પંકજ/ભાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સમાન હક્ક પંકજ
ભાઈ
રમણલાલ દેસાઈ
૧૯૩૫
ખૂન →ભાઈ

હિંદુઓ સાથે લગ્નસંબંધમાં જોડાવાથી મુસ્લિમ રાજસત્તા સ્થિર અને વ્યાપક બનશે એવી અકબર ભાવના હજી લુપ્ત થઈ ન હતી. અમીનાબાદના યુવાન નવાબ અહમદખાને જોયું કે પાડોશના ઠાકોર રાજસિંહને વફાદાર રાખવા માટે એક જ માર્ગ હતો : તે એ જ કે રાજસિંહની રૂપવતી કન્યા પદ્માવતીનું માગું કરવું. લગ્નની માગણીનો અસ્વીકાર એ યુદ્ધ માટે પૂરતું કારણ પણ ગણી શકાતું.

રાજસિંહ નાનકડો પણ તેજસ્વી ઠાકોર હતો. મુસ્લીમ પ્રદેશમાંથી તેણે તલવારના બળ વડે કેટલાક મુલ્ક પોતાનો કરી લીધો હતો. વધારે પ્રદેશ મેળવવાનો લાગ તે જોયા જ કરતો હતો, અને ઘડીમાં નવાબનું ઉપરીપણું સ્વીકારીને અને ઘડીકમાં તે ફેંકી દઈને સર્વદા તે નવાબને ચિંતાગ્રસ્ત રાખતો હતો. આસપાસની રજપૂત ઠકરાતોનું સંગઠ્ઠન કરી નાખીને જોખમાવવાની પણ તેની તરકીબ અજાણી ન હતી.

રાજસિંહ સાથે યુદ્ધ કરવું એ મુશ્કેલ હતું. ડુંગરાળ પ્રદેશોમાં ભરાઈ બાજની ચપળતાથી મુસ્લિમ સૈન્ય ઉપર તૂટી પડનાર વીર રજપૂત એટલી અશાંતિ ઊભી કરતો કે એને શાંત રાખવામાં જ નવાબની આબાદી જળવાઈ રહેતી. પરંતુ શાંત પડેલા રાજસિંહની શાંતિ પણ ભયંકર હતી.

રાજસિહ સાથે સગપણ બાંધવું એ જ નવાબને સારામાં સારો માર્ગ લાગ્યો. રાજસિંહના હિંદુત્વનું અભિમાન જાણીતું હતું. રાજસિંહ પોતાની દીકરી સરળતાથી નવાબને આપે એ સંભવિત ન હતું. પરંતુ કુશળ નવાબે વિચાર્યું કે કાં તો રાજસિંહને સંબંધી બનાવવામાં અગર તેનાં જડમૂળ ઉખાડી નાખવામાં નવાબીની સલામતી છે.

નવાબ અહેમદખાને લશ્કરી તૈયારીઓ કરવા માંડી. સહેજ દૂર આવેલાં બીજા સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય સામે એ લશ્કર વાપરવાનું છે એવી વાત તેણે ફેલાવી, એટલું જ નહિ, રાજસિંહ અને એના સરખા બીજા અર્ધ સ્વતંત્ર ઠાકોરની તેણે સહાય પણ માગી. યુદ્ધતત્પર રજપૂતોએ સહાય આપવા સંમતિ પણ આપી. યુદ્ધમાં પોતાની ચડતીનો ભાસ સહુને લાગ્યા કરતો.

યુદ્ધની તૈયારીઓ વચ્ચે જ એકાએક નવાબ અહેમદખાને રાજસિંહ તરફ કહેણ મોકલ્યું. દરબાર ભરી બેઠેલા રાજસિંહને નવાબના પ્રતિનિધિએ આવી કહ્યું :

'નવાબસાહેબનું ફરમાન છે. આપની પુત્રી પદ્માવતીનું લગ્ન એક અઠવાડિયામાં આપે નવાબસાહેબ સાથે કરવું.'

રાજસિંહ જરા આશ્ચર્ય પામ્યો. મૈત્રી માગતા નવાબે આ પગલું કેમ લીધુ તેની તેને સમજ પડી નહિ. તેને પોતાના હિંદુત્વ પ૨ ઉપર ઘા પડતો લાગ્યો. નવાબના સંદેશવાહકે કહ્યું :

'આપની કન્યાને હિંદુ ધર્મ પાળવાની છૂટ રહેશે.'

લગ્ન મુસ્લિમ સાથે કરવું અને ધર્મ હિન્દુનો પાળવો? રાજસિંહને પોતાની અને પોતાના ધર્મની હાંસી થતી લાગી. તેણે આવેશમાં જવાબ આપ્યો : 'નવાસાહેબને કહેજે કે તેમનું માથું ધડથી જુદું કરી થાળમાં મૂકી અહીં મોકલે તે પછી હું મારી પુત્રીના લગ્નનો વિચાર કરીશ.'

નવાબસાહેબના પ્રતિનિધિએ ધમકી આપી. નવાબના ફરમાનની અમાન્યતાનું વિપરીત પરિણામ સમજાવ્યું; પરંતુ રાજસિંહનું હિંદુત્વ સજીવ હતું. નવાબની સામે યુદ્ધમાં લાંબો વખત ટકાય એમ ન હતું; નવાબને ત્રાસ આપવા માટેનું ઝડપી યુદ્ધ ડુંગરોના આશ્રય નીચે થઈ શકે એમ હતું, પરંતુ એ અસ્થિર સ્થિતિ સર્વદા સંતોષભરી ન જ હોય અને પોતાના જ સેનાપતિમાંથી કોઈને ફોડી પુત્રીનું હરણ કરાવવું નવાબ માટે અશક્ય નહોતું જ. રાજસિંહના બેત્રણ સાથીઓ ફૂટી નવાબને મળી ગયા હતા એ દ્રષ્ટાંત તેની સામે સર્વદા જાગૃત રહેતુ; છતાં ય મૃત્યુથી ન ડરનાર રાજસિંહે પ્રતિનિધિની ધમકીને –વિષ્ટિને જરા ય ગણકારી નહિ. નવાબની માગણીનો તિરસ્કાર કરી રાજસિંહ ઊભો થયો અને રણવાસમાં આવ્યો.

રણવાસમાં તત્કાળ સમાચાર ફરી વળ્યા હતા. આખો રણવાસ ખળભળી ઊઠ્યો. રાણીજીએ રાજસિંહના નિશ્ચયને પુષ્ટિ આપી. આખું રાજ્ય ફના થાય તો ભલે, પણ રાજસિંહની રાણી પોતાની પુત્રીને મ્લેચ્છ સાથે પરણાવવા કદી પણ સંમતિ આપે એમ ન હતું.

'પણ પદ્મા ક્યાં?' રાજસિહે પૂછ્યું.

પદ્મા ડુંગર ઉપર આવેલા એક સરોવરતીરે બેઠી હતી. શિકારની શોખીન એ રાજકન્યાને આજ કોઈ વાધ કે દીપડો મળ્યો નહિ, પરંતુ એના હૃદયને હલાવી નાખતો એક રાજકુમાર તેને મળ્યો હતો. વિજયસિંહનું નામ તેણે સાંભળ્યું હતું. દૂરથી તેને અનેક વખત જોયો પણ હતો. રાજસિંહનાં વિકટ કાર્યો અને કારસ્તાનોમાં તેનો અગ્ર ભાગ હોય જ. રાજસિંહ અને વિજયસિંહના પિતા મિત્ર હતા. વિજયસિંહના પિતા બે વર્ષ થયાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ વિજયસિંહે પિતાના મિત્રની મૈત્રી ચાલુ રાખી. એટલું જ નહિ, પણ તેણે રાજસિંહને એટલી સહાય આપી કે રાજસિંહને તેનો ઉપકાર વસવા માંડ્યો.

ડુંગર ઓળંગી તે રજપૂત યુવક રાજસિંહને મહત્વનો સંદેશ પહોંચાડવા જતો હતો.

તળાવને કિનારે સાફો અળગો કરી મુખ ઉપર પાણી છાંટતી એક શસ્ત્ર સજજ યુવતીને વિજયે નિહાળી.

વીર કે વ્યાપારી, હિંદુ કે મુસલમાન, પુરુષ કે સ્ત્રી એ સહુના જીવનની એક ક્ષણ સમાન બની જાય છે – એક સરખા માનવભાવમાં ડૂબી જાય છે. એ ક્ષણ તે પ્રેમની ક્ષણ !

વિજયે ઘોડાને ઊભો રાખ્યો. પવનમાં હાલતા ખૂલતા વાળ સંકોરતી એક સુંદરીએ નિર્જન ડુંગર કરાડ ઉપર વિજયને નિહાળવાની ભાગ્યે જ આશા રાખી હોય. પદ્માના સાહસશોખની વિજયને પણ ખબર હતી. પદ્માએ વિજયને ઓળખ્યો. વિજયે પદ્માની કલ્પના કરી લીધી. પદ્મા શિકારની નિષ્ફળતા વીસરી ગઈ. વિજય સંદેશાનું મહત્વ વીસરી ગયો, ઘોડાને છૂટો મૂકી તે નીચે ઊતર્યો અને ઝડપથી સાફો પહેરી લેતી પદ્મા પાસે આવ્યો. પુરુષવેશમાં ઢંકાયેલો પદ્માનો સ્ત્રીદેહ વિજયને અત્યંત મોહક લાગ્યો.

'આપ કોણ છો ?' વિજયે પૂછ્યું.

'હુ પદ્મા.' રાજસિંહની કુંવરી પદ્માએ કહ્યું.

'મને નહિ ઓળખ્યો હોય.'

'આપને ઓળખું છું.'

'તો કહો, હું કોણ છું ?'

'આપ–આપ વિજયસિંહ નહિ?' વિજયસિંહનો નામોચ્ચાર કરતાં શૂરી પદ્માના હૃદયે કંપ અનુભવ્યો. ક્ષણભર બંને શાંત રહ્યાં.

'શિકાર ન થયો?' વિજયે પૂછ્યું. 'ના.'

'તમારી સામે રાજકુંવરોની કડક ફરિયાદ છે'

'મારી સામે ? કેમ?'

'તમે જંગલને વાધવિહોણું બનાવી દીધું છે.

પદ્મા હસી. આવી સ્તુતિ તેને ગમી. એ સ્તુતિ કરનાર તેને વધારે ગમ્યો.

'ક્યાં જશો ?' પદ્માએ પૂછ્યું.

'આપની સાથે જ આવીશ.'

'કેમ? '

'આપના પિતાને જરૂરને સંદેશ પહોંચાડવો છે.'

'શો સંદેશ છે?'

'ગુપ્ત છે.'

'મારા પિતા મારાથી કશી જ વાત છાની રાખતા નથી.’

'આ વાત કદાચ છાની રાખે.'

'કેમ ?'

વિજય સહજ વિચારમાં પડ્યો. રાજકુંવરીને બધી ગુપ્ત વાત કહેવી એ ઠીક કે નહિ તેની તુલના તે કરી રહ્યો; પરંતુ પદ્માની વેધક દ્રષ્ટિએ તેની પાસે કહેવડાવ્યું :

'સંદેશ તમારા અંગનો છે.'

તો તમારે મને કહેવું જ જોઈએ.'

'પણ હું સાથે જ આવું છું.'

'હું અજાણ્યા પુરુષ જોડે જતી નથી.' કહી પદ્માએ મુખ ફેરવ્યું અને આગળ ચાલવા માંડ્યું. ઝાડ સાથે બાંધેલો તેનો અશ્વ હણહણી ઊઠ્યો. છૂટા ઊભા રહેલા વિજયના અશ્વે પણ હણહણાટથી તેનો જવાબ આપ્યો .

વિજય છોભીલો પડી ગયો. અન્ય રાજકુમારોની માફક તેણે સ્ત્રીપરિચય કદી કર્યો ન હતો. નારીઓનાં સંગ્રહસ્થાન રચી, એ સંગ્રહસ્થાનમાં રંગરાગ રચાવી, નિર્માલ્ય, નિર્બળ પશુખેલનમાં રાચતા રાજકુમારો ને રાજાઓનો તેને અત્યંત તિરસ્કાર હતો. તે સ્વચ્છ, શુદ્ધ, આહ્લાદક, પહાડશૃંગની ઊંચાઈ સરખો એકલ અને ઉન્નત પ્રેમ માગતો હતો. માટે જ તે હજી સુધી અવિવાહિત હતો. તેણે ઈછ્યું હોત તો અનેક માનવીઓની માફક પત્નીઓ અને ઉપપત્નીઓના તે તબેલા રચાવી શક્યો હોત.

'પદ્માવતી ! એક ક્ષણ થોભો. આપના પિતા મારા શુભેચ્છક છે. વડીલ છે. શા માટે મને અજાણ્યો ગણો છો?'

પદ્માવતી પાછી વળી અને દૂરથી જ તેણે જવાબ આપ્યો :

'આપે મને અજાણી ગણી, એટલે હું બીજું શું કરી શકું?'

'એમ નહિ. મને ભય લાગ્યો કે કદાચ આપને જ લગતો સંદેશો આપ સહન નહિ કરી શકો'

'સહન કરી શકીશ. હું કદી ભય પામતી નથી.'

વિજય જરા શાન્ત રહ્યો. આવી નિર્ભય રાજકુમારીને સર્વ રાજગુહ્ય સોંપી શકાય એમ તેને લાગ્યું. તેના મનમાં એક વિચિત્ર કલ્પના પણ થઈ. પદ્મા કદાચ પત્ની બને તો ? શું ગૃહસ્થ કે રાજ્ય રહસ્ય તેનાથી તેના પતિ છાનું રાખી શકે ? પદ્મા પૂતળી ન હતી. રાજ્ય સ્થાપવાની અને ઉથાપવાની શક્તિ ધરાવતી એક જોગમાયા હતી.

'હું કહું. આપના લગ્નનો સંદેશો હતો.' વિજયે જરા અટકીને કહ્યું,

'મારું લગ્ન? ક્ષત્રિયાણી તો સ્વયંવર કરે.'

'આપને સ્વયંવર નહિ થાય.'

'કેમ ?'

'નવાબ અહમદખાન આપના હાથની માગણી કરે છે.'

'એ ભલે માગણી કરે. હાથ આપવો ન આપવો મારી મરજીની વાત છે.' 'આપ ઘેર પહોંચશો તે પહેલાં કદાચ એ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું હશે.

'ત્યારે તમે શું સંદેશો પહોંચાડવા આવો છો ? '

'હું એટલો જ સંદેશો પહોંચાડવા જાઉં છું; લગ્ન માટે સાત દિવસની મહેતલ આપી છે એ ખોટી છે. આવતી કાલ પ્રભાત પહેલાં રાજસિંહનો ગઢ ઘેરાઈ ગયો હશે.'

'એટલે?'

'સાત દિવસ પહેલાં તમારે નવાબસાહેબની જોડે પરણવું પડશે.’

'પદ્મા સહજ સ્થિર ઊભી રહી. સાફાના બંધનમાંથી છૂટવા મથતી એક લટ કપાળ ઉપર ફરફરી રહી.

‘તમે મારા પિતાના મિત્ર છો. તમે આમાં શું કરશો?' પદ્માએ પૂછ્યું,

'આપના પિતા જે કહેશે તે કરીશ.'

'તેમના કહેવાની રાહ જોશો ? તમારો ધર્મ શું કહે છે?'

'મારો ધર્મ ? સત્યને સહાય આપવાનું કહે છે.'

સંધ્યાકાળના સોનેરી રંગ સરોવરને સોનેરી બનાવતા હતા. પરંતુ એ સુવર્ણરંગ પાછળ કોઈ કાળાશ પણ ઝઝૂમી રહેલી હતી.

'વિજય ! હું માગું તે આપશો ?'સહેજ નીચું જોઈ પદ્મા બોલી.

વિજય વિચારમાં પડ્યો. આખું નામ ન બોલી પદ્મા શું વિજયની નજીક આવતી ન હતી? અને તે કાંઈ માગતી હતી ! સ્ત્રી વિષયના વિચારોને દૂર રાખી રહેલો વિજય ભય અને આનંદની કોઈ મિશ્ર લાગણી અનુભવી રહ્યો. પદ્મા શું માગશે ?

'તમે શું માગશો ? '

'આમ પૂછ્યા પછી આપવાનું હોય તો મારે કાંઈ માગવું નથી. માગનારને સર્વસ્વ આપવાનો આર્ય રિવાજ...' 'આપ માગો. માગશો તે આપીશ.'

'આપની તલવાર આપો.'

'તલવાર ?' આશ્ચર્ય પામી વિજયસિંહે પૂછ્યું. તેણે એક ક્ષણમાં અનેક સ્વપ્ન ઊભા કર્યા હતાં. પદ્મા પ્રેમ વ્યક્ત કરશે, સાથે આવવાનું કહેશે, પોતાને ઊંચકી જઈ નવાબ સાથેનાં લગ્નથી ઉગારવા આજીજી કરશે, એમ તેણે ધારેલું, પરંતુ માત્ર તલવારની માગણી તેને અત્યંત વિચિત્ર લાગી.

'હા.'

'શું કરશો ?'

પદ્માએ મુખ પાછું ફેરવ્યું.

'નહિ નહિ લ્યો, હું મારી અત્યંત વહાલી તલવાર તમને આપું છું.'

ખરે, વિજયને એની તલવાર ઘણી જ વહાલી હતી. તલવાર –એ જ તલવાર–વિહોણા થતાં તેને એક અંગ કપાઈ ગયું હોય એમ લાગ્યું.

'તલવાર આપવી ન ગમી; ખરું ?' પદ્માએ પૂછ્યું.

'મારું એ અંગ બની ગઈ હતી.'

'અંગ પૂરું કરી આપું? લ્યો, આ મારી તલવાર.' કહી પદ્માએ પોતાની તલવાર વિજયને આપી. વિજયે વગર બોલ્યે પદ્માની તલવારનો સ્વીકાર કર્યો. પરંતુ એને સમજ ન પડી કે પદ્મા આ વિચિત્રતા દ્વારા શું સૂચવતી હતી !

'વિજય, હવે પાછો ફર. તારો સંદેશો હું પિતાજીને કહીશ.' પદ્માએ કહ્યું.

'પણ મારે શું કરવું ?'

'નવાબ સાથે હું પરણીશ નહિ. તું કહે છે કે નવાબ અમને ઘેરી લેશે. ઘેરામાંથી અમને છોડાવ.'

' પદ્મા ! મારી સાથે જ ચાલી નીકળ.' 'આજની રાત પછી તું જ્યારે આવીશ ત્યારે હું તારી સાથે ચાલી નીકળીશ – આજ નહિ.'

બંને એકબીજા સામું જોઈ રહ્યાં. બંનેની માનસિક નિકટતાએ સંબોધનમાંથી બહુવચનનો લોપ કર્યો હતો. એમ કેમ ?

એકાએક અંધકારનો ભાસ થયો, પણ એ અંધકાર હાલતો કેમ લાગ્યો ?

'પદ્મા ! ઝડપ કર. નવાબનું સૈન્ય ધાર્યા કરતાં પણ વહેલું આવે છે.'

પદ્મા ઝડપથી ઘોડા પાસે ગઈ. તે અશ્વારૂઢ થઈ ત્યાં સુધી વિજય તે સ્થળે જ ઊભો રહ્યો. પછી તે પોતાના અશ્વની પાસે ગયો. પદ્માએ એકાએક બૂમ પાડી :

'વિજય !'

'કેમ?' ઝડપથી પાસે દોડી આવી વિજયે પૂછ્યું.

પદ્મા વિજયના મુખ સામે તાકીને જોઈ રહી. વિજય વિચારમાં પડ્યો.

'પદ્મા ! શું કહે છે?.'

'કાંઈ નહિ.'

'મને કેમ બોલાવ્યો ?'

'તારું મુખ જોઈ લેવા.'

કહી પદ્માએ ઘોડો ઝડપથી દોડાવ્યો. વિજય પણ ડુંગરનાં શિખરો પાછળ અદ્રશ્ય થયો.

પદ્મા અને છૂટા પડેલા તેના શિકારી સાથીઓએ ગઢમાં પ્રવેશ કર્યો ત્યારે દીવા થઈ ગયા હતા, પરંતુ પદ્માએ પ્રવેશ કરતાં બરોબર ગઢના દરવાજા બંધ કરાવ્યા અનેચિંતાગ્રસ્તપિતાને વિજયનો સંદેશો આપી વધારામાં જણાવ્યું કે નવાબનું લશ્કર જોતજોતામાં તેમને ઘેરી વળશે.

ડંકા ગડગડ્યા; રણુતૂર રણક્યાં; અને સૈનિકો શસ્ત્ર સજી રાજસિંહના દરબારમાં ભેગા થવા લાગ્યા. નવાબનું સૈન્ય ગામને દ્વારે આવ્યું ત્યારે દ્વાર બંધ હતાં અને કિલ્લો આખો જીવતો જાગતો હતો. એક જ ધસારે એક જ રાતમાં રાજસિંહનો ગઢ હાથ કરવાની અને પદ્મા સાથે લગ્ન કરી નાખવાની નવાબની યોજના સફળ થઈ નહિ, નવાબના ધસારાને અટકાવવાની સધળી તૈયારી રાજસિંહે કરી રાખી હતી.

પરંતુ આ વખતે નવાબનું સૈન્ય બહુ બહોળું અને આજ્ઞાધારક દેખાયું. એક અઠવાડિયા સુધી સૈન્યના ધસારા સામે રાજસિંહ જેવા નાના ઠાકોરથી ટકી શકાય એમ ન હતું. વળી રાજસિંહનું સૈન્ય અને તેના સેનાપતિઓ જીવનભરના યુદ્ધથી કંટાળી ગયા હતા. રાજાની કુંવરીનું લગ્ન એ રાજાની અંગત બાબત હતી. ઘણા ય રજપૂત રાજાઓએ પોતાની દીકરીઓ મુસ્લિમ રાજકર્તાઓને આપી શાંતિ મેળવી હતી. રાજસિંહ પોતાની કન્યા નવાબ સરખા બાહોશ અને ભલા મુસ્લિમ રાજ્યકર્તાને લગ્નમાં આપે તો એવા અનેક દાખલાઓને લીધે રાજસિંહનું કાર્ય અપકીર્તિ ભર્યું ભાગ્યે જ લાગે.

આવા વિચાર કરનાર એકબે સેનાપતિઓ રાજસિંહના સૈન્યમાં હતા. નવાબે માત્ર શસ્ત્રની જ તૈયારી રાખી હતી એમ ન હતું. અગમચેતી વાપરી પોતાના ગુપ્તચરોને કેટલાય દિવસ પહેલાંથી રાંજસિંહના ગામમાં ફરતા કરી દીધા હતા. તેમણે સુસ્ત બનેલા સેનાપતિ અને સૈનિકોની બેપરવાઈનો લાભ લઈ ગઢનો એક દરવાજો સવાર થતાં ખુલ્લો મૂકી દીધો. નવાબના લશ્કરને એટલું જ જોઈતું હતું. ગઢમાં પ્રવેશવાનો એક માર્ગ બસ હતા. સમુદ્રનાં મોજાં સરખું નવાબનું લશ્કર આખા ગામમાં ફરી વળ્યું અને રાજસિંહના ચુનંદા પણ અલ્પ સંખ્યાવાળા સૈન્યને હઠાવતું તે દરબારગઢ સુધી પહોંચી ગયુ.

ગામનો કિલ્લો અત્યંત મજબૂત હતો, એટલે દરબારગઢના રક્ષણની કાળજી ઓછી રાખવામાં આવી હતી. પ્રભાત પહેલાં કિલ્લો પડશે એમ રાજસિહે ધારેલું નહિ. ગાફેલ સેનાપતિ અને સૈનિકો, તથા ગફલતનો લાભ અપાવનારા ગુપ્તચરોની તેને કલ્પના પણ ન હતી. અત્યંત સરળતાથી–નવાઈ જેવી સરળતાથી નવાબ અહેમદખાને દરબારગઢમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં વાર જ યુદ્ધના સ્થાને નવાબે વિવેક નિહાળ્યો. રાજસિંહના પ્રધાને અત્યંત માનપૂર્વક નવાબસાહેબને સલામ ભરી અને અંદર પધારવા વિનંતિ કરી.

'મહારાજ આપની રાહ જુએ છે.' નવાબસાહેબને પ્રધાને કહ્યું.

'મારી ?' નવાબ આ વિવેકની આશા રાખતા ન હતા.

'હા, જી. કુંવરીનું લગ્ન થાય છે. આપની આશિષ જરૂર કલ્યાણકારી થશે.'

'કુંવરીનું લગ્ન ?'

'હા. જી. પદ્માવતીનું. '

‘પદ્માવતીનું લગ્ન? કોની સાથે?' નવાબે ક્રોધાવેશમાં પૂછ્યું.

'વિજયસિંહ સાથે.'

'વિજયસિંહ ? એને તો મેં આજ પ્રભાતમાં જ કેદ પકડ્યો છે.'

'હશે, પણ પદ્માવતીનું લગ્ન વિજયસિંહ સાથે થાય છે એ પણ એટલું જ ચોક્કસ છે.'

નવાબ ધસીને ચૉકમાં આવ્યા. રાજસિંહે ઊભા થઈ તેમનો સત્કાર કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એ સત્કારને ન ઓળખતા નવાબે જોયુ કે ત્યાં લગ્નક્રિયા ચાલી રહી છે.

કન્યાની પાસે એક ખુલ્લી તલવાર મૂકેલી હતી. એ તલવાર સાથે પદ્માવતીનાં લગ્ન થતાં હતાં. નવાબ સમજી ગયા. રજપૂતોના રિવાજ પ્રમાણે ખાંડા સાથે કન્યાનાં લગ્ન થઈ શકે છે. એ તલવાર પતિનું સકેત બનતી હતી.

'આ લગ્ન નિરર્થક છે.' નવાબ અહેમદે ગર્જના કરી.

'ક્ષત્રિયાણીનાં લગ્ન નિરર્થક હોતાં નથી.' રાજસિંહે કહ્યું.

'વિજયને મેં કેદ પકડ્યો છે. એને શૂળી ઉપર ચડાવીશ ત્યારે તમને આ લગ્નની નિરર્થકતા સમજાશે.' નવાબે કહ્યું. 'નવાબસાહેબે મને મિત્ર લેખવો જોઈએ.' રાજસિંહે વિનતિ કરી.

'નવાબના હુકમને હસી કાઢનાર શૂળીનો મિત્ર થઈ શકે–મારો નહિ. અહીં જે હોય તેને કેદ કરો.' નવાબે આજ્ઞા આપી.

જોતજોતામાં રાજસિંહ, પદ્મા, બ્રાહ્મણો, પ્રધાન અને રક્ષકો કેદ પકડાયાં. પદ્માએ આત્મહત્યા કરવા ઉપાડેલી તલવાર તેના હાથમાં જ રહી અને તે પોતાના દેહને નુકસાન ન કરી શકે એવી રીતે તેને સૈનિકોએ બાંધી.

'બહાર બે શૂળી ઊભી કરો અને રાજસિંહ તથા વિજયસિંહને શૂળી પાસે હાજર રાખો.’ નવાબનો હુકમ થયો.

સહુની ખાતરી થઈ કે પદ્મા નવાબ સાથે લગ્ન નહિ કરે તો રાજસિંહ અને વિજયસિંહને શૂળી ઉપર ચડવું પડશે જ.

બહાર મેદાનમાં જોતજોતામાં બે ચમકતી શૂળીઓ ઊભી કરવામાં આવી. સૂર્યનો પ્રકાશ એ હિંસક હથિયારને ઝગારે ચડાવી રહ્યો હતો. પદ્માવતી નવાબ સાથે લગ્ન કરશે નહિ એ ચોક્કસ હતું; અને નવાબ રાજસિંહ તથા વિજયંસિહને શૂળીએ ચડાવ્યા વગર રહેશે નહિ એ પણ એટલું જ ચોક્કસ હતું.

નવાબને એક નોકરે આવી ખબર આપી :

'ખુદાવંદ, શૂળીઓ તૈયાર છે.'

'ઠીક, રાજસિંહ અને વિજયસિંહ ક્યાં છે?'

'મેદાનમાં શૂળી પાસે.'

‘વારુ. પદ્માવતીને ઉપર ઝરૂખે ઊભી રાખો. હું અને પદ્માવતી સાથે સાથે જ એ શૂળીપ્રયોગ જોઈશુ.'

'જી.'

કહી સૈનિકો પદ્માવતીને દરબારગઢના ઝરૂખા ઉપર લઈ ગયા. પદ્માવતી ભલે ગમે તે વિચાર કરતી હોય, પરંતુ તેના હલનચલનમાં ભય જરા ય દેખાયો નહિ. ધીરે ડગલે તે સૈનિકોની સાથે ઝરૂખા ઉપર ચડી ગઈ.

વિજયસિંહ અને રાજસિંહે તેને ઝરૂખે ઊભેલી નિહાળી. એ બન્ને બંદીવાનોએ ક્ષણભર પોતાની આંખ ફેરવી લીધી. વિજય શરમમાં ડૂબી ગયો, પદ્માના રક્ષણ અર્થે તૂટી પડેલા એ વીરને મહામુસીબતે નવાબના સૈન્યે કેદ પકડ્યો હતો. વિજયને ઘા પણ પડ્યા હતા; પરંતુ પદ્માનું રક્ષણ કરવાને અશક્ત બનેલો એ નર પોતાના જીવનને તિરસ્કારી રહ્યો હતો.

વિજયની સાથે તે ચાલી નીકળી હોત તો ? પરંતુ લગ્ન થયા પહેલાં વિજય સાથે ચાલ્યા જવું એમાં પદ્માને ચોખ્ખી અનીતિ લાગી. વળી પિતાને સંદેશ પહોંચાડવાનો હતો અને વિજયની તલવાર મૂકી વિજય સાથે લગ્ન કરી નાખવાનું હતું એટલા જ માટે એણે વિજયની તલવાર માગી લીધી હતી !

એ વિજય પદ્માને છોડવતાં પહેલાં કેદ પકડાયો અને લગ્ન થતાં બરોબર શૂળીએ ચડવા ઊભો હતો ! પદ્માને માટે એ મરતો હતો. શા માટે એને મરવા દેવો ?

વિજયને અને રાજસિંહને છોડાવવાને એક જ માર્ગ થયેલું લગ્ન અમાન્ય કરી નવાબ સાથે લગ્ન કરવું. એ હવે અશક્ય હતું. તલવારના પ્રતીક પાછળ રહેલા વિજય સાથે લગ્ન ન થયું હોત તો? તે કદાચ પ્રિયતમને અને પિતાને બચાવવા તે પિતાનું બલિદાન નવાબને આપત. પરંતુ લગ્ન થયા પછી એ વિચારને પણ અવકાશ ન હતો.

બીજી કોઈ રીતે તેમને છોડાવવાનો સંભવ હતો જ નહિ. પદ્માનું હૃદય ગૂંગળાઈ ગયું. ઝરૂખામાંથી નીચે કૂદી પડવાનું તેને મન થયું. તેણે શૂળી તરફ જોયું, પિતા તરફ જોયું, પતિ તરફ જોયું અને સહેજ પાછળ જોયું. નવાબ અહેમદખાન તેની પાછળ–બહુ જ નજીક ઊભો હતો ! કૂદી પડવું પણ હવે અશક્ય થઈ પડ્યું.

'પદ્મા !' નવાબનો અવાજ તેને કાને અથડાયો. એ કંઠમાં મીઠાશ હતી.

પદ્માએ કાંઈ જવાબ ન આપ્યો : નવાબ સામે જોયું પણ નહિ. 'તું જોઈ રહે એટલે મને કહેજે.' નવાબે થોડી ક્ષણ પછી કહ્યું.

પદ્મા એકાએક નવાબની સામે ફરી અને ઉગ્રતાથી તેણે કહ્યું :

'હું જોઈ રહી.'

'તો હવે કહે. પહેલી શૂળી કોને આપું ?'

'તમે મુસ્લિમ ક્રૂર છો.'

'કેમ ?'

'એક સ્ત્રીને મેળવવા આવી ઘોર હિંસા કરો છો.'

'સ્ત્રી માટે હિંસા કરનારા હિંદુઓનાં નામ હું ગણાવું?'

પદ્મા વિચારમાં પડી. સ્ત્રી માટે મુસ્લિમો જ નહિ, પણ હિન્દુઓ યે ઘોર હિંસા કરતા હતા તેની ના પડાય એમ ન હતું.

'મારી માગણી સ્વીકાર. હું રાજસિંહ અને વિજય બન્નેને છોડી દઈશ.' નવાબે ધીમેથી કહ્યું.

'એ બંનેને પૂછો. તમારી શરત પ્રમાણે તેઓ જીવતા રહેવા માગે છે?' પદ્માએ કહ્યું.

'પણ ધારી લે કે તેમણે મારી શરત કબૂલ રાખી. પછી ?'

'પછી શું કરવું એ નક્કી ત્યારે કરીશ.' પદ્માએ કહ્યું.

નવાબ અહેમદખાને સ્મિત કર્યું. એના સ્મિતમાં ક્રૂરતા ન હતી. વાત્સલ્યની કુમાશ એ સ્મિતમાં જોઈ પદ્મા સહજ ચમકી.

'ચાલ, આપણે પૂછી નક્કી કરીએ.' નવાબે કહ્યું. અને તેમણે આગળ પગલાં મૂક્યાં. કટારથી નવાબને ભેદી શકાય એમ હતું; પરંતુ એ કટાર નવાબ માટે હતી ? નવાબના દેહ માટે કટારનો ઉપયોગ થાય તો પદ્માએ પોતાને માટે શી સગવડ કરવી ? અને... અને કદાચ પિતા અને પતિ નવાબની શરત કબૂલ રાખે તો ? તે ક્ષણે પોતાની છાતીમાં ભોંકવા પદ્મા કટાર ક્યાંથી મેળવી શકે? કટાર અને જીવ બન્ને સાથે જ રહે અને જાય એ જ ઈચ્છવા યોગ્ય હતું.

નવાબે સીડી ઊતરતાં જોયું. પદ્મા ધીમે પગલે આવતી હતી.

'પદ્મા ! પહેલું કોને પૂછવું છે? રાજસિંહને કે વિજયને ?'

'બંનેને હું સાથે જ પૂછીશ.' પદ્માએ જવાબ આપ્યો.

'મારી રૂબરૂ પુછાવી હું મારી હાજરીનો ગેરલાભ લેવા માગતો નથી. તું જાતે જ ખાતરી કર. હું અહીં, ઊભો છું.'

'મેદાનમાં શૂળી પાસે હું જઈ પૂછી આવું.'

'ના સામો પડદો ખસેડ. રાજસિંહ અને વિજય એ બંને કેદીઓ પાછળ ઊભા છે. તેમને મેદાનમાંથી પાછા બોલાવ્યા છે. પદ્માએ પડદો સહજ ખસેડ્યો. એ જ સ્થળે વિધિપૂર્વક વિજયની તલવાર મૂકી તેણે લગ્ન કર્યું હતું. પદ્માનું હૃદય કંપી ઊઠ્યું. જ્યાં લગ્ન થયું ત્યાં જ પિતા કે પતિ લગ્નનો ઈન્કાર કરશે ?

પદ્માએ અંદર પ્રવેશ કર્યો. એકાએક અગ્નિનો ભડકો થયો. નવાબે પડદો ખસેડી નાખવા આજ્ઞા કરી.

પદ્મા અને વિજયનો હસ્તમેળાપ તે જ ક્ષણે થયો. ચોરીમાં ઘૃત હોમાયું અને ફરી વાર મોટો ભડકૉ થયો. બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી દરબારગઢ ગાજી ઉઠ્યો.

નવાબ અહમખાનની હાજરીમાં પદ્મા અને વિજયનાં લગ્ન થઈ ગયાં. નવાબે પોતાના કંઠમાં પહેરેલો મોતીનો હાર પદ્માના કંઠમાં પહેરાવ્યો અને કહ્યું :

'પદ્મા ! એક મુસ્લિમનો સ્પર્શ તને અપવિત્ર તો નહિ બનાવે ને ?' પદ્માની આંખમાં આંસુ આવ્યાં. નવાબે વિજયનું શૌર્ય અને પદ્માનો દ્રઢ નિશ્ચય જાણી લીધાં હતાં. અનિચ્છાવાળાં લગ્ન કરતાં ઇચ્છિત લગ્નની સગવડ કરી આપવામાં તે હિન્દુઓનાં હૃદય વધારે સારી રીતે જીતી લેતો; એટલે તેણે સહુને ચમકાવનારી આ લગ્નની યોજના તકાળ અમલમાં મૂકી.

'નવાબસાહેબ...! કૃતજ્ઞતાના આવેશમાં ભરેલા કંઠથી પદ્મા આભાર માનવા જતી હતી.

'પદ્મા ! મને હવે નવાબ ન કહીશ. મને ભાઈ કહેજે.'

સહુની ખાતરી થઈ કે એક મુસ્લિમને ભાઈ બનતાં પણ આવડે છે.