પત્રલાલસા/વિચિત્ર માનવીઓ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← વિચિત્ર સ્થળ પત્રલાલસા
વિચિત્ર માનવીઓ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
બુલબુલ →
વિચિત્ર માનવીઓ

દીધું વિધિએ તે પીધું લીધું રૂપ અબધૂત ઘોર,
તોડી જગતના તોર.
ભય ભૂલણી જગજીભ છો ભાખે હવે ભૂંડું
હું એકલો ઊડું.
નાનાલાલ

થરથરતી મેનાની વ્યાકુળતા વધી. રફીકને જરૂર આ ચિતરંજન સળગાવી દેશે એમ તેને લાગ્યું. આટલી હદ સુધી જવા માટે તે તૈયાર નહોતી. તેણે કાંઈ કહેવાનો વિચાર કર્યો.

નોકર તેલ લઈ આવ્યો.

'બોળી દે આ કપડાં.' ચિતરંજને નોકરને હુકમ આપ્યો. મૂંગે મોઢે નોકર આજ્ઞા પ્રમાણે કરવા લાગ્યો.

મેના સહજ આગળ વધી.

'આટલો વખત એને માફ કરો. માણસની હત્યા માથે લેવી સારી નથી.' મેનાએ અતિશય વ્યાકુળતાથી કહ્યું.

'મેના ! તારે વચ્ચે પડવાનું કારણ નથી. તારાથી ન સહેવાય તો અંદર જા. આજે એક નહિ પણ બે હત્યાઓ થવાની છે.' ચિતરંજને કહ્યું.

તેલમાં કપડાં બોળતો નોકર ચમક્યો. મેના અને સનાતન પણ ચમક્યાં. એ જોઈ ચિતરંજને સહજ મોં મલકાવ્યું.

'ચાલ, ઉતાવળ કર.' નોકરને ચિતરંજને આજ્ઞા કરી. 'રફીક પછી તારો વારો છે, સમજ્યો ?'

નોકરના હાથમાં કપડાં પડી ગયાં. તેનું મુખ ફિક્કું પડી ગયું. તેના હોશકોશ ઊડી ગયા. અને ચિતરંજનના પગ આગળ લાંબો થઈ તે પડ્યો.

'સાહેબ ! માફ કરો. હું ગુનો કબૂલ કરું છું.' તે બોલ્યો.

‘તું ગુનો કબૂલ કરે યા ન કરે, તેની મને દરકાર નથી. હું જાણું છું કે રફીકની પાસેથી પૈસા લઈ તું તેને બાતમી આપ્યા કરે છે. ઠીક છે. એ તો અમે બચી ગયા; નહિ તો સનાતનનું કે મારું આજે રફીકને હાથે ખૂન જ થાત. હરામખોર ! મારા અહીં આવવાની ખબર તેં જ રફીકને કરી હતી. અને સામે સંતાડ્યો હતો, ખરું ને ?' ચિતરંજને નોકરનો ગુનો જણાવ્યો. બધાંને નવાઈ લાગી કે ચિતરંજને આ બધું શી રીતે જાણ્યું.

ચિતરંજને એક ચીથરું હાથમાં લીધું અને દીવાસળીથી સળગાવ્યું.

ગમે તે ગુનો થયો હોય છતાં આવી ઘાતકી રીતથી બે માણસોને જીવતા બાળી નાખવા માટે થતો આ પ્રયત્ન અતિશય ભયંકર હતો. બહાર શાંત, નિ:શબ્દ રાત્રિ વહી જતી હતી. પણ એ નિઃશબ્દ રાત્રિમાં કાળનું ખડ્ગ જગતના આ એક નજીવા ખૂણામાં કેવું ક્રૂરપણે ફરતું હતું તે જોવા જાણવાની કોઈને પરવા નહોતી. પરવા હોય તોપણ કોઈ જાણી શકે એમ નહોતું. રાત્રિનો અંધકાર કેટકેટલા ગુનાઓને છુપાવે છે ?

ચીંથરાનો ભડકો થતાં મેનાએ સનાતન સામે જોયું. બંનેની અસ્વસ્થતા સરખી જ હતી. સનાતન તો મૂઢ બની ગયો હતો. મેનાએ ધીમે રહી તેને કહ્યું: ‘તમે કંઈક કહો, તમારું માનશે.'

એકાએક ભાન આવ્યું હોય એમ ચમકી સનાતન આગળ આવ્યો; તેણે ચિતરંજનનો હાથ પકડ્યો, અને અત્યંત આર્જવપૂર્વક વિનંતી કરી :

'મારી ખાતર આ લોકને આજે જવા દો. હું આ બધું જોઈ શકતો નથી.' સનાતને કહ્યું.

‘તને ખબર છે કે મારું ખૂન કરવા રફીકે આ પાંચમો પ્રયત્ન કર્યો છે ?' ચિતરંજને પૂછ્યું. તેના મુખ ઉપર મૃદુતાનો ભાસ થતો જણાયો. સનાતને તેનો લાભ લેવા ઈચ્છા કરી.

'ગમે તેમ હોય પણ મારી ખાતર આટલો વખત તો માફ કરો. હું મને જીવતદાન આપ્યું માનીશ.' ચિતરંજનને સનાતને વધારે આગ્રહ કર્યો.

ચિતરંજન હસ્યો : 'તમે ગુજરાતીઓ ક્યારે બહાદુર થશો? મરતાંય નથી આવડતું અને મારતાંય નથી આવડતું ! હશે, ચાલ. તારી ઈચ્છા છે તો છઠ્ઠી વાર રફીકને મારું ખૂન કરવાની તક આપું.'

ચિતરંજને બળતો કટકો હોલવી નાખ્યો, અને પેલા ભયભીત નોકરને તેણે આજ્ઞા કરી : 'જા, હવે તારા દોસ્તને છૂટો કર. એની સાથે તું પણ બચ્યો.'

સનાતનને ખભે હાથ મૂકી હસતે મુખે પાછો ચિતરંજન આવી હીંચકે બેઠો. મેના પણ દૂર જમીન ઉપર એક પાથરણા ઉપર બેસી ગઈ. નોકરે રફીકને છોડ્યો. બંધાયેલા શરીરને છૂટતાં ઘણી વેદના થતી હોવી જોઈએ, પરંતુ બહાદુર રફીકના મુખમાંથી એક પણ વેદના દર્શાવતો સ્વર નીકળ્યો નહિ. તેને એક ખુરશી ઉપર બેસાડ્યો.

‘રફીક ! તું બહાદુર તો છે જ હોં !' ચિતરંજને તેનાં વખાણ કર્યા. 'મારી ઈચ્છા હતી કે તું માફી માગે તો છોડી દઉં. પરંતુ મરવાની અણી ઉપર આવ્યા છતાં તું ડગ્યો તો નહિ જ. શાબાશ !'

રફીકનું મુખ સહજ પ્રફુલ્લ થયું.

'એ પણ ખરું કે જો આ સનાતન વચ્ચે ન આવ્યો હોત તો તારી હોળી પણ હું કરી નાખત.' ચિતરંજને આગળ કહ્યું. 'બોલ, હવે શો વિચાર છે ? અહીં રહેવું છે કે જવું છે ?'

'હું જઈશ.' રફીકે જવાબ આપ્યો.

'મારે પણ બહાર જ જવું છે. આપણે સાથે જ નીકળીએ.' રફીક સુધ્ધાં સર્વને અત્યંત નવાઈ લાગી. જેને જીવતો બાળવા ધાર્યો હતો તે જાણે મિત્ર હોય તેમ તેની સાથે ચિતરંજન બહાર જવા તૈયાર થતો હતો ! મેનાના મુખ ઉપર ચિંતા જણાઈ. સનાતને કહ્યું : 'હું પણ સાથે જ આવીશ.'

'ના, અત્યારે તો તું આરામ લે. લાગ્યું છે અને વધારે રખડીશ તો માંદો પડીશ. હું કાલે તને તારા મિત્રને ત્યાં પહોંચતો કરીશ.' ચિતરંજને કહ્યું. 'મેના ! ભાઈને જમાડી મારા ઓરડામાં સુવાડી દેજે.'

‘પણ તમે ન જાઓ તો? આટલી રાતે પાછું ક્યાં જવું છે ? શરીર આમ નહિ પહોંચે.’ મેનાએ કહ્યું. કહેતાં કહેતાં તેના મુખ ઉપર ન સમજાય એવા ભાવ પ્રગટ થતા હતા. મધ્યવય છતાં તે ભાવ તેના સૌંદર્યમાં અદ્ભુત ઉમેરણ કરતા હતા. રફીક અને સનાતન બન્ને મેના સામું જોઈ રહ્યા.

ચિતરંજન ભાગ્યે જ મેનાની આંખ સાથે આંખ મેળવી શકતો. તે નીચું જોઈને અગર આડું જોઈને જ તેની સાથે વાત કરતો. શું કારણ હશે?

'હરકત નહિ. મારો ઊંચો જીવ કોઈ ન રાખશો. મને કંઈ જ થવાનું નથી. ચાલ, રફીક !' ઊભા થઈ જતાં જતાં ચિતરંજને રફીકને સાથે લીધો.

નોકર તરફ ચિતરંજને પાછું કહ્યું : 'હવે જરા પણ શક આવશે તો તારી ખાલ ઊતરડી નાખીશ, સમજયો ?' ધ્રુજતો નોકર નીચું જોઈ ઊભો.

ચિતરંજન અને રફીક બારણું ઉઘાડી બહાર નીકળ્યા.

મેનાએ લૂગડાથી પોતાની અશ્રુભીની આંખ લૂછી નાખી, બારણાં તરફ હાથ લંબાવી ઓવારણાં લેઈ માથે હાથનાં આંગળાં અવળાં કરી દાબ્યાં, અને એક લાંબો નિસાસો મૂક્યો.

સનાતન નવાઈ પામ્યો. મેના અને ચિતરંજનને શો સંબંધ હશે કે શું સગપણ હશે તેની સનાતનને ગમ પડી નહિ, માટે જ આ મધ્ય વયની સ્ત્રીએ ચિતરંજન માટે પ્રદર્શિત કરેલી લાગણીથી તેને નવાઈ લાગી. દુનિયાની વિચિત્રતાનો પાર નથી એમ તેને થોડા વખતથી સમજાવા લાગ્યું હતું. વિચિત્રતાના નમૂનામાં ચિતરંજન, મેના અને રફીકનો ઉમેરો થયો.

'ભાઈ ! ચાલો હવે આરામ લ્યો.' કહી મેનાએ તેને ઘરના અંદરના ભાગમાં દોર્યો. મકાન વિશાળ હતું. અંદર એક મોટો બગીચો હોય એમ લાગ્યું. તે બગીચાની ચારે તરફ દીવાલ હતી, અને દીવાલને લાગીને પણ બગીચામાં કેટલાંક મકાનો પડતાં હતાં એમ જણાયું. મકાનોના એક સમૂહના આગલા ભાગમાં ઉપરનો બનાવ બન્યો હતો એમ સહજ સનાતનને જણાયું.

'બહુ મોટી જગા છે. મુંબઈમાં આવી જગા મળવી મુશ્કેલ છે.' સનાતન બોલી ઊઠ્યો.

‘તોયે નાની પડે છે. જોડેનાં થોડાં મકાનો લેવાં પડશે. મેનાએ દાદર ઉપર ચઢતાં ચઢતાં જણાવ્યું. સનાતન પાછો ગૂંચવણમાં પડયો. આવડું મોટું મકાન છે છતાં નાનું પડે છે એનું કારણ શું ? ઘરમાં બીજા માણસો તો જણાતાં નથી ! દાદર ચઢી રહી તેઓ મોટા ખંડમાં આવ્યાં.

આ ખંડમાં વિવિધ જાતનાં યંત્રો ગોઠવેલાં દીઠાં. રેંટિયા, શીવણનાં સંચા, મોજાં ભરવાનાં યંત્ર, પુસ્તકો બાંધવાનાં યંત્ર, પુસ્તકો બાંધવાના સાધનો, વગેરે જુદે જુદે સ્થળે મૂકેલાં હતાં. કેટલાંક અધૂરાં તોરણો, અધૂરા ગૂંથેલા રૂમાલ, પડદા, વગેરે પડેલાં પણ સનાતનના જોવામાં આવ્યાં. તેને કોઈક કારખાનાનો ભાસ થયો. આ સ્થળે આવું કારખાનું ક્યાંથી ? મેનાએ પૂછવાનો વિચાર કર્યો એટલામાં તે બીજા ઓરડામાં દાખલ થયો.

આ ઓરડામાં ઘણાં ચિત્રો તેના જોવામાં આવ્યાં. તેમાંના કેટલાંક બહુ ઊંચી જાતનાં હતાં. કેટલાંક અસલ ચિત્રો ઉપરથી ચિતરાયેલાં હોય એમ લાગ્યું. કેટલાંક તદ્દન પ્રાથમિક હતાં. આ ચિત્રશાળા તો નહિ હોય ? તેના મનમાં શંકા આવી.

એ ઓરડાની નજીકમાં બીજી નાની ઓરડી આવતી હતી. તેમાં મેના સનાતનને લઈ ગઈ. આ ઓરડી પ્રમાણમાં મોટી હતી છતાં તેમાં ભેગી થયેલી વસ્તુઓને લીધે તે નાની લાગતી. વિવિધ હથિયારો, વિવિધ છબીઓ, જુદાં જુદાં કપડાં અને જુદી જુદી નવાઈની ચીજોનું આ સ્થળ જાણે સંગ્રહસ્થાન હોય એમ સનાતનને લાગ્યું. કેટલાંક પુસ્તકો પડ્યાં હતાં.

થોડાંક મૃગચર્મ પણ જમીન ઉપર પાથરેલાં હતાં. પાસે એક પલંગ પડ્યો હતો. મેનાએ સનાતનને તે પલંગ ઉપર સૂવાની સૂચના કરી. સનાતનને આ બધું ઘણું જ અપરિચિત લાગ્યું, છતાં હવે સૂતા વગર છૂટકો જ નહોતો. થાક લાગ્યો હતો અને જોકે ઘાની પીડા વધારે નહોતી છતાં તે વધવાની ધાસ્તી રહેતી હતી એટલે મેનાની સૂચનાને તેણે માન આપ્યું.

‘બહુ સૂનું તો નહિ લાગે ને ?' મેનાએ જતાં જતાં પૂછ્યું. 'હું આ પાસેના ઓરડામાં છું, હોં '

'કાંઈ હરકત નહિ. આપ હવે આરામ લો. મારી ચિંતા ન કરશો. મને અહીં બહુ જ ફાવશે.' આમ કહી સનાતન મેનાને વિદાય કરી. શરીરને અતિશય થાક લાગ્યો હતો એટલે તેને ઊંઘી જતા વાર લાગી.

તે કેટલી વાર સૂતો હશે તેની તેને ખબર નહોતી. પરંતુ તેને મંજરીનું સ્વપ્ન આવતાં તે જાગી ગયો. મંજરીને જાણે રફીક લઈ જતો હોય અને તેને છોડાવવાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડતાં ચિતરંજન તેના ભયંકર બેદરકાર હાસ્યથી પોતાની મશ્કરી કરતો હોય એવી કલ્પના સ્વપ્નમાં ખડી થઈ, અને જાગી ઊઠતાં ખરેખર એક મૃગચર્મ ઉપર બેઠેલા ચિતરંજનને હસતો સાંભળી સનાતનને અતિશય નવાઈ લાગી. પ્રભાત થઈ ગયું હતું. મેના ચિતરંજનને ઈશારો કરતી હતી કે સનાતન સૂતો હોવાથી તેણે હસવું ન જોઈએ. છતાં તેનું હાસ્ય ખાળ્યું રહ્યું નહિ અને સનાતન જાગી ઊઠ્યો.

મેનાએ કહ્યું: ‘હું નહોતી કહેતી કે સનાતન જાગી જશે ?'

‘હશે, કાંઈ હરકત નહિ. જુવાન છોકરાઓએ ઊંઘ ઉપર કાબૂ રાખવો જોઈએ.’ ચિત્તરંજને જવાબ આપ્યો. સનાતન ઊઠી બેઠો થયો, અને તેણે ચિતરંજનને અને મેનાને નમસ્કાર કર્યા.

ચિતરંજન આવી સભ્યતાથી જરૂર હસી પડત. મેનાએ પણ ધાર્યું હતું કે સનાતનનો આ શિષ્ટાચાર તેને ચિતરંજનની ટીકામાંથી મુક્ત નહિ રાખે, પરંતુ ચિતરંજને તેના નમસ્કારને હસી ન કાઢતાં, તેના ઉપર કોઈ અણધાર્યા વિષાદની છાયા ફરી ગઈ અને ક્ષણમાં તે હસતું મુખ ધારણ કરી બોલ્યો :

'સનાતન ! તારો ઘા મટતા સુધી તારે અહીં જ રહેવાનું છે હોં !'

'મારો મિત્ર મારી રાહ જોતો હશે. હું ન મળું અને કદાચ ઘેર ખબર આપે તો બધાંના જીવ ઊંચા થાય.' સનાતને કહ્યું.

‘તેની હરકત નહિ. હું ખબર પહોંચાડીશ. તેનું સિરનામું મને આપજે.'

હવે તેને કાંઈ બોલવાનું રહ્યું નહિ. તેણે મોં ધોઈ ઓરડીમાં ફરવા માંડ્યું. અને ભીંતે ટાંગેલી ચીજો અને છબીઓનું તે નિરીક્ષણ કરવા લાગ્યો. એટલામાં એક સુંદર યુવતી દૂધના પ્યાલા લઈ અંદર આવી.

આ યુવતી ખરેખર સુંદર હતી. ગઈ કાલે સનાતને તેને જોઈ નહોતી. એકાએક બગીચામાંથી દિલરૂબા સાથે કોઈ ગાતું હોય એવો સનાતનને ભાસ થયો, ધ્યાનપૂર્વક સાંભળતાં તે કોઈ સ્ત્રીનો મીઠો સૂર હતો એમ તેની ખાતરી થઈ. તેને મંજરી યાદ આવી. 'શું તે અહીં તો નહિ આવી હોય ?' તેના મનમાં શંકા ઉપસ્થિત થઈ. કંઠમાધુર્ય મંજરી વિના બીજામાં શક્ય હોય જ નહિ એમ તેની માન્યતા હશે.

કેટકેટલા યુવકોની મંજરીઓનાં ગાન અપૂર્વ હોય છે ! તેને ખાતરી થવા લાગી કે આ ગાન મંજરી જ ગાય છે. દીનાનાથને અને ચિતરંજનને એટલો ગાઢ સંબંધ હતો કે મંજરીની અહીં હાજરી હોય એમાં તેને આશ્ચર્ય જેવું લાગ્યું નહિ.

'સનાતન ! દૂધ પીઈશ કે ચહા મંગાવું ?' ચિતરંજને આમ કહ્યું ત્યારે સનાતન મંજરીની કલ્પનામાંથી જાગૃત થયો.

'કંઈ પણ ચાલશે.’ સનાતને જણાવ્યું.

'જા, છોકરી ! ચાનો પણ પ્યાલો લેતી આવ.' એમ કહી મેનાએ પેલી યુવતીને બહાર મોકલી.

સનાતન હસ્યો. 'ચહાનું અજબ સામ્રાજ્ય વ્યાપ્યું છે; બ્રિટિશ સલ્તનત કરતાં પણ વધારે વિસ્તૃત છે.'

ચિતરંજને કહ્યું : 'પરંતુ હજી મારા જેવા ઘણા ગામડિયાઓ છે કે જે જૂનાપુરાણા દૂધને પસંદ કરે છે.'

હજી પેલું ગાન ચાલ્યા કરતું હતું. બિલાવલના સૂર અદ્દભુત માધુર્ય પ્રસરાવતા હતા. વચમાં ચિતરંજન પણ ક્વચિત્ હાથનો તાલ આપતો. સનાતનનો જીવ રહ્યો નહિ. તેણે પૂછ્યું :

'દીનાનાથ અહીં છે ?'