લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/ભેદના પ્રશ્ન

વિકિસ્રોતમાંથી
← બ્હેનાં! આવો ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
ભેદના પ્રશ્ન
ન્હાનાલાલ કવિ
મ્હારા પ્રાણમાં →


૭૬
ભેદના પ્રશ્ન

મ્હેં તો કુંક્મે લીપ્યું મ્હારૂં આંગણું રે લોલઃ
કોઇ ભેદુ આવો તો ભેદને ભણું રે લોલ.

મ્હારી આંખે અમોઘ આંસુડાં વહે રે લોલઃ
વિધિ જોઈ જોઈ કાં હસી રહે ? લાલ ?

આવો શાસ્ત્રી ! સદ્‌બોધો મ્હારી આંખડી રે લાલ
પ્રાણ વારી પૂજીશ પદચાખડી રે લોલ.

મહાગિરિને ગહ્વર ધોધ ઉછળે રે લોલઃ
ત્હેના અકલિત નીરઘોર કો કળે રે લોલ ?

ત્હો ય ધોધ કેરે ધમક જગત ધમધમે રે લોલઃ
મ્હને આંસુના એમ અનુકમ્પ ગમે રે લોલ.

કોઇ સ્નેહીના પાલવ લોચન લ્હવે રે લાલઃ
નીચે ઉછળે ઉસ્નેહ, આત્મ એ જૂવે રે લેાલ.

ગાન સ્હમજુ ત્હો ય ગાન વેદનાં રે લોલઃ
રુદન અરૂચે, રૂચે છે ત્હો ય વેદના રે લાલ.

બાલ પજવે, હા ! ત્હોય મ્હારા અંગનાં રે લેાલ:
આંખ રડતી, તે ત્હો ય પ્રાણ અંગના રે લોલ


જ્ઞાની !સાધુ ! આવો તો કહું વાતડી રે લોલઃ
ઉભા રહો તો ઉઘાડું મ્હારી છાતડી રે લોલ.

કૃપાનાથે બ્રહ્માંડ એવું કાં કીધું રે લોલ ?
આંખ આવડી, ને જગ તો મ્હોટું બધું રે લોલ.

ગામ પાદર બેસી કાં બોલે મોરલા રે લોલ ?
ચન્દ્ર સૂરજ સન્તાડે વદન કાં ભલા રે લોલ ?

મહા બ્રહ્માંડ ક્ય્હારે ઘૂંઘટ ખોલશે રે લોલ ?
ક્ય્હારે સચરાચર બ્રહ્મનીર ડોલશે રે લોલ ?

આવો સન્તો! તમ પગલે પાવન થવું રે લોલઃ
પ્રાણ રૂંધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

ખીલી વસન્ત, ડાળ લૂમખે લચી રે લોલઃ
ટૂંકો આંબો, ને લાંબી દૃષ્ટિ કાં રચી રે લોલ.

વિશ્વ વીંટી આકાશની ઝાડી ઝૂકી રે લોલ:
મધુ વનમાં, મીઠાશ જીભે શે મૂકી રે લોલ ?

ઢળે અઢળક રસ મેઘ મહારેલમાં રે લોલ:
સમી સ્હાંઝે ભરૂં તે મ્હારી હેલમાં રે લોલ:

મ્હારા ઉરથી ન હેલ તો મ્હોટી કશીરે લોલ:
ભરૂં-ભરૂં ત્હો ય ખાલી હેલ, ભાગ્ય શી, રે લોલ.

છતાં શીળો અગ્નિની ઉપર ચાલવું રે લોલઃ
ફૂલ ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.


તેજ આવે, તો અર્ધ દિવસ આથમે રે લોલઃ
જીવન જાગે, તો અર્ધ નીન્દમાં શમે રે લોલ.

મોરવરણું અખંડ ચાપ ઇન્દ્રનું રે લોલઃ
જોવું રોવું: સૌન્દર્ય એવું કાં બન્યું રે લોલ?

લોક કહે છે, પ્રભુના મીઠા બોલડા રે લોલઃ
એક લીધા શું મુજથી અબોલડા રે લોલ?

તેજ અન્ધકાર મળી ગૂંથે દિનને રે લોલઃ
હસવું રડવું: શું ઉભય રચે જીવનને રે લોલ ?

મ્હને એટલું-ઓ! એટલું કહો કથી રે લોલઃ
દીઠું અદીઠું હો સન્ત! કાં થતું નથી રે લોલ ?અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

  
મ્હેં તો કુંક્મે લીપ્યું મ્હારૂં આંગણું રે લોલઃ
કોઇ ભેદુ આવો તો ભેદને ભણું રે લોલ.

જ્ઞાની !સાધુ ! આવો તો કહું વાતડી રે લોલઃ
ઉભા રહો તો ઉઘાડું મ્હારી છાતડી રે લોલ.

કૃપાનાથે બ્રહ્માંડ એવું કાં કીધું રે લોલ ?
આંખ આવડી, ને જગ તો મ્હોટું બધું રે લોલ.

ગામ પાદર બેસી કાં બોલે મોરલા રે લોલ ?
ચન્દ્ર સૂરજ સન્તાડે વદન કાં ભલા રે લોલ ?

મહા બ્રહ્માંડ ક્ય્હારે ઘૂંઘટ ખોલશે રે લોલ ?
ક્ય્હારે સચરાચર બ્રહ્મનીર ડોલશે રે લોલ ?

આવો સન્તો! તમ પગલે પાવન થવું રે લોલઃ
પ્રાણ રૂંધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

ખીલી વસન્ત, ડાળ લૂમખે લચી રે લોલઃ
ટૂંકો આંબો, ને લાંબી દૃષ્ટિ કાં રચી રે લોલ.

છતાં શીળો અગ્નિની ઉપર ચાલવું રે લોલઃ
ફૂલ ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.

તેજ આવે, તો અર્ધ દિવસ આથમે રે લોલઃ
જીવન જાગે, તો અર્ધ નીન્દમાં શમે રે લોલ.

મોરવરણું અખંડ ચાપ ઇન્દ્રનું રે લોલઃ
જોવું રોવું: સૌન્દર્ય એવું કાં બન્યું રે લોલ?

લોક કહે છે, પ્રભુના મીઠા બોલડા રે લોલઃ
એક લીધા શું મુજથી અબોલડા રે લોલ?

તેજ અન્ધકાર મળી ગૂંથે દિનને રે લોલઃ
હસવું રડવું: શું ઉભય રચે જીવનને રે લોલ ?

મ્હને એટલું-ઓ! એટલું કહો કથી રે લોલઃ
દીઠું અદીઠું હો સન્ત! કાં થતું નથી રે લોલ ?
-૦-