ન્હાના ન્હાના રાસ/આમંત્રણ
Appearance
← પ્રસ્તાવના | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ આમંત્રણ ન્હાનાલાલ કવિ |
બ્હેનાં! આવો → |
આમંત્રણ
આવો, સન્તો ! આવો, સન્તો !
રસકુંજે આવો સન્તો !
રાસેશ્વરનો પદ ઝમે ઝીણાં ઝીણાં ગીત:
નિર્મલ તેજ ઉઘાડમાં પાન કરીશું નિત્ય:
વ્હાલાં ! ઝીલશું, વ્હાલાં ! ઝીલશું,
ગીતલહરે વ્હાલાં ! ઝીલશું.
સ્નેહવેલના ફાલમાં હીંચશું ઉર હરખાઇ:
પ્રિયગુણગાનફૂલો ગૂંથી ધરશું પ્રિયપદ માંહિ:
પ્રિય સંગે, પ્રિય સંગે,
આનન્દીશું પ્રિય સંગે.
પ્રેમવાડીના ઝરણમાં ગીતનીરે ન્હાઇ
રાસેશ્વરને પૂજતાં પ્રભુતા ર્હે પથરાઇ:
પ્રભુતામાં , પ્રભુતામાં,
જગ ભૂલશું રસપ્રભુતામાં.