લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/વસન્તના કિરણ

વિકિસ્રોતમાંથી
← પ્રેમસરોવર ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વસન્તના કિરણ
ન્હાનાલાલ કવિ
બોલે છે મોર →




વસન્તનાં કિરણો


સન્ધ્યાના આભમાં કેરે કાંઠડે ઉઘાડી મીટઃ
આશાની એક અલબેલડે ઉઘાડી મીટ.

જો! જો! પ્રકાશ કેરે પોપચે ઉઘાડી મીટઃ
સૂર્યે ઉષાની વેલડી નીચે ઉઘાડી મીટ.

કિરણો હતાં તે કુસુમ ખીલિયાં ઉઘાડી મીટ:
હઇડે એ હાસ્ય કોણે ઝીલિયાં, ઉઘાડી મીટ?


જો! જો! આનન્દની અધૂકડી ઉઘાડી મીટઃ
સંસાર જાગે શતપાંખડી ઉઘાડી મીટ.

સંજીવન ભરી પિચકારીઓ, ઉઘાડી મીટઃ
ફૂલડાંની ક્યારી કેરી ઝારીઓ, ઉઘાડી મીટઃ

જગમાં વસન્ત રમણે ચ્‍હડી ઉઘાડી મીટઃ
ક્‌હેશો? એ કોને કોને ઉર અડી ઉઘાડી મીટ?