ન્હાના ન્હાના રાસ/મળિયા મુજને નાથ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.

← મહિડાં | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ મળિયા મુજને નાથ ન્હાનાલાલ કવિ |
રંગધેલી → |
મેહુલો ગાજે ગોરંભતો રે,
કાંઇ કાજળકાળી રાત ;
ઝબકે ઝીણી વીજલડી રે,
કાંઈ કરતી મેઘ શું વાત.
દીવડો છાયો પાલવડે રે,
હું તો ચાલી જગને ચોક ;
સહિયર ! એ રે દિવડિયે રે
મ્હેં તો શોધ્યા ચૌદેય લોક
સાગર ગાજે ગોરંભતો રે,
કાંઈ મધદરિયે મધરાત ;
લહરે ઘેરાં લ્હેરખડાં રે,
કાંઈ ઉછળે નીર રતનાળ.
રતને મોહ્યાં છે મનડાં રે,
હું તો ચાલી જળને વંન ;
સહિયર ! સાગરને માંડવે રે
મ્હારાં ચ્હડ્યાં વમળમાં મંન.
સંસાર ગાજે ગોરંભતો રે,
કાંઇ સુખદુઃખ કેરા ગોખ ;
ઝબકે ઝાંખો મારગડો રે,
કાંઇ તેજઅન્ધારના ચોક.
પગથી લીધી મ્હેં પ્રેમની રે,
મ્હારે સાહેલીના સાથ :
સહિયર ! એ રે મારગડે રે
કાંઈ મળિયા મુજને નાથ.
-૦-