પરકમ્મા/બંદૂકો આવી ને બહાદુરો રડ્યા
← ‘ઘોડી અને ઘોડેસ્વાર’ના શિલ્પી | પરકમ્મા બંદૂકો આવી ને બહાદુરો રડ્યા ઝવેરચંદ મેઘાણી |
વાતડાહ્યાઓ વિદાય લે છે → |
બીજી પોથી ઉઘાડું છું અને ચક્ષુ સમીપ ખડો થાય છે એક કદાવર આદમીઃ વાને નાગર જેવો ઊજળો, ભરાવદાર કાળી મૂછ દાઢી, અંબાઈ લીલા રંગની સુરવાળ અને પહેરણ. મુખમુદ્રા પર કુમાશ છતાં ધંધો કરડાઇનો, વ્યવસાય જોતાં ગળું ત્રાડો પાડતું હોવું જોઈએ. છતાં મારી યાદદાસ્તમાં એક મુલાયમ કંઠ સંઘરાયો છે.
એનું નામ રાણા આલા મલેક. '૨૬ ની સાલ હશે. બહારવટિયાનું સંશોધન ચાલતું હોવું જોઈએ. એક દિવસ જામનગર રાજ્યના મહાલ લાલપુરથી પતું આવ્યું: 'અમારી પાસે બહારવટાની, વાઘેરોની, રાયદે બૂચડની ઘણી ઘણી પાયાદાર વાતો છે. કહો તો મોકલી આપું. હું પોતે એજન્સી પોલીસની ઘણા વર્ષ નોકરી કરી આવ્યો છું. ઘણા બહારવટિયાનાં ધીંગાણામાં કામ કર્યું છે. હાલમાં એજન્સીનું પેન્શન લઈ આંહી રાજ્યમાં ફોજદાર છું.' લી. તાબેદાર જત રાણા આલા મલેક.
સૂમને સોનાના ચરૂની ખબર મળે જેને ઝડપે દોટ કાઢે તે ઝડપે હું ટ્રેન પકડી લાલપુર પહોચ્યો . કડકડતા શિયાળાની સવારે, ગર્જનાભેર વહેતી નદીની ભેખડ પર આવેલા એ પોલીસથાણામાં જઈને એ કદાવર આદમીને મળયો. પહેલી જ વાત એ કરી કે 'તમે મારા 'તાબેદાર રાણા આલા' નહિ પણ કાકા થાઓ. શું સગપણે? એજન્સી પોલીસને સંબંધે. મારા પિતા ને તમે બેઉ એજન્સી પિલીસની સ્થાપના પછી પહેલી ભારતીના સંબંધ-ભાઇઓ. ‘અરે ! કાલિદાસભાઈના ડીકરા !’ બેવડા આનંદે રાણાભાઇની જબાન વહેતી થઈ. ટાંચણ કે કાગળની એને જરૂર નહોતી. એને મન તો બહારવટિયાનો ઇતિહાસ એ એક જીવતું જગત હતું, એ જગતનું તો પોતે એક પાત્ર હતા. એક પણ ઠેકાણે અટક્યા કે યાદદાસ્તને તાજી કર્યા વગર, રાણાભાઈએ કડકડાટ વાતો કહેવા માંડી ને મેં ટપકાવવા માંડી. જાણે કે કોઈ છાપેલ ચોપડી વાંચતા વાંચતા પોતે લખાવે જતા હતા ! નિરક્ષરતાની દુનિયામાંથી ખડો થયેલો એ જત જુવાન, એજન્સીની નોકરીમાં સોળ શેરની બંદૂકને ખભે લઈ કોન્સ્ટેબલની છેલ્લી પાયરીથી પ્રારંભ કરી છેવટે ફોજદારી સુધી પહોંચેલ તે કલમના બળથી નહિ, જવાંમર્દીના જોરથી. લખતાં તો એને શીખવું પડ્યું હતું. ગામડાંના પોલીસ-પટેલ કરતાં વધુ વાક્યરચના આવડતી નહિ. પણ વાચા એના કંઠમાં હતી. સવાર અને સાંજની બે બેઠકોમાં એણે મારાં પાનાં ને પાનાં ભરાવી આપ્યાં.
એ પાનાંમાંથી આગલાં ઘણાં પાનાં મારી પોથીમાંથી ખરી ગયાં છે. બાકી વીસેક વળગી રહ્યાં છે. ગયેલાં પાનાંમાંથી મેં ઘણોખરો સંભાર તો બહારવટિયાનાં વૃત્તાંતોના ત્રણ ભાગમાં ભરી લીધેલ છે, છતાં કેટલીક લાક્ષણિક વાતો ગુમાવી છે એવું લાગ્યા કરે છે. આ જતો, સંધીઓ અને વાઘેરોનાં કથાનકો તો ઠીક, પણ એમની પ્રણાલિકાઓ, પરંપરાઓ અને આચારવિચારો, જેને હું વધુ મહત્ત્વ આપું છું, જેની પાર્શ્વભૂ પૂર્યા વગર નરી વાર્તાઓના બુટ્ટા નિસ્તેજ લાગે, ને જેની પ્રાપ્તિ રાણાભાઇ જેવા માણસો જ આપણને કરાવી શકે, તેના પર જ મારું ધ્યાન હતું. દાખલા તરીકે ભીમા જતની હકીકતમાં એક પ્રસંગ છે.
નામર્દોની અદબ શી !
‘ઇસવરીઆ ગામના જુવાન સંધી હાસમ બાવા ઝુણેજાને ભીમા બહારવટિયાના માણસોએ પકડીને મારી નાખ્યો. એના જ ગામને ઝાંપે એને મરેલો ખીલા માથે બેસાર્યો. કારજને દિવસે સવારે સંધીઓ ભેળા થયા. ડાયરો બેઠો છે. તે વખતે મરનાર હાસમની વહુ માથા પરનું ઓઢણું ખંભે નાખીને ત્યાંથી નીકળી. મુરબ્બીઓની મરજાદ લોપનાર આ બાઇને દેખી સંધી ડાયરો તાજુબ બન્યો. કોઈએ બાઈને એની બેઅદબી માટે ઠપકો આપ્યો., બાઇ બોલી કે ‘હું ભીમા સિવાય કોઈ બીજાની લાજ કાઢીશ નહિ.’ એટલા જ શબ્દોએ સંધીઓને ચાનક ચડાવી ખડા કર્યા.
પોતાના ધણીને મારનાર પર કિન્નો લેવા માટે ઉશ્કેરવા કોઈને નામર્દો, હિચકારાઓ કે એવું કશું કહેવાને બદલે એક રાંડેલી જુવાન ઓરતે ઓઢણું ખંભે નાખીને જ કાતિલ સંકેત કર્યો, એ મારા આજ સુધીના સંશોધનમાં એક નવીન બાબત છે. રાણુભાઈએ તે ઉપરાઉપર સંધીઓ જતોના જૂના કિસ્સા રેલાવવા માંડયા.
એક આ વાત ટાંચણમાં અણવપરાયેલી છે—
‘ગુરબુટ ગામના મલેક રાણો તથા સધર તથા જીવણ ને ડોસલ, ચારે જણા જામનગરને રાણપર ગામે જતા હતા. રાણપરમાં બે હજાર જતો રહેતા. ચાર મુખીઓ જામ સાહેબના અમીર હતા. રબારી શિયો, રૂડો ગામેતી, હાજી મગરીઓ સંધી, ફકીરો હજામ વગેરે મળી જામના રાણપરનું રક્ષણ કરતા હતા. પોરબંદરથી રાણા સતાજીએ રાણપર જીતી લેવા પોતાના બે હજાર મેર, તુંબેલ, સૈયદ, સોઢા વગેરે મળી સાત હજારનું કટક વહેતું કરેલું. એવી સ્થિતિમાં રાણપર જતા આ ચારે ગુરગટવાળાઓને રસ્તામાં ભોગાટ ગામ આવ્યું ત્યાં બહેન મલીબાઈએ કહ્યું કે ‘રાણપર જાવ નહિ તો સારું, કેમકે વાઘેરો ઊમટીને હાલારમાં પ્રવેશ કરી ગામ ભાંગશે.’ એટલે તેઓ પાછા મરડાયા ને ગામે આવ્યા. ગાગા ગામવાળાઓએ કહ્યું કે ‘મલેક, ન જાવ તો સારુ. વાઘેરોએ એડા બાંધ્યા છે.’ એટલે સધર મલેકે જવાબ દીધો : ‘તમે ન બોલ્યા હોત તો અમે રાકાત. પણ હવે તો જાવું જ છે.’ ગયા. વાઘેરો ત્રીસ હતા. તેમણે તાશેરો કર્યો. આ ચારેમાંથી દરેકને ચાર ચાર ગોળી લાગી. ચારે જણ ઘોડેથી ઊતરી ગયા. તરવારોની રમત ચલાવી ખપી ગયા. ઘોડીઓ ઘેર ગુરગટ ગઇ. લાશો રણમાં પડેલી, ગુરગટવાળાઓએ જઈને રણમાં વાઘેરો સાથે ધીંગાણું કર્યું. આ પ્રસંગનો દુહો છે—
ચગલા દીઠા ચાર
કાંઠે કિ લો ઈ ને;
લીંઆરો લાલ ગુલાલ
તેં રંગ્યો સધર સુલતાનીઆ !
(કિલોઈ નદીને કાંઠે મેં ચાર પાળિયા દીઠા. હે સધર મલેક ! તેં લીઆરા ડુંગરને રુધિરે લાલ રંગ્યો).
‘તમે ન કહ્યું હોત તો અમે રોકાત.’ એ motiff આ સોરઠી જીવનમાં ખૂબ ખેલ ભજવી ગયો છે. જે ન કરવાનું કહેવાય તે જ કરવાની હઠીલાઈ : આ દિશામાં જઈશ ના ! આ ઓરડો ઉઘાડીશ ના ! આ વાવનું પાણી પીશ ના !– ના પાડવામાં આવે તેટલા માટે એ જ કરવામાં આવે, લોકકથાઓનાં કલ્પિત વસ્તુને આગળ ધપાવવા માટે ‘મોટીફ’ની આ કરામત કિસ્મત રૂપી વાર્તાકારે જીવનમાં પણ આમ જ વાપરી છે અને કેટલીય કરુણતાઓ નિપજાવી છે.
બીજી એક બાબત, જે અગાઉ કદી કોઈની પાસેથી મળી નહોતી તે રાણા ભાઇએ કહી. કાઠિયાવાડની હાકેમી કરવા સંખ્યાબંધ ગોરા આવ્યા પણ તેમની નૈતિક ચાલચલગત વિશે ઇતિહાસ ચૂપ રહ્યો છે. માળીઆના મિંઆણા બહારવટિયા વાલા નામોરી અને મામદ જામની જે વાત રાણાભાઈએ કહી તેનું મારું ટાંચણ બોલે છે—
‘મામદ જામ ને અલાણો જામ બેઉ વિચાર કરે છે. અલાણો કહે કે તારી વહુ સાથે ફિટજરલાડ ચાલે છે. (ફિટઝિરાલ્ડ તે વખતના એજન્ટ ટુ ધી ગવર્નર હતા.) એટલે મામદ જામે જઈ પોતાની વહુને અફીણ પાયું.’
છેક ૧૯૨૬માં દૂર દૂર લાલપુર મુકામે લાધેલો આ અંશ ૧૯૩૬માં મેં આલેખેલી ‘સોરઠ તારાં વહેતાં પાણી’ની વાર્તામાં કામ કરી ગયા છે. એમાં જે બે ગોરાં પાત્રો આવે છે, તેમાંથી એકમાં મેં આ ગેરચલગત મૂકી છે.
રાણાભાઈએ રાયદે બૂચડ નામના બહારવટિયાની વાત કરી. બારાડી પ્રદેશનો આ ભયંકર ચારણ બહારવટિયો કૌટુમ્બિક વૈરના પ્રસંગમાંથી ઊભો થયો હતો. સંધીઓની ટોળી બાંધી હતી. તેની સામે દરબારી પોલીસે કરેલા ચેકના ડુંગરવાળા ધીંગાણાનું ટાંચણ રાણાભાઈએ કરાવ્યું છે—
‘બાબુ સાહેબ ને નરસી શુકલ અને જમાદાર નથુ આલા –
ચેકના ડુંગર પર સામસામા ચડી ગયા. ઉપર છુપાયેલ બહારવટિયાને ઘેરી લઈને સાદ કર્યો—
‘રાયદે ! હાલ હવે કસૂંબો પીવા.’
‘હવે તો કાકા ! સરધાપરમાં (સ્વર્ગમાં) કસૂંબા પીશું.’
આખો દિ’ ધિંગાણું કરીને રાયદે સલામત ઊતરી ગયો.
રાયદેનો જુલમ બહુ વધી પડ્યો.
હંફ્રી સાહેબ નિમાણા. તેના એ આસીસ્ટંટ સોટર અને પેલી સાહેબ હતા.
હંફ્રી ઉજ્જડ થેપડામાં પડેલા.
રાણ આલાને હુકમ કર્યો છે કે કચરા બજાણાવાળાને તમારી પાસે રાખો.
કચરાને પકડી રાખ્યો. તે વખતે કચરે કહ્યું કે તમને ફાયદો થાય તો બાતમી આપું. સાહેબ પાસે લઈ ચાલો. રાણા આલા એને સાહેબ પાસે લઈ ગયા. એની પાસેથી બાતમી મળી.
ગણા ને ભીંડોરાની હદમાં સોટર સાહેબ રોટલા લઇને આવ્યા, રાણા આલા વગેરે ત્યા હતા. સગડ લઇને ચાલ્યા.
એક પટેલ : માથે મોરીઓ લઇને ચાલ્યો આવે.
અમે પૂછયું, ‘એમાં શું છે ?’
‘પાણી ભરવા જાઉં છું.’
‘ક્યાં રે’વાં ?’
‘વેકરી.’
‘વેકરી તો ત્રણ ગાઉ આઘું – ને આંહી પાણી લેવા !’ એમ કહીને મોરીઆમાં બંદુકને કંદો માર્યો. અંદરથી દારૂગોળો પડ્યો.
(બહારવટિયા માટે જ એ લઇ જતો હતો.) ‘ક્યાં છે હરામખોરો ? બતાવ, નહિતર મારી નાખશું.’
‘હાલો બતાવું.’
કાંટ્યમાં લઇ ગયો.
ઊંચી ટેકરી પર ચાડીકો ઊભેલો એને અમે બંદુકે માર્યો. બધા બારવટિયા ભાગ્યા, પણ પાછા આવી એ મુએલ જુવાનની લાશ લઇને જ ગયા.
પાછળ અમારી ઘસત થઇ.
બહારવટિયા ગામમાં દાખલ થવા આવ્યા. લોકો આડા પડી કહે છે ‘સાહેબ અમારું ગામ બાળી નાખે.’
બહારવટિયાએ એમાના ત્રણનાં માથાં કાપ્યાં. ગાડાં લઇને ગઢ કર્યો.
‘અમે આવ્યા. માથાં વાતો કરવા જાય !’
(બહારવટિયાએ કાપેલ લોકોનાં માથાં વાત કરવા મથતાં હતાં !)
અમે ગાડાં પર ગોળી મારી, ગાડું તૂટ્યું. કોઠા પર જે જુવાનો ઊભા હતા, તેમના પર અમે ગોળીઓ ચલાવી. તેઓ ઘોડસાર ઉપર ખાબક્યા. ગાડુ મૂકીને બાર જણા ચડી ગયા. ત્યાંથી તેઓ ધીંગાણું કરવા લાગ્યા. અમે રબારીને ઘેર ઓડા લઈ ગયા. ત્યાંથી અમે ગોળી આંટી. મુંગરીઆ જુસાને માર્યો.
છતાં બહારવટિયા કોઠા ઉપર બેઠા બેઠા પાવા વગાડે, કાફીયું ગાય.
છેવટે બહારવટિયા નીચે ઊતર્યા. મુએલા મુગરીઆ જુસાની લાશ લઈ લીધી. કિનખાપના રેટા ઓઢાડ્યા, લોબાન કર્યો. દફનાવીને ભાગી ગયા.
પાંચ હજાર માણસ ભેળા થઈ ગયા. આલા જમાદારે કોઠા ઉપર ચઢી સળગતો પૂળે કરી અમને સમજાવ્યું કે હવે ભડાકા કરો મા.
કહેનાર પોતે જેમાં સામેલ હતા તે ધીંગાણાનું આ એણે શબ્દશઃ કરેલું વર્ણન છે. રાણાભાઇની કાવ્ય કે અલંકાર, વર્ણન કે ભભક વિહોણી, એક પોલીસ ડાયરી જેવી કહેણી પણ પ્રાણવંત ચિત્ર આપે છે. મેં હમેશાં માન્યું છે, કે જૂના વખતના કાઠિયાવાડી પોલીસખાતાના માણસો એ આ પ્રકારનું સાહિત્ય મેળવવાનાં સારાં સાધન છે. બહારવટિયા ને ડાકુઓ સાથે હાથોહાથ ધીંગાણાં ખેલેલા, તેમને પત્તો મેળવવા માથું કોરે મૂકીને ભયંકર જગ્યાઓમાં ભટકેલા, યુક્તિપ્રયુક્તિઓ ને પ્રપંચો વાપરીને તેમનાં રહેઠાણમાં જઇ પહોંચેલા, અને છેવટે તો બધો જ જશ પોતાના ગોરા ઉપરીને જ ખાટી જવા દઈ રૂપિયા બે પાંચનાં ઈનામો અગર નજીવાં પ્રમોશનથી સાંત્વન લેનારા આ દેશી પોલીસ નોકરોમાં કાંટીઆ વર્ણના લોકો હતા તેટલા જ પ્રમાણમાં બ્રાહ્મણો વાણિયાઓ હતા. આવાં પાત્રોનો સંપર્ક મને સારા પ્રમાણમાં થયો છે. તેનું એક મહત્વનું લક્ષણ એ છે કે બહારવટિયા લૂંટારાની વાતોમાં પોતે સામા પક્ષને ઉતારી પાડી પોતાની જ શેખી ગાતા નથી હોતા, પણ સામા પક્ષની બહાદુરી, નેકી, ઇમાનદારી વગેરે પણ ચીતરે છે. એક જ ધરતીનાં સંતાનો દૈવગતિથી બે સામસામી છાવણીઓમાં વહેંચાઈ ગયાં અને માથે આવેલી કડવી ફરજ બજાવવાની જ હતી, એ આ લોકોની વૃત્તિ હતી.
રાણાભાઈ પાસેથી મળેલ છેલ્લું ટાંચણ આપીને એમના મૃત આત્માને સલામ દઉં છું —
ગુરગટના જમાદાર ઉમર આમદ ભેગો જૂસો મનરો નોકરીમાં હતો. જમાદારે હુકમ કર્યો કે ગુરગટના આયર ભીમાં કાળાની દીકરા-વહુને તેડવા ગાડું મોટે આસોટે જાય છે તેની સાથે જાવ.
વહુને તેડીને ગાડું સોનારડીને પાદર આવ્યું.
મૂળુ માણેક (વાઘેર બહારવટિયો) તે વખતે જખ્મી થઇને સોનારડીના ગરાસીઆને ઘેર રહેલ, પાસે પૈસા ન મળે. એટલે ખરચી મેળવવા માટે વાઘેરોએ ઓડા બાંધ્યા હતા. ગાડું નીકળ્યું. પૂછ્યું,
‘ક્યાનું ગાડું ?’
‘ગુરગટનું’
‘ક્યાં ગયું’તું ?’
‘આસોટે.’
‘કોણ છે સાથે ?’ ‘જુસો મનરો.’
એટલે મૂળુ માણેકે ગાડું લૂંટવાની ના પાડી. પણ વીધો માણેક ન માન્યો. ઘણું મૂળુ માણેકે કહ્યું છતાં ખરચીને અભાવે છેવટે ગાઠા પાછળ ચાલ્યા. માથે ધાબળા ઓઢીને બાવાઓ સાથે ભળી ગયા.
ગુરુગઢ નજીક હતું. આયરે ગાડું છોડ્યું. જુસો મનરો દેવતા સળગાવી ચલમ ભરે છે. આહિરની દીકરા-વહુનાં બધાં ઘરાણાં પોતાના હમાચામાં છે.
એમાં મૂળુ માણેકે જુસાની બંદુક ખેંચી લીધી. ટપોટપ કૂચલીઉં ઉપાડી, અને બંદૂકું ભરી.
જુસો મનરો કહે, ‘બંદુક શું કામ ? તરવારે આવી જાવ.’
એક હાથે છરી લઇ, બીજે હાથે હમાચો વીંટી, જુસો કુદ્યો. છરીથી ત્રણને માર્યા.
ગાડામાંથી વહુ કૂદી, સાસરાને કહે ‘પીટ્યા ! જોછ શું ?’
જુસાની તરવાર વહુએ ખેંચી અને વહુ કૂદી.
સસરો કહે ‘અરે દીકરી ! મને તરવાર દે.’
કે ‘ના બાપ તને ન હોય !’ બાઇ મંડી, બે જણને માર્યા.
મૂળુ માણેક પોતાના જણને કહે ‘હવે બસ.’
લાશો ઉપાડીને ચાલ્યા ગયા.
આ છેલ્લા પ્રસંગમાંથી બે મુદ્દા નોંધપાત્ર બને છે. એક તો ખરે ટાણે સોરઠી ઓરત મરદાઈ દાખવવા કુદી પડે : ને બીજું, કાઠિયાવાડના કાંટીઆ લોકોને બંદુકો પ્રત્યે નફરત : છેલ્લી વેળાનો મામલો મચે છે અને મરવું એ જ્યારે નિશ્ચિત લાગે છે, ત્યારે પણ ‘આવો તરવારે !’ એવો વીર–પડકાર સંભળાય છે. આખરી ટાણે ગભરાટ કે શૌર્યનો સન્નિપાત નથી. પણ શાંતિભેર અને ગૌરવભેર હાથોહાથની સમશેરબાજી બતાવીને પછી ખતમ થવાય તેની ખ્વાયેશ છે. બંદૂકો જ્યારે આ પ્રાંતે પહેલવહેલી આવી ત્યારે બહાદુરો બહુ રંજ પામ્યા હતા, અરે રોયા પણ હતા એમ કહેવાતું હું ઠેર ઠેર સાંભળું છું. કારણ કે તેમનો પોરસ હમેશાં હાથોહાથની લડાઈમાં મરદાઇનું પાણી બતાવવામાં હતો. વાત સાચી પણ છે. સામસામા આવીને જે મુકાબલો થતો હતો તેમાંથી પ્રેમના કેટલાક ઉચ્ચ અંશો પ્રકટ થતા. બંદૂકોએ એ અંશો ઓછો કર્યા. લડાઈ જેમ જેમ વધુ યાંત્રિક બનતી ગઈ તેમ તેમ વ્યકિતગત ખાનદાનીનું પ્રાકટ્ય કમતી થયું. ઠંડે કલેજે માઇલોના માઈલો દૂર રહીને અગર તો આકાશમાં ચડીને ગોળા વરસાવનારાઓને માટે મુખોમુખ માનવતાનું દર્શન અને જેના પોતે ભોગ લઇ રહેલ હોય છે તેના પ્રત્યેનું ઊર્મિસંવેદન અશક્ય છે. મારનાર મરનારને જોતો નથી. મૂળુ માણેકની પાસે મશીનગન હોત તો, એની મોટી સંખ્યા સામે એક બંદૂકવિહોણો સિપાહી ફક્ત છરીભર લડી રહેલ છે અને એક આણાત અબળા તરવાર લઈને ઊતરી પડેલ છે એથી એને હૈયે અહોભાવ અંકિત જે માર્દવ પ્રકટ્યું તે પ્રકટત નહિ અને ઘરેણાં લીધા વગર એ પાછો ફરી જાત નહિ.