પરકમ્મા/સજણાં
← રીસાળુ અને ફૂલવંતી | પરકમ્મા સજણાં ઝવેરચંદ મેઘાણી |
‘ઓળીપો’ની વાતોનાં બીજ → |
અત્યારે તો ઊઘડો ‘સાજણ’ના ટાંચણ–પાનાં ! સજણને (સ્વજનને) સાચાં ખોટાં પરખી કાઢો–કોઈ ‘ચૂડ વિજોગણ’ નામની સ્ત્રીકવિનાં આ ખંડિત છતાં પૂર્ણ અર્થવાહક પ્રેમપદોમાંથી :—
(દુહા–છકડીઆ)
૧
સજણ એવાં કીજિયેં જેવી લટિયર કેળ;
દૂધમાં સાકર ભેળિયેં કેવોક લિયે મેળ.
કેવોક લિયે મેળ તે સળી ભરી ચાખિયેં,
વાલ સજણાંને પાડોશમાં રાખિયેં.
ચંપે તે મરવે વિંટાણી નાગરવેલ.
ચૂડ કે’ સજણ એવાં કીજિયેં જેવી લટિયર કેળ.
સ્વજનની શોધ કરનાર સંસારી ! તને ચૂડ વિજોગણ નામની કોઈક જખ્મી, કોઈક દાઝેલી, કોઈક સ્વાનુભવી લોકનારી પ્રણય કરવાની જુક્તિ બતાવે છે. સ્વજન એવું શોધજે, કે જે ઝુકેલી લુંબઝુંબ કેળ જેવું હોય. દૂધમાં જેવી સાકરની મિલાવટ થાય, તેવી તારા ને એના બેઉના પ્રેમની મિલાવટ કરજે ને પછી, પ્રથમ તો જરાક, લગરીક, સળી બોળીને જ ચાખી જોજે કે બેઉએ કેવોક મેળ લીધો છે. ઘૂંટડો કે કટોરો ગટગટાવવાની ઉતાવળ કરીશ ના પ્રેમી ! સળી ભરીને જ પરીક્ષા કરજે એના સ્વાદની. ને પછી :
૨
સજણ એવાં કીજિયે જેના તંબોળવરણા હોઠ,
છેટેથી લાગે સોયામણાં, જાણે કાઠા ઘઉંનો લોટ.
કાઠા ઘઉંનો લોટ તે ચાળણીએ ચાળિયેં
તેમાં દૂધ સાકર લૈ લાડવા વળાવિયેં.
કરવી લડાઈ ને પાડવો કોટ,
ચૂડ કે’ સજણ એવાં કીજિયેં જેના તંબોળવરણા હોઠ.
અને સ્વજન કેવાં ન કરવાં ?–
૩
બે બે બોલાં સજણાં નવ કીજિયેં જેનો સો ઠેકાણે હોય સાસ,
ખૂટલ સજણાંને કાંઉ ખવરાવિયેં, જેના પંડમાં પીતળનો પાસ.
પંડમાં પીતળનો પાસ
તે સોનીએ જૈ મુલાવિયેં
ભારણ હૈયે ને હળવાં થાયેં
***
ચુડ કે’ બેબેબોલાં સાજણાં નવ કીજિયેં
જેના સો સો ઠેકાણે હોય સાસ
‘બેબેબોલાં સજણાં, જેનો સો સો ઠેકાણે શ્વાસ’ – અનિશ્ચલ, ચંચળ, બેવફા, એકને છેતરી અનેક સાથે પ્રીતિ કરનાર, એવાં પ્રેમિકાને માટે તો આ લોકવાણીના પ્રયોગ–‘જેના સો સો ઠેકાણે શ્વાસ’ – તમને તાકતદાર નથી દેખાતો ? આપણી ભાષાને ચોટદાર બનાવતો નથી દેખાતો ? અરે હજુ વિશેષ સાંભળો જુદાં પ્રેમીજનની પિછાન —
૪
પતળેલ સજણાંની પ્રીતું ન કરિયેં જેનો બદલેલ હોય બાપ;
ચેરો થાય આપણી નાતમાં અને ઉલટો કરે સંતાપ,
ઉલટો કરે સંતાપ તે સહિયેં
ને રાજા જે દંડ લ્યે તે દઈએ
પિવાડવું દુધ ને ઉછેરવો સાપ
ચૂડ કે’ પતળેલ સજણાંની પ્રીતું ન કરિયેં
જેનો બદલેલ હોય બાપ.
લોક–પ્રેમિક પોતાના અંતર્જામીને સમજ આપે છે, મૃદુતાથી, વિવેકથી, વહાલપથી :—
૫
સાંભળ માયલા સાજણા ! કુડો ને કળજગ જાય;
એકથી લગાડીએં પ્રીતડી તો લાલચ બીજે થાય.
લાલચ બીજે જાય તે ખોટી
સાચી રીત ઘરની અસ્ત્રીથી મોટી.
વંશ વધે, વાલપ ઉપજે, ને કહ્યું પોતાનું થાય
ચુડ કે’ સાંભળ માયલા સાજણા ! કુડો ને કળજગ જાય.
પતિવ્રતની કે પત્નીવ્રતની ધાર્મિક વાતોથી નહિ, વ્યવહારુ વાતોથી ‘માયલા સજણા’ને કવિતા વફાઈ શીખવે છે ‘વંશ વધે, વાલપ ઊપજે, ને કહ્યું પોતાનું થાય.’ એવા ત્રેવડા લાભ કાજે ઘરની નાર પ્રત્યે એકનિષ્ઠા પ્રબોધાય છે. ને સૌંદર્યની મૂર્તિ આલેખાય છે—
૬
સાજણ નીકળ્યાં બજારમાં પેરી ઝાંઝરની જોડ;
ઉરે બિરાજે આભલાં, હૈયે ટંકાવેલ મોર.
હૈયે ટંકાવેલ મોર તે ઝળકું કરે,
વાલાં સાજણનાં નેણલાં ઢળકું કરે.
ગલાબનાંફુલ હોય રાતાં ચોળ
ચૂડ કે’ સાજણ નીકળ્યાં બજારમાં પેરી ઝાંઝરની જોડ.
લોકવાણીમાં આલેખાયેલ રૂપ કદી પણ static–ગતિવિહીન–દીઠું છે ? નહિ, ગતિ તો રૂપનો પ્રાણ છે. અને ‘ઉરે બિરાજે આભલાં, હૈયે ટંકાવેલ મોર’–એ દૃશ્ય તમે દીઠું છે ? કાચના ચાંદલા ભરેલું કાપડું, એમાં યે પાછું મોરાકૃતિનું હીર–ભરત છાતી માથે : એ મોરલા ઝળકું કરે ને નયણાંનાં ભમ્મર ઢળકું કરે ! વાહ રે સોરઠી સજણાં !
એવાં સ્વજનની પ્રણયઝૂરતી સૂરત પણ નથી વિસરાઈ—
૭
સાજણ સેજે દૂબળાં, લોક જાણે ઘર ભૂખ !
સમદર જેવડી સારણ્યું, અને ડુંગર જેવડાં દુઃખ.
ડુંગર જેવડાં દુ:ખ તે કેને દાખિયેં ?
રદાની વાતું અમે રદામાં રાખિયેં.
પીપળ પાન ગૂંગળાં … … … … … … … …
ચૂડ કે’ સાજણ સેજે દૂબળાં, લોક જાણે ઘર ભૂખ.
સ્વજન શાથી દૂબળાં દેખાય છે ! લોકો માને છે કે ઘરમાં ખાવા અન્ન નથી. પણ ખરી રીતે તો હૃદયમાં સમુદ્ર જેટલી ઉંડી સરણીઓ પડી ગઈ છે ને ડુંગર જેવડાં દુ:ખો છુપાયાં છે. પણ એ કોને દેખાડીએ ? એ તો રુદામાં જ રાખીએ.
ગુપ્ત અંતસ્તાપની ગોઠડી કહી નાખી. અને આખરે તો સજણાં ઘડી બઘડીના મીટ–મેળાપ કરીને વહાણે ચડી ગયાં—
૮
વાટ જૂની ને પગ નવો, ચંગો ને માડુજાય !
પકડ હૈયા ! કર પંખડી એનો મીટડીએ મેળો થાય.
મીટડીએ મેળો થાય તે ઘડી બે ઘડી,
વાલીડાં સાજણ ગ્યાં વા’ણે ચડી.
આમાંના કેટલાંક મુક્તકો ખંડિત છે ને છેલ્લો તો ફક્ત બે જ ચરણોનો અધૂરો ટુકડો ટાંચણમાં છે–
સાજણ એવા કીજિયેં, જેવી ગેંડાની ઢાલ,
ઓખી પડ્યે આડી દઈએં, તે અંગને ના’વે આલ !
આફત ટાણે ઢાલ સમું આડું દેવા થાય, એવું સ્વજન શોધીએ હે માનવી !
ખંડિત ટુકડા
ખંડિત બે ચરણોમાં પણ અર્થવ્યંજનાની કશી કચાશ રહી જતી નથી. ખંડિત છે તેનું પણ કારણ છે. ચૂડ વિજોગણનું નામાચરણ તે છેતરામણું છે. એકાદ બે આવા પદ–નમૂના અસલમાં જે હોય છે, તે હોળીના અગ્નિ સન્મુખ પ્રતિવર્ષ મંડાતી સામસામી કાવ્યરમતમાં રજુ થાય છે. પછી તો એ જ નામાચરણને મોજુદ રાખીને, એકઠા મળેલા ‘દુહાગીરો’ નવીનવી શીઘ્ર રચનાઓ મૂળ નમૂનાના ઘાટ મુજબ કરે જતા હોય છે. એમાં ટુકડા પડે છે. એ ટુકડા કંઠસ્થ થયા તેટલા ખરા, બાકીના લુપ્ત બને છે. ચોટાદાર ચરણોના રણકાર લોકસ્મૃતિમાં ઘર કરી રહે છે.
સંશોધનકાર્યની આત્મકથા
નોંધપોથીના ૬૦–૭૦ પાનાં જ હજુ તો ફેરવી શક્યો છું. કહ્યું છે કે બે ત્રણ હજાર પાનાં હશે બધા મળીને; પાને પાને ફરતાં પાછલાં ૨૦–૨૫ વર્ષમાં ભ્રમણ-પ્રદેશોની પુનર્યાત્રા અનુભવું છું. આજ સુધીનાં પુસ્તકોમાં જેનાં પાંખીઆં નથી મેળવ્યાં તે આ બધા ખંડિત અવશેષોને – ભાઈ ઉમાશંકર કહે છે તેમ એ લોકસાહિત્યની વર્કશોપમાં બાકી પડી રહેલા વેરણછેરણ ટુકડાઓને–આત્મકથાની નવી રીતે ઉપયોગમાં લઉં છું. નવા શોધકોને માર્ગદર્શક થાય કે ન થાય, મારા કસબમાં રસ લેનારી વાચક દુનિયાને તો જરૂર મોજ આવશે. મનમાં જામતા મધપુડાનાં છિદ્રે છિદ્રે મધુનો સંચય જે બિન્દુએ બિન્દુએ બન્યો રહ્યો છે તેનું આ બયાન, એ મારી નહિ પણ લોકસાહિત્યના શોધનની આત્મકથા છે.
દાર્શનિક જેઠા રામનો
‘સજણાં’નાં પ્રેમ–મૌક્તિકો : અને એની પડખોપડખ રામસીતાનાં વિરહ–મૌક્તિકો : મથાળે લખેલ છે ‘જેઠીરામના છકડિયા’ : છકડિયા એટલે છ છ પંક્તિના ટુકડા–
૧
મોર વણ સૂનો ગરવો સીતા વણ સૂના શામ;
હંસલા વન્ય સ્રોવર સૂનું ગુણિયલ વન્ય સૂનું ગામ;
ગુણિયલ વિણ સૂનું ગામ તે હરિ !
મનખોપદારથ નૈ આવે ફરી.
ગઇ સીતા ને રામચંદર રો ના !
જેઠો રામને કે’ ગરના ડુંગર મોર વિણ સૂના
પતિ-પત્ની વચ્ચે આવો વિજોગ પાડનાર રાવણને ‘જેઠો રામનો’ શો માર્મિક ઠપકો આપે છે–
૨
લોઢું મ ગળ્ય લંકાના રાજા ! જીરવ્યું કેમ જાશે !
ઘણ પડશે માયલા ઘટમાં, પછી ઉમ્મર ઓછી થાશે;
ઉમ્મર ઓછી થાય તે સૈ
ચૌદ ચોકડીનું રાજ જાશે ભૈ !
મેલ્ય મારગ ને ખોલ દરવાજા;
જેઠો રામનો કે’ લોઢું મ ગળ્ય લંકાના રાજા !
‘લોઢું મ ગળ્ય !’ આવડા મોટા કુકર્મને માટે લોઢું ગળવાની ઉપમા બરાબર બંધબેસતી બની છે, નહિ ?
આ જેઠો કવિ બીચારો કોઢથી પિડાતો હોવો જોઇએ–
જેઠાને પગે જાનવો, કાયામાં નીકળ્યો કોઢ;
સાડા ત્રણ મણની સામટી, માથે વળી ગ્યો લોઢ;
લોઢ વળ્યો કેયીંક્યાં ?
દાતાર પર જમિયલની કચેરી ત્યાં.
જેઠો ગિરનારમાં દાતારને ડુંગરે કોઢનો રોગ હરનારા પીર જમિયલને શરણે જાય છે. લોકકવિ જેઠાને કોમ–ધર્મના ભેદ નથી.
ગરવે જાયીંતો ગણ થાય, ભાગે જમની ભે;
હિન્દુ મુસલમાન હાલી નીકળ્યાં, દાતાર દર્શન દે.
દાતાર દર્શન દે તે વડી,
હિલોળાદઇયેં ગરવે ચડી.
ઊંચી સખર દાતારની, નીચે ગૌમુખી ગંગા વ્હે,
જેઠો રામનો કે’ ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભે.
દાતારની ટેકરીનું ઇસ્લામ-શિખર : અને ગૌમુખી ગંગાનું હિન્દુ તીર્થોદક : બે વચ્ચે કવિ જેઠો સુમેળ જુએ છે.
કોઢ માટે કવિ જેઠાએ પ્રથમ તો વિધાતાને ખખડાવી–
વિધાતા વેરી થઈ, મારા અવળા લખ્યા લેખ;
સરા ન માની સંસારની, ને ઊલટા કીધા અલેખ.
ઊલટા કીધા અલેખ તે લેવા,
ભવેસરની બજારે ઢાલોળા દેવા
………………………મનની મનમાં રૈ.
જેઠો રામનો કે’ વિધાતા વેરી થૈ.
પણ જેઠો તો દાર્શનિક છે ! સમાધાનમાર્ગી છે. તુરત બીજે વિચારે–
વિધાતા બચાડી ક્યા કરે,જેવાં તમારાં કરમ,
કાં તો માર્યા મોરલા, કાં તો હેર્યાં હરણ.
હરણ હેર્યાં તે હરોહરિ
ગૌહત્યા બ્રાહ્મણની નડી.
કીધીયું કમાણીયું, રિયા સેવો !
જેઠો રામનો કે’ વિધાતાને દોષ શેનો દેવો
હે જીવ ! તમે જ કુકર્મ કીધાં છે. મોરલા માર્યા એ મોટું કુકર્મ : સ્ત્રીઓનાં હેરણાં હેરવાં – હરણ કરી જવાં — એ પણ ઘોર પાતક : એ કરેલી કમાણીને હવે તો રહ્યા રહ્યા સેવી લ્યો, હે જીવ ! આ બધા છકડિયા એક જ માણસે ઉતરાવ્યા લાગે છે. શાહી કલમ ને લખાવટ એકધારી છે, લખાવનાર યાદ આવતો નથી.
નથુ તૂરી
યાદદાસ્ત પણ અવળચંડી જ છે ના ! ખોખરી એવી ‘સુંદરી’ – (સારંગી)ને ખોળામાં લઈને અંત્યજ નથુ તૂરી બેસતો, અને બે રાભડાં છોકરાંમાંથી એકને ધવરાવતી ધવરાવતી નથુની ચૂંચી આંખોવાળી લઘરવઘર વહુ બેસતી. બેય જણાં ખરજ અને પંચમ સૂરવાળાં ગળાં મેળવીને કાર્યાલયના નાનકડા ચૉકની હરિયાળી પર—
લાવો લાવો રે બાદૂરખાં મિયાં હિંદવાણી
એને આવતાં મેં તો જાણી લાલ હિંદવાણી
એવું કોઈ મુસ્લિમ દરબારને રીઝવવાને માટેનું ગીત પણ ગાતાં, (જે ગીતે મને ‘આવો આવો રે બ્હાદુર આ બહેન હિંદવાણી’ એવા ‘વેણીનાં ફૂલ’વાળા રાષ્ટ્રગીતનો ઝૂલતો – મલપતો ઢાળ આપ્યો) અને બીજે છેડે ‘સંત દાસી જીવણ’નાં ભજનો પણ ગાતાં. આ રહ્યું નથુએ ગાયેલું એ ભજન—
મુંને માર્યા નેણાંનાં બાણ રે,
વાલ્યમની વાતુંમાં.
વાલ્યમ ! તારી વાતુંમાં
હાંકી મેલ્યાં હૂંડી વા’ણ રે,
શામળા ! તારી શોભાનાં.
૧
જીવણ કે’ પાંચ તતવ ને ત્રણ ગુણનું
તેનું હરિએ બનાવ્યું વા’ણ;
મરજીવા થૈને માથે બેઠા,
એવાં હરિએ હોકાર્યાં હૂંડી વા’ણ રે
વાલ્યમની વાતુંમાં.
જીવણ કે’ શઢ ચડાવી કર્યું સાબદું
મુંને આવી મળ્યા સરાણ;
વાભું કરીને વા’લે ઘા કર્યો
મારે ભળહળ ઊગ્યા રવિભાણ રે
વાલ્યમની વાતુંમાં.
૩
જીવણ કે’ ગુરુ કાયામાં ગોતજો
મારા વાલ્યમનાં શાં કરું વખાણ !
દસમે દરવાજે ડેરી બિરાજે
રાખો ધોળી ધજાનાં પરમાણ રે
વાલ્યમની વાતુંમાં.
૪
જીવણ કે’ ગુરુ મળ્યા ને ગુરુગમ જડ્યો
મુંને મટી ગઈ તાણાવાણ્ય;
દાસી જીવણ સંત ભીમનાં ચરણાં
પ્યાલા પાયાનાં પરમાણ રે
વાલ્યમની વાતુંમાં.
તે પછી નથુનાં ગાયેલ બીજાં ભજનોનો આખો ચોસર માંડેલો છે. ત્યારે પહેલાં બીજમાંથી અઢાર-વીસ વર્ષે આજ આંબો ફાલે છે. લોકસાહિત્યનો સંસ્કાર એકલી શૌર્યની વાતોએ, એકલા દુહાએ, એકલા પ્રેમશૃંગારના છકડિયાએ નહિ પણ ભજનો વડે ય સર્વદેશીય વારિસિંચનથી પોષાતો હતો. આજે ફળ બેઠાં છે. ભજનવાણીની ઘડ મગજમાં બેઠી છે.
નથુ અને એની ચૂંચી આંખોવાળી વહુ, બે છોકરાં, ખોખરી સુંદરી, ખરજ અને પંચમ સ્વરોની એ જોડલી અત્યારે ક્યાં છે. ? જીવતાં છે કે મૂઆં ? (આ લખ્યા પછી જાણ્યું કે નથુ ગયો છે, વહુ બેઠી છે.) એ તો હતો ભટકતો પરિવાર. નાના નાના ઠાકોરોની ડેલીઓ પર એ કુટુંબ નભતું હતું. વર્ષોથી એ વધેલી હજામતવાળો નથુ નજરે નથી પડ્યો. એની ‘સુંદરી’ કોઈને વારસામાં દઈ ગયો નહિ હોય ? પરંપરાઓ આમ જ તૂટે છે, એક જાય છે, તેની જગ્યા લેવા બીજો આવતો નથી. ઊઘડો નવાં પાનાં !
મહારાષ્ટ્રી કવડો
તેતર–‘ઓતરાતી દીવાલો’માં હોલાની વાત છે. એને મળતી સોરઠમાં તેતરની વાત છે :
બેન ઊઠ ! બેન ઊઠ !
તલ તેતલા ! તલ તેતલા !
તલ તેતલા !’
ટાંચણ આટલું જ છે. છતાં આ પ્રસંગ યાદ છે : કોઈ કોઈ સ્મૃતિને એક પાતળું ટેકણ પણ બસ થઈ રહે છે, જ્યારે બીજાં કોઈક સ્મરણોને સ્થિર રાખવા માટે મોટો થાંભલો પણ નિરર્થક બને છે. દ. બા. કાલેલકરની કારાવાસની આત્મકથા ‘ઓતરાતી દીવાલો’ વાંચતો હઈશ. ‘કવડા’ની મહાષ્ટ્રી લોકકથા આવી. કવડો ખેડુ હતો. સીતા નામે બહેન હતી. બહેનને કવડાની બાયડી બહુ સતાવતી. એક દિવસ કવડો તાજા પાકના થોડા પોહે (પૌવા) ઘેર લાવ્યો. બાયડીને કહે કે સાફ કરીને રાખ, ખાવા છે. પછી ખાવા આવ્યા ત્યારે ‘પોહે’ લાવેલો તેના કરતાં ઘણા ઓછા જોયા. ખિજાયો. પૂછ્યું: કોણે ઓછા કર્યા ? બાયડી કહે કે તમારી બેન સીતાએ ખાંડ્યા છે, તે ખાઈ ગઈ લાગે છે. ભાઈ સીતા પર ખિજાયો. સીતા હેબતાઇ ગઇ, બોલી શકી નહિ, એટલે વિશેષ ખીજેલા ખેડુએ બહેનને ખેડનું ઓજાર ફટકારી મારી નાખી. પછી ‘પોહે’ ખાવા બેઠો. બહુ મીઠા લાગ્યા. ભાન આવ્યું કે સીતાએ તો ‘પોહે’ પ્રેમથી ભાઇને ખાતર ખૂબ સાફ કર્યા હતા. પસ્તાયેલો ભાઈ બહેનના પ્રાણહીન શરીર પાસે જઈ બોલવા લાગ્યો—
ઊઠ સીતે !
ઊઠ સીતે !
પોહે ગોડ ગોડ
કવડા પોર પોર !
અર્થ — ઊઠ સીતા ! ઊઠ બેન સીતા ! આ પૌઆ તો ગળ્યા ગળ્યા છે, ને આ તારો ભાઇ કવડો જ બાળક છે – બેવકૂફ છે. તે આવી છોકરવાદી કરી બેઠો છે. ઊઠ સીતા ! ઊઠ સીતા ! ઊઠ સીતા !
પણ સીતા તો શેની ઊઠે ? મરી ગઈ હતી. પછી ભાઈ કવડો પણ મરી ગયો. મરીને કવડો (કપોત) પક્ષી સરજાયો. આજે પણ કપોત જે સ્વરોચ્ચાર કરે છે તેમાં લોકકલ્પના આ શબ્દો સાંભળે છે :
ઊઠ સીતે !
ઊઠ સીતે !
પોહે ગોડ ગોડ
કવડા પોર પોર !
‘ઓતરાતી દીવાલો’માંથી આ કિસ્સો વાંચીને હું ઊછળી પડ્યો હતા. કાઠિયાવાડી લોકસાહિત્યની કોઈ પણ કૃતિને મળતી આવતી અન્ય પ્રદેશોની નાનીમોટી કોઈ પણ વસ્તુ મળતાં, ન વર્ણવી શકાય તેવો આનંદ થતો. પોતાના પ્રિયજનની અણસાર અજાણ્યા ચહેરાઓ પર એકાએક પકડી પાડતાં જે ગુપ્ત માર્મિક આનંદ આજે પણ અનુભવાય છે, તેવા જ પ્રકારનો આ સામ્યદર્શનનો આનંદ મને લોકસાહિત્યના ઈતરપ્રાંતીય પરિચયમાંથી સતત મળતો રહે છે. અમારા સ્ટાફ પર ભાઈ હરગોવિંદ પંડ્યાની જીભને ટેરવે, ગંભીર પ્રસંગને હળવો બનાવી દેનારી લોકકથા, ટુચકો, કહેતી, કે ઉખાણું હમેશાં હાજર હોય. એમણે આ મહારાષ્ટ્રી હોલાના ઘૂઘવાટ સાથે સંકળાયેલી કવડા-સીતાની વાત સાંભળતાંની વાર જ કાઠિયાવાડી તેતર-બોલીમાંથી ઉદ્ભવેલ લોકકથા કહી સંભળાવેલી—
સૌરાષ્ટ્રી તેતર
ખેડૂત હતો. નવા પાકના તલ લાગ્યો. વહુને કહે કે સોઈ રાખો, આજ તો તલ ખાવા છે. રાતે ઘેર જઇ ખાવા બેસતાં તલ ઓછા થયા દીઠા. વહુ કહે, તમારી બેન ખાંડતાં ખાંડતાં બૂકડાવી ગઈ. વગર વિચાર્યે બહેનને મારી નાખી. પછી તલ ભરી જોયા તો બરાબર થયા. બહેનના શબ પાસે બેસી ભાઈ ઢંઢોળવા લાગ્યો—
ઊઠ બેન ! ઊઠ બેન !
તલ તેતલા
તલ તેતલા
તલ તેતલા
ઊઠ બેન, તલ તો તેટલા ને તેટલા જ છે. બહેન ન ઊઠી. ભાઇ મરીને તેતર સરજાયો. તેતરના અવતારમાં પણ વણજંપ્યો એ બોલ્યા જ કરે છે—
તલ તેતલા
તલ તેતલા
તલ તેતલા
મારાં સભાજનોની સામે હું આ બેઉ ટુચકા ટાંકી બતાવતાં થાકતો નથી. એવા સામ્ય ધરાવતા ટુચકાઓએ મારી રસેન્દ્રિયને હમેશાં પુષ્ટ કર્યા કરી છે.
લાંબી લોકવાર્તાના સ્તંભો
રાજા રાજ ને પરજા સુખી | રાજાના | |
ખાતો ખાય ને ભારતો ભરે | રાજ્યનું | |
જાણને લાખ | વર્ણન | |
ને અજાણને સવાલાખ. |
સિતેર ખાન ને બોંતેર ઉમરાવ | ||
ખખા દોતિયા | રાજસભાનું | |
મેતા મસુદ્દી | વર્ણન | |
કારભારી ચોપદાર |
- હોથલા ટીંબા જેવું : સૂવરનાં ટોળાંએ ઉજ્જડ કરેલ ફૂલવાડી.
- સૂવરે વિચાર કર્યો : ઘેંશનાં હાંડલાં શું ફોડવાં ?
- બાર ચોકું અડતાલીસ ગાઉમાં ફડાકા મારી રહ્યું છે : (વન)
- રૂઝ્યુંકુંઝ્યું વખત છે : (સાંજ)
- સવા પાશેર અફીણનું બંધાણ : (રાજાની સ્થિતિ)
ઘોડાને—
- હે દેવમુનિ ! તારી કાનસૂરીએ ચોકડું રાખું છું
- એક બીજા ઘોડાની ગંધ આવી.
- ઘોડે હાવળ મારી.
ખરલમાં નાખો તો ખસરક ઘુટાક ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક બાપ પીએ તો બેટાને ચડે બેટો પીએ તો બાપને ચડે અફીણનો એમાંથી અંજળિ ભરીને કસુંબો હાથીના માવતને આપે તો રડ્યુંખડ્યું ફોરૂં જમીં ઉપર પડે તો સાત પાતાળ ફાડીને શેષનાગને !. માથે ઠરે
- પાણી પીધું ત્યાં બત્રીસ કોઠે દીવા થયા
- જૂઇનાં ફૂલ જેવા ચોખા
પાણી મોર્ય મોજડી ઉતાર મા : (ટાણું આવ્યા વિના ઉતાવળો ન થા)
- છ ઘાત :—
૧ – વડલાની ૪૮ મણની ડાળ માથે પડશે
૨ – સોનાનો વેઢ : તંબોળિયો નાગ
૩ – ડુંગર બે સામસામા ભટકાય
૪ – સામૈયાનો ઘોડો
આવે રોડું
હેઠ રાજા ને ઉપર ઘોડું
૫ – શે’રનો દરવાજો પડે
૬ – રાતે તંબોળિયો નાગ
જેઠો રાવળ
એક લાંબી લોકકથાના સ્તંભો છે આ. (દાદાજીની વાતો : વાર્તા પહેલી : મનસાગરો) એ વાર્તાઓ કહેનાર માણસની મુખાકૃતિ, હાવભાવ, નીચું જોઇને અર્ધમીંચેલી આંખે પ્રવાહબદ્ધ વાર્તા કરવાની બાળવૃદ્ધરંજક છટા, વાર્તા કહેતાં કહેતાં પરિપૂર્ણ આત્મવિસ્મૃતિ : એક વાર કહે, બે વાર કહે, ગમે તેટલી વાર કહે – એક શબ્દ પણ ખડે નહિ એવી તો કંઠસ્થ : અવાજ ઊંચોનીચો થાય નહિ, એકધારો સ્વર અનાડમ્બરી છટાથી વહ્યા કરે. નહિ વચ્ચે કોઇ વ્યસનની આદત, નહિ આડીઅવળી વાત કરવી, નહિ પલનો પણ પોરો આ વાર્તાઓની જ બનેલી એની દુનિયા હતી. સાચી જીવનસૃષ્ટિમાં જાણે એ શ્વાસ લેતો નહોતો, ચાય રાણપુરમાં ધોળાંકૂલ વસ્ત્રે મળે, ચાય પાંચાળમાં ચોમાસે ભિંજાયેલો લદબદ લૂગડે ભેટે : અણિયાળીનો જેઠો રાવળ એનો એ જ હતો, એકરંગીલો હતો. વિક્રમની વાતો, મનસાગરા અને બધસાગરાની વાતો, એ બધી અદ્ભૂતરસિક વાતો એ એનું સમગ્ર જગત હતું. એની પાસેથી કરી કાઢેલાં, ઉપર મૂકેલ છે તેના જેવાં ટુંકાંટચ ટાંચણમાંની દાદાજીની વાતો લખી, ને આજે અઢાર–વીસ વર્ષે, છેક જર્જરિત બની ગયેલાં ન્યુસપ્રિન્ટનાં પતાકડાં પર એની પાસેથી ટપકાવેલા વાર્તા–મુદ્દાઓને બેસારી બેસારી, હમણાં ‘રંગ છે બારોટ !’ ની વાત લખી-પ્રકટ કરી છે. અણિયાળીનો જેઠો રાવળ મરી ગયો છે. કાઠીઓનો વહીવંચો હતો. આ લોકકથાઓમાં જે પ્રાસંગિક વર્ણન–છટા જુઓ છો તે તેની છે.
બારોટનું વિશ્વવર્ણન
પણ પાનાં ફરે છે, અને જેઠા રાવળની જીભથી ટપકતું ગયું તેમ તેમ એ ઝડપ કરીને ઉતારેલું એક વિચિત્ર વિશ્વવર્ણન નીકળી પડે છે–
ચૌદચાળો કચ્છ
નવલખો હાલાર
સાત હજાર ગુજરાત
બાણું લાખ માળવો
નવ સરઠુંના ધણી
નવ ખંડ ધરતી
છન્નું કરોડ પાદર આ પ્રથમીને માથે
અરબસ્તાણ-તેનાં માણસો વાનુમુખાં
ફરગાણ–તેનાં સુહાનમુખાં (શ્વાનમુખાં)
મુંગલાણ–તેનાં વાનરમુખાં
હબસાણ–તેનાં સૂવરમુખાં
નીર સમુદ્ર, ખીર સમુદ્ર, વેતાચળ સમુદ્ર, ખારા સમુદ્ર, મીઠા સમુદ્ર, ઓરંગધા સમુદ્ર, દધિ સમુદ્ર.
એટલા સમદર છે આ પૃથવીને માથે.
અઠકળ પરબત : ધૂણાગર, હેમાળો, અદિયાગર, રેવતાચળ.
અદિયાગર પરબત ઉપર સૂરજનારા’ણ માળા ફેરવે છે. ત્યાં ભેટડી ભથ (ભેખડ) છે માટે કહેવાય છે કે– ‘હે ભેટડીના ભાણ !’
મેરૂ પરબતને સાત ટુંક છે : હમવત (હેમનું), ગધમાર, ઉમામેર, સત્ર, ઊંચક, માળવ.
પે’લે ટુંકે બ્રહ્મા વસ્યા
બીજે ટુંકે અઠાશી ઋષિ વસ્યા
ત્રીજે ટુંકે ચત્રવચત્ર મેળા વસ્યા
ચોથે ટુંકે ચંદરમા વસ્યા
પાંચમે ટુંકે કે વૃધવાસી વસ્યા
છઠ્ઠે ટુંકે સૂરજ વસ્યા
સાતમે ટુંકે નારા’ણ વસ્યા
મેરૂ કેટલોક લોઢાનો, કેટલોક ત્રાંબાનો, કેટલોક સોનાનો.
કથાકારને ડોંચશો નહિ.
પૂછશો કદાચ, કે આવું આવું તને શા ખપમાં આવ્યું ? કશા જ નહિ. છતાં હું તો ટપકાવતો ગયો. લોકવિદ્યાના જાણકારને સંશોધક કદી બોલતો રોકવો નહિ, એને બોલ્યે જવા જ દેવો–એનું બોલ્યું ઊચક્યે જવું. એ બધું એનું ‘સેટિંગ’ છે. એને જે કંઈ કંઠસ્થ છે તે સમગ્રપણે એક અને અવિભાજ્ય વસ્તુ છે. એનું કથન જો તમે વચ્ચે ક્યાંય તોડી પાડો તો એ રંગભૂમિના તખ્તા પર પોતાનો પાઠ ભૂલી ગયેલા નટની અવદશાને પામશે. એનું કથન તે તો આનંદનો ઝરો છે. ઝરાને ઝરવા જ દેજો. એનો એકનો જ નહિ, તમારો સંશોધકનો પણ એ શ્રેયનો પ્રશ્ન છે. એના સમગ્ર કથનમાં ઝબકોળાયા વગર સંશોધકના મગજનું વાતાવરણ બંધાશે નહિ. જે મનઃસૃષ્ટિમાં – કલ્પનાસૃષ્ટિમાં એ વાર્તાકાર તમારી નાવને હંકારી જાય ત્યાં તમે એને ડોંચ્યા કે ડોક્યા વગર જવા દેજો. તમારી જાતને એના વાણીતરંગો પર વહેતી મૂકજો.
જેઠા રાવળનું વાણી-વહેન સાદ્યંત અણુરૂધ્યું રાખ્યું તેને પ્રતાપે જ એને હું સમગ્રતાએ પામી શક્યો. આજે આટલે વર્ષે પણ અમુક કવયિતાઓ સાથેનો મારો કલ્પનાસંપર્ક જીવન્ત છે, એ મૂએલા છતાં એમના જગતમાં હું શ્વાસ લઈ રહ્યો હોઉં તેટલો ઓતપ્રોત છું તેનું કારણ એ કે મેં તેમને સમગ્રપણે સ્વીકાર્યા હતા.
‘સમરાંગણ’ની બે ઘટનાઓ
ત્રીજી વાર મને ભૂચર–મોરીના રણાંગણમાં મૂકનાર એ જેઠો રાવળ હતો. ત્રીજી વારની આ નોંધ એની કરાવેલી છે—
‘સવાશેર પાણો રૂબરમાં તણાય એવી લડાઇ ચાલશે.
‘જેસા વજીરની ઘરવાળી જોમાબાઇ : એનો દીકરો નાગડો : પવર [પયોધર] વાંસે નાખ્યાં’તાં : વાંસે ઊભો ઊભો ધાવે.
‘આ જોળાળીને-ગાડરના પેટનો ઊભો ઊભો ધાવે છે તે કેવોક થાશે ?’
‘એની આગળે ખબર.’
XXX
નાગડાનાં કાંડાં પડી ગયાં, ચામડાં ચડી ગયાં.
નાગડો પડેલો : હાથીના પેટમાં હાથ.
‘આ કોણ ?’
‘જોળાળીનો ! બીજાના ઘાના સાંધા મળે, એના સાંધા ન મળે.’
જોઈ શકશો કે ‘સમરાંગણ’ના સર્જન પાછળ આ જીજી બારોટે અને જેઠા રાવળે કહેલા ફક્ત એક જ પ્રસંગનું કેટલું તીવ્ર સંવેદન અને કલ્પન ચાલ્યા કર્યું છે. જેઠા રાવળે કહેલા આ બે પ્રસંગો એ કરુણ શૌર્યકથાનાં બે સમતલ પલ્લાં છે : પહેલે પ્રસંગ માની પીઠે ઊભો રહીને માએ પાછળ નાખેલાં પયોધરે ધાવતા બાળની એના બાપને જ મોંએ રાજા જામે કરેલ હાંસીનો : ને બીજો પ્રસંગ મુગલફોજ સામેના રણાંગણમાં પડેલા એ જ બાળના જોબન–જોદ્ધ દેહની દશા દેખાડતો : એ દેહ પડ્યો હતો : એના કાંડાં-વિહોણાં હાથની ઠૂંઠી અણીઓ એક મૂએલ હાથીના પેટમાં પેસેલી હતી, કારણકે એણે અંબાડીઓ સુધી પહોંચીને સેનાપતિઓને હણતાં હણતાં કાંડાં કપાઈ ગયા પછી પણ ઠૂંઠા હાથે ઠોંસા લગાવીને હાથીઓને માર્યા હતા - પછી એ પટકાયો હતો. યુદ્ધલીલા ખતમ થયા બાદ વિજેતા મુગલપતિ રણભૂમિ પર નિરીક્ષણ કરવા નીકળે છે - ને હાથીના કલેવરને હાથનાં ઠૂંઠાં વડે ભેદનારો આ મહાવીર કોણ એવું વિસ્મય અનુભવે છે, ત્યારે જાણકાર જવાબ વાળે છે કે ‘આ જોળાળીનો.’ રાજા જામે કરેલી હાંસીનો જવાબ એ બાળકે છેલ્લી પલે આપ્યો. મશ્કરી કરનાર નગરરાજ સતો જ્યાંથી જીવ લઈને ઘરભેળો થઈ ગયો હતો તે જ જુદ્ધમાં, મશ્કરી કરનાર રાજાએ પોતે જ નોતરેલા જુદ્ધમાં એ મશ્કરીનું પાત્ર બનેલ માડીનો પુત્ર નાગડો પોતે વાંસે ઊભાં ઊભાં ધાવેલ ધાવણનો હિસાબ આપતો પડ્યો હતો.
સમરાંગણ ! તને નહિ ભૂલી શકું, એ ઘોર ઘટનામાંથી ફક્ત આ બે જ પ્રસંગોની જાળવણી કરનારા સોરઠી વાર્તાકારોમાં કલાદૃષ્ટિ ઊંચા પ્રકારની હોવી જોઈએ.
કહો કોણ નારી !
સમસ્યાઓનો તે કેટલો બધો શોખ આ સોરઠીજનોને ! બાળઉખાણાંમાં સમસ્યા, વાર્તાઓમાં સમસ્યા, લગ્નગીતોમાં સમસ્યા, વાતવાતમાં કોયડો નાખવો ને કોયડો છોડવો ! ટાંચણ–પોથીના નવા પાનામાં જેઠા રાવળે જ ઉતરાવેલ આ સમસ્યા-ગીત છે :
૧
ચડી નાર પુરષ પર અભેરૂપ ધરવા સરસ,
બરાબર સમાધિ કરી બેઠી;
માનવી કારીગર લોક એને મળ્યાં;
હુકમથી ઉતારી માંડ હેઠી.
૨
ઉતારી હેઠ ત્યાં સત ચડિયું અતિ
અગનમાં બળવા કરી આશા;
બળીને અગનથી નીકળી બારણે.
રૂપ જોઈ’જોગેસર તરત રાચ્યા.
૩
સ્વરૂપે ઠીક ને વળી નગન છે સદા,
ભજે સર ઉપરે છત્ર ભારી;
રાતદન હુતાશણ આ’ર કરતી રહે,
નામ કો’ કાળુભા ! કવણ નારી ?
કોઈક ચારણ કાળુભા ઠાકોરને સમસ્યા પૂછે છે : પુરુષ પર ચડીને અભય રૂપ ધરવા સમાધિ ધરીને બેઠેલી, પછી કારીગરે માંડ નીચે ઉતારેલી, પછી સત ચડવાથી અગ્નિમાં બળવા બેઠેલી, બળીને બહાર નીકળેલી, પોતાના રૂપથી જોગંદરોને મોહાવનારી, સદા નગ્ન, શિર પર છત્ર ધરનારી, અને રાતદિન હુતાશનનો જ આહાર કરનારી એ નારી કોણ ?
—એ નારી તે ચલમ ! ચાકળારૂપ પુરુષ પર ચડી, નિભાડાના અગ્નિમાં બેઠી, સુંદરી જેવી ગૌરાંગી બની, જોગીઓએ પીવા લીધી, એનો આહાર પણ સદા અગ્નિ જ છે. વાત મૂળ એમ હશે. કુંભારના ઘર પાસેથી દાયરો નીકળ્યો હશે, ચાકડા પરથી ચલમ ઉતરતી જોઈ કાળુભા નામના ઠાકોરે સોબતીઓને કહ્યું, કે કોઈ શીઘ્રરચના કરી આપે આ વિષય પર ?–પાદપૂર્તિરૂપે અને મુશાયરાઓમાં ગજલ–રચનારૂપે કરી રહ્યા છીએ તે આ ગ્રામ–દાયરામાં પણ સમસ્યારૂપે થયું હતું ને થાય છે. આ કૃતિ જૂની નથી.
વાર્તા ગોતું છું
હમણાં હમણાં એક બાબતનું રટણ ઊપડ્યું છે—
‘ચાલો પૂતળી ! ઘર જાયેં
‘તમે રાંધો અમે ખાયેં.’
રાજા અને પૂતળીની વાર્તા ગોતું છું. જે મળે તેને પૂછું છું – રાજા અને પૂતળીની વાર્તા આવડે છે ? એમાં આવું આવું આવે છે–
‘ચાલો પૂતળી ! ઘરે જાયેં
‘તમે રાંધો અમે ખાયેં’
મેં એ વાર્તા ગુમાવી છે : જેઠા રાવળ પાસેથી કરેલા ટાંચણમાં તૂટક ફક્ત આટલું જ છે—
‘ડિલ પડતું મેલ્યું
‘ચાલો પૂતળી ઘેરે જાયેં’
‘તમે રાંધો અમે ખાયેં.
‘પદમ શેઠની દીકરી હંસાવળી. એની પાની જોઇને પૂતળી ઘડી–
‘મારો રાજા રૂંધાણો છે.
‘નાગનું માથું પરજે પરજાં.
‘મણિ ધોવા વાવમાં ચાલ્યા. ત્યાં તો પાણી ઊતર્યું.’
ઊંડા ઊંડા ભણકારા વાગે છે. રાજપુત્ર જંગલમાં કોઈ વાવની અંદર પાણી પીવા જતાં, ત્યાં ગોખમાં કંડારેલી એક પૂતળી પર ઘેલો બનીને ઝૂરતો હતો. પૂતળીનું સૌંદર્ય મોહક હતું; કારણકે પદમ શેઠની પરદેનશીન પુત્રી હંસાવળીને પગની ફક્ત પાની જોઈને તે પરથી શિલ્પીએ પૂતળી સરજાવી હતી. પૂતળી-ઘેલા રાજાને મનાવવામાં નિષ્ફળ ગયેલો મિત્ર મનસાગરો એ પૂતળીની માનવપ્રતિકૃતિની શોધે ચડે છે. મણિધર સાપને મારી મણિ લઈ વાવમાં ઊતરે છે. ત્યાં તો વાવનાં નીર મણિને પ્રતાપે ઊંડા ને ઊંડા ઊતરે છે.
પણ પછી શું ?
પછી એ વાવને તળિયે શું કોઈ મહેલાત આવતી હશે ? ત્યાં કોઈ સુંદરી સાંપડી હશે ? વાર્તા ગુમાવી !