ન્હાના ન્હાના રાસ/એ દિવસો

વિકિસ્રોતમાંથી
← સ્વપ્નાં ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
એ દિવસો
ન્હાનાલાલ કવિ
સૂનાં સૂનાં સ્નેહધામ →


૩૨
એ દિવસો

  
ચંદન છાંટી ચોક સમાર્યો વ્યોમનો,
રજની રસીલી હસતી લલિત વર હાસ જો!
ચાંદલિયો ઉર ભરી ભરી રસ કંઇ ઢોળતો,
આપણ પણ રમતાં'તા વિરલ વિલાસ જો!
એવા યે દિવસો પણ પ્રિયતમ ! વહી ગયા.

ફૂલફૂલની પાંદડીઓ મીંચઇ ઢળી જતી,
નમી નમી સુરભી લેતા પ્રિયને ઉછંગ જો !
નયનોમાં નયનો ઢાળીને હેત શું
ઉજવ્યો ઉત્સવ સ્હમજી પરમ પ્રસંગ જો!
એવા દિવસ હતા તે પ્રિયતમ ! વહી ગયા.

પ્રિયતમ ! એ શશીરાજ ચ્હડન્ત અટારીએ,
પદે રમે ન્હાનકડો અનિલકુમાર જો!
ને મદભર રજનીનાં નયનો નાચતાં,
હ્રદયે ઝીલે સૌનાં અમૃતની ધાર જો!
એવા દિનનાં શમણાં પ્રિયતમ ! વહી ગયાં.

પલ્લવમાં પલ્લવના પાલવ પાથરી
પંખી પ્હોડ્યાં ભીડીને પાંખ શું પાંખ જો!
વિલસે આજ જગત બહુ રસના અંકમાં,
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો !
એવા રસદિવસો યે પ્રિયતમ ! વહી ગયા.