ન્હાના ન્હાના રાસ/ઝીણા ઝીણા મેહ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.

← વેણુ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ ઝીણા ઝીણા મેહ ન્હાનાલાલ કવિ |
વેણ → |
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી. ધ્રુવ.
આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઇ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા;
હો! ભીંજે મ્હારી ચુંદડલી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી વરસે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો! ભીંજે મ્હારી ચુંદડલી.
આનન્દકન્દૃ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા!
હો! ભીંજે મ્હારી ચુંદડલી.
-૦-