ન્હાના ન્હાના રાસ/વસન્તને વધામણે
← વસન્તની વસન્તિકા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ વસન્તને વધામણે ન્હાનાલાલ કવિ |
વસન્તરંગ → |
વસન્તને વધામણે
હો ! લીમડા મ્હોર્યા વસન્તની વાટમાં રે ;
કે પાંગર્યા સંસારિયાના પન્થ જો !
કે કડવા ને મીઠડા એ લ્હાવા લીજીયે રે ;
કે પ્રારબ્ધ લખશે કોડામણો કન્થ જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.
હો ! કેસુડાં મ્હોર્યાં વસન્તનાં ચોકમાં રે ;
કે ઉરના ઉત્સવ એળે ન જાય જો !
કે ચન્દનીની લહરો જગતમાં હેલે ચ્હડી રે ;
કે નયનોનાં નાવડાં ઝોલાં ખાય જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.
હો ! આંબલા મ્હોર્યા વસન્તના આભમાં રે ;
કે અન્તરિક્ષ હીંચકે રસના મ્હોર જો !
કે હળવે હીંચે એવા ઉરઆભમાં રે
કે પ્રીતમ પ્રગટી પ્રેમને દોર જો
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.
હો ! રંગરંગ પૂર્યા વસન્તને આંગણે રે ;
કે અંગઅંગ છંટાયા આનન્દ જો !
કે છાંટણે છાંટિયા ચરણા ને ચોરસા રે ;
કે છાંટ્યા હૈયાના પણ ચન્દ જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.
હો ! ફૂલડાં ફોર્યાં વસન્તની વાડીએ રે ;
કે ફૂલી તનમનની ફૂલવાડી જો !
કે સહિયરોનાં વદનકમળ પણ ફૂલિયાં રે ;
કે ફૂલડાં શી ફૂલું હું દ્હાડી દ્હાડી જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.