હાથ સમા સુભાષબાબુના પરિચયમાં આવ્યા હતા. ત્યારથી શ્રી. સહાયની શક્તિઓનો પણ નેતાજીને પરિચય થયો હતો.

એક વખતે નેતાજી અને જાપાની સત્તાવાળાઓ વચ્ચે ચલણના સંબંધમાં ગંભીર મતભેદ ઊભો થયો. જાપાની સત્તાવાળાઓ એમ કહેતા હતા કે, મુક્ત થયેલા પ્રદેશમાં જાપાનનું ચલણ જ ચાલુ રહે. ત્યારે નેતાએ એના ઉગ્ર પ્રતિકાર કર્યો, અને આઝાદ હિંદ સરકારનું નાણું જ ચાલુ કરવાનો નિશ્ચય કર્યો. એ માટેની તમામ કામગીરી શ્રી. આનંદમોહન સહાયને સુપ્રત થઈ.

૧૯૪૪ની ગ્રીષ્મ લડતમાં આઝાદ હિંદ સરકારને માટે ગંભીર નાણાંકીય કટોકટી ઊભી થઈ, તાત્કાલિક નાણાંની જરૂર હતી. મોરચા પરથી ઘવાએલા, અપંગ થયેલા, સૈનિકો આવી રહ્યા હતા. તેમને માટે ખોરાકની, કપડાંની અને દવાની તાત્કાલિક જરૂર હતી. નેતાજીએ શ્રી. આનંદ મોહન સહાયને તાત્કાલિક નાણાંની વ્યવસ્થા કરવા મોકલ્યા અને એક મહિનામાં દોઢ કરોડ રૂપિયા નેતાજીનાં ચરણોમાં તેમણે રજૂ કર્યાં. ઉપરાંત કાપડ અને દવાની પણ જોગવાઈ કરી, આમ નેતાને ચિંતામુક્ત કર્યાં.

અગત્યની મંત્રણા કરવાને નેતાજીના મોકલ્યા શ્રી. આનંદમોહન ટોકીઓમાં ગયા ત્યારે યુદ્ધની પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. જાપાન પરાજય પામતું જતું હતું અને આક્રમણકારી નીતિ છોડી દઈને હવે સંપૂર્ણપણે રક્ષણાત્મક લડત ખેલી રહ્યું હતુ. ટોકીયેામાંના શ્રી. સહાયના મિત્રોએ તેમને પાછા નહિ ફરવાની સલાહ આપી. લશ્કરી સત્તાવાળાઓએ તેમને માટે વિમાનની જોગવાઈ કરવામાં વિલંબની નીતિ અખત્યાર કરી.

‘તમે મને અહીં રોકાઈ જવાનું કહો છો. પણ જ્યારે ખરાબ દિવસો માથે ઝઝૂમી રહ્યા છે ત્યારે નેતાજીની પડખે રહેવાનો મારો ધર્મ છે. મારી ત્યાં જરૂર છે. તમે મને જો નહિ જવા દો તો હું આત્મહત્યા કરીશ.’ શ્રી. આનંદમોહને પોતાનો મક્કમ નિશ્ચય આ શબ્દોમાં જાહેર કર્યો ત્યારે તેમને માટે વિમાનની વ્યવસ્થા થઈ.

પરન્તુ વિમાની પ્રવાસ જોખમભર્યો હતો. દુશ્મન વિમાનો ગમે ત્યારે પીછો પકડે તેના ભય હતો, એટલે શ્રી. સહાયના વિમાનને વાદળોમાં છુપાઈ જવું પડતું, દુશ્મનોની વધી પડેલી વિમાની પ્રવૃત્તિમાંથી તે સલામત રીતે છટકી ગયા એ એક માત્ર ચમત્કાર જ હતો. તીહાંકું અને ટાઈયુમાં તે જે હાટલમાં વસવાટ કરતા તે હોટલ પર બોંબમારો થયો અને મશિનગનનો મારો શરૂ થયો. જે ઓરડામાં તેઓ રહેતા હતા તે ઓરડો તારાજ થયો. માત્ર તેઓ જ બચી ગયા.

બેંગકોક ખાતેના વિમાની મથકે તેમનું વિમાન ઊતર્યું કે તરત જ દુશ્મન બોંબરોએ બોંબવર્ષા કરી, પણ તે આશ્રયસ્થાનમાં જેમ તેમ કરીને ભરાઈ ગયા અને મૃત્યુના મુખમાંથી બચી ગયા. ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે આઝાદ હિંદ સરકારે રંગુન ખાલી કર્યું છે અને વડું મથક બેંગકોક ખસેડવામાં આવ્યું છે. નેતાજીએ જ્યારે તેમના સાહસની વિગતો સાંભળી ત્યારે ખૂબ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. શ્રી. આનંદમેાહનની તેમણે પીઠ થાબડી, જવાબદારીના તેમના ખ્યાલની કદર કરી, જીવનની દરકાર કર્યા વિના પોતાને સુપ્રત થયેલી જવાબદારી અદા કરવા માટે નેતાજીએ તેમને અભિનંદન આપ્યાં.

શ્રી. સહાય સામ્યવાદના અભ્યાસી છે. તે સર સાપુરજી સકલાતવાળાના શિષ્ય હતા, પણ તેમને આખરે એ સમજાયું કે જ્યાં સુધી હિંદ આઝાદ નથી ત્યાં સુધી કોઈપણ જાતની નવી સમાજરચના શક્ય નથી અને જીવનભર, યૌવનની ઉત્સાહી પળોમાં પણ એ એક જ ધ્યેય–હિંદની આઝાદી માટે ઝૂઝતા રહ્યા.

સીંગાપોરમાંના પર્લહિલ કારાવાસમાં બ્રિટિશ સરકારના કેદી તરીકે જ્યારે એ પૂરાએલા હતા ત્યારે લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું હતું કે —

‘અમે જે કાંઈ કર્યું છે તે માટે અમને હરગીઝ શર્મ નથી ઉપજી, અમે જિંદગીને હોડમાં મૂકી, પણ અમે પરાસ્ત થયા. અમે સખ્ત પરિશ્રમ ઉઠાવ્યો, ત્યારે અને અત્યારે પણ હું જે બરદાસ કરી રહ્યો છું, તે માનપૂર્વક બરદાસ કરું છું, કારણ એ બધું મારા પ્રિય ધ્યેયને ખાતર છે. જેને ખાતર હું ઝૂઝ્યો હતો.’

તેમનો જુવાન ભાઈ જાપાનમાં તેમની સાથે હતો તે, જગતમાંથી સદાને માટે ચાલ્યો ગયો છે. જાપાનમાં વેપાર ધંધાની જમાવટ કરીને વર્ષો સુધી જે ધન પેદા કર્યું હતું તે ધન જપ્ત કરવામાં આવ્યું છે અને કારાવાસમાંથી મુક્ત થઈને, હિંદ આવેલા આ મરજીવાને આજે, મિત્રોની મદદ પર નિર્ભર રહેવું પડે છે.