લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/સખિ! એની જોડલી નથી

વિકિસ્રોતમાંથી
← શરદનાં અજવાળિયાં ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
સખિ! એની જોડલી નથી
ન્હાનાલાલ કવિ
સન્દેશ કહેજો →



સખિ! એની જોડલી નથી

હું તો શોધી શોધીને બધે થાકી રે,
પ્રીતમ કયંહી યે નથી;
આ તો એની એ સરોવરપાળ,
પ્રીતમ અંહી યે નથી.

હું તો સન્ધ્યાના મ્હેલ ભમી થાકી રે,
પ્રીતમ ક્યંહી યે નથી;
આ એ કુંજ કેરો કાંઠડો રસાળ,
પ્રીતમ અંહી યે નથી.

હું તો વાટડી યે જોઇ જોઈ થાકી રે,
પ્રીતમ ક્યંહી યે નથી;
એનો આવ્યાનો આજનો આ પન્થ,
પ્રીતમ અંહી યે નથી.

હું તો કેડીનો માર્ગ ખેડી થાકી રે,
પ્રીતમ ક્યંહી યે નથી;
મ્હારો ના'વ્યો કોડામણો કન્થ,
પ્રીતમ અંહી યે નથી.

હું તો આથમતા સૂર્ય ગણી થાકી રે,
પ્રીતમ ક્યંહી યે નથી;
આ તો ઉગન્તી ચન્દનીની સ્‍હાંજ,
પ્રીતમ અંહી યે નથી.

એના પડઘા કાન માંડી થાકી રે,
પ્રીતમ ક્યંહી યે નથી;
આ તો એનો સંગીતનો જ સાજ,
પ્રીતમ અંહી યે નથી.

પેલે મોગરે બે ફૂલડાં લ્હેરાય,
પ્રીતમ અંહી યે નથી;
હું એ ફૂલ વીણું કરી ચાલી થાકી રે,
પ્રીતમ ક્યંહી યે નથી.

ત્ય્હાં તો ઉઠ્યા અહો! એ પ્રેમરાયઃ
ઉઠી, હાસ્યથી ન્હવરાવે ને ન્હાયઃ
સખિ! એની જોડલી નથી.