નેતાજીના સાથીદારો/સ્વ. રાસબિહારી ઘોષ

વિકિસ્રોતમાંથી
નેતાજીના સાથીદારો
સ્વ. રાસબિહારી ઘોષ
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ
આનંદમોહન સહાય →



[૧]

સ્વ. રાસબિહારી ઘોષ


[આઝાદ હિંદ સરકારના સર્વોચ્ચ સલાહકાર]


‘ધીરજ ધરો, મોહનસિંહ ! ભવિષ્યમાં આપણે જે મહાન જંગ ખેલવાનો છે તેની આ તો શરૂઆત છે. આકરા અને ઉતાવળા થવાની જરૂર નથી. જાપાન પ્રત્યે અવિશ્વાસ રાખવાની પણ જરૂર નથી. ભવિષ્ય હું જોઈ રહ્યો છું કે જાપાનની સહાયથી જ, આપણી માતૃભૂમિને ગુલામીની શૃંખલામાંથી છોડાવવા માટેનો જંગ આપણે ખેલવાના છે. એવા નેતાની હું પ્રતીક્ષા કરી રહ્યો છું કે જે હિંદી પ્રજાની તાકાત અને ઉત્સાહ અને જાપાનના શસ્ત્રોનો સુયોગ્ય સાધીને આપણને દારવણી આપે.”

નેતાજીનું પૂર્વ એશિયામાં આગમન થયુ, તે પહેલાંની એ વાત છે. સિંગાપોરના પતન પછી, બ્રિટિશ સેનાપતિએ જાપાનને હવાલે કરેલા હિંદી સૈનિકોને જાપાનના સેનાપતિએ સ્વતંત્ર માનવી તરીકે સ્વીકાર્યાં અને હિંદની આઝાદીની લડત લડવા માટે, હિંદીઓની ફોજ ઊભી કરવાની સૂચના આપી. એ માટે કર્નલ મોહનસિંહને કામગીરી સુપ્રત કરવામાં આવી. કર્નલ મોહનસિંહે સતત પરિશ્રમ પછી આઝાદ હિંદ ફોજની રચના કરી; આઝાદ હિંદ ફોજ હિંદી સ્વાતંત્ર્ય સંધની દોરવણી હેઠળ ઊભી થઈ હતી. હિંદી સ્વાનત્ર્ય સંઘના પ્રમુખ હતા, સ્વ. રાસબિહારી ઘોષ. પૂર્વ એશિયામાં એની સખ્યાબંધ શાખાઓ સ્થપાઈ હતી. પૂર્વ એશિયાના હિંદીઓને એ સંધના નેતૃત્વ હેઠળ સંગઠ્ઠીત કરવામાં આવ્યા હતા.

પરન્તુ કર્નલ મોહનસિંહને જાપાનની શુભ નિષ્ઠા વિશે શંકા પેદા થઈ. તેણે સ્પષ્ટ રીતે કહી દીધું કે ‘આઝાદ હિંદ ફોજના સૈનિકો જાપાની સેનાપતિના નેતૃત્વ હેઠળ હિંદના મારચે લડવાને કદિ પણ જશે નહિ. જાપાનની વિરષ્ઠ સરકારે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે, હિંદ્યમાં તેમને કોઈ ભૌગોલિક હકુમત સ્થાપવાની ઈચ્છા નથી. પણ જાપાનની દાનત સાફ ન હતી. જે સ્પષ્ટતા કર્નલ મોહનસિંહને જોઈતી હતી, એ સ્પષ્ટતા કરવામાં જાપાન વિલંબ કરતું હતું. આથી અકળાઈ ઉઠેલા કર્નલ મોહનસિંહે આઝાદ હિંદ ફોજને વિખેરી નાંખવાનો નિશ્ચય કર્યો. સ્વ. રાસબિહારી ઘોષને એની જાણ કરી ત્યારે, ઉતાવળા નહિ થવા, સ્વ. રાસબિહારી ઘોષે કર્નલ મોહનસિંહને ઉપરના શબ્દો કહ્યા હતા.

સ્વ. રાસબિહારી ઘોષ, વર્ષોથી જાપાનમાં વસવાટ કરતા હતા. જાપાનને તેઓ હદપાર થયેલા હિંદી, પોતાનું કાયમી સ્થાન બનાવી ચૂક્યા હતા. જાપાનીઓ તેમનું સન્માન કરતા હતા અને જાપાનના વરિષ્ઠ સત્તાવાળાઓમાં તેઓ વિશ્વાસ રાખતા હતા. તેમની ઉમેદ હતી કે જે સ્પષ્ટતા કર્નલ મોહનસિંહ માગે છે તે સ્પષ્ટતા તેઓ, મેળવી શકશે. પણ તેમનો વિશ્વાસ ખોટો ઠર્યો. જાપાને બેવડી રમત આદરી. એક બાજુ વિલંબની નીતિ અખત્યાર કરી અને બીજી બાજુ આઝાદ હિંદ ફોજના બે સૈનિકોને રાત્રે જ, તાલીમ છાવણીમાંથી બળાત્કારે ઉઠાવી જવામાં આવ્યા અને તેમને જાસૂસ તરીકે હિંદ ધકેલી દેવામાં આવ્યા. હિંદમાં આ સૈનિકો મૃત્યુને ભેટ્યા. કર્નલ મોહનસિંહનો રોષ ઉગ્ન બન્યો અને માઝાદ હિદ ફાજનું વિસર્જન કર્યું.

 આ આખા બનાવથી સ્વ. રાસબિહારી ઘોષને ભારે આઘાત લાગ્યો. હિંદની આઝાદીની ઝંખના કરતાં કરતાં એ વૃદ્ધાવસ્થાને આરે આવી ઊભા હતા. મૃત્યુ આવે તે પહેલાં એકવાર પોતાની માતૃભૂમિને આઝાદ અને સ્વતંત્ર જોવાને, એમની આંખો તલસતી હતી. ૨૫ ઉપરાંત વર્ષોથી એ માદરે વતન હિંદથી દૂર પડ્યા હતા અને દૂર પડ્યે પડ્યે પણ હિંદની આઝાદીની લડત એ ખેલતા હતા. એમને મન આઝાદ હિંદ ફોજની રચના એક અતિ આનંદદાયક ઘટના હતી.

મિત્રો સમક્ષ તેમણે કહ્યું હતું કે ‘હવે મને ખાત્રી થઈ ચૂકી છે કે મારી મા, જરૂર આઝાદ થવાની છે, એની મુક્તિની મંગલ ઘડી આવી પહોંચી છે.’ એટલે જ, આઝાદ હિંદ ફોજના વિસર્જનથી તેમના દીલને જબ્બર આાઘાત લાગ્યો.

તેમને લાગ્યું કે પોતે વર્ષોથી જાપાનમાં વસવાટ કરે છે એટલે જ, પોતાના હિંદી ભાઈઓને કદાચ પોતાના નેતૃત્વ વિશે શંકા જાગી હશે. સંભવ છે કે, પોતાના હિંદી ભાઈઓ પોતાની પર વિશ્વાસ મૂકવાને તૈયાર ન હોય. એટલે તેમને, હિંદીઓને યોગ્ય દોરવણી આપે અને જાપાનનાં વરિષ્ટ મંડળો સાથે સતત સંપર્કમાં રહીને, તેની તાકાતનો હિંદની આઝાદી માટે ઉપયોગ કરે તેવા નેતાની આવશ્યકતા જણાઈ: પૂર્વ એશિયામાં વસતા હિંદીઓમાં તો એવો કોઈ નેતા ન હતો, ત્યાં એમને સમાચાર મળ્યા: ‘હિંદમાંથી, પોલિસને થાપ આપીને શ્રી. સુભાષ બોઝ છટકી આવ્યા છે. તેઓ હાલ જર્મનીમાં છે અને ત્યાં આઝાદ હિંદ ફોજની રચના કરીને, હિંદની આઝાદીની લડત, ધરી રાજ્યોની મદદથી શરૂ કરવા માગે છે.’

સ્વ. રાસબિહારીને આજની પળને યોગ્ય એવા નેતા મળી ગયો. સુભાષબાબુએ જો હિંદની આઝાદીનો જંગ સફળતાપૂર્વક ખેલવો જ હોય તો પૂર્વ એશિયામાં જ પોતાનું થાણું જમાવવું જોઈએ. અહીંથી જ લડત લડી શકાય. અહીં હિંદીઓ સંગઠ્ઠીત છે, જાગ્રત છે અને આઝાદીની પ્રાપ્તિ અર્થે બલિદાનો આપવાને તૈયાર છે.

અને તેમણે બર્લિનમાં રહેતા શ્રી. સુભાષબાબુ પર સંદેશો મોકલ્યો: ‘પૂર્વ એશિયામાંના ત્રીસ લાખ જેટલા હિંદીઓ આપના નેતૃત્વની રાહ જુએ છે. આપ અહીં પધારો. અમારું આાપને હાર્દિક નિમંત્રણ છે.’

શ્રી. સુભાષબાબુ વિષે સ્વ. રાસબિહારી ઘોષને ભારે માન હતું. તેમની શક્તિમાં અપાર વિશ્વાસ હતો અને જે રીતે તેઓ હિંદમાંથી છટકી આવ્યા હતા, તેનો વિચાર કરતાં વર્ષો પહેલાં તેઓ જાતે હિંદમાંથી છટકી આવ્યા હતા તે આખોય પ્રસંગ તેમની દૃષ્ટિ સમક્ષ તરવરતો હતો.

કર્નલ મોહનસિંહ તો હવે વિશ્વાસ મૂકવાને તૈયાર નહતા. રાસબિહારી ઘોષે બેંગકોક પરિષદમાં એવી જાહેરાત કરી કે પૂર્વ એશિયાના હિંદીઓનું નેતૃત્વ સ્વીકારવાને, સુભાષબાબુ બર્લિનથી આવી રહ્યા છે ત્યારે પૂર્વ એશિયાનાં ત્રીસ લાખ પ્રજાજનોનાં હૃદય આનંદ હિલ્લોળે ઉછળવા લાગ્યાં. માત્ર કર્નલ મોહનસિંહ પરિસ્થિતિથી અળગા રહેતા. મુખ્યત્વે જાપાનિઝો પ્રત્યેનો અવિશ્વાસ જ એને માટે જવાબદાર હતો.

સ્વ. રાસબિહારી ઘોષના નામથી કયો હિંદી અપરિચિત હશે? હિંદ જ્યારે ગુલામીનાં બંધનમાંથી છુટવાનો પહેલો પ્રયાસ કરવાને સહજ સળવળતું હતું ત્યારે જે યુવાનોએ મસ્તક હાથમાં લઈને સરકાર સામે શસ્ત્રો અને દારૂગોળાથી જંગ ખેલ્યો અને મૃત્યુને ભેટ્યા, સ્વેચ્છાએ શહિદી સ્વીકારીને ફાંસીને માંચડે લટક્યા, એ યુવાનોને આજે યાદ કરતાં, સ્વ. રાસબિહારી ઘોષનું નામ યાદ આવી જાય છે.

હિંદમાં જ્યારે ક્રાન્તિકારી ચળવળનાં મૂળ નંખાતાં હતાં અને હિંદી જુવાનો દેશમાંથી પરદેશી સરકારને હાંકી કાઢવા માટે જાનફેસાની કરી રહ્યા હતા, ત્યારે આ સદીના એ દશકામાં થયેલા ક્રાન્તિકારી જુવાનીમાંના એક રાસબિહારી ઘોષ છેઃ ત્યારે અહિંસાનો માર્ગ દેશના અધીરા બનેલા જુવાનો સમક્ષ ન હતો; જુવાનો બોંબ બનાવવાના અને સરકારી અમલદારો તેમ જ ગોરાઓને બોંબ કે રિવોલ્વરથી જાન લેવાનો અને એ રીતે ગોરાઓને ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકરાવીને હિંદમાંથી હાંકી કાઢવાનો માર્ગ અખત્યાર કરી બેઠા હતા. આ બધી પ્રવૃત્તિઓનું ગુપ્તપણે સંચાલન થતું. જુવાનો મળતા ગુપ્તપણે અને વ્યવસ્થિત યોજના તૈયાર કરીને, યોજનાને અમલમાં મૂકવાને વિખરાઈ જતા.

બંગાળ અને પંજાબ એ વખતે ક્રાન્તિકારી ચળવળના મુખ્ય થાણાં હતાં: પોલિસ પણ એની સામે ભારે તકેદારી રાખતી. આમ છતાં પણ સત્તાવાળાઓને થાપ આપીને, આ મરજીવા ક્રાન્તિકારીઓ ઘૂમતા. તેઓ પોતાની સાથે હંમેશા જરૂર પડે આપઘાત કરવાની તૈયારી રાખતા. એટલે પોતાની ગીરફતારીથી પોતાના સાથીદારોને મુશ્કેલીમાં મૂકાવું ન પડે, એની તકેદારી રાખતા હતા.

૧૯૧૩નો એ જમાનો હતો. બ્રિટિશ રાજ્ય અમલ સ્થીર થતો જતો હતો. ન્યુ દિલ્હીમાં એ વખતના વાઈસરૉય લૉર્ડ હાર્ડીઝનું સરઘસ શાહી દોરદમામથી રાજમાર્ગે પરથી પસાર થઈ રહ્યું છે ત્યાં એકાએક બોંબનો ધડાકો થાય છે. લોર્ડ હાર્ડીઝનો પ્રાણ લેવાનો પ્રયાસ થાય છે. પણ એ પ્રયાસ નાકામયાબ બને છે. દેશભરમાં એક જબર સનસનાટી મચી રહે છે અને એ અંગે કેટલાય નિર્દોષ પર સીતમની ઝડીઓ વરસી રહે છે.

આ કાવત્રામાં રાસબિહારી ઘોષનું નામ જાહેર થાય છે અને તેમને શોધવાને સરકારી ચક્રો ગતિમાન બને છે. ‘ધરતી ફોડીને પાતાળમાંથી પણ રાસબિહારીને શોધી કાઢો.’ એવાં તાકીદનાં ફરમાનો છૂટ્યાં છે અને શિકારી કૂતરાની માફક સરકારી ગુપ્તચરો ઘૂમી રહ્યા છે, પણ રાસબિહારી ઘોષ એને થાપ આપતા રહ્યા છે.

રાસબિહારી કોઈ સામાન્ય માનવી ન હતા. કેટલીય ફતેહમંદ અત્યાચારી પ્રવૃત્તિઓના તેઓ નેતા હતા. સત્તાવાળાઓ, રોજબરોજ વધતી જતી અત્યાચારી પ્રવૃત્તિથી અકળાઈ ઊઠ્યા અને પછી તો દેશભરમાં દમનનો એક સખ્ત કોરડો વીંઝાઇ રહ્યો. દરમિયાન ૧૯૧૪-૧૫માં તેમના બહાદૂર સાથીદારો અવધબિહારીલાલ અને અમીચંદ દિલ્હી કાવત્રા કેસમાં ઝડપાઇ ગયા અને મોતની સજાને પામ્યા.

જ્યારે રાસબિહારી ઘોષના મસ્તક માટે બાર હજારનું ઇનામ જાહેર થયું. આખા દેશભરમાં રાસબિહારી ઘોષની તસ્વીરો ફેલાઈ ગઈ. સહુ કોઇની નજર સમક્ષ રાસબિહારી ઘોષની તસ્વીર ખડી થઈ.

આમ છતાં રાસબિહારી ઘોષ તો, બનારસ અને લાહોરમાંથી પોતાની ક્રાન્તિકારી ચળવળ ચલાવતા હતા, પોલિસ એમને પકડવામાં સાવ નિષ્ફળ ગઈ હતી.

પણ હવે ઝાઝો વખત હિંદમાં સલામત રહેવાય તેમ ન હતું, તેમના સાથીદારોએ તેમને સલાહ આપી ‘હવે વધુ વખત તમે છૂટા રહી શકો તેવો સંભવ ઓછો છે.’

રાસબિહારીએ જવાબમાં કહ્યું, 'મને પકડી શકે તેવી કોઈ શક્તિ હિંદમાં મોજૂદ નથી અને મારા દેશબાંધવો, લાલચને વશ થઈને મને પોતાના દેશના દુશ્મનના હાથમાં સોંપી દે તેવો ખ્યાલ પણ આવતો નથી.'

પરન્તુ પરિસ્થિતિ સાચે જ મુશ્કેલ હતી. રાસબિહારી ઘોષના સાથીદાર, પણ હવે તો છિન્નભિન્ન થઈ રહ્યા હતા. પંજાબનુ પ્રચંડ કાવત્રું નિષ્ફળ ગયું હતું. સર્વત્ર હતાશાનું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. સંભવ છે કે રાસબિહારી ઘોષ પણ ઝડપાઈ જાય.

આથી રાસબિહારી ઘોષને હિંદમાંથી વિદાય થઈ જવાની સલાહ અપાઈ રહી ‘દાદા ! દેશને ખાતર, દેશની આઝાદીને ખાતર તમે અત્યારે અદૃશ્ય થઈ જાવ; ફરીને અનુકૂળ પળે આપણે આપણી યોજનાને અમલમાં મૂકી શકશું.’

‘પણ તમને બધાને મૂકીને મારાથી કેમ જવાય ? સાથીદારોને અણીની પળે એકલા કેમ મૂકાય ?’ રાસબિહારી ઘોષ જવાબ આપતા હતા.

સાથીદારો તેમને ‘દાદા’ના લાડકા નામે બોલાવતા હતા.

આખરે તેમણે હિંદમાંથી ચાલ્યા જવાનું` નક્કી કર્યું અને ૧૯૧૬માં પોતાની શોધ માટે આકાશ પાતાળ એક કરી રહેલી સરકારને, તેનાં ચક્રોને થાપ આપીને રાસબિહારી ઘોષ જાપાન પહોંચી ગયા. દેશભરમાં રામબિહારી ઘોષની શોધ પાછળ ભટકતી પોલિસ હતાશ બની.

ને રાસબિહારીને ફાંસીને માંચડે લટકાવવાની સરકારની ઉમેદ પણ નિષ્ફળ ગઈ.

હિંદમાંથી જ્યારે તેઓ છટકી ગયા ત્યારે તેમનો ઇરાદો હિંદની આઝાદી માટે લડતા હિંદી યુવાનોને માટે જર્મનીની સહાયતા મેળવવાનો હતો. ચીન પહોંચી ગયા પછી તેમણે જેમ તેમ કરીને હથિયારો મેળવ્યાં અને હિંદમાંના પોતાના સાથીદારો પર એ રવાના કર્યાં, પણ કમનસીબે પોતાના સાથીદારોને મળે તો એ પહેલાં તો એ સરકારના હાથમાં જઈ પડ્યાં.

બ્રિટિશ સરકારે જાપાન પર હવે દબાણ કરવા માંડ્યું. ‘રાસબિહારીને અમારે હવાલે કરી દો’, શરૂ શરૂમાં તો જાપાને મચક આપી નહિ પણ આખરે બ્રિટિશ સરકારના દબાણ આગળ વશ થવું પડ્યું, રાસબિહારીને પકડીને બ્રિટિશ સરકારને હવાલે કરવાને બદલે તેમને પાંચ દિવસમાં શાંઘહાઈ છોડી જવાની નોટિસ આપી.

રાસબિહારી ઘોષને ગુપ્તવાસમાં જવું પડ્યું. આઠ વર્ષ સુધી તેમનું નામ સંભળાયું નહિ. દરમિયાન હિંદમાં તો તેમણે જે ક્રાન્તિકારી ચળવળનાં બી વાવ્યાં હતાં તે વૃક્ષરૂપે ફાલીફૂલી ગયાં હતાં. અત્યાચારી ચળવળને નવા ને નવા જુવાનો મળતા જ ગયા. ૧૯૨૧માં મહાત્માજીએ હિંદી પ્રજાને અસહકારનો કાર્યક્રમ આપ્યો, ત્યાં સુધી તો દેશભરમાં ક્રાન્તિકારી ચળવળ ચાલતી હતી. મહાત્માજીએ દેશભરના અત્યાચારીઓને થોભી જવા અને અસહકારનો શાંતિમય માર્ગ અખત્યાર કરવાને અપીલ કરી. એ અપીલની અસર તો સારી જેવી થઈ જ હતી પણ અત્યાચારી ચળવળ તે દરમિયાન ધીમી ધીમી પણ ચાલતી જ હતી. એ ચળવળને દબાવી દેવામાં સત્તાવાળાઓનું દમન નિષ્ફળ ગયું હતું. સફળ થઈ, મહાસભાની નીતિ. ધીમે ધીમે મહાસભાના ઝંડા હેઠળ જુવાનો એકત્ર થતા ગયા અને છેક છેલ્લે શહિદ ભગતસીંગ પછી એ ચળવળનો લગભગ અંત આવી ગયો છે.

ગુપ્તવાસનાં આઠ વર્ષો દરમિયાન રાસબિહારી ઘોષને આશ્રય માટે ઠામ ઠામ ભટકવું પડ્યું. જર્મની જવાની અને ત્યાંથી હિંદી પ્રજાને માટે મદદ મેળવવાની યોજના તો હવે પડતી મૂકાઈ હતી. આમ છતાં તેમને જાપાનમાં જ આશરો લેવો પડ્યો; જાપાનના સત્તાધિશોથી અજાણ રીતે, જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તે સ્થીર થતા ગયા અને પછી તો જાપાનના પ્રજાજન સમા બની રહ્યા. આઠ વર્ષ પછી તેમણે પ્રથમ જે જાહેર પ્રવૃત્તિમાં ઝુકાવ્યું તે પ્રવૃત્તિ ‘હિંદી સ્વાતંત્ર્ય સંઘ’ની સ્થાપનાની હતી. જાપાનમાં વસતા હિંદીઓનું સંગઠ્ઠન કરીને જાપાનમાંથી જગતના બીજા ભાગોમાં હિંદ વિશે પ્રચાર કરવાની અને હિંદમાં ચાલતી આઝાદીની લડતને ટેકો આપવાની પ્રવૃત્તિ તેઓ ચલાવતા રહ્યા. જાપાનિઝ યુવતિ સાથે તેમણે લગ્ન કર્યાં અને જાપાનમાં જ 'નવો સંસાર' વસાવ્યો.

હિંદ વિશે તેમણે જાપાનિઝ ભાષામાં પાંચ પુસ્તકો લખ્યાં છે. તેમ જ ડો. સુંદરલેન્ડનું ‘ઇન્ડીયા ઈન બોન્ડઝ’ નામના પુસ્તકનું જાપાની ભાષામાં ભાષાંતર પણ કર્યું છે. જાપાનના એક અખબારના તંત્રીપદેથી તેમણે જગતને હિંદનો પ્રશ્ન સરસ રીતે સમજાવ્યો હતો. તેમ જ અવારનવાર જાપાનનાં અખબારોમાં હિંદ વિશે તેઓ લેખો પણ લખતા હતા.

જાપાનના પાટનગર ટોકીઓમાંનું તેમનું મકાન એ તો હિંદી યુવાનોનુ એક વિશ્રામસ્થાન હતું. હિંદમાંથી જાપાનની સફરે આવતા જુવાનો રાસબિહારી ઘોષનાં દર્શને આવવાનું ભાગ્યે જ ચૂકતા, એવા હિંદીઓને મળીને રાસબિહારી ઘોષ આનંદિત થતા, તેમની સાથે દિવસોના દિવસો સુધી હિંદના સંબંધમાં ચર્ચા કરતા, હિંદી રાષ્ટ્રીય મહાસભાની લડતમાં તેઓ ખૂબ રસ ધરાવતા હતા.

વિશ્વયુદ્ધની જ્વાળાઓ ભભૂકી ઊઠી. હિટલર એક પછી એક પ્રદેશો, વિજળીક ઝડપે હાથ કરતો ગયો અને એ વિજયથી પ્રેરાઈને, જાપાને પણ અજોડ ગણાતી બ્રિટિશ તાકાતને સખ્ત ફટકો લગાવ્યો. બ્રિટિશ પ્રદેશો છોડતા ગયા અને હિંદી ફોજોને જાપાનને શરણે મૂકતા ગયા.

જાપાનને શરણે પડેલી હિંદી ફોજોનો, હિંદની આઝાદી માટે, બ્રિટિશ સત્તા સામે લડવાનો ઉપયોગ કરી શકાય તો? જાપાન એ ફેાજોને જરૂરી સહાય આપે તો અને આઝાદ હિંદ અને જાપાન ભવિષ્યમાં મિત્રો બનીને રહે એ પૂર્વની શાંતિને માટે જરૂરી છે એવી કલ્પના રાસબિહારી ઘોષને આવી અને તરત જ, જાપાનના વરિષ્ટ મંડળોનો સંપર્ક સાધ્યો.

એના પરિણામે કર્નલ મોહનસિંહની સરદારી નીચે, પહેલી આાઝાદ હિંદ ફોજની રચના થઇ. પણ એ ખાઝાદ હિંદ ફોજ કાંઈ પણ કરે તે પહેલાં તો તેનું વિસર્જન થયું.

નેતાજી સુભાષચંદ્ર બોઝને બર્લિનમાંથી બોલાવીને, તા. ૪ થી જુલાઈ ૧૯૪૩ ના રોજ પૂર્વ એશિયાના હિંદીઓનું નેતૃત્વ રાસબિહારી ઘોષે તેમને સુપ્રત કરીને નિરાંતનો શ્વાસ લીધો. નેતાજીમાં તેમણે ભવ્ય સ્વપ્નું નિહાળ્યું. એમની આશાઓ, કલ્પનાઓ નેતાજીમાં મૂર્ત થતી જોઈ.

નેતાજીના આગમન સાથે જ, પૂર્વ એશીઆના હિંદીઓની પ્રવૃત્તિને નવો ઝોક આવ્યો. રાસબિહારી ઘોષની દોરવણી હેઠળ નેતાજીએ, આઝાદ હિંદ ફોજની નવેસરથી રચના કરી.

તા. ૨૧ મી ઓક્ટોબર ૧૯૪૩ ના દિવસે, નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની જાહેરાત કરી. એ સરકારના સર્વોચ્ચ સલાહકાર તરીકે સ્વ. રાસબિહારી ઘોષની પસંદગી કરવામાં આવી.

સ્વ. રાસબિહારી ઘોષે જે ભૂમિકા તૈયાર કરી હતી, એ ભૂમિકા પર, નેતાજી સુભાષ બોઝે ઇતિહાસ સર્જ્યો. નેતાજી હરેક મહત્ત્વના પ્રસંગે, નિર્ણય કરતાં પહેલાં સ્વ. રાસબિહારી ઘોષની સાથે મંત્રણા કરતા. નેતાજી અને જાપાનનાં વરિષ્ઠ મંડળ વચ્ચે જે સંબંધ સ્થપાયો હતો તેની પાછળ સ્વ. રાસિબહારી ઘોષાનો પુરુષાર્થ હતો.

આઝાદ હિંદ સરકારના નેતૃત્વ હેઠળ હિંદીઓ, સ્ત્રી–પુરુષો અને બાળકો પણ બલિદાન આપવાને જમા થયાં. આઝાદ હિંદ ફોજની તાકાત વધુ ને વધુ સંગીન બનતી ગઈ, જાપાન આઝાદ હિંદ ફોજના સૈનિકોની તાલીમ માટે શસ્ત્ર પૂરાં પાડવા લાગ્યું. આઝાદ હિંદ ફોજના સૈનિકોની તાલીમ માટેની છાવણી પણ ઉઘડવા લાગી.

હવે માત્ર આક્રમણ કરવા માટેના જરૂરી હુકમની જ રાહ જોવાતી હતી. ત્યાં અગત્યના કામસર નેતાજી સાથે ટાકીઓ જતાં વિમાનને અસ્માત નડ્યો અને સ્વ. રાસબિહારી ઘોષ, એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. જે ગુલાબી સ્વપ્નની તેઓ ઝંખના કરતા હતા. તે સ્વપ્ન જ્યારે આકાર લેતું હતું. ત્યારે, તેમણે આંખ મીંચી.

ને હિંદની આઝાદીનો એક અણનમ યોદ્ધો, જંગ ખેલતાં ખેલતાં મૃત્યુને ભેટ્યો.