પરકમ્મા/વાતડાહ્યાઓ વિદાય લે છે

વિકિસ્રોતમાંથી
← બંદૂકો આવી ને બહાદુરો રડ્યા પરકમ્મા
વાતડાહ્યાઓ વિદાય લે છે
ઝવેરચંદ મેઘાણી
ધર રહેશે, રહેશે ધરમ →


વાતડાહ્યાઓ વિદાય લે છે

પાને પાને ઘટનાઓ ટંકાતી આવી છે. ઇતિહાસ જેની ખેવના જરીકે ન કરે તેવી નાની નાની, ગામટીંબાની, કુટુંબની, ઘરઘરની ઘટનાઓ લોકજિહ્‌વાએ લખી રાખી. કારણું કે એને તો લોકોને ઉંબરે ઉંબરે જઇને સંસ્કાર સચવાવવા હતા. માનવી માનવી વચ્ચેનો આચારવ્યવહાર ઊજળો રખાવવો હતો. મારાં ટાંચણનું નવું પાનું એવી એક જ ગામટીંબાની વાત સાચવી રહ્યું છે—

‘બગસરા ગામનો કાઠી દરબાર હરસુરવાળો. એની સામે માત્રો અને ઓઘડ [બાપ ને બેટો] નામના ભાયાત બહારવટે, બાપ ને બેટો કેવા ?— 

પત્યા પડકારા કરે,
પૂતર કે’ ધન્ય બાપ !
ઓઘડ માત્રો ઉગારીએં
તો ઉગરીએં આપ.

(પિતા અને પુત્ર ધિંગાણામાં સામસામા પડકા કરી શૌર્ય ચડાવે.)

એ બહારવટું પાર પડાવવા બીજા બે કાઠી પિતા-પુત્રે માંગા ધાધલે અને જાંતરૂ ધાધલે જવાબદારી લીધી. હરસુરવાળાનો કોલ મેળવીને બહારવટિયાને બોલાવવા ગયા.

બહારવટિયા કહે કે ‘મામા ! જેમ બોકડાને કાપી નાખે તેમ કાપી નખાવવા હોય તો વચમાં પડશો મા.’

કે ‘ના બાપ ! કુવામાં ઉતારીને વરત વાઢવી નથી. સવા શેર લોઢાનો ખીલો તો સૌ વાપરે છે. [અર્થાત્ બરછી હશે !]

પણ ખૂટલનો ખૂટે ને લોટણનો લોટે.

બગાસરે બાબુજી તેં
સજડે કાઢ્યું સૂડ,
હે ખૂટલ હરસૂર !
માર્યો ધાધલ માંગડો.

હરસુરવાળાએ ખૂટામણ કરીને શરણે આવનાર બહારવટિયાઓનું કાસળ કાઢવા માટે જમાન બનેલા માંગા ધાંધલને ઠાર કર્યો. માંગાના પુત્ર જાંતરૂએ બહારવટિયાને બચાવવા તલવાર ચલાવી. બીજાઓને માર્યાં, પણ જ્યારે હરસુરવાળાને ઠાર કરવાની તક આવી ત્યારે જાંતરૂ પારોઠ કરીને ઊભો રહ્યો.

(પારોઠ કરવી એટલે પીઠ દેવી. બસ, પાપીના પરિત્યાગ અને તિરસ્કારનું આ માનભર્યું સૂચન હતું : ‘પોરોઠ દઈને ઊભો રહ્યો.’)

ને કહ્યુ–

‘હરસુરવાળા, તને ન મારૂં. ‘તું પાળક કહેવા. પણ હવે તારા બગસરાનું પાણી નહિ પીઉં.’

જખ્મી બાપ માંગો મરવાની આખરી પળે દીકરાને કહે કે ‘જાંતરા, મને પાણી મેલ્ય.’  જાંતરૂ કહે કે ‘બાપુ, આંહીનું પાણી ન પીવાય. હવે તો પ્રાચીને પીપળે પિવાડીશ.’ (મુઆ પછી પ્રાચીને પીપળે પિતૃને પાણી નખાય છે.)

સૌથી મોટું પાપ ખુટામણ

મરતા પિતાને મોંયે પણ એ ધરતીનું પાણી પુત્રે ન મૂક્યું. કારણ કે એ પૃથ્વી ગોઝારી હતી. એના માલિકે ખુટામણ કર્યું હતું. ને ખુટામણની તોલે આવે તેવું બીજું એકેય પાપ સોરઠની ધરામાં મનાયું નથી. એક વાર જેને આશરો દેવાઈ ગયો તે ચોર, ખૂની કે ડાકુ હોય તો પણ એના પ્રત્યે ખુટામણ-વિશ્વાસઘાત ન થઈ શકે. ચાંપરાજવાળા બહારટિયાને હાથ કરવા માટે સરકારની જેતપુર વગેરેના કાઠી દરબારો પર ભીંસ થતાં એમાંના આગેવાન દરબાર મૂળુવાળાએ હામી બની ચાંપરાજની તલવાર છોડાવી અને પછી તો સરકારે ચાંપરાજને કાળા પાણીની સજા કરી, એટલે ચારણ પાલરવ ગિયડે ફિટકારવો ઘણો ઉગ્ર દુહો કહ્યો—

વન ગઈ પાલવ વિના,
જનની કે’તાં જે;
દોરીને ચાંપો દેતે
માન્યું સાચું મૂળવા.

(હે મૂળુવાળા ! તમારી કાઠીઓની માતા, લગ્ન વખતે ચૉરીમાં બેસે છે ત્યારે કાપડું નથી પહેરતી, એ મેં આજે સાચું માન્યું. અર્થાત કાઠીલગ્નની આ રૂઢિ પર એવો મર્મ કર્યો કે ‘તમે કાઠીઓ નાગીના છો.’)

જોગીદાસ ખુમાણને વિશે પણ એમ જ બન્યું. એમના બહારવટાનો તાપ ન સહેવાયો એટલે સરકારે અને ભાવનગર રાજ્યે—

ઠેરઠેર ભેજિયાં થાણાં
કાઠી ગળે ઝલાણા કોય;



જસદણ અને જેતપર જબદી
ડરિયા મૂળુ શેલો દોય.

જેતપરના મૂળુવાળાએ અને જસદણના શેલા ખાચરે આ તાપથી અકળાઈ અંગ્રેજ સરકાર પાસે અરજ કરી. સરકારે કહ્યું– ‘જોગીદાસને લઇ આવો તો ઊગરશો—’ પોતાના જાતભાઈઓને ઉગારવા જોગીદાસ શરણે થયા. એ બનાવથી તો આ ચારણી કાવ્યનો કર્તા ભાવનગરનો સ્તુતિકાર હોવા છતાં ય એટલી વેદના પામ્યો કે એણે એજ કાવ્યમાં ગાયું—

ખાળા ચાળા મેલ્ય ખુમાણે
વાળાનો કીધો વિશવાશ;
કૂડે દગો કાઠીએ કીધો
દોરી દીધો જોગીદાસ !

અરે દગલબાજો ! તમે વિશ્વાસઘાતી બન્યા ! ખુટામણ કર્યું ! જોગીદાસને દોરીને સોંપી દીધો ! – લાગે છે કે જ્યાં જયાં ‘ટ્રાઇબલ લાઈફ’ હશે ત્યાં બધે જ આ ‘ખુટલાઈ’ વધુમાં વધુ ગંભીર ગુનો ગણાતી હશે. ખેર, નવું ટાંચણ-પાનું ઊઘડે છે અને રક્તપાતમાંથી સૌદર્યજનિત તત્ત્વજ્ઞાનમાં લઈ જાય છે.

કૈંક ચાલ્યા ગયા !

‘કચ્છમાં જરાર નદી.

લાખો ફુલાણી ત્યાં જેઠ મહિને નીકળ્યા. મેનું સરવડું આવ્યું.

સૌના રેટા, દુશાલા, શાલું ઓઢેલ તે પલળી ગયાં.

નદીકાંઠે તલબાવળાં ઉપર રેટા દુશાલા, શાલું સૌએ સૂકવી.

લાખે જોયું : ‘વાહ, તજારાનો બાગ હોય એવી નદી લાગી છે શોભવા !’

તજારાનો એટલે અફીણના છોડવાનો બાગ. અફીણના ફૂલ લીલા, રાતાં, પીળાં, આસમાની હોય.

સાથીઓને કહે કે ‘જુવાનો. હવે લૂગડું કોઈ લેશો નહિ.’ નદીને એવી રૂડી દેખીને લાખો સૂકવેલાં શાલ રેટા મૂકીને જ સાથીઓ સાથે ચાલી નીકળ્યો.

આવળ બાવળ બોરડી
ખાખર ખીજડિયાં,
લાખે વન ઓઢાડિયાં
પીરી પાં ભ રિ યાં.

તે પૂર્વે એ જ નદીકાંઠે એક વાર રાજા ઉન્નડ જાડેજો આવેલો.

ભાદરવો મહિનો : ચારણો નદીકાંઠે ભેંસડીઉં ચારે, વાસળીઉં વગાડે, દુહા લલકારે. કડ્ય કડ્ય સુધી ઝીંઝવો ઊગેલ.

‘વાહ ! નદી કેવી રૂડી લાગે છે !’

રાજા ઉન્નડે એ નદીકાંઠો ચારણોને બક્ષિસ દીધો.

તેની પણ પૂર્વે એક વાર હેમહડાઉ વણજારો નીકળેલો. ભેળી મોતીની ભરેલી પાંચસો પોઠ્યું. પોઠીઆ નદી ઊતરતા હતા. એમાં એક ગુણ ઊતરડાઈ ગઈ ! ઝરરર ! મોતી નદીમાં વેરાણાં.

મોતી સાથે માછલીઉં ફડાકા મારવા મંડી.

હેમહડાઉ જોઈ રહ્યો ? વાહ નદી કેવી રૂડી લાગે છે ! આ નદીમાં તે કાંઇ વેળુ શોભે ! એલા બધી પોઠું નદીમાં ઠાલવી દ્યો.

એવી શોભા કદીને હેમહડાઉ ચાલ્યો ગયો.

છેલ્લા આવેલ રાજા લાખા ફુલાણીના કવિએ મલકાઇને પૂછ્યું નદી જરારને: હે જરાર ! તું તો જૂની પુરાતની છે. તેને કોઈ આ ત્રણ જેવા સૌંદર્યની ખુમારીવાળા નરો સાંપડ્યા છે? ત્યારે જારર હસીને જવાબ વાળે છે—

લાખા જેહડા લખ ગિયા,
ઉન્નડ જે હ ડા અઠ્ઠ;
હેમહડાઉ હલ ગિયો,
વંજી ન કેણી વટ્ટ.

હે માનવી લાખા ફુલાણી જેવા તો મેં લાખ અને ઉન્નડ જેવા આઠ રાજ જોઈ નાખ્યા છે. ને હેમહડાઉ પણ હાલ્યો ગયો, એ કયે રસ્તે ગયો તેનો ય કોઈએ ભાવ પૂછ્યો નથી. માટે ગુમાન કરો નહિ.

માનવીના દિલની ફૂલગુલાબીની સામે માનવ-ગુમાનની વ્યર્થતાનું પલ્લું સમતોલ રાખનારા આ નાનકડા કથાનક પર કંઇ વિવેચનાની જરૂર નથી.

વાલજી ઠક્કર

ફરી પાછી ટાંચણમાં સોરઠી ઘોડીઓ—

‘જેમ વવારૂ ઘૂમટો તાણીને વઈ જાય તેમ ઘોડીની કાનસૂરીની પણ અવળ સવળ દોઢ્યું ચડી ગઇ છે.’

એ ઉપમા સંસ્કૃત સાહિત્યમાંથી નહિ મળે. એ લોકસાહિત્યની સંપત્તિ છે.

ભમોદરા વાજસુર ખુમાણ, દોકડ લઇને ઘોડા પર બેસે : જેટલી ચાલ વગાડે તેટલી ચાલમાં ઘોડો પગના ઘૂઘરા બજાવે.

નવાબ સાહેબ [જુનાગઢના] પાસે કરી દેખાડ્યું

‘માગો ઇનામ.’

‘ઇનામ ન જોઈએ.’

ઘોડેસ્વારીના વિધવિધ શોખ અને ચાતુરી સાંભળ્યાં હતાં. આ પહેલવહેલું જાણ્યું. ટાંચણમાં ક્યારે પડી ગયું તે પણ ખબર નથી રહી. કોણે લખાવ્યું હશે? અનુમાન કરું છું કે અકાળા ગામના વાલજીભાઈ ઠક્કરે. અકાળા ગયેલો ૧૯૨૭માં, આસોદર ગામના ગઢવી દાદાભાઇનો સંપર્ક કરવા. પણ યજમાન મિત્ર હાથીભાઈ વાંકને કુટુંબમાં મરણું થયું, અમારું મિલન હજુ તો જમાવટ પામે તે પહેલાં વિંખાયું, લગભગ ખાલી હાથે પાછો વળ્યો. ગામથી સ્ટેશનના બે ગાઉના પંથમાં ગાડામાં ખોજા વાલજીભાઈ ઠક્કર સ્ટેશને આવવા સંગાથી બન્યા. ને એમણે એ એક જ કલાકની વાટમાં મારી ખોઈ, ચારણો પણ પાણી ભરે એવી સોરઠી વાતોથી છલકાવી દીધી. હીપા ખુમાણની વાત, બહારવટિયા ચાંપરાજવાળાની વાત, મામદ જામ મિઆણાની વાત. દરેક વાત ધડીબંધ અને કડીબંધ.

સોરઠના વાતડાહ્યા માણસો એક તરફથી નિરર્થક અલંકાર-ઠઠેરા કર્યા વગર અને બીજી તરફથી સંકલના ચૂક્યા વગર, લોચા વાળ્યા વગર, ગેંગેં ફેંફેં કર્યા વગર, થોથરાયા વગર, પાસાબંધી ને સંઘેડા ઉતાર જે ગુજરાતી શૈલી કેળવતા હતા તેના નમૂના લેખે મને વાલજી ખોજાએ એ દિવસની બળદગાડીમાં સંભળાવેલી કહેણ યાદ રહી ગઈ છે. એ જુવાન હીપા ખુમાણુ અને બાપ રાવત ખુમાણની વાતમાં કેટલી સાદી ઉપમાઓ આવતી હતી !

બાપ દીકરાનું દોથા જેટલું ડીલ. શેરેક માટીમાંથી ઘડેલ હોય તેવા.

બેય જણા મની જાતની ઘોડીઉં માથે અસવાર.

ઘોડીઉંનો રંગ કોરી જગન્નાથી જેવો. બેય જણા કરિયાણે જીવા ખાચરને ઘેર કારજે જતા હતા.

ઘોડીએ ચડીને ઠેઠ ચૉરે ચાલ્યા આવ્યા ( કારજ પર આવનારે ગામઝાંપેથી પગે ચાલતા આવવું જોઈએ. )

ડાયરાની આંખમાં ખટક્યા.

વેણની ડોઢ્ય વળતી ગઈ (અર્થાત ડાયરામાં બેઠેલ બીજા કાઠીઓ આ બેઉ મહેમાનો સાથે કટાક્ષમાં બોલવા લાગ્યા.)

પછી એ અસભ્યતાનું વેર વાળવા માટે એ ગામના દરબારે આ બાપદીકરાને ઘેરથી બે મા–દીકરી ઘોડીઓ પૈકીની જે મા હતી તેની ચોરી કરાવી, એ ચોરની પાછળ પડવાને માટે જુવાન પુત્ર હીપો જ્યારે તૈયાર થયો, પણ માએ દીકરાને ખાઈને જવા કહેતાં હીપો જમવા બેઠો, તે લાક્ષણિક પ્રસંગનું વાલજી ઠક્કરે વર્ણન કર્યું તેનું ટૂંકુ ટાંચણ આમ છે —

મા કહે, ‘બટકું ખાતો જા.’

ખાવા બેઠો.

મા કહે, ‘બચા, હવે તું વાંસે ન ચડ તો ઠીક, કારણ કે વછેરીને પેટપીડ થશે.’

કમાડ ઝાલીને બાઈ (હીપાની વહુ) ઊભેલી એ બોલી: ‘ફુઇ, તો પછી ગલઢેરો (પોતાનો કાઠી પતિ) આ ઘોડીએ ચડીને ગામતરાં કરી નહિ શકે.’

‘કાં ?’

કે ‘ચડીને નીકળશે એટલે કાઠીઓ મહર (મશ્કરી) કરશે કે આની માને ચોર લઈ ગયા. અને કજિયો કરશે તો કહેશે કે અમે તો આ ઘોડીને વિષે કહેતા હતા !’

વાતડાહ્યા સોરઠિયા

પોતાની યુવાન કાઠીઆણીના આટલા જ શબ્દોએ હીપા ખુમાણને ખાવું પડતું મુકાવી કેવો ખડો કરી દીધો, અને એને કેવાં ભયાનક જોખમમાં ઝંપલાવવા પ્રેરણા આપી આજીવન વીર બનાવ્યો, એ આખી વાત તો વાલજીભાઈએ આપેલા ઠાવકા ચિતાર પરથી મેં સોરઠી રસધાર ભાગ પાંચમામાં (હીપો ખુમાણ) આલેખેલી પડી છે, ને એનાં પ્રુફ તો મેં પચીસ વાર વાંચ્યાં હશે. એ વાર્તા મેં જાહેરમાં સંભળાવી પણ છે વારંવાર, છતાં આજે આંખો એનાં આઠ પાનાંનાં ટાંચણ પર ફરે છે અને કબરમાં પોઢી ગયેલા ખોજા વાલજી ઠક્કરનું વ્યક્તિત્વ એ મીટ જેવા જ મેળાપની ફ્રેમ વચ્ચે મઢાઈને પ્રત્યક્ષ થાય છે. ધંધે ગામડાનો વેપારી, ન્યાતે ખોજો, વયે પચાસેક વર્ષનો, મોભાદાર અને અડીખમ આ માણસ પોતે એક એમેચ્યુર શિલ્પી હતો. પણ એ અપવાદ રૂપ કોઈ નિરાળી પ્રતિભા નહિ પણ સામાન્યતાનો પ્રતિનિધિ હતો. વાતડાહ્યાપણું એ સૌરાષ્ટ્રનો એક સંસ્કાર છે. હમણાં જ એક સ્નેહીનો કાગળ હતો, લખતા હતા કે ‘કાગળ લાંબો લખું છું તેથી કદાચ કંટાળશો. પણ માણસ જેમ વયમાં વધતો જાય છે તેમ તેમ એની garrulous–વાતોડિયા પ્રકૃતિ જોર કરે છે.’ મેં સામું લખ્યું કે વાતો કરવાની, અવિરામ વાતોના તડાકા હાંકે રાખવાની ચાતુરીભરી રુચિને તો હું આપણો એક સંસ્કાર સમજું છું. જો એ સંસ્કાર આપણામાં મજબૂત ન હોત તો વડીલ ઘરઆંગણે બે બે પુત્રવધુઓને કડાવો ઝેર લાગત અને બાળકોને ડરકામણો દેખાત. અરધી જિંદગી સુધી જોયેલું જાણેલું, જે સંચિત જ્ઞાન, તેને પહેલદાર વાત–કૌશલ દ્વારા નવી પેઢીને આપતા જવું એ તો એક આશીર્વાદ છે. વાલજીભાઈ ઠક્કર જેવા તો કુટુંબે કુટુંબે હતા. ચોરે ને દાયરે નદીઓની વેકુરીમાં કે દુકાનોને ઓટે તેઓ બેસતા; નિવૃત્ત વૃદ્ધોને, પેન્શનરોને, સદાના ઓજારોને, બેકારોને, જુવાન દીકરા જેના ફાટી પડ્યા હોય તેવા હતાશ પિતાઓને, એક વાર સંપત્તિની ટોચે ચડીને પછી પટકાઈ પડેલાઓને, સમાજ જેમને ઓવાળમાં કાઢી નાખે છે તેવા સર્વને બાકીની આવરદા જીવવા જેવી કરી આપનાર આ વાતડાહ્યા વાલજી ઠક્કરો જ હતા.

જૂઠીબાઈ ખોજણ

વાલજીભાઈએ એક ‘જૂઠી બાઈ’ નો કિસ્સો ટપકાવ્યો છે તેનું ટાંચણ વાંચીને વિસ્મય પામું છું કે આજ સુધી એ વાર્તા મને કોઈ સંગ્રહમાં મૂકવા જેવી કેમ ન લાગી ! ચરોતરની પાટણ-વાડિયણ જી’બાની શ્રી. રવિશંકર મહારાજે કહેલી વાર્તા લખી છપાવું છું તેનાં પ્રુફ આજે જ વાંચ્યાં એટલે આ ‘જૂઠીબાઇ’ના ટાંચણનું આકર્ષણ બેવડાયું છે—

દેરડી જાનબાઈની. ત્યાં સવા ભગત ખોજા. બકાલાની વાડી. સાધુસંતને ખવરાવે. સદાવ્રત આપે.

ઘરમાં બાઇ માનબાઈ. એને સવા ભગત નામ લઈને બોલાવે.

જે રળે તે શેઠને ત્યાં જમા કરાવે. અષાઢી બીજે બધું ખલ્લાસ થાય. ઊલટું પાંચ પંદરનું નામું વધે.

એક દી’ સાધુ વાડીએ આવ્યા : કહે ‘કુછ દે.’

‘’ઘેર ચાલો.’

‘નહિ, ઇધર દે.’

‘દાળ અને લોટ દઉં ?’

‘ઓર ક્યા ?’

છાણાંનો આડ કરી બાટી પકાવી. ‘ભગત, દો બેગૂન દે !’

‘અરે મહારાજ ! હજી તો પરમને દિ‘ રોપ કર્યા છે !’

‘અરે જૂઠ ? મેંને દેખા.’

‘ક્યાં દેખ્યાં ? બતાવો.’

‘લઈને ગયા વાડીમાં. રીંગણાં વળગેલ દીઠાં. પગમાં પડી ગયા.

‘ભગત, માગ !’

‘કોઈ વાંસે સદાવ્રત દેનાર નથી.’

‘જા બેટા આવેગા. મગર ફક્કડ રખનાં.’

ભગત, માનબાઇ, ને સાધુઓ, પાંચ જણાં ભેળાં જમ્યાં.

પસ્તાવો થયો. અરે નરસી મહેતે નિર્વંશ માગ્યો’તો ને મેં દીકરો માગ્યો ! બાવાને ઘેર લઈ જઈને વેણ પાછું વળાવું.

ઘેર જતાં રસ્તામાંથી જ સાધુ અલોપ.

નવ મહિને દીકરો.

છઠ્ઠીમાંથી માગાં આવતાં થયાં. નીંગાળે સગપણ કર્યું. કન્યાનું નામ જૂઠીબાઈ. દીકરાને લગનમાં માયરામાંથી વીંછી ફટકાવ્યો. માણસોએ જઈને કહ્યું– ભગત, શામજીને વીંછી કરડ્યો.’

કે‘ બાપુ, મને ઉતારતાં નથી આવડતું.’

‘પણ ટાઢોબોળ પડી ગયો છે.’

‘તે હું કાંઇ ઊનો થોડો કરી દેવાનો હતો !’

મુસલમાન જ્યાં મરે ત્યાં જ દફનાવો જોઇએ. પણ ભગત કહે, ‘દેરડી લઈ જાઉં.’

ગાડામાં સુવાડ્યો.

ત્યાં અંદરથી કન્યા જૂઠીબાઈ પીઠી સોતી કૂદીને ગાડામાં ચડી બેઠી.

આડો હાથ દીધો : ‘બેટા ! નહિ.’

લાજ ઉઘાડીને બોલી, ‘બાપુ, તમે મને સાટે લીધી છે. હું તમારો દીકરો.’

દેરડી લઈ જઈને શામજીને દફનાવ્યો વાડીએ. જૂઠીબાઈએ વાડી કરવા માંડી. ગરમર રૂા. ૩૦૦ ની ઊતરી. પણ અષાઢી. બીજે કાંઇ બચત નહિ. જૂઠીબાઈ પણ સાધુસંતોને ખવરાવી દ્યે.

બધા એને ભગતની દીકરી જ જાણે.

ભગત જૂઠીબાઈ માટે વર ગોતવા માંડ્યા. એમાં ખાંભેથી જૂઠીબાઈને જોવા મહેમાન આવ્યા.

બાઇ ઉધાડે માથે બહાર આવી. મહેમાનોને પૂછયું, ‘શું કામે આવ્યા છો ?’

‘તને જોવા.’

‘બાપુ, હું ભગતની દીકરી નથી, હું તો ભગતની દીકરા-વહુ છું !’

મહેમાનો ચાલ્યા ગયા. પછી કોઈ આવ્યું નહિ.

જૂઠીબાઈ પાંસઠ વર્ષનાં થઈને મર્યાં.

દાદાભાઇ ગઢવી

વાલજીભાઈ ઠક્કરના જેવું જ મીઠું સ્મરણ ગઢવી દાદાભાઈનું છે. આસોદર ગામનો એ આધેડ ચારણ હતો. ખુશામદ આવડે નહિ. બોલવે ચાલવે ચાવળાઈ નહિ, ભાષામાં અતિરેક નહિ, ખોટા મલાવા નહિ, વાતું યાદ આવી જાય એમ ઠાવકી ઢબે કહેતા જાય. પહેલો મેળાપ ઝડપી બન્યો, જમાવટ થતા પહેલાં તો જુદા પડ્યા, પોતાને ઊંડો અફસોસ રહી ગયો. અમને મેળવનાર મિત્ર હાથીભાઈની પણ મનની મનમાં રહી ગઇ. ફરી મેળવ્યા પોતાને ઘેર લુવારિયા ગામમાં. ત્રણ દિવસ સાથે રહ્યા, તેમાં તો ગઢવી દાદાભાઇ સોળે કળાએ ખીલી ઊઠ્યા. એની કથાઓમાંથી આજે પણ પ્રધાન ધ્વનિ આ રહ્યો છે – ઘરધણી માણસની ઠંડી તાકાત અને મરદાઇ : ચમરબંધીની સામે પણ સામાન્ય આમજનતાનો પ્રતિનિધિ અન્યાયનો પ્રતિકાર કરતો ઊભો રહે અને અન્ય સેંકડો મગતરાં માનવીઓની માણસાઈને જાગ્રત કરે. એવો હતો દાદાભાઇએ વર્ણવેલો આહિર ભીમો ગરણિતો. (જુઓ રસધાર ભાગ ૫) એનું વ્યક્તિત્વ એક અચ્છા નવલિકાકારની અદાથી દાદાભાઇએ નાની એવી વાર્તામાં આલેખી આપ્યું. ટાંચણમાં એના જ શબ્દો છે. મૂળ વાત એમ છે કે ભાવનગરના એક ગામ સાતપડાના છેક પાદરમાં પાલીતાણા રાજની સરહદ પહોંચતી હતી. પાલીતાણાના રાજા પ્રતાપસિંહ કેવળ ચડના માર્યા પોતાનું નવું ગામ સાતપડાના પાદર સુધી બાંધવા આવ્યા. લોકોએ વીનવ્યા કે બાપુ, બે ગામ વચ્ચે જગ્યા જ નહિ રહે તો ઢોર માલ ક્યાં બેસશે ! પાદર જેવું સ્થાન જ નહિ રહે, માટે થોડે છેટે તમારા ગામનાં તોરણ બાંધો. જવાબમાં પ્રતાપસિંહે તુચ્છકાર દીધો. તોરણ બંધાવાની તૈયારી છે. પ્રતાપસિંહ પોતે હાજર થયા છે. સાતપડાનાં લોકો સ્તબ્ધ બની બેઠાં છે. મોટું અનિષ્ટ થઈ જવાને વાર નથી. પણ ગામમાં પ્રતાપસિંહની સામે બોલવાની કોઈની હામ નહોતી. બધા કપાળે હાથ દઈ બેઠા છે. એ વખતે ભીમો નામનો એક આયર–

ભીમો : મોઢે પાંખા પાંખા કાતરા, એકદડિયું ડીલ, કાખમાં તરવાર, હાથમાં હોકો, ચોફાળનું આડસોડિયું ઓઢેલું, ગામમાં તો સગાવળોટે (પરગામથી) આવેલો. એ કહે કે સૌ હાલતા હો તો બોલીશ હું. હાલો સૌ.

હાલ્યો મોઢા આગળ, પ્રતાપસિંહ દરબારને રામરામ કર્યાં.

પછી પોતે કેવો ધીમે ધીમે દરબારને વાત સમજાવતો ગયો, દરબાર પ્રતાપસિંહ કેવા તપતા ગયા, અને સંવાદમાં ભીમાના બોલ કેવા ઉત્તરોત્તર બળ પકડતા ગયા તે દાદાભાઈ ના જ શબ્દોમાં જોઈએ –

‘બાપુ ! આપને આવું તોછડું પેટ જોવે નહિ.’

‘શત્રુંજાના બાદશાહ ! હેડાનીયું આટકે ત્યારે અગની ઝરે.’

‘પછી કોઇને તેડાવ્યાનું વેળુ નહિ રહે.‘

’ભેંસું જ્યારે માદણામાં પડે ત્યારે ડેડકાં ઓવાળે ચડે, ખબર છે ઠાકોર ?’

‘હું તો અસૂર થયું છે ને રાત રહ્યો છું, પણ તમે રે’વા દ્યો.’

તરવાર કાઢી, તાડ જેવડો થયો ને બોલ્યો - ‘જોજો હો, ટોચો પડયો કે કાંડાં ખડ્યાં સમજજો.’

‘દરબાર, ત્યાં જ બેઠા રે’જો. નીકર ઓખાત બગડી જશે. હું તો આયર, મરી જઈશ તો ચપટી ધૂળ ભીંજાશે, અને તમને જો આ (તરવાર) અડશે તો લાખ તાંસળી ખડખડી પડશે. આ સગી નહિ થાય. અમારું માથું તો ઘરધણી માણસનું, ચાળીનો બોકડો મર્યો તોય શું !’

દરબાર ભળકડે પાલીતાણા ભેગા થઈ ગયા, બે ત્રણ દી’ મેડીમાં જ બેસી રહ્યા, બહાર નીકળે નહિ.

તે પછી દાદાભાઇએ પ્રતાપસિંહજીના મન પર પડેલી ભયમૂર્તિની છાયા વર્ણવામાં પણ એવું જ શિલ્પ-કૌશલ દાખવ્યું છે. દરબારના સાળા સમજાવે છે કે–

ક્યારીએ પધારો. ભોંઠામણ શું છે ?’

‘વાળા ઠાકોર ! માળો એક આયર નરપલાઈ કરી ગ્યો.’

‘હવે સાંજે એના કાતરામાં (મૂછોમાં) ધૂળ ભરશું.’

‘વાળા ઠાકોર, ત્યાં સાતપડે જાવા જેવું નથી. આયર કોબાડ માણસ છે. બહુ વસમો છે.’

‘હવે દોથા જેટલો છે !’

‘વાહ વાળા ઠાકોર ! પણ જાળવો તો ઠીક.’

‘અરે કાતરામાં ધૂળ ભરી દઉં.’

પછી સાતપડા પર ચડેલ પ્રતાપસિંહનો સાળો ભીમાને હાથે માર ખાઈને પાછો વળે છે તે વખતે સાળા બનેવી વચ્ચેનો વાર્તાલાપ પણ દાદાભાઈની રચના છે—

ભાએ દરબારને સલામ કરી.

દરબાર :– ગરાસીઆના પેટનો છો ? નો’તું કહ્યું તને ?

‘પણ શું કરું ? આયર ત્રણ તાડ જેવડો થાય છે - કાઠામાં સમાતો નથી.’

‘તે ન થાય ? નો’તું કહ્યું મેં ? જા, મોઢું દેખાડીશ નહિ.’

અને છેવટે, એક પરગામથી મહેમાન આવેલ આયરે પોતાના ગામની રક્ષા માટે આવું પરાક્રમ કર્યાની જાણ ભાવનગર ઠાકોર વજેસંગજીને થતાં તેમણે ભીમાને શોભતી રીતે ભાવનગર લઈ આવવા અમીરને મોકલ્યા, ત્યારે સાચો વીર કેવો પ્રસિદ્ધિનો કાયર ને શરમાળ હોય છે તે દૃષ્ટિ દાદાભાઈમાંથી જ મને ભીમાની વાર્તામાં મળી છે. અને ગામ પછી ગામને ચૉરે વીરનો લોકપરિચય કરાવતા કરાવતા ભીમાને ભાવનગર લઈ ગયા, ત્યાં કચારીમાં—

મહારાજ ગાદી પાસેથી બેઠા થઇ ગયા. ચારે પલા ઝાટકીને મહારાજ ઊભા થઈ ગયા.

અઢારસે પાદરના ધણી આઠ કદમ સામા આવ્યા.

ભીમાએ પગે હાથ નાખતી વખતે મહારાજે બાવડું પકડી લીધું.

મહારાજ જોઇ રહ્યા. અમીરને કહે — ‘મેરૂ ! ચાર સાંતીની જમીન, બે વાડીના કોસ, રાજની ગાદીએ દીવો રહે ત્યાં લગી ખાય. લેખ કરી આપો.’

લાવો પેરામણી.

ઘોડી લાટંલાટાં તૈયાર કરી.

‘ભીમા ગરણીઆ : વૃદ્ધ અવસ્થા છે, નોકરી કાંઈ નહિ, ખાવપીવો.’

આવા શિલ્પીઓને–આ દાદાભાઈ ઠક્કરને હું ફરીવાર કેમ ન મળ્યો, તેમને વધુ પિછાન્યા વગર કેમ આ દુનિયામાંથી જવા દીધા, એ વિચારે પસ્તાઉં છું ને જે ગુમાવ્યું તેનો શોચ કરું છું.