ન્હાના ન્હાના રાસ/પ્રેમનગરના રાજવી
Appearance
← પ્રીતિના પ્રાહુણા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ પ્રેમા નગરના રાજવી ન્હાનાલાલ કવિ |
બ્રહ્મના બ્રહ્મમહેલે → |
પ્રેમનગરના રાજવી
કે આભમાં ડગમગ ડોલે વાદળી રે;
કે માહરે મન મહેરામણ મેઘ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.
કે મેઘમાં ઝગમગ ઝબુકે વીજળી રે;
કે વીજ શા નેણલે નાચે નાથ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.
કે ચોમેર વનરાજી ઢોળઇ ઢળે રે;
કે મોરલો ગરજે વનને ગોખ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.
કે આછી-આછી ઓઢણ પામરી રે;
કે આછાં આંજણ, આછાં અંઘોળ:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.
કે ઘેરા ઘેરા ઘનના માંડવા રે;
કે ઘેરા વન, નદીઓનાં નીર:
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.
કે પદ્મથી છવરાઈ રહી તવ પદ્મણી રે;
કે વીણવા આવજો એ રસરાજ !
કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.