પત્રલાલસા/અસ્પૃશ્ય મિલન

વિકિસ્રોતમાંથી
← આશા પત્રલાલસા
અસ્પૃશ્ય મિલન
રમણલાલ દેસાઈ
૧૯૩૧
ગજગ્રાહ →



૩૦
અસ્પૃશ્યમિલન

મારે ટકોરે દ્વાર ખુલ્લે કે નહિ ?
તુંને પુકારું શેરીએ યા ના સનમ ?
કલાપી

ઊછળતા હૃદયે સનાતન મુંબઈથી નીકળ્યો. તેનો વખત કેમે કર્યો જાય નહિ. ન વંચાય, ન સુવાય, ન કોઈ સાથે વાતો થાય. આગગાડીને પણ કોણ જાણે શું થયું હતું ! રોજ ઝડપથી દોડનારી ગાડી તે દિવસે કેમ વાર લગાડ્યા કરતી હતી તેની સનાતનને સમજણ પડી નહિ. સુસ્ત ડ્રાઈવર અને રેઢિયાળ ગાર્ડ બંને વચ્ચે ગાડી પણ રમતિયાળ બની ધાર્યા પ્રમાણે આગળ વધતી ન હતી. છેવટે સંધ્યાકાળના અરસામાં ગાડી ધારેલા સ્ટેશને આવી પહોંચી. સનાતન ઝડપથી ઊતર્યો, તેને તેડવા આવેલી ગાડીમાં બેઠો અને જાગીરદાર વ્યોમેશચંદ્રને ત્યાં પહોંચ્યો.

મંજરી બે કલાકથી બારીએ ઊભી રહી હતી. અમુક બનાવો નિશ્ચિત સમયે જ બને છે એમ જાણ્યા છતાં તે વહેલા બનવાની ઈંતેજારી ડહાપણભરી માનવજાત દેખાડે છે એ શું નવાઈ નથી ? પત્ર મળ્યા પછી આખો દિવસ મંજરીને અપાર બેચેની રહી. સનાતન આવવાનો છે એ વાતથી આનંદ પામવાનો અધિકાર નષ્ટ થઈ ગયો હતો તોય તે ગાડીની વાટ જોયા કરતી ઘડી ઘડી બારીએ આવી જતી. છેવટનો કલાક તો મંજરી બારીએથી ખસી જ નહિ.

મંજરી માટેની બે દિવસથી વધી ગયેલી ઝંખના સનાતનના હૃદયમાં ક્ષણે ક્ષણે તીવ્ર બનતી જતી હતી. સ્ટેશને ઊતરતાં જ મંજરી તેની દ્રષ્ટિએ પડશે એવી ઘેલી આશા સેવતો સનાતન વ્યોમેશચંદ્રનું ઘર આવતાં ગાડીમાંથી ઊતર્યો. ઊતરતાં જ તેણે મંજરીને બારીએ ઊભેલી નિહાળી ! તેને અત્યંત આશ્ચર્ય લાગ્યું. મંજરીને અહીં જોવાની ધારણા તેણે રાખી નહોતી. ઘડીભર તેને લાગ્યું કે તેની ઝંખના અને સંધ્યાકાળનો સમય તેને કોઈ અજાણી યુવતીમાં મંજરીનો ભ્રમ ઉપજાવતાં હતાં. પરંતુ તેની એ ધારણા ખોટી પડી. બારીએ ઊભેલ યુવતી મંજરી જ હતી એમ તેની ખાતરી થઈ. વચ્ચે વર્ષ સવા વર્ષનો ગાળો પડ્યો હતો છતાં મંજરીને તે ભૂલ્યો ન હતો. તેને માત્ર એક તફાવત લાગ્યો : પ્રથમ કરતાં મંજરી વધારે સુંદર દેખાતી હતી. પણ એ અહીં ક્યાંથી ? તેના મનમાં અકારણ ધ્રાસકો પડ્યો. દીનાનાથ અને વ્યોમેશચંદ્રનો સંબંધ તે જાણતો હતો. કદાચ બધાંની સાથે પોતાને અહીં મળવા આવી હોય ! પોતે લખેલા કાગળનો મંજરીએ આવી હાજરી દ્વારા જવાબ આપ્યો હોય એમ જ તેને સંભવ લાગ્યો. મંજરી પ્રત્યક્ષ મળશે ત્યારે ? સનાતને બારીએ ઊભેલી મંજરી સામે જોયું. મંજરીએ સનાતન સામે જોયું. બંનેની આંખો મળી. આંખો મળતાં બંનેના હૃદયમાં કોઈ અવનવી વીજળી પ્રગટી.

મંજરી અંદર જતી રહી. સનાતન સાવધ થયો. ક્ષણ બે ક્ષણમાં બની ગયેલા આ અતિમહત્ત્વના બનાવનું મહત્ત્વ બીજા કોઈને દેખાયું નહિ. કોઈનું ધ્યાન પણ આ દ્રષ્ટિમિલનમાં દોરાયું નહિ. નોકર સનાતનને ઘરમાં લઈ ગયો. કેટલાક નોકરો સનાતનને ઓળખતા હતા. તેમણે સનાતનની ખબર પૂછી. મંજરીના જ ખ્યાલમાં ઊંડા ઊતરી ગયેલા સનાતનને ભાન આવ્યું કે ઘરના માલિક વ્યોમેશચંદ્રને તે હજી મળ્યો નહોતો, તેમ તેમની ખબર પણ તેણે પૂછી ન હતી. પોતાની તહેનાતમાં રોકાયેલા એક નોકરને સનાતને કહ્યું :

'મારા આવ્યાની વ્યોમેશચંદ્રને ખબર આપશો ?'

‘સાહેબ જાણે છે.' નોકરે કહ્યું.

‘ત્યારે મને સાહેબની પાસે લઈ જાઓ.’

'સાહેબ તો નથી.'

'ક્યાં ગયા છે ?‘

'ગામડે એકાએક જવું પડ્યું.'

'ક્યારે આવશે ?'

'કાલ પરમ આવી જશે.'

'મારે એટલું વધારે રહેવું પડશે.'

‘તેમાં હરકત શી છે? બાઈસાહેબ ઘરમાં છે. આપને જરાય અડચણ પડવા નહિ દે.'

'વ્યોમેશચંદ્ર ફરી પરણ્યા કે શું ? હું હતો તેવામાં જ તેમનાં પ્રથમ પત્ની ગુજરી ગયાં હતાં.'

'આપને શાની ખબર હોય ? આપની જોડમાં જ દીનાનાથભાઈ રહેતા હતા ને...' નોકરે વાક્ય હજી પૂરું કર્યું નહોતું એટલામાં તો સનાતનને ભાલાનો ઘા થયો હોય એમ લાગ્યું. તેને ભાસ થયો કે તેની શુદ્ધિ જતી રહે છે.

'... તેમની દીકરી સાથે લગ્ન થયું છે.' નોકરે વાક્ય પૂરું કર્યું. સનાતનની આંખે અંધારાં આવ્યાં. તકિયા ઉપર તે એકાએક આડો પડ્યો અને તેની આંખો મીંચાઈ ગઈ.

‘બાઈસાહેબ પાસે આવવું છે?'

'ના.' ઊંડાણમાંથી સનાતનની વૈખરીએ જવાબ આપ્યો.

'મને પૂછશે તો શું કહું?'

'હમણાં નહિ. પછી કહીશ.'

મીંચેલી આંખો ઉપર તેણે હાથ મૂક્યો.

'આપ જરા થાક ખાઓ.' નોકરે જાણ્યું કે મહેમાનને મુસાફરીનો થાક લાગ્યો હશે.

‘આપ જરા આડા પડો. હું ચા કરી લાવું.' નોકરે કહ્યું. અને આરામની અનુકૂળતા માટે તેણે સનાતનને એકાંત આપ્યું.

પરંતુ એ એકાન્ત અંધકારમય હતું, શૂન્યકારમય હતું. પૃથ્વીથી દૂર ફેંકાયેલા વ્યોમવિહારી કો મુસાફર અવકાશના આકર્ષણ રહિત, મૂર્છા ઉપજાવતા શીત અક્રિય એકાન્ત પટ ઉપર આવી પડે અને આધારરહિતપણું અનુભવે એવી મૂર્છાભરી સ્થિતિ એણે અનુભવી.

ચહાનો પ્યાલો કોઈ તેની પાસે મૂકી ગયું. કલાક પછી નોકરે આવી જોયું તો પ્યાલો એમનો એમ ભરેલો પડ્યો હતો. રાત્રે જમવા માટે બે-ત્રણ માણસો તેને આગ્રહ કરી ગયાં. તેની અતૃપ્તિ ભોજનથી ભાંગે એવી ન હતી. તેણે જમવાની પણ ના પાડી દીધી. તેની તબિયત સારી ન હતી એવી નોકરવર્ગમાં ચર્ચા ચાલી. ઘરના મુનીમે આવી ડૉક્ટર બોલાવવાની સૂચના કરી. કેટલાંક દર્દો ડૉક્ટરોથી મટે એવા હોતા નથી. તેણે દવાની ના પાડી. આ બધું પડછાયાની સૃષ્ટિમાં જાણે બની જ ગયું હોય એમ તેને ભાસ થયો. તેનું હૃદય કોઈ અકથ્ય મૂર્છામાં પડ્યું હતું. ઊંડી ઊંડી તીવ્ર વેદનામાં તે બાહ્ય જગતનું ભાન લગભગ ભૂલી જ ગયો.

વેદના પણ વેઠતે વેઠતે સહ્ય બને છે. પ્રથમ ફટકે આવેલી તેની મૂર્છા વળી. ફટકાના દુઃખનો અનુભવ કરવાની કઠણાશ કુદરત આપોઆપ આપે છે. શૂન્યતામાંથી સનાતન ધીમે ધીમે ભાનમાં ઊંચે આવવા લાગ્યો. તેના આખા જગત ઉપર કાળાશ ફરી વળી હતી. તેની રસવૃત્તિમાં કટુતા વ્યાપી ગઈ હતી, તેના જીવનમાં ઝેર ફેલાઈ ગયું હતું. એટલું જાણવા અને અનુભવવાનું બળ તેનામાં આવ્યું. તેણે આંખ ઉપરથી હાથ ખસેડ્યો, અને આંખ ઉઘાડી. ચારે પાસ નિરાધારપણું તેણે નિહાળ્યું. તેણે બેસવા પ્રયત્ન કર્યો. પરંતુ તેને લાગ્યું કે તેનાથી બેસી શકાશે નહિ. બેસવા માટે તેને કાંઈ આધાર જોઈતો હતો.

એકાએક તેણે ઓરડાની મધ્યમાં હીંચકો દીઠો. આધાર આપવા તે સનાતનને આવકારી રહ્યો હતો. હીંચકો એ પીડિતોનું આશ્રયસ્થાન છે. સનાતન બાથોડિયાં ભરી હીંચકે બેઠો, અને શૂન્યપણામાંથી વેદનામાં જાગ્રત થતા મનને અને શરીરને તેણે ધીમે ધીમે ઝોલે ચડાવ્યું. ઝોલે ચઢેલું મન તેની આંખને બારીએ ઊભેલી મંજરીની મૂર્તિ જ બતાવ્યા કરતું હતું. ખરેખર મંજરી જ આવીને સામે ઊભી રહી હોય એવો તેના ઝૂલતા હૃદયને ત્રણ-ચાર વખત ભાસ થયો. એ ભાસ થતાં જ તે હીંચકો અટકાવતો, અને ઓરડાની સામે આવેલા બારણામાં તાકીને જોઈ રહેતો. ક્ષણ, બે ક્ષણ, પાંચ ક્ષણ એમ જોઈ રહી કોઈ નથી એવી ખાતરી થતાં નિસાસો નાખી તે ફરી હીંચકાને પગ વડે હલાવતો.

ઘડિયાળમાં બારના ટકોરા થયા. સનાતનને સમજાયું કે મધરાત થતી હતી. તેને સૂવાની જરાય ઈચ્છા ન હતી, મંજરીની યાદ આપતું હીંચકાનું મધુરું ઘેન તેને પલંગ કરતાં વધારે શાંતિદાયક લાગ્યું. પરંતુ એ ઘેન મંજરીની માત્ર યાદ આપતું હતું ? કે મંજરીનાં પ્રત્યક્ષ દર્શન કરાવતું હતું ? મંજરી નિહાળ્યાનો ફરી પાછો ભાસ તેને કેમ થયો? એ મોહક ભાસ નિરર્થક હતો એમ તે જાણતો હતો. છતાં બારણામાં દેખાતી મંજરીની આકૃતિને તાકીને જોઈ રહ્યો. એ આકૃતિ આ વખતે સ્થિર કેમ લાગી ? તે કેમ ખસતી ન હતી ? શું કલ્પના ઘટ્ટ બની સ્થૂલ રૂપ લઈ શકે છે ?

આંખની ઇન્દ્રજાળ ખસેડવા સનાતને દ્રષ્ટિ ફેરવી ઓરડાને નિહાળ્યો અને તેની આંખ મંજરી સિવાયની વસ્તુઓ જોઈ શકે છે એવી ખાતરી થતાં તેણે ફરી બારણા તરફ જોયું. ખરે, મંજરી ત્યાં ઊભેલી દેખાતી જ હતી ! તેણે હીંચકો ખાવો બંધ કર્યો અને પોતાનું સમગ્ર ભાન દ્રષ્ટિમાં એકત્રિત કર્યું. બારણામાં ઊભેલી પ્રતિમા મંજરી જ હતી એમ તેની ખાતરી થઈ. તેણે બોલવાની ઈચ્છા કરી. તેની વાચા બંધ થયેલી લાગી ! દોડીને મંજરી પાસે જવાની તેને ઉત્કંઠા થઈ. તેના પગ જ્યાં ને ત્યાં ચોંટી ગયેલા લાગ્યા. મંજરીને તે કેમ બોલાવી શકે ? કયા હક્કથી તે મંજરી પાસે દોડીને જાય ? મંજરી તો વ્યોમેશચંદ્રની પત્ની હતી !

મંજરીને પત્ર લખવાનું તેણે કરેલું સાહસ કેવું બાલિશ હતું ? મંજરી આસપાસ પોતાનું જીવનસ્વપ્ન રચવાની ધૃષ્ટતામાં કેવી મૂખઈ હતી ? અણસમજની અસ્પષ્ટ અલ્પ વાત ઉપર આધાર રાખી મંજરી આજ સુધી તેને ચાહતી બેસી રહી હશે એમ ધારવામાં તેણે કેવું અનુભવ - શૈથિલ્ય બતાવ્યું હતું ? તે નીચું જોઈ રહ્યો. મંજરીને પત્ર લખ્યાનો તેને પશ્ચાત્તાપ થયો. પ્રથમના ભ્રમની માફક આ વખત પણ મંજરીનું દ્રશ્ય ભ્રમ હોય એમ તે ઇચ્છવા લાગ્યો. નીચું જોયે મંજરીનું દ્રશ્ય જાણે અદ્રશ્ય થઈ જશે એવી તેને આશા ઊપજી.

પરંતુ નીચી નમાવેલી દૃષ્ટિને પળ ભાસ થયો કે બારણામાં ઊભેલી પ્રતિમા તેની નજીક આવતી હતી. એ ખરું કે ખોટું તેની ખાતરી કરવા તેણે આંખ ઉઘાડી, અને મંજરી તેની સામે - તેની બહુ નજીક આવી ઊભેલી દેખાઈ. મંજરીની આંખમાં તેજબિંદુ તેને દેખાયાં.

શું બોલવું તેની સનાતનને સમજ પડી નહિ. મંજરી પણ અવાક્ હતી. માત્ર તેની આંખમાં અટકી રહેલાં તેજબિંદુ બહાર નીકળવા મથતાં હતાં. સનાતનને સ્ત્રી સન્મુખ ઊભા થવાનો વિવેક પણ આ વખતે ના સાંભર્યા. વગર વિચાર્યું તેનાથી બોલાઈ ગયું :

'કેમ છે ?'

મંજરીએ કશો ઉત્તર આપ્યો નહિ. સનાતનને ઓળખતી જ બાધ પડી હોય તો તે મધરાતે આવે શા માટે ? છતાં તેનાથી પુછાઈ ગયું :

‘મને ઓળખો છો ને? ભૂલી તો નથી ગયાં ?'

જવાબમાં માત્ર મંજરીની આંખમાં ભરાઈ રહેલાં તેજબિંદુ આંસુરૂપે ગાલ ઉપર ઢળી પડ્યાં.

'મને કશી જ ખબર નહોતી – અહીં આવ્યો ત્યાં સુધી.' સનાતને કહ્યું. ઊભરાતાં આંસુને લુગડાના છેડા વડે લૂછવાની ક્રિયાથી મંજરીએ સનાતનના અજાણપણાનો ઉત્તર વાળ્યો. કઈ બાબતની ખબર વિષે સનાતન અજાણપણું દર્શાવતો હતો તે મંજરી સમજી શકી હતી.

'પત્ર લખવાની મેં ખરેખર ભૂલ કરી. હું માફી માગું છું.' અબોલ મંજરીને સનાતને કહ્યું.

મંજરીની પત્રલાલસા પૂરી થઈ હતી - તે જ દિવસે. પરંતુ તેની પ્રેમવાંછના અધૂરી જ હતી ને ? તેનાથી હવે રહેવાયું નહિ. તેના બળતા હૃદયમાંથી વ્યંગ વાક્યમાં જવાબ ઊતર્યો :

'તમે માફી માગી બચી શકો છો.'

સનાતનને સમજ ન પડી. પરાઈ પત્ની શું કહેવા માગે છે તે તેને સ્પષ્ટ થયું નહિ. તેણે સ્પષ્ટતા માગવા પૂછ્યું :

'એટલે ?' 'એટલે એ જ કે મારાથી તો માફી પણ મગાય એમ નથી.'

'કારણ ?'

'કારણ એ જ કે મારું જીવન અગ્નિમાં બળી રહ્યું છે.'

'એમ ન બોલો. પ્રભુ તમને સુખ..'

'મને મોત સિવાય કોઈ જ સુખ આપી શકે એમ નથી.'

સનાતન ચમક્યો. મંજરી શાને માટે આવું દુઃખ લગાડતી હતી તેની તેને પૂરી સમજ પડી નહિ. તેના હૃદયમાં સુખનો સંચાર નહોતો એટલું તો તે જોઈ શક્યો.

‘એમ ન બોલો.' સનાતને પણ દુઃખપૂર્વક કહ્યું. મંજરી કોઈ પણ કારણે મોત પાસે સુખ માગે એ તેને ગમ્યું નહિ.

'બોલું કે ન બોલું એ સરખું જ છે. તોય તમને જોઈને આટલું બોલાઈ જાય છે.' મંજરીએ કહ્યું.

સનાતનને ભાન આવ્યું કે તે પોતે બેઠો હતો અને મંજરી ઊભી હતી. મોત પાસે સુખ માગતી મંજરીના દેહને પણ આરામ ઘટતો હતો એમ તેને લાગ્યું. તેણે ઊભા થઈ મંજરીને હીંચકો બતાવી કહ્યું :

'બહુ ઊભાં રહ્યાં. બેસો ને ?'

મંજરીએ સનાતનની સામે જોયું. મંજરીની આંખમાં સનાતને કદી ના જોયેલી સખ્તી નિહાળી. ક્ષણમાં જ એ સખ્તી ખસી ગઈ અને મંજરીના મુખ ઉપર સ્મિત ફરી વળ્યું. આવી સખ્તી અને સ્મિતની અદલાબદલી તેને ગંભીર લાગી.

‘તમારી સાથે જ હીંચકે બેસી જાઉ તો ?' મંજરી બોલી અને એમ બોલતાં બરોબર તેનું સ્મિત ઊડી ગયું. અને સહજ અટકેલાં અશ્રુ ફરી ઊભરાઈ આવ્યા. જ્યાંની ત્યાં જ તે જાજમ ઉપર બેસી ગઈ. સનાતન પણ તેની સામે જાજમ ઉપર બેઠો.

'મંજરી ! કેમ આમ કરો છો ? મારો કાંઈ દોષ થયો છે ?' સનાતને મંજરીને પૂછ્યું.

'દોષ મારા ભાગ્યનો.' રડતી મંજરીએ જવાબ આપ્યો.

'મારું ભાગ્ય પણ કેમ વિસરો છો ? ઘરમાં પગ મૂકતાં સુધી હૃદયમાં ચંદ્ર ચમકતો હતો. પછી અંધારું થઈ ગયું.' સનાતને પહેલી વાર હૃદય ખોલ્યું.

'અરેરે ! મારી જ ભૂલ થઈ.'

'કેમ ?' ‘પત્ર લાલસા આજ સુધી રાખી. પણ તે માટે પૂરતી રાહ ન જોઈ.' મંજરીએ કહ્યું.

સનાતનને લાગ્યું કે તેની પોતાની ભૂલ પણ ઓછી ન હતી. વાયદાની પણ અવધ હોય છે. વાયદો સાંભરે છે એટલું પણ જણાવવાની જરૂર હોય છે. ભૂલ મંજરીની કે તેની ? વળી મંજરીનો રૂદનભર્યો ટહુકો સંભળાયો :

'મેં માની લીધું કે તમને મારી જરૂર નથી.'

'શાથી ?' સનાતને પૂછ્યું.

'લાંબો સમય થાય ! ન પત્ર ! ન ખબર ! હું શું જાણું કે મંજરી વિસરાઈ નહિ હોય ?'

'મંજરી વિસરાય ?'

'કેમ નહિ? હવે વીસરવી જ પડશે ને ?'

'મંજરીને વિચારતાં અનેક મોત જોઈશું.'

‘તેથી શું ?'

બંને જણ થોડી ક્ષણો શાંત રહ્યાં; પરસ્પર સામું જોઈ રહ્યાં. શારીરિક અને માનસિક નિકટતા છતાં અથાગ ઊંડાણવાળી એક સામાજિક ખાઈ બંનેને જુદાં પાડતી હતી, જાણે નદીની સામસામી પાળે વિરહી ચકવો ચકવી પરસ્પરને જોતાં ન હોય !

‘તમે થાકો એટલી રાહ જોવડાવવાની મારી ક્રૂરતા જ બધાંનું મૂળ છે.' સનાતન બોલ્યો. સનાતનને ચોંકાવતો જવાબ મળ્યો.

‘રાહ જોતાં હું ન થાકત. જન્મભર રાહ જોયા કરત, પણ... પણ....'

'કહો, કહો. અધૂરું વાક્ય ન મૂકો.'

'કાંઈ નહિ.'

'સનાતનથી કશું છુપાવશો તો તેના ચિરાયલા હૃદયમાં લૂણ ભર્યા સરખું થશે.'

‘તમે ગમે ત્યાં ફરો છો, પતિત સ્ત્રીઓમાં, ધનિક સ્ત્રીઓનાં સુખ માણો છો એવી ખબર મળી. ખબર કહેનારને મારી કે તમારી સાથે વેર ન હતું. હું શું કરું ! તમને મારી જરૂર નથી એમ જાણ્યું એટલે માબાપને ખુશ કર્યાં.'

સનાતનને બુલબુલ યાદ આવી. કુસુમ યાદ આવી. તેમના સંબંધો શું જગતમાં આવા સ્વરૂપે ઓળખાતા હતા? એમાં જગતનો દોષ પણ શો?

બારણામાં કોઈ પડછાયો દેખાયો. સનાતન સહજ ચમક્યો, પરંતુ તેને મંજરીના નિશ્ચયે પડછાયાથી પણ વધારે ચમક આપી.

મંજરી બોલી :

'હશે, જે થયું તે. હું તો તમારી સાથે ચાલી આવીશ.'

મંજરીના વદન ઉપર ભયંકર નિશ્ચયની રેખાઓ જોતા વિચારતા સનાતને બારણા પાસે સ્ત્રી સ્વરૂપે ઊઘડતા પડછાયાનો બોલ સાંભળ્યો :

'બહેન ! સાહેબ આવ્યા છે. આપને બોલાવે છે.' લક્ષ્મી બોલતી બોલતી સહજ અંદર આવી.

‘જા, જઈને કહે કે હું અત્યારે મળીશ નહિ.' મંજરીએ જવાબ આપ્યો. મૃદુ મંજરીની દ્રઢતાનો વિચાર કરતા સનાતને પૂછ્યું :

'વ્યોમેશચંદ્ર આવ્યા છે ?'

'જી, હા. અને બાઈસાહેબનું રટણ કર્યા કરે છે.' લક્ષ્મીએ જવાબ આપ્યો.

પ્રિયતમની સમક્ષ પ્રિયતમાના દેહનો માલિક દેહની માગણી કરતો હતો ! મંજરીને કમકમી આવી.

'એક વખત ના કહી તે સાંભળતી નથી ? જા, કહે, હું આજ નહિ મળું.' મંજરી બોલી. |

‘અરે બહેન? એ તે ચાલે? આવીને જવાબ તો આપો?' ધીર લક્ષ્મીને મંજરીના ગુસ્સાનો ભય જણાયો નહિ.

'શું થયું છે ? શાનો જવાબ આપે ?'

'સાહેબ તો ઘાયલ થયા છે. માથામાંથી અને હાથમાંથી લોહી નીકળે છે.’ લક્ષ્મી બોલી.

સનાતન અને મંજરી આશ્ચર્ય પામી બોલ્યાં :

'શાથી ?'

'રસ્તામાં લૂંટારા મળ્યા, તેમણે ઘાયલ કર્યાં મારા સાહેબને.'

સનાતન અને મંજરી ક્ષણભર પરસ્પર સામે જોઈ બંને લક્ષ્મીની પાછળ દોડ્યાં.