લખાણ પર જાઓ

રસધાર ૫/હીપો ખુમાણ

વિકિસ્રોતમાંથી
← દીકરાનો મારનાર સૌરાષ્ટ્રની રસધાર ૫
હીપો ખુમાણ
ઝવેરચંદ મેઘાણી
ભીમો ગરણિયો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


હીપો ખુમાણ

કોરી જગન્નાથી જેવા રંગની બે મની ઘોડીઓ ઉપર ચડેલા બે અસવારો ઠેઠ ચોરા સુધી ચડીને ચાલ્યા આવે છે એ જોઈને કરિયાણા ગામને ચોરે બેઠેલ આખા દાયરાને અચંબાનો પાર રહેતો નથી. જીવા ખાચર જેવા આબરૂદાર ગલઢેરાની આઈનું કારજ. અને કાણ્યે આવનાર કાઠી ઠેઠ ચોરા સુધી ઘોડે ચડીને ચાલ્યો આવે ! પાદરમાંથી જ ઊતરી જઈને માથે પછેડી ઢાંકી કાણ કરતા પગપાળા આવવું જોઈએ એને બદલે આ બે અસવારો રાંગમાં ઘોડીઓને રમાડતા રમાડતા જાણે વિવાહ વાજને આવતા હોય તેમ ચાલ્યા આવે છે !

“દાયરાને રામરામ છે, બા !” એમ કહીને બેમાંથી બુઢ્‌ઢા અસવારે પાઘડી સુધી હાથ ઊંચા કરી પાગડું છાંડ્યું. બીજો અસવાર કે જેને હજુ મૂછનો દોરો ફૂટતો આવતો હતો, તેણે પોતાની ઘોડીની રાંગ છાંડી, વૃદ્ધના હાથમાંથી પણ મોટી ઘોડી લઈ લીધી. બંને ઘોડીઓએ જુવાનના બેઉ હાથમાં હમચી ખૂંદવા, હણહણાટી દેવા અને કાનસૂરીની દોઢ્યો ચડાવવા લાગી ગઈ.

“રામરામ, આપા, પધારો માથે.” એમ બોલીને જીવા ખાચર ઊભા થયા, અને વૃદ્ધ અસવારને ખભે લાંબા હાથ કરી આદર દીધો.

“હીપા!” વૃદ્ધ જુવાન અસવારને સૂચના કરી : “બેય ઘોડિયુંને સમાયે બાંધીને તું પાસે રે’જે હો. રેઢી મેલતો નહીં.”

“અરે, હા હા !” કહી જીવા ખાચરે પોતાના માણસોને હુકમ કર્યો : “જાવ, ભાઈ, આપાની બેય ઘોડિયુંને ઠાણમાં બંધાવો ! અને ઘોડિયું પંથ કરીને આવે છે, ઘેર રાતબ દેવાની ટેવ હોય, એટલે ઘી-ગળની રાતબ ખવરાવો; આપણી મોટી કોઠીમાંથી ખાવા સારુ રાખ્યો છે તે લીલો બાજરો કાઢીને જોગાણના પાવરા ચડાવો; ઊનાં પાણી મેલીને બેય ઘોડિયુંના પગ ઝારો; અને જોજો હો, ભાઈ, પડખે બીજું કોઈ ટારડું બાંધ્યું ન હોય, નીકર આપાની ઘોડીને ચાંચડ બગાં ચોટી પડશે!”

આ રીતે જીવા ખાચરનાં વેણની દોઢ્ય વળતી જાય છે અને આખા દાયરાના મોં ઉપર ઠાવકું સ્મિત ફરકે છે. પણ આ વૃદ્ધ મહેમાન કે જેનું નામ રાવત ખુમાણ હતું, એ પોતાના યજમાનનાં મર્મ વાક્યોને સમજી શક્યો નહિ. એણે તો ખરખરો કર્યો : “આઈને તો સુવાણ થઈ નહિ, આપા !”

“લેણાદેણીની વાત છે, આપા રાવત !”

“પાંચ વરસ બેઠાં હોત તો તમારે ઓથ હતી.”

“હા જ તો ! ભાઈ, સો વરસે દુકાળ પડે તોય વસમો તો લાગે જ છે ને, બા !”

રાતે સહુએ વાળુપાણી કર્યા. કારજે આવનાર કાઠીઓએ જીવા ખાચરને પાવલી પાવલી આપીને વહેવાર કર્યો, અને બીજે દિવસે સવારે તો કસુંબા પાણી લઈને મહેમાનો વીખરાઈ ગયા. રાવત ખુમાણ અને એનો દીકરો હીપો ખુમાણ પણ પોતાની ઘોડીઓની પીઠ પર શોભતા નાના રાજકોટને માર્ગે ચાલી નીકળ્યા. પણ ગામની બજારે થઈને જ્યારે એ બેય ઘોડીઓ ડાબા નાખતી નાખતી રેવાળ ચાલે ચાલી ગઈ, ત્યારે માણસો મોંમાં આંગળી નાખીને વાતો કરવા લાગ્યા : “ભાઈ, ઘોડાને મરતલોકના વિમાન કહ્યાં છે, તે આનું નામ !”

“બાપ, ઈ તો જેના ધણીએ આંગળિયું કરડાવીને ઉઝેર્યાં હોય, ને અંજળિમાં પાણી પાયાં હોય એનાં જ ઘોડાં એવાં નીવડે.”

સાંભળી સાંભળીને જીવા ખાચરના કોઠામાં ઝાળ ઊપડી.

“એલા, સાલેભાઈ !” પોતાને ઘેર જતનો છોકરો ઉછેરીને મોટો કરેલો, તેને જીવા ખાચરે બોલાવ્યો.

“શું કહ્યું, બાપુ ?” સાલેભાઈ આવીને ઊભો રહ્યો. “એલા તારું તો નામ જ ‘સાલે’ ને ! મલક બધાનો સાળો કે ?”

“એમ શા સારુ બોલવું પડે છે, બાપુ ?”

“ત્યારે બીજું શું ?”

“પણ કાંઈ વાંકગુનો ખોળે નાખશો કે ?”

“શું નાખે, કપાળ ? ઓલ્યા રાજકોટના બે કાઠી અસવારો મારું નાક વાઢી ગયા ! મરેલી માની પણ મરજાદ ન કરી ! એવડી બધી ફાટ્ય ? બસ, ફક્ત એને ઘેર જ ઘોડાં બંધાય છે ? અને ઈ ઘોડિયું હોય ત્યારે જ કાઠીને ફાટ્ય આવે ને ?”

“તે બાપુ, એના ઠાણમાં ઘોડિયું સમાતી નહિ હોય.”

“તો પછી ઠાલી સાંકડ શા સારુ ભોગવવા દેવી ?”

“ભલે, આજથી બે મહિને કાઢી આવું.”

કરવતે કપાય એવું જાડું ગરેડી જેવું તો જેનું કાંધ છે, અને જેની એક જ થપાટે માથું ખડી જાય, એવો સાલેભાઈ કોઈ પરદેશીને વેશે નાના રાજકોટ ગામમાં રાવત ખુમાણની ડેલીએ આવ્યો. પોતે રઝળી પડ્યો છે, પેટવડિયે પણ રહેવા રાજી છે, એવું એવું કહીને રાવત ખુમાણની ડેલીએ ચાકર રહ્યો. કામ કરી કરીને આખા ગઢમાં એ એવો તો વહાલો થઈ પડ્યો કે એની છૂપી મતલબનો કોઈને વહેમ રહ્યો નથી. એમ કરતાં બે મહિના વીતવા આવ્યા. જીવા ખાચરને આપેલી અવધિ પૂરી થવા આવી.

એક દિવસ પ્રભાતનો પહોર છે. હીપો ખુમાણ વાડીએ ગયો છે. બુઢ્‌ઢા રાવત ખુમાણ ઓરડામાં બેઠો બેઠો હોકો પીએ છે. આઈ છાશ ફેરવવામાં રોકાણાં છે. આસપાસ કોઈ પંખીડુંયે ફરકતું નથી તે લાગ જોઈને સાલેભાઈએ ઠાણમાં જઈ બે ઘોડીઓમાંથી જે મા હતી તેને છોડી, છલંગ મારીને ઘોડીને રાંગમાં વાળી અને ડેલી બહાર હાંકી.

બાપ બેટાને પણ ચડવા ન આપે એવી પોતાના ધણીને માનીતી મની ઉપર જેવો આઈએ સાલેભાઈને અસવાર થયેલો જોયો તેમ તો આઈ હાથમાંથી રવાઈનાં નેતરાં મેલી દઈને ઓસરીમાં દોડ્યાં આવ્યાં અને હાકોટો કર્યો : “એલા, ઈ ઘોડીએ કેમ ચડ્યો ? અને ક્યાં લઈ જાછ ?”

“આઈ, હીપાભાઈએ વાડીએ મંગાવી છે, પોતાને આંહીં ઘર દીમના ચડી આવવા સારુ.”

ઘોડીની વાત સાંભળતાં જ ડોસો રાવત ખુમાણ હડી કાઢીને બહાર નીકળ્યો, ચસકો કર્યો કે “એલા, તેં કોઈને પૂછીને ઘોડી છોડી છે ? ઊતર હેઠો ! હીપોભાઈ ઈ ઘોડીએ ચડે નહિ.”

"એ... આપા, હેઠો ઉતારવા તો હવે કરિયાણે આવજો !” એટલું બોલીને સાલેભાઈએ ઘોડીને ડચકારી, ડોસો પાછળ દોડ્યો, ગામના લોકોએ રીડિયા કર્યા, પણ મની ઘોડીને કોઈ આંબે એમ નહોતું. ભોંઠા પડીને સહુ ઊભા રહ્યા અને સાલેભાઈ મનીને જાણે કે આકાશને માર્ગ ઉડાડતો ઉપાડી ગયો.

“હવે ?” આઈએ હોઠે આંગળી માંડીને ઉચ્ચાર્યું : “ઈ ઘોડીના ચોરની વાંસે કોણ જાય ? દાંતુંમાં દઈને શું જાતો રિયો ?”

“બીજું ઘોડું એને આંબે એમ નથી, વછેરી જ આંબે. બોલાવો ઝટ હીપાને. હીપા વિના બીજો કોણ ચડે એમ છે ?”

બાપે હીપા ખુમાણને બોલાવવા વાડીએ માણસ દોડાવ્યું. હીપો દોડતો દોડતો શ્વાસભર્યો ગઢમાં આવ્યો. મની ઘોડીની ભેળા જાણે કે હીપાના પ્રાણ જાતા રહ્યા હતા.

“કઈ દૃશ્યે ગ્યો ?” હીપે પૂછ્યું.

“બાપ, કરિયાણે, બીજે ક્યાં ? તે દી કારજે ગ્યા'તા ને, જીવા ખાચરને ઘોડિયું ગમી ગઈ હશે.”

“ઠીક, હું જાઉં છું.” કહેતો હીપો વછેરી છોડવા ચાલ્યો.

“માડી, હીપા !” આઈએ સાદ કર્યો : “બટકું છાશ પીને પછી જ ચડજે ને, બાપ ! કોણ જાણે ક્યાં રોટલા ભેળો થઈશ.”

માએ ખાવાનું કહ્યું, એટલે પછી તો જમવા બેઠા વગર ગામતરું ન જ થાય એવા વહેમથી હીપો ખુમાણ ખાવા બેઠો. ઊનો ઊનો બાજરાનો રોટલો, પળી એક ઘી, દૂધદહીંની ભરેલી તાંસળીઓ અને સાકરનો ભૂકો થાળીમાં પીરસીને હીપાની વહુ લઈ આવ્યાં. બાજઠ ઉપર થાળ મૂકીને એ ઘૂમટાવાળી કાઠિયાણી તો એક બાજુએ બારણાના ટોડલાના ટેકે ઊભી રહી. અને પોતાના સાત ખોટ્યના એક જ દીકરાની સામે બેસીને આઈ  થાળી પરથી માખીઓ ઉડાડવા લાગ્યા. રોટલામાં ઘીની ધાર દેવાણી : ધીંગો રોટલો ઘી પી રહ્યો છે : હીપો દૂધની તાંસળીમાં મૂઠી ભરીને સાકર નાખે છે : સામે મા બેઠી છે ને પાછળ કાઠિયાણી વહુ ઘૂમટો તાણીને પોતાના આછા કસુંબલ મલીરમાંથી ત્રાંસી નજરે બે કમળ જેવી આંખો ખેંચીને પોતાના નાથને નીરખી રહી છે. હજુ બે જ દિવસ થયાં એ વહુ બાપના ઘેરથી આણું વળીને, ફૂલેલ તેલના કૂંપા, હિંગળાની ડાબલીઓ, ડબરો ભરીને સુખ અને સ્વામીને વાહર ઢોળવાના આભલે જડ્યા, મોતીભર્યા રેશમી વીંઝણા લેતી આવી છે. હજુ તો ગઈ કાલે જ કરિયાવર પાથરેલો તે જોવા ગામ હલક્યું હતું. ને તેવતેવડી સહિયરોએ એની ભરત ભરેલી ચોપાટ ભાળીને ધરાઈ ધરાઈ હાંસી કરી હતી : ને ગામમાં વાતો થતી હતી કે આવો સુગંધી સોંધો તથા આવું આંખ-ઉજાળતું કાજળ તો કે’દીએ ગામમાં આવ્યું નથી જાણ્યું !

એવી કોડભરી કાઠિયાણી, કંકુની લોળ જેવી, એક હાથે આંગળીઓની વચ્ચે ઘૂમટાની કોરને રમાડતી ને બીજે હાથે બારણાનો ટોડલો ઝાલી કોણી સુધીની પોતાના શરણાઈ જેવા હાથની કળા બતાવતી, ફૂલના હાર ઉપર ભમરા બેઠા હોય તેવાં છૂંદણાંથી શોભતી ઊભી છે, અને બીજી બાજુ જ્યાં હીપો રોટલાનું બટકું ભાંગવા જાય છે, ત્યાં વાહર ઢોળતાં આઈ બોલ્યા : “હેં માડી ! અટાણે નૉ જા તો ? છેટું બહુ ઝાઝું પડી ગયું છે, ને કેણી કોર એ કાળમુખો હાલ્યો તેની થોડી ખબર છે ?”

“ત્યારે શું કરવું, માડી ?” હીપો નીચું માથું રાખીને બોલ્યો.

“આપણે વાવડ કઢાવીએ. ઈ બાપડો માકડ તે જઈને ક્યાં સંતાશે ? વાવડ મળ્યા પછી પાતાળમાં હશે તોય ખોળી કાઢશું. અને આમ ને આમ જાવાથી એક તો ઘોડીને પેટપીડ ઊપડશે અને વળી ઈ પીટ્યો રાખહ તુંને એકલાને પોગવાય કેમ દેશે ?”

“ફુઈ !” ઘૂમટામાંથી જુવાન વહુનો અવાજ આવ્યો.

“કેમ, બેટા?”

“તો તો પછી, ફુઈ, હવે ગલઢેરો વછેરી ઉપર બેસીને ગામતરું કરી રિયા !”  સાંભળતાં જ હીપો ચોંક્યો. બટકું હાથમાં જ થંભી રહ્યું. અને રાતીચોળ મુખમુદ્રા કરીને આઈએ પૂછ્યું : “શું છે તે ?”

“બીજું શું હોય ? વછેરીએ ચડીને ગલઢેરો ગામતરાં કરશે એટલે ગામેગામને ચોરેથી કાઠી-દાયરો મહર કરશે.”

“શું મહર કરશે?”

“આંગળી ચીંધાડીને કે’શે કે આની માને ચોર લઈ ગયા.” અને ગલઢેરો કજિયો કરવા ઊઠશે, તો કહેશે કે “અમે તો આ વછેરીની માની વાત કરતા હતા.” એમ નામ દેશે વછેરીની માનું, અને ગાળ પડશે તમને ! માટે જો એવી ગાળ્યું ખાવી હોય તો ભલે હમણે ઘોડીને ગોતવા ગલઢેરો નૉ જાય !”

“રામ !” કહીને હીપાએ હાથમાંથી પહેલું બટકું પડતું મૂક્યું. હાથ ધોઈને એણે માતાને કહ્યું : “માડી ! હવે કાંઈ બોલો તો મારું લોહી ! હું હવે ખાવા નહિ રોકાઉં, તમારી ભત્રીજીની વાત સાચી છે.”

યુવાન કાઠિયાણી ટોડલો ઝાલી અને લાંબા છટાદાર ઘૂમટા આડે એવું ને એવું ગરવું મોં રાખી તેમના ખંભ-શી ઊભી રહી. સાસુજીની બે ભમ્મરો ખેંચાઈને ભેગી થઈ ગઈ. અને અન્નદેવતા સામે હાથની અંજલિ જોડીને અઢાર વરસનો દીકરો ઊભો થઈ ગયો. એણે વછેરીને છોડી, ફક્ત ચોકડાભર રાંગ વાળી, સાથળ નીચે એક તરવાર દબાવી ને ખોળામાં એક કામળો લીધો. અને ખરે મધ્યાહ્ને કરિયાણાને માર્ગે વછેરીને ચડાવી.

સંધ્યાની રૂંઝ્યો વળી તે વખતે હીપો કરિયાણાના ઝાંપામાં દાખલ થયો. ડેલીએ જાય ત્યાં જીવા ખાચર પચીસેક કાઠીઓની વચ્ચે વીંટાઈને બેઠા છે. ઘોડીએથી ઊતરીને હીપાએ દરબારને રામરામ કર્યા.

“આવો, જુવાન, કેવા છો ?”

“કાઠી છું.”

“ઠીક, કાઠીભાઈ, બેસો.”

પોતાની ઘોડીની સરક હાથમાં ઝાલીને હીપો ચોરાની કોરે થાંભલીને ટેકો દઈ બેસી ગયો. જીવા ખાચરે પ્રથમ દાઢ ભીંસીને પ્રશ્ન પૂછ્યો તે પૂછ્યો, પછી પરોણાની સામે પણ ન જોયું. હોકો પિવાતો પિવાતો એક પછી એક માણસના હાથમાં કુંડાળે ફરવા લાગ્યો. ફક્ત હીપાનો જ વારો આવ્યો નહિ. ઝંખવાણો પડી ગયેલ જુવાન પોતાની પાંપણો વડે ધરતી ખણતો ચૂપચાપ બેઠો રહ્યો.

રાતે વાળુટાણું થયું. ચાકરે આવીને કહ્યું કે “બાપુ, થાળી પિરસાણી છે.”

“ઊઠો, કાઠીભાઈ, વાળુ કરવા.” કહીને જીવો ખાચર પોતાની પચીસ માણસની પંગત લઈને ઊઠ્યા. વાંસે વાંસે હીપો ખુમાણ પણ પોતાની ઘોડી દોરીને ઓરડાની ઓસરીએ જમવા ગયો.

ચાકર દૂધની તાંબડી લઈને પંગતમાં પીરસી રહ્યો છે. પીરસતાં પીરસતાં હીપાની થાળી પાસે પહોંચે છે, તે વખતે જીવો ખાચર છેટે બેઠો બોલ્યો : “એલા, ઈ કાઠીભાઈને દૂધ સમાયેં પીરસજે હોં કે ! એના મોઢામાં હજી દૂધ ફોરે છે !”

એટલું બોલીને પંગતના તમામ ભાઈબંધોની સામે જીવા ખાચરે આંખનો મિચકારો માર્યો. તમામ હોઠ મરક મરક થઈ રહ્યા.

હીપો આ મર્મવાક્યનો માયલો ભેદ સમજી ગયો. દરબાર જીવો ખાચર મને એમ કહે છે કે હજી તો તું નાનો છે. માતાનું સ્તનપાન છોડ્યાં તને હજુ ઝાઝી અવસ્થા નથી થઈ. એટલે તું પાછો ફરી જા ! નહિ તો તું બાળક છે તેથી માર્યો જઈશ !

હાય જીતવા ! એક તો ચોરી ને એની ઉપર આ શિરજોરી ! દાઝ્યાને માથે ડામ ! પણ શું કરું ? અટાણે મારો સમો નથી.

ખાવું તો ઝેર થઈ પડ્યું હતું. અન્નના બે-ત્રણ કોળિયા તો મહામહેનતે ગળે ઉતાર્યા. સુખે અનાજ શેં ભાવે ? ઘોડીનો પત્તો એ દરબારગઢમાં તો ક્યાંયે ન લાગ્યો, પંગત ઊઠી એટલે પોતે પણ ઘોડીએ ચડીને જીવા ખાચરની રજા લીધી.

પણ જાવું ક્યાં ? પૂછવું કોને ? એવી મૂંઝવણમાં ગારક બનીને એ તો ચાલ્યો જાય છે. ગામ બહાર નીકળ્યો. ત્યાં પાદરમાં દેખાયો કે તરત જ ઢેઢવાડામાંથી એક બાઈ બોલી : “આ અસવાર તો નવી નવાઈનો લાગે છે ! બપોર દીનો ઘોડીએ ચડીને આંટા જ ખાધા કરે છે ! આ સોત થઈને ચોથી વાર નીકળ્યો.”

સૌએ ખડખડ દાંત કાઢ્યા. હીપાને કાને પણ આ શબ્દો પડ્યા. લગામ તાણી હીપો થંભ્યો. ઘોડીને વાળી ઢેઢવાડામાં ગયો. જઈને પૂછ્યું : “ભાઈ, તમે હમણાં શી વાત કરતા હતા ?”

“કાંઈ નહિ, બાપુ, તમે તમારે ચાલ્યા જાવ. આ અમારે એક બાઈ જરા બટકબોલી છે, તે બોલ્યા વિના ન રહી શકી.”

“પણ તમે મને ચાર વાર આવતો દીઠો ખરો ?”

“અમને, બાપુ, તમારું મોં તો યાદ નથી, પણ ઘોડી તો આવી ધોળા વાનની જ હતી.”

“હું બપોરે બહાર નીકળીને કયે માર્ગે ગયો હતો ?”

“આમ કાળુભાર દીમના.”

“ઠીક, હશે.”

એટલું બોલીને હીપાએ ઘોડી હાંકી. એ સમજ્યો કે ઘોડી લઈ આવીને આંહીંથી પાછો સાલેભાઈ ઊપડી ગયો છે. ‘ધીરી, બાપા ! ધીરી, બાપા !’ કહીને એણે વછેરીને વહેતી મેલી. બરાબર ચંદ્ર આકાશે ચડી ગયો તે વખતે લીંબાળી ગામને માર્ગે એક ચારણનો નેસ પડેલ ત્યાં એ પહોંચ્યો.

જમીન ઉપર પચાસેક ભેંસો દાણો દાણો થઈને ચરી રહી છે અને એક પરજિયો ચારણ લાકડીનો ટેકો દઈને મોટા છત્રપતિ જેવી છટાથી ઊભો છે. એના હાથમાં ત્રીજે કણ્ય કરેલો હોકો છે. કાળી ભમ્મર દાઢીવાળો અને ચળકતી આંખોવાળો આ નેસવાસી ચારણ નવખંડ ધરતીનું રાજ ચલાવીને પછી વિસામો ખાતો હોય તેમ ડૂંઘો પીએ છે. નજીકના નેસમાંથી પાવા વગડે છે તેના સૂર આખી સીમમાં પથરાય છે. ચંદ્રમાની ચાંદની અને પાવાના સંગીત વચ્ચે લહેકાર બંધાઈ ગયેલ, તેમાં ત્રીજો ઉમેરો એકતારા ઉપર વાગતા ભજનનો થતો હતો. ગોળા જેવડા તુંબડાવાળા તંબૂર પર કોઈ પરજિયાનો ઘેરો રવ ટપકતો હતો :

એક વાર આવો રે હરિ મારે નેસડે હો જી !
એ ના’વો તો તમને નંદબાવાની આણ !
એ ના’વો તો તેમને ગોરાંપીરાંની આણ. - એકo



દૂધલડે પખાળું રે હરિ તમારા પાહુલા હો જી !
એ તેનાં અમને ચરણામૃતયાં નીમ. – એકo
ભોજનિયાં જમાડું રે હરિ તમને લાપશી હો જી !
એ તેમાં પીરસું ખોબલે ખોબલે ખાંડ. – એકo
મુખવાસ આલું રે હરિ તમને એલચી હો જી !
એ બીજા આલું પાનનાં બીડલાં પચાસ.– એકo

આખા દિવસના લોથપોથ થયેલા હીપાની નસો તૂટતી હતી. મનમાં કરિયાણાની ડેલીએ મળેલી હીણપ ખટકતી હતી. એટલે હોકાની બે ઘૂંટ લઈ લેવાની લાલચ થઈ આવી. ઘોડી થંભાવી એણે ચારણને પૂછ્યું : “ભાઈ, ડૂંઘો પિવરાવશો?”

સાંભળીને ચારણે સામે જોયું. પૂછ્યું : “મામા છો ?”

“હા, ભાઈ.”

ચારણ હમેશાં કાઠીને ‘મામો’ કહે છે. અસવાર કાઠી છે એમ જાણીને તરત એણે હોકો અસવારના હાથમાં આપ્યો. હીપો ખુમાણ ફૂંકો ખેંચવા લાગ્યો. ચારણે પૂછ્યું: “અટાણે કેમના ?”

“ગઢવા, નાક કપાણું છે તે ગોતવા !”

“ભેંસ કે ઘોડો?”

“ઘોડી.”

“બાતમી આપું તો મોરાપું શું દેશો ?”

“તો બેય ઘોડિયું તને મારાપામાં આપી દઉં ! આ ચડ્યો છું ઈ વછેરી અને ચોરાણી છે ઈ એની મા, બેય અટાણથી તારી થઈ ચૂકી.”

“ના, ના.” ચારણે ડોકું ધુણાવીને ના પાડી. એની નજરમાં ઘોડીઓ નહોતી, એની મીટ તો બીજે જ ઠેકાણે મંડાઈ ગઈ છે. ચંદ્રમાને અજવાળે, હીપા ખુમાણના ખોળામાં રંગબેરંગી સાંગરી બાંધેલો, ધોળો ફૂલ એક ધાબળો ઝગમગી રહ્યો છે. એવો રૂડો ધાબળો પોતાને ખભે નાખી ડોબાં ચારવાની હોંશમાં ચારણને હજાર-હજાર રૂપિયાની બે ઘોડીઓ તુચ્છ લાગી, અને એણે ઊંડા કોડથી માગ્યું કે “આ કામળો દઈશ, મામા ?”

“આ લે ગઢવા, આ કામળો. ઘોડિયું તો આવે કે ન આવે તોય કામળો તો તને રિયો.”

એટલું કહેતાં કહેતાં હીપાએ ખોળામાંથી કામળો ઉપાડીને ઘા કર્યો. કામળો ચારણના ખભા ઉપર જઈ પડ્યો અને ઉલ્લાસમાં ગરક બનેલો ચારણ બોલી ઊઠ્યો : “જો મામા, આંહીંથી આડી એક ધાર છે. આથમણી કોર ધાર તૂટેલ પડી છે ને ત્યાં એક સજીવન વૉંકળો હાલ્યો જાય છે. ત્યાં તારી ઘોડી બાંધીને તારો ચોર પડ્યો છે. બહુ વંકી જગ્યા છે. અને તુંને એકલાને ઈ પોગવા નહિ દે, માટે તું ઊભો રે’, હું ભેસુંને ભેળિયું કરીને અબઘડી તારી હારે આવું છું.”

એટલું કહીને ચારણ ગોબો લઈને દોડ્યો. ભેંસોને ભેગી કરવા લાગ્યો, અને આ તરફ ઘોડી માથે બેઠાં હીપા ખુમાણનો હોકો હાથમાં થંભી ગયો. એના દિલમાં વિચાર ઊપડ્યો : “બે જણા જઈને એક શત્રુને જીતશું, એમાં શી મરદાનગી લેખાશે ? અને હું આજ પ્રથમ પહેલો નીકળ્યો છું. એમાં જ શું જશના ભાગલા પડશે ? એ તો ઠીક, પણ મને મેણું દઈને મોકલનારી કાઠિયાણીને હું કાલ રાતે મળીશ ત્યારે શું જવાબ દઈશ ? પછી એ કાંઈ બોલવામાં બાકી રાખશે ? હે જીતવા ! જાઉં તો એકલો જ જાઉં, નીકર મારે ઘોડી ન ખપે.”

તરત એણે નીચે હાથ લંબાવી વાડ્યને ટેકે હોકો મેલી દીધો અને ઘોડીને ડુંગરમાં ચડાવી.

સાલેમાળ ડુંગરનું જ એ પીછું નીકળ્યું હતું : અંદર મોટાં મોટાં કોતર પડ્યાં છે. ચડ્યે ઘોડે અંદરથી નીકળાય તેમ નથી. ઊતરીને વછેરી ઝાડને થડ બાંધી પોતે પોતાનાં પગરખાં કાઢી નાખ્યાં. ઉપર ચડ્યો ત્યાં તો નજર પડી : ગરુડના ઈંડા જેવી ઘોડી, ચંદ્રમાને અજવાળે દેખાણી : કોઈ દૂધિયાં સરોવરમાં જાણે કમળફૂલ ખીલ્યું છે. ઊભી ઘોડી પૂંછની ચમરી વીંઝે છે, અને પડખે જ બંદૂકનો ટેકો દઈને ચોર સૂતો છે. જરાક ઝોકે લેવાઈ ગયેલો લાગ્યો. પાડાના કાંધ જેવી ગરદન : કરવતે કપાય એવી અને મહિષાસુરના જેવી પડછંદ ફાટેલી કાયા : સામે ભયંકર એકાન્ત : શત્રુના હાથમાં બંદૂક અને પોતાની પાસે ફક્ત તરવાર જ : એક પળે તો કાળજું થડકી ગયું. પણ બીજી જ ઘડીએ કાઠિયાણીને કલ્પનામાં ઊભેલી દીઠી.  તરવાર તાણીને હીપો દોડડ્યો. પોતાના ધણીને ભાળતાં જ ઘોડીએ હાવળ દીધી. ડુંગરા ફાટફાટ થઈ રહ્યા. ઝોલે ચડેલો જત જાગી ઊઠ્યો, અને જ્યાં પડખું ફેરવીને નજર કરવા જાય ત્યાં ગરદન ઉપર હીપાના જોરદાર હાથનો ઝાટકો પડ્યો. કોણ જાણે કેવાય મેળની તરવાર પડી કે કરવતે વેરાય તેવું ડોકું એક જ ઝાટકે ઘડથી નોખું થઈ ગયું. એક વાધરી પણ ન વળગી રહી. અને ડુંગરમાળમાં એ ઝાટકાના પડછંદા ઊઠ્યા.

ઘોડીની હાવળ : સામે વછેરીની હણહણાટી : ને ત્રીજો ગરદન પર ગાજેલો ઝાટકો : ત્રણ અવાજ અધરાતને ટાઢે પહોરે ડુંગરાની ગાળીમાં ભયંકર નિર્જનતા વચ્ચે એટલા તો કારમાં અને ઘોર લાગ્યા કે ભેંસો ભેળી કરનાર ચારણે નક્કી. ‘મામા’નું મોત થઈ ગયેલું માન્યું. ‘આવી પહોંચ્યો છું ! આવ્યો છું !’ એવી હાકલ સાથે એણે ડુંગરા ભણી દોટ દીધી. ફાળમાં ને ફાળમાં એનો શ્વાસ ચડી ગયો, પણ જ્યાં અંદર જઈને નજર કરે ત્યાં તો હીપાને હેમખેમ લોહિયાળું ખડગ લઈ ને ઊભેલો દીઠો. જોઈને ચારણની છાતીએથી કસો તૂટવા મંડી. અઢાર વરસના જુવાન કાઠીનો ઝાટકો જોઈને ચારણે બાથ ભરી લીધી. અને મા-દીકરી બેઉ ઘોડીઓના સામસામાં હર્ષનાદથી ડુંગરા ડોલવા લાગ્યા. રાતનાં જળ જંપી ગયેલા તે જાગી ઊઠ્યાં.

“અખિયાત કરી ! મામા, તેં તો અખિયાત કરી !” એવા પડકારા ચારણના કંઠમાંથી નીકળવા લાગ્યા.

“બાપો ! બાપો મારો ! બાપો ઘોડી !” એમ બોલીને હીપો ઘોડીને બચ્ચીઓ દેવા લાગ્યો. ઘોડી થનગની ઊઠી.

હીપાએ ચોરના માથાના મોટા વાળનો ચોટલો ઝાલી, નીતરતે લોહીએ લટકતું માથું હાથમાં ઉપાડ્યું, ઘોડી છોડી, વછેરીને પણ લીધી. ચારેય જીવ ચારણને નેસડે આવ્યાં. ત્યાં બાકીની રાત હીપાએ બેઠાં બેઠાં અને બેય ઘોડીઓને પંપાળતાં પંપાળતાં પૂરી કરી. એને નીંદર આવે તેવું તો નહોતું રહ્યું. સવારે ઊઠીને એણે ચારણની ઓસરીએ ઢીંગલનાં દૂધગોરસ અને લીલાકંજાર બાજરાના રોટલાની મહેમાની ચાખી. જમી કરીને એણે બેય ઘોડીઓની સરક ચારણના હાથમાં મૂકી.

“આ લે, ગઢવા આ તારા મોરાપામાં.”  “અરે, રામરામ કર, મામા ! મારે ઘોડિયું શું કરવી છે ?”

“તું ગમે તે કર, પણ મારા નસીબમાં તો હવે એ ઘોડિયું સમાતી નથી.”

ઘણી રકઝક કરી, પણ ચારણ પીગળ્યો નહિ. આખરે હીપાએ કહ્યું કે “ભલો થઈ ને હાલ્ય મારી સાથે. એક ભેંસ આપું.”

“હમણાં નહિ. મારે તાણ પડશે તે દી આવીશ.”

હીપો તૈયાર થયો. ચોરનું માથું ચોટલે ઝાલીને એ ઘોડીએ ચડ્યો. વાંસે વછેરી છૂટી ચાલી આવે છે. વિદાય લેતી વખતે ચારણે હીપાને ચેતવ્યો: “મામા, પાધરો રાજકોટનો મારગ લેજે હો ! કરિયાણે થઈને હાલતો નહિ.”

“ત્યારે તો હવે કરિયાણાની બજાર વચ્ચોવચ થઈને જ હાલવું જોશે, ગઢવા ! તેં ઠીક સંભારી દીધું.”

એમ કહીને હઠાળો જુવાન માર્ગે પડ્યો. હૈયે જરાય થડકાર વિના એ કરિયાણાની બજાર સોંસરવો પડ્યો. જીવા ખાચરની ડેલીએ બેઠેલા દાયરાએ એને આવતો ભાળતા જ સહુની આંખ ફાટી રહી. બન્ને ઘોડીઓ એકબીજાનાં મોં ચાટતી ચાટતી રમતી આવે છે. અને હીપાના હાથમાં સાલેભાઈ જતનું લોહી ટપકતું માથું લટકે છે.

“હવે આદમીએ આદમીને માર્યો એમાં લોહી ત્રબકતું માથું લઈને શું હાલ્યો આવે છ ?” ખાચરે કહ્યું.

“કોઈની આંખમાં રાઈ આવતી હોય તો એ.. આ લ્યો, બા !” કહીને હીપાએ માથાનો ઘા કર્યો. માથું દાયરા વચ્ચે જઈ પડ્યું.

“લ્યો, બા, ઈ માથું, અને ઘડ જોતું હોય તો પડ્યું છે સાલેમાળની ધારમાં : બાળો કે દાટો. અને મારું નામ છે હીપો ખુમાણ : બાપનું નામ રાવત ખુમાણ : રહું છું નાનું રાજકોટ : વેર વાળવા આવવું હોય તો હાલ્યા આવજો.”

બેય ઘોડીઓને નાટારંભ કરાવતો કાઠી ચાલ્યો ગયો, અને ગામ એની પાછળ મીટ માંડીને જોતું રહ્યું. 

હીપો પછાડે હાથિયાં, પટાઘર પ્રાંચળ,
ગજ ભાંગી લોળા ગળે, લાંઘણિયો લાંકાળ.

[કમ્મરની પાતળી લાંકવાળા ભૂખ્યા કેસરી સિંહ-શો હીપો ખુમાણ પોતાની ભુજાઓ વડે હાથી સરખા શત્રુઓને પછાડે છે.]

અઢાર વરસના જુવાન હીપાને આજ બીજાં ચાલીસ ચોમાસાં વીતી ગયાં છે. રૂપાનાં પતરાં હોય તેવા રંગની દાઢી, મૂછ ને માથાના મોવાળા જરાવસ્થાએ આવીને રંગી નાખ્યા છે. એને ઘેર બે દીકરા છે : એક સૂરગ અને બીજો ચાંપો. બેય છોકરાને પણ આવતી જુવાની છે. સાવઝના તો સાવઝ જ પાકે એ કહેવત સૂરગ-ચાંપાએ સાચી પાડી છે.

એમાં ઈશ્વરે બુઢ્ઢાને માથે કાળી વાદળીની છાયા ઢાળી. ગારિયાધાર ગામ પાલીતાણા રાજને કબજે છે, એ ગારિયાધારમાં નાના રાજકોટ ગામના સીમાડા ઉપર હીપો ખુમાણ પંદર સાંતીની જમીન ખાતો. એમાં પાલીતાણાના ઠાકોર પ્રતાપસંગજીની નજર પડી. હીપો સમજે છે કે એ જમીન મારી ગરાસની છે.

તે દિવસ અંગ્રેજ સરકારની આવતી જુવાની : સોનગઢની કચારીમાં આ તકરારનો મુકરદમો ચાલ્યો. ગારિયાધારના વાણિયા નરસી પીતામ્બરવાળા, કે જે વરસોવરસ આ જમીનના પાકનો તોલવહીવટ કરી પાલીતાણાને અને હીપા ખુમાણને એ નીપજ વહેંચી દેતા, એ વાણિયાની સાક્ષી પુછાઈ.

“તમે આ જમીનની નીપજનો તોલ કરી પાલીતાણા દરબાર અને હીપા ખુમાણ વચ્ચે વહેંચી દેતા ?”

“હા, સાહેબ.”

“એ વરસોવરસના વહીવટનો ચોપડો છે ?”

“ના, ચોપડામાં હિસાબ મંડાતો નહિ. મોઢેથી જ વેંચી લેવાતું.”

વાણિયાએ કૂડી સાખ પૂરી. જાણી જોઈને વાણિયો બનાવટી સાહેદ હોય એવો દેખાણો. અદાલતે એ જમીન પાલીતાણા દરબારની ઠરાવી. હીપા ખુમાણના હાથમાંથી એ જમીન છૂટી ગઈ.



“હીપા ખુમાણ ! વિચાર કરો. આ અંગ્રેજ સરકારની આવતી બાદશાહી : એકલું પાલીતાણું જ નથી, પણ આ સૌ રાજાઓની ભીંસ થાશે. અને એ તો સમદરનાં પાણી. ઝીંક ઝલાશે, આપા ?”

હેતુમિત્રોએ હીપા ખુમાણને બહારવટે નીકળતાં અટકાવવા માટે આવી રીતે સમજાવવા માંડ્યું.

“હું તો બીજું કાંઈ ન જાણું, મારે તો પાલીતાણા દરબારગઢની દેવડી વચાળે જ મારો રણસગો મંડાવવો છે.”

“પણ મરી મટવાથી શો લાભ ખાટવો છે, આપા હીપા ?”

“એવો હિસાબ તો આવડ્યો નથી. અને હવે પળિયાં આવ્યાં, હવે આવડશે નહિ. કહો, ભાઈ સૂરગ, ભાઈ ચાંપા, તમારો શો મત છે ?”

“અમે તો, બાપુ, જમીન પાછી ન મળે ત્યાં સુધી રાજકોટનું પાણી અગરાજ કરીને જ બેઠા છીએ.”

“ત્યારે પછી હવે શીદ તરશે મરવું ?”

બેય દીકરાને લઈ બાપ બેઠો થયો. હથિયાર-પડિયાર બાંધી, ઘોડીઓ રાંગમાં લઈ, બહાર નીકળી પડ્યા. પંદર જણાની એક નાની ફોજ ઊભી કરીને પાલીતાણાનાં ગામડાં ધમરોળવા માંડ્યાં. દરબારે હીપા ખુમાણના ગામ ઉપર થાણું બેસાડ્યું.

માહ મહિનો ચાલ્યો જાય છે. પણ પાલીતાણાની સીમમાં ઘઉંની વાડીઓ ઉજ્જડ પડી છે. કોસ જોડવા કણબીનો દીકરી કોઈ આવતો નથી. વાડીએ વાડીના કૂવા સૂનકાર છે.

એ ટાણે હીપા ખુમાણ પોતાની ટુકડીને લઈ ધામળાની સીમમાં ઘોડાં ફેરવે છે. પાસે નાણું નથી રહ્યું.

“ભાઈ સૂરગ, ભાઈ ચાંપા, ખરચીખૂટ બનીને બા’રવટાં નહિ ખેડાય. અને ગારિયાધારને માથે પડ્યા વગર સોનામોરુંના ખડિયા નહિ ભરાય.”

“સાચું, બાપુ !” સૂરગ બોલ્યો : “અને નરસી પીતામ્બરવાળાએ જ આપણો રોટલો રઝળાવ્યો છે. એટલે એની પાસે જ ખરચી માગીએ.”

સાથે એક શુકન જાણવાવાળો હતો. એણે કહ્યું : “બાપુ, આ ગઈ રાતે મહા મહિનાનું માવઠું થયું છે, અને આપણે માથે અણગળ પાણી પડ્યું છે. એટલે દેખીપેખીને અપશુકનનાં પગલાં શીદ ભરીએ ?”

“અરે ભાઈ, ક્યાં આપણે લગ્ન કરવાં છે તે શુકન-અપશુકન જોવા બેસીએ ? અને મારે આટલાં માણસોને ખવરાવવું શું ? તેમ ગારિયાધાર વગર ખડિયા પણ ભરાય તેવું નથી.”

તે દિવસ સાંજનો પહોર નમતો હતો. બીજે દિવસે ગારિયાધાર લૂંટવાનું નક્કી થયું. હીપા ખુમાણે નાનેરા દીકરાને હુકમ દીધો કે “ભાઈ ચાંપા, તું રાજકોટ જઈને ઘેર ખરચી દઈ આવીશ ?”

“એક શરતે, બાપુ !”

“શું ?”

“કે મારા આવ્યા પહેલાં ગારિયાધાર ઉપર જો તમે જાઓ તો અમને આપા દેવાનું દેવસું !” દીકરાએ સંત દેવાના સોગન દીધા.

“ભલે, બા, જા, વે’લો વળી નીકળજે.”

રૂપિયા આપવા ચાંપો બરાબર દીવાટાણું વીત્યા પછી ગામમાં પહોંચ્યો. અઢાર વરસના દીકરાના દીકરાને આટલી રઝળપાટ પછી ઘેર આવેલ દેખીને એની માં ને એનાં ફુઈ ઘેલાં ઘેલાં થઈ ગયાં. ફુઈ સમાચાર પૂછવા લાગ્યાં : “બાપ ! તારા બાપુને પંડ્યે સુવાણ છે ? મોટો ભાઈ મૂંઝાતો નથી ને ?”

એવા એવા સવાલો કરે છે, ત્યાં થાણાવાળો સિપાઈ આવ્યો. આવીને કહે : “ફુઈ, આ છાલિયામાં કઢી આપો તો ! અને મે’માન કોણ આવેલ છે ?”

“ઈ તો મારી બેનનો દીકરો છે.” એમ કહીને ચાંપાની માએ ચાંપાની વહુને કહ્યું: “લે, દીકરી, આ છાલિયામાં જમાદાર સારુ કઢી લઈ આવ્ય.”

ચતુર નારી સમજી ગઈ. ઓરડામાં જઈ ને એણે તાપણામાંથી ડોલરના ફૂલ જેવું ધોળું ઘી તાંસળીમાં ભર્યું. તાંસળી એણે સિપાઈના હાથમાં દીધી : “લ્યો જમાદાર, કઢી.”

સિપાઈએ અંધારી રાત્રે તાંસળીમાં સફેદ ઘી ચળકતું દીઠું. સિપાઈનું મોઢું ભાંગી ગયું. એણે વગરપૂછ્યું કહ્યું કે “ફુઈ, જે મે’માન હોય તે રાત ભલે રોકાય, પણ સવારે વે’લું ગામ મેલી દ્યે એટલું કરજો, નીકર અમારો રોટલો તૂટશે.”

“સારું, માડી !”

એમ સિપાઈનું મોં ભાંગીને આઈ દીકરાને સમજાવવા લાગ્યાં કે “ચાંપા, આજની રાત વિસામો લઈને પછી ભળકડે ચડી જાજો, ભાઈ !”

“ના, માડી, હું રોકાઈશ તો નહિ. ઘરનું પાણી મોંમાં મેલાય તેમ નથી, એટલે હવે ચીંથરાં ફાડશો મા.”

ઘણું ઘણું મનાવ્યો, પણ ચાંપો બદલ્યો નહિ.

“ઠીક, ભાઈ, પણ ઘરમાં જઈને તારા બાપુની બરછી તો લેતો જા, સજાઈને આવી ગઈ છે.”

માતાના મનમાં આશા છે કે ઓરડાની અંદર ચાંપાની આણાત વહુ ઊભી છે, એનો રોક્યો ચાંપો રોકાઈ જશે.

ચાંપો અંદર ગયો. સામે જ તેમના ખંભ સરીખી નવજોબનવંતી નારી ઊભેલી દીઠી.


કોણ દેવળરી પૂતળી, કોણે તને ઘડી સોનાર ?
કયા રાજાની કુંવરી, કોણ પુરુષ ઘરનાર ?

અરે

નૈ દેવળરી પૂતળી, નૈ મને ઘડી સોનાર,
અસૂરો રેવત ખેલવે, એ પુરુષ ઘરનાર.

એવા અસૂરી વેળાએ ઘોડા ખેલવનાર વીરનું ઓઢણું ઓઢનારી કાઠિયાણીએ કંથને ભાળી, બે ઘડી બેસીને વાતો કરવા આવ્યો હશે એમ સમજી ઢોલિયો ઢાળ્યો.

“કાઠીની દીકરી છો ?” ચાંપાએ ત્રાંસી આંખે ઠપકાનાં વેણ કાઢ્યાં : “અટાણે ઢોલિયો ? ખબર નથી, હું બા’રવટે છું ?”

“ભૂલ થઈ. મને એમ કે બે ઘડી બેસશો.”

બોલતાં બોલતાં બાઈના બેય ગાલે પ્રીતની લાલ ટશરો ફૂટી નીકળી. પાંપણ જરા પલળી ગઈ.

“ઠીક, કઠિયાણી ! બા’રવટું તો હવે વે’લું પૂરું થાશે તો તો સાત-સાત જન્મારાની ભૂખ્યું ભાંગશું, નીકર જીવ્યામૂઆના જુવાર...”

એટલું વેણ ચાંપાના ગળામાં ડૂબી ગયું. અને ખોંખારો ખાઈ ચાંપો ઘોડે ચડ્યો. માતા, ફુઈ અને ઘરની નારી નીરખી અસૂરી રાતે અંધારામાં એકલો વળાવીને મા આભનાં ચાંદરડાં સામે શૂન્ય મીટ માંડીને થંભી ગઈ. ઓરડામાં કાઠિયાણીએ ઢોલિયો ઢાળ્યો હતો તે ઉપાડીને પોતે હાથમાં માળા લઈ ખૂણામાં બેસી ગઈ.

સવારે મહારાજે ઉદયાચળનાં શિખર ઉપર કોર કાઢી. તે વેળાએ ચાંપો ખુમાણ પિપાવાડીએ પહોંચીને બાપુને જઈ મળ્યો. હેડી હેડીના ભાઈબંધો પોતપોતાનું નોખનોખું કૂંડાળું કરી કાવાકસુંબા લઈ રહ્યા હતા તેમાં પોતાની વડ્યેવડ્ય ગોતીને ચાંપો પણ બેસી ગયો. માટીના થર વળી ગયા છે, બુકાની છોડીને એણે પાણી વતી મોં વીંછળ્યું.

“એ બા ! ચાંપાભાઈને જરા કસુંબો સમાયેં લેવરાવજો હો ! ઘરે જઈને આવે છે !” એમ એક ભાઈબંધ મર્મ કર્યો.

“જરા વિચારીને વેણ કાઢજો હો, ભાઈ !” ચાંપે નીચે મોંએ બોલીને હાંસીને તોડી : “હું બા’રવટે છું, અને ઘેર તો ખરચી દેવા ગયો હતો, એટલું ભૂલશો માં.”

મિત્રો ચેતી ગયા. મશ્કરી બંધ પડી. દાયરામાં એક ઠરાવ થયો કે સાંજે દીવે વાટ્યો ચડે તે વેળા ગારિયાધારને માથે ત્રાટકવું, કેમ કે બહારવટિયાની ખોટી બાતમી મળવા પરથી તે દિવસે ગારિયાધારની ફોજ બીજી દિશામાં જવાની હતી.

"સૂરગ, તું દસ જણને લઈ નરસી પીતામ્બરની દુકાનો માથે ચડી જા. હડફા તોડીતોડીને ખડિયા ભરવા મંડો અને હું, ચાંપો, અમે બધા દરબારગઢ ઉઘડાવીએ.” એમ હીપા ખુમાણે માણસો વહેંચી નાખ્યાં ને પોતે દરબારગઢને દરવાજે લટકતી તોતિંગ સાંકળ ખખડાવી.

“મેરજી જમાદાર !”

“કોણ બાપુ, હીપો ખુમાણ ?” અંદરથી ચોકીદારે સાદ ઓળખ્યો : “આવી પોગ્યો, બાપુ ?”

“હા, મેરજી ! હવે ઝટ બા'ર નીકળો.”  “એ નીકળું છું, બાપ ! હવે કાંઈ થોડો બેઠો રહીશ ?”

થોડીક વાર થઈ, બજારમાં લૂંટફાટનો ગોકીરો જાગી ઊઠ્યો. મેરજીને કાંઈક વખત લાગ્યો.

“કાં, મેરજી ! જીવ કાંઈ ઓળે છે ગરે ?”

“ના, બાપુ, અટાણે મેરજીનો જીવ ઓળે થોડો ગરે ?” અંદરથી જવાબ આવ્યો: “અટાણે તો લેખે ચડી જાવાનું ટાણું કે’વાય.”

“ત્યારે ?”

“આ એક નાનો બાળ્યકો મને ઝાલી રાખે છે, બાપુ ! એને ધક્કો દેતાં જીવ પાછો પડે છે.”

“એયે ભલે ને બહાર રમવા આવે !”

દરબારગઢનો દરવાજો ઊઘડ્યો, અને બે જણ બહાર નીકળ્યા : એક આઠ વરસનો દીકરો છે, એના હાથમાં નાની એવી તરવાર (નીમજો) છે : અને બીજો એંશી વરસનો બુઢ્‌ઢો મેરજી જત છે, જેને ખભે બંદૂક છે. દાઢીમૂછ રૂની પૂણી જેવાં સફેદ થઈ ગયાં છે.

છોકરો નાનકડી તરવાર લઈને કૂદ્યો, અને સાંઢિયા તેમ જ ઘોડાને પગે ઝાટકા મારીમારીને ચસકા કરવા લાગ્યો. મરજીએ ખભેથી બંદૂક ઉતારી.

“મેરજી !" હીપો ખુમાણે હાકલ દીધે : “પે’લો ઘા તમારો.”

“બાપુ, મારો ન હોય !”

“બુઢ્ઢા છો, કરો ઘા.”

વહેલા એ પહેલા અને ભૂલે એ ઘેલા, એમ વિચારીને મેરજીએ બંદૂકના કાન ઉપર જામગરી ચાંપી. અંધારે હીપા ખુમાણની ઘોડી ઉપર એંધાણ માંડીને ગોળી છોડી.

ગોળી ક્યાં ગઈ ? હીપા ખુમાણની ઘોડીના કાઠાની મૂંડકીમાં ભટકાઈ ખણિંગ કરતી ગોળી બીજી બાજુ ગઈ અને ચાંપો ખુમાણ ઊભો હતો તેના પડખામાં પેસી, લોહીમાં નાઈધોઈ, ધ્રોપટ બીજે પડખે થઈને નીકળી ગઈ. ચાંપાને બંને પડખે લોહીનાં પરનાળાં મંડાયાં. તત્કાળ ચાંપે હાથ ઊંચો કરી, પડખે ખોરડું હતું તેને નેવેથી એક નળિયું ખેંચી, તોડી, બે ચીપો બન્ને બાજુના ઘા ઉપર મૂકી દઈ પોતાનો ફેંટો કસકસાવીને તેની ઉપર બાંધી દીધો. અંધારે કોઈએ દીઠું નહિ.

“મેરજી ! ગોળી ખાલી ગઈ !” હીપા ખુમાણે હાસ્ય કર્યું.

“બાપુ ! મારી ગોળી ખાલી જાય નહિ. મારો હાથ ઠર્યો છે ને ? જિંદગાનીભર કદી ખાલી નથી ગઈ ને આજ છેલ્લી વેળા મને ભોંઠો પાડશે ?”

“ફિકર નહિ, મેરજી. ફરી ઘા કરો.”

“હોય નહિ, બાપુ ! મેરજી બીજો ઘા કોઈ દી ન કરે.”

“આ લે ત્યારે, કર સદ્‌ગતિ !” કહીને હીપા ખુમાણે મેરજી જમાદારને ભાલે વીંધ્યો. બીજી બાજુ લૂંટ પૂરી થઈ.

ચાંપો બોલ્યો : “બાપુને ગારિયાધારના ખડિયા ભરવા’તા, તે ભરાઈ ગયા. હવે હાલો ઝટ, અસવાર પાલીતાણે પહોંચી ગયો હશે, અને હમણાં ફોજ આવી પડશે.”

બહારવટિયાએ સાણાના ડુંગર ભણી ઘોડાં હાંકી મેલ્યાં.

માર્ગે ખડિયામાં સોનામહોરો અને બાબીશાહી રૂપિયા ખખડતા આવે છે, હવે ક્યાંય લૂંટવા જવું નહિ પડે એવા હરખના દીવા ટમટમતા અદૃશ્ય થાય છે.

ફક્ત ચાંપો ખુમાણ વારેવારે સૂરગની પાસેથી પાણી માગી માગીને પીતો આવે છે.

બહારવટિયાઓ ધાંતરવડી નદીને કાંઠે, મોટે ભળકડે આવી પહોંચ્યા ત્યારે ચાંપે ફરી કહ્યું: “ભાઈ, પાણી દે ને !”

“એલા, આટલું બધું પાણી કેમ પી છો ?"

“અમથો.”

“બાપુ ! ચાંપોભાઈ વારે વારે પાણી માગતો આવે છે !”

“કેમ, ચાંપા ?” હીપાએ પૂછ્યું.

“ઈ તો મારાથી કાલ સાંજે કસુંબો વધુ પડતો લેવાઈ ગયો’તો એટલે.” બોલતાં ચાંપાનો સ્વર તૂટતો આવે છે.

એટલું પૂછતાં તો બાપની નજર ચાંપાના શરીર પર બરાબર પડી, ને બાપ ચમક્યો.

“એલા, આ શું ? ફેંટો કેડ્યે બાંધ્યો છે, ને ફાળિયું માથે કાં બાંધ્યું છે ?”

“કાંઈ નહિ, બાપુ ! હાલો ઝટ સાણા ભેળા થઈ જાવ.”

“અરે, કાંઈ નહિ શું – કપાળ ? ઓલ્યો મેરજી બોલ્યો’તો કે એનો હાથ ઠર્યો છે ! નક્કી, એની ગોળી તને ચોંટી, લે, છોડ્ય ફેંટો.”

“બાપુ, એમ ફેંટો ન છોડાય. અને ઝટ સાણા ભેળા થાવ. વાંસે વાર પહોંચી સમજજો.”

બાપે ન માન્યું ને હઠ પકડી.

“ઠીક લ્યો ત્યારે, બાપુ, કાઢો કમાણી ! એટલું બોલીને ચાંપાએ પેટ ઉપરથી ફેંટાનો બંધ ઉખેળ્યો. ઉખેળતાં જ આંતરડાંનો ઢગલો બહાર પડ્યો અને ત્રણ આંચકા ખાઈને ચાંપાએ બે હાથ જોડતાં જોડતાં પોતાના પ્રાણ છોડ્યા.

પે’લા જુવાર મારા દાદાજીને કે’જો,
હોકલિયાનો ભરનારો દીકરો તારો ત્યાં રહ્યો !

બીજા જુવાર મારી માતાજીને કે’જો.
ઘડપણનો પાળનારો બેટડો તારો ત્યાં રહ્યો !

ત્રીજા જુવાર મારી બેનીને કે’જો,
કરિયાવરનો વોરનારો બાંધવ તારો ત્યાં રહ્યો !

ચોથા જુવાર મારી ભાભલડીને કે’જો,
હાંસીનો હસનાર દેવર તારો ત્યાં રહ્યો !

પાંચમા જુવાર મારી પરણેતર કે’જો,
ખોળામાં પોઢનારો પરણ્યો તારો ત્યાં રહ્યો !

એવા અણસાંભળ્યા સુરો ગાતો ગાતો જાણે એ જુવાન દીકરાનો હંસલો આકાશમાર્ગે ચાલી નીકળ્યો અને બુઢ્‌ઢો બાપ ફાટી આંખે એ શબની સામે જોઈ રહ્યો.

“બાપુ !” સૂરગે સાદ દીધો : “હવે આંસુ ખેરવા ઊભા રહેવાનું નથી. તમે આ બધા માણસોને લઈ સાણામાં દાખલ થઈ જાઓ. હું ચાંપાભાઈને ઠેકાણે પાડું છું.”

હીપા ખુમાણે અને બીજા બહારવટિયાઓએ કૂચ કરી મેલી અને આંહીં, સૂરગે ચોફાળની ખોઈ કરી, એમાં ચાંપાની લાશ સુવાડી, અને બેય ઘોડીઓ ઉપર ચાંપાની લાશ નાખી, ઘોડીઓને દોરતો દોરતો જોગીદાસ ખુમાણની આંબરડીએ લઈ ગયો. પાદરમાં જ લાશ ઉતારી, એક કાઠી ઊભેલો હશે તેને કહ્યું : “ભાઈ, લાખા ખુમાણને કહેજો કે મારા ભાઈ ચાંપાનું મડદું તમને ભળાવી જાઉં છું. બને તો દેન દેજો, નીકર ઓઘામાં નાખીને ફૂંકી દેજો. મારી વાંસે વાર હાલી આવે છે એટલે હું એનો સગો. ભાઈ થાઉં છું તો પણ જાઉં છું.”

નાનેરા ભાઈની લાશને પારકે પાદર પ્રભુને ભરોસે મેલીને સૂરગ સાણા તરફ ચાલતો થયો અને બીજી બાજુ સૂરજનાં કિરણો ચડતાં તો આંબરડીનો ખુમાણ દાયરો પાદરે આવીને એંશી માણસે હાજર થયો. સમાચાર સાંભળીને લાખો ખુમાણ બોલ્યો : “અરે વાત છે કાંઈ ? ચાંપા ખુમાણ જેવા કાઠીને ઓઘામાં ફૂંકાય ! લ્યો ઝોળી, દરબારગઢમાં ડેલો કરવો છે."[]

ઢોલિયા ઉપર ચાંપાના શબને સુવાડી, ઉપર કિનખાબ ઓઢાડી, ચાંપાને દહન કરવા આંબરડી ગામનું નાનુંમોટું પાંચસો માણસ નીકળ્યું. સહુ સ્મશાને પહોંચ્યા છે, ચિતા ખડકાય છે, ચાંપા સરખો વીર મર્યાનો વિલાપ ચાલે છે, ત્યાં પાલીતાણાની વારે સ્મશાનને વીંટી લીધું.

“લાવો અમારા ચોરને !” જમાદારે પડકારો દીધો.

“ભાઈ જમાદાર!” લાખા ખુમાણે મક્કમ અવાજે ઉત્તર દીધો : “તમારો ગુનેગાર તો એનો જીવ હતો, એનો દેહ નહિ. એ ગુનેગાર તો હવે ચાલ્યો ગયો છે. તેમ છતાં પણ જો તમારે મન હોય તો થાવ તૈયાર. અમે છીએ એટલા કપાઈ જઈએ. પછી ખુશીથી તમારા ચોરને પાલીતાણે લઈ જજો.”  “ના, ના, અમે લડવા નથી આવ્યા. અમારે તો દરબાર સાહેબનો હુકમ છે કે પાલીતાણાને ખરચે ચાંપા ખુમાણને દેન દેવું છે, માટે માગણી કરીએ છીએ.”

“તો પછી આંહીં પણ પાલીતાણાનો જ પ્રતાપ છે. આભડવા આવ્યા હો તો ઊતરો હેઠા.”

પાલીતાણાની ફોજે પણ ફાળિયાં પહેરી આભડવામાં ભાગ લીધો. એ રીતે ચાંપો ખુમાણ પોતાની આણાત કાઠિયાણીને છેલ્લા જુવાર કરીને પોઢી ગયો.


સાણાને ડુંગરે હીપાને ચિત્તભ્રમ ઊપડ્યો છે. ગારિયાધારની લૂંટનો તમામ માલ વહેંચી દઈને પોતાની સાથેના પગારદારોને હીપા ખુમાણે રજા આપી દીધી છે. બાપ અને દીકરો બે જ, માણસના પ્રેત જેવા, ડુંગરે ડુંગરમાં આથડે છે. બેમાંથી કોઈ કોઈની સાથે બોલતું નથી.

ચોક-હાથસણીના વંકા ડુંગરામાં એક રાતે બાપ-દીકરો છાનામાના સૂતા છે. અંધારે જેટલાં ઝાડવાં એટલા ચાંપા દેખાય છે. જેટલા ડુંગરા એટલી ચિતાઓ બળે છે. ઝાડની ડાળીઓ પવનને સુસવાટે કડકડ અવાજ કરે છે.

એ વખતે હીપો ઊઠ્યો સૂરગની પથારી સામે નજર કરી. લપાતો લપાતો પોતાની ઘોડી છોડી અસવાર થઈ ચાલી નીકળ્યો. સૂરગ પણ ક્યાં સૂઈ ગયો હતો ? એ પણ ઊઠ્યો, ચડ્યો ઘોડીએ, અને બાપની પાછળ થોડું થોડું છેટું રાખતો ચાલ્યો.

ચાલ્યા જાય છે, બસ ચાલ્યા જાય છે, આખી રાત ચાલ્યા જ જાય છે. ઘોડીઓ પણ પોતે ક્યાં જાય છે તેની કશી ગમ વગર, ખોંખારો ખાધા વગર ચાલી જાય છે.

ભળકડું થયું ને અસવારો શેત્રુંજાની ઓથમાં પહોંચ્યા. ઘેટી અને પાલીતાણાની વચ્ચે ઘોડીઓ ચાલી જાય છે. પાલીતાણાના ગઢકાંગરા દેખાય છે, તોપણ હીપો અટકતો નથી. એટલે પડખે ચડીને સૂરગે બાવડું ઝાલ્યું. હાથ હડબડાવીને પૂછ્યું : “આમ ક્યાં જાઓ છો ?”

“તું કેમ આવ્યો ? તારું કામ નથી. પાછો જા !”

“અરે, બાપુ, પાછો તે શે મોંએ જાઉં ? પણ આમ તો જુઓ ! પાલીતાણાનો દરબારગઢ કળાય. હમણાં વાર વીંટી લેશે.”

“મારે પણ દરબારગઢનું કામ છે.”

“શું કામ છે ?”

“ગઢની ડેલી વચ્ચે મારો રણસંગો મંડાવવો છે.”

“ઠીક, હાલો.”

અંધારામાં બેઉ અસવારો જઈને પાલીતાણા ગઢના બંધ દરવાજા પાસે ગઢની ઓથ લઈ ઊભા છે. ત્યાં ડેલીએ સવાલ-જવાબ સાંભળ્યા.

“એ ભાઈ દરવાન ! ઉઘાડ ને !” બહારથી એક ગાડીવાન મુસાફરી આજીજી કરે છે.

“અટાણે નહિ, દી ઊગવા દે.” અંદરનો સંત્રી કહે છે.

“ભલો થઈને –"

“ના, ભાઈ, તારો બાપ હીપો ખુમાણ ભાળ્યો છે ?”

“આ એક હીપો ખુમાણ સાલો –”

એવી બેચાર ગાળોના શબ્દ સાંભળતાં જ સૂરગે છલંગ દીધી. તરવારનો એક ઝાટકો, અને ગાડીવાળાનું શિર ઉપાડી લીધું. ગોકીરો થયો. દરવાજા ઊઘડ્યા, બીંગલ ફૂંકાણું. ચડો ! ચડો ! ચડો ! એવા ચસકા થયા.

હીપો અને સૂરગ ભાગ્યા.

“સૂરગ ! તેં ગજબ કર્યો ! મારું મૉત બગાડ્યું ! મારે આજ મરવું હતું તે સાચું, પણ પાલીતાણાના દરબારગઢની ડેલી વચ્ચે મારો રણસંગો મંડાવવો હતો. પાલીતાણાનો ટીંબો તપે ત્યાં સુધી મારે એની છાતી માથે ઊભા રહેવું હતું. બાપ સૂરગ ! બહુ અધીરો થઈ ગયો ! આજ આપણે કૂતરાને મોતે મરવું પડશે, ભાઈ !”

સૂરગના મનમાં પણ વિમાસણનો પાર ન રહ્યો. બન્ને અસવારો પૂર પાટીએ ઘોડીઓ ફેંક્યે જાય છે અને પાછળ પડકાર કરતી વાર લગોલગ આવી પહોંચી છે. ચાર-પાંચ ગાઉનો પંથ કાપ્યો ત્યાં શેત્રુંજી આડી પડેલી દીઠી. જ્યાં જુઓ ત્યાં બબ્બે ને ત્રણ-ત્રણ માથોડાં ઊંચી ભેખડો ! ઊતરવાનો ક્યાંયે આરો ન મળે. પણ રસ્તો શોધવાનો સમય ક્યાં હતો ? વાંસે મૉત વહ્યું આવતું હતું !

ખબોખબ ! બેય ઘોડીઓ કૂદીને નદીના પટમાં પડી. પાછળ વારના અસવારો પણ ખાબક્યા. સૂરગે સામી ભેખડે જઈને ઘોડી ચડાવી. એની ઘોડી તો ભાથામાંથી તીર જાય તેમ ભેખડ ઉપર ચારેય પગે પહોંચી ગઈ. પણ હીપાની ઘોડીના બે ડાબલા કાંઠા ઉપર મંડાતાં જ ભેખડ ફસકી. હીપો પડ્યો. હીપા ઉપર ઘોડી પડી અને ઘોડી ઉપર ભેખડનું મોટું ગાદળું પડ્યું : કચરાઈને હીપાએ ત્યાં ને ત્યાં પ્રાણ છોડ્યા.[]

અસવારો એની લાશને ઉપાડીને પાલીતાણે લઈ ગયા. ઠાકોર પ્રતાપસંગજીને હીપાના મૃત્યુની ખબર પડતાં પોતે બહુ કલ્પાંત કર્યું : "અરે જમાદાર ! મેં બહારવટિયાઓને જીવતા ઝાલવાનું કહ્યું’તું ને તમે બેય વાર બાપ-દીકરાને ઠાર માર્યા ?”

“અન્નદાતા ! અમારો દોષ નથી. અમે જીવ નથી લીધો. બેય પોતાના મોતે મર્યાં છે.”

હીપા ખુમાણનું કારજ બે ઠેકાણે થયું : એક નાનું રાજકોટ : બીજું પાલીતાણામાં રાજ્યને ખરચે.

હીપાની હાકલમાં, ખંભાતી ખખડી જાય,
તારું જે રાવતણા, વહરુ વેર કે’વાય.

[હીપો ખુમાણ એક હાકલ કરે ત્યાં તો શત્રુઓના ઘરના પટારાનાં ખંભાતી તાળાં ખખડી જાય. હે રાવત ખુમાણના પુત્ર, તારું વેર તો વિકરાળ હતું.]


🐦🙕❀🐦🙕❀🐦

  1. 1. શબને સ્મશાને લઈ જવાની કાઠી કોમની આ વિધિને ‘ડેલો કરવો’ કહે છે.
  2. 1. બીલા ખૂંટવાડાની સીમમાં વાળાકી ડુંગર છે એનું નામ હીપાનો ડુંગર : એ ડુંગર ઉપર હીપા ખુમાણની દેરી છે.