ન્હાના ન્હાના રાસ/વસન્તરંગ

વિકિસ્રોતમાંથી
← વસન્તને વધામણે ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
વસન્તરંગ
ન્હાનાલાલ કવિ
વિશ્વ વધાવા →



વસન્તરંગ

સૃષ્ટિને સૃષ્ટાએ સંજીવન છાંટિયાં ;
દેવરંગ દીપતા દિગન્ત હો !
વસન્તરંગ ગગને ચ્હડે રે.

ફૂટે જનવનને નવપાંખો નવપલ્લવે ;
પૃથ્વી વેરે ફૂલડે વસન્ત હો !
વસન્તરંગ જગતે ચ્હડે રે.

ઉછળે રસઓઘ કાંઈ અંગમાં ને આત્મમાં ;
ઉષ્માના ગાજે ગગન ધોધ હો !
વસન્તરંગ હૈડે ચ્હડે રે.

કેસરાળી ચોળી અને કેસુછાંટી ચુન્દડી ;
ઘૂમે વસન્તી પાઘે જોધ હો !
વસન્તરંગ અંગે ચ્હડે રે.


દિલના દિલરંગ દેહડાળીએ મ્હોરી ઝૂલે :
વદન-વદન હસી ઉઠે ગુલાબ હો !
વસન્તરંગ વદને ચ્હડે રે.

નયન-નયન અંજાયાં અંજન વસન્તનાં ;
દેવમધુથી છલકે નયનછાબ હો !
વસન્તરંગ નયણે ચ્હડે રે.