ન્હાના ન્હાના રાસ/પ્રીતિના પ્રાહુણા
Appearance
← પૂર્ણિમા પાછી ઉગીરે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ પ્રીતિના પ્રાહુણા ન્હાનાલાલ કવિ |
પ્રેમનગરના રાજવી → |
પ્રીતિના પ્રાહુણા
મેઘ બોલે ને મોરલા ડોલે છે ;
ઉરે સ્મરણોનાં સોણલાં બોલે છે :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.
વીજ ચમકે ને આંખડી ચમકે છે ;
મંહી ઘમ્મર વ્હલોણાં ઘમકે છે :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.
ચાપ ચ્હડિયાં મહેન્દ્રનાં મેઘલિયે ;
બાણ વાગ્યાં એ કોકને કુંજગલીએ :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.
આભ ગાજે ને ગેબનાં ઘોર લાવે ;
કાંઈ આઘેના સન્દેશા સંભળાવે :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.
આજ પુનમચન્દ ઘન ઘોરાણો ;
મ્હારા મનનો મયંક નથી ઝંખવાણો :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.
આ ઝડીઓ પડે, જગ લે લ્હાવો ;
મ્હારી પ્રીતિના પ્રાહુણા ! ઘેર આવો :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.