ન્હાના ન્હાના રાસ/વસન્તની વસન્તિકા
Appearance
← વનનાં આમંત્રણ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ વસન્તની વસન્તિકા ન્હાનાલાલ કવિ |
વસન્તને વધામણે → |
વસન્તની વસન્તિકા
આજ પૃથ્વીને નવપાંખડીઓ પ્રગટી જો !
પાંખડીએ-પાંખડીએ પૃથ્વીનાં પુણ્યો ઉગે.
આજ વાદળનાં દેવબારણિયાં ઉઘડ્યાં જો !
વાદળથી વરસે હો ! વસન્તની વસન્તિકા.
દિવસે અર્ચી કેસરચન્દનની અર્ચા જો !
રજનીને ભાગ્યે કંઈ નિર્મલ ચાંદલો.
રંગરસિયાંના જાગ્યા મનના કોડ જો !
સોહાગણ આવી હો ! વસન્તની વસન્તિકા.
વસુન્ધરાના વસુઓ વન ઉભરાયા જો !
ગન્ધવતીના ગન્ધ જગત પમરી ઉઠ્યા.
હેલે ચ્હડ્યાં હૈયાનાં રસસરવરિયાં જો !
રસલહરે લહરે હો ! વસન્તની વસન્તિકા.
પલ્લવપાળ પંખી બેઠા બેલડીએ જો !
મંજરીને ગોખે કંઈ કોયલ રાણી ટહૌકા કરે.
સંજીવનના અમીકણ છાંટી ઘૂમતી એ !
જનવનના મહેલે હો ! વસન્તની વસન્તિકા.
ફૂલડે ઝબકી વસન્તની વીજલડી જો !
નયનનયન રમતી હો ! વસન્તની વસન્તિકા.
ઉરમાં, કુલમાં, દેશમાં, જગને ચોક જો !
બ્રહ્માંડે વિલસે હો ! વસન્તની વસન્તિકા.