ન્હાના ન્હાના રાસ/શરદનાં અજવાળિયાં
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← શતદલ પદ્મ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ શરદનાં અજવાળિયાં ન્હાનાલાલ કવિ |
સખિ! એની જોડલી નથી → |
સખિ ! જોને શરદના આભમાં રે;
ઉગે ચંપાની કળાએ ચન્દ્રમા રે;
જાણે ઉછળે અવનીનો આનન્દ રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
માનું ઉઘડી રજનીની આંખડી રે,
ખીલી વિશ્વના પુષ્પની પાંખડી રે;
એવો-એવો ઉગે પેલો ચન્દ રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
ઘૂમે પૂર પૃથ્વીનાં પુણ્યનાં રે:
કે શું દૂધ છલકાયાં દેવનાં રે?
એવાં ઉજળાં ઉડે છે અનન્ત રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
સખિ ! જોને ગગનના ગોખમાં રે;
જોને-જોને જગતનાં ચોકમાં રે;
ઝીલે સંસારિયા ને સન્ત રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
જાણે અમૃત ઝરતાં અમરનાં રે;
જાણે હાસ્ય ઢળ્યાં પરિબ્રહ્મનાં રે;
રમે દિલદિલમાં ત્હો ય દૂર રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
સખિ ! શરદની રાત સોહામણી રે;
મ્હારા હૈયાની વેલી લજામણી રે,
એને અડશો મા, ભીડશે ઉર રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
-૦-