ન્હાના ન્હાના રાસ/વેણુ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વસન્તગીત ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વેણુ
ન્હાનાલાલ કવિ
ઝીણા ઝીણા મેહ →


  
અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

હું તો આછી નીંદરમાંથી જાગી, સખિ!
મ્હારા મનની મહેમાની માગી,
અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

હીરદોરની હિંડોલદોરી ડોલી, સખિ!
લોક લોકના કલ્લોલબોલ બોલી,
અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

ઘેરે ટહુકે અંજાયાં નેત્ર નમણાં, સખિ!
સર્યાં સહિયર! સલૂણાં મ્હારાં શમણાં:
અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.

ધીમી ધીમી અમીની છલક આવી, સખિ!
મીઠી હલકે મ્હને એકલી હસાવીઃ
અજબ કો વેણુ વાગી, વેણુ વાગી.
-૦-