લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/લોક-લોકના રાસ

વિકિસ્રોતમાંથી
← રાસ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
લોક-લોકના રાસ
ન્હાનાલાલ કવિ
વડલો →



લોક-લોકના રાસ

નિરખો આ રાસ લોકલોકના રે,
રમે સૃષ્ટિ ને સૃજનાર ;
રમે સૃષ્ટિ ને સૃજનાર :
અંગુલિમાં અંગુલિ પરોવીને
ખેલે તેજ ને અન્ધાર ;
ખેલે તેજ ને અન્ધાર :
રસનાં ઉછળે રંગહેલિયાં.

પુરુષ ને પ્રકૃતિની બેલડી રે
ફરે ફૂદડી અનન્ત ;
ફરે ફૂદડી અનન્ત :
તણખા વેર્યા નયનતેજના,
ત્‍હેનાં બનિયાં બ્રહ્માંડ ;
ત્‍હેનાં બનિયાં બ્રહ્માંડ :
રસનાં ઉછળે રંગહેલિયાં.


પૃથ્વી ફરતો ફરે ચન્દ્રમા રે,
પૃથ્વી સૂર્યને ઘેરાટ ;
પૃથ્વી સૂર્યને ઘેરાટ :
સૂર્યે ચોપાસ મહાસૂર્યની ;
એમ ઘૂમતો વિરાટ ;
એમ ઘૂમતો વિરાટ :
રસનાં ઉછળે રંગહેલિયાં.

રાજા પ્રજા ને મહાપ્રજા રે,
વ્યષ્ટિ સમષ્ટિ સમસ્ત ;
વ્યષ્ટિ સમષ્ટિ સમસ્ત  :
દેહી ને દેહની લીલાકલા  :
સૌના ઉદયો ને અસ્ત ;
સૌના ઉદયો ને અસ્ત :
રસનાં ઉછળે રંગહેલિયાં.