ન્હાના ન્હાના રાસ/બ્રહ્મના બ્રહ્મમહેલે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પ્રેમનગરના રાજવી ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
બ્રહ્મના બ્રહ્મમહેલે
ન્હાનાલાલ કવિ
બ્રહ્મવીંઝણો →


  
આવો-આવો, તીરથવાસી સન્ત હો!
બ્રહ્મના બ્રહ્મમહેલે;
જાગી-જાગી પૂરણ બ્રહ્મજ્યોત હો!
બ્રહ્મના બ્રહ્મમહેલે.

અન્ધારાં રેલી આભ રચ્યાં
મંહી વેર્યા રતનના દીપ રે;
કેમે કરીને મ્હારે એહ ઉતરવા?
એ સાગર, હું છીપ:
હો! બ્રહ્મના બ્રહ્મમહેલે.

આંખ ભરી, મ્હારાં હૈયાં ભરાણાં,
ભરિયા સલૂણા સોહાગ રે,
એક ભરાય હવે આતમ માહરો,
યુગનાં ભરાય તો તો ભાગ્ય,
હો! બ્રહ્મના બ્રહ્મમહેલે.

માંડી દિશાઓ ને રોપ્યો માંડવડો,
ચેતનસિંહાસન કીધાં રે,
વિલસે વિરાટને યે છોગલે છબીલો,
વિશ્વને કલ્યાણ એણે દીધાં:
હો! બ્રહ્મના બ્રહ્મમહેલે.

જાગી-જાગી પૂરણ બ્રહ્મજ્યોત હો!
બ્રહ્મના બ્રહ્મમહેલે.
-૦-