ન્હાના ન્હાના રાસ/મ્હારા પ્રાણમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ભેદના પ્રશ્ન ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
મ્હારા પ્રાણમાં
ન્હાનાલાલ કવિ
રાજકુમારીનું ગીત →


  
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલઃ
પ્રાણના પ્રકાશ છે પ્રફુલ્લ જો!
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

આશાનો જડેલો મ્હારો માંડવો રે લોલઃ
ગૂંથી સૌભાગ્ય કેરી વેલ જો!
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

આવો, પીયૂષ પાઉં ઉરનાં રે લોલઃ
નેત્ર માંહિ આંજું રૂડાં તેજ જો!
વ્હાલાં! વિરાજો મારા પ્રાણમાં રે લોલ.

પ્રેમનું ઘડાવું રૂડું પારણું રે લોલઃ
શોભાના બન્ધાવું હું હિંડોલ જો!
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.

પ્રભુની કરુણાકલા શાં આવજો રે લોલઃ
હસજો કંઇ ઊંડાં ઊડાં હાસ્ય જો!
વ્હાલાં! વિરાજો મ્હારા પ્રાણમાં રે લોલ.
-૦-