લખાણ પર જાઓ

પરકમ્મા/ રીસાળુ અને ફૂલવંતી

વિકિસ્રોતમાંથી
← ટાંચણનાં પાનાં પરકમ્મા
રીસાળુ અને ફૂલવંતી
ઝવેરચંદ મેઘાણી
સજણાં →


રીસાળુ ને ફૂલવંતી

ઊઘડો પાનાં, અને ચોબારીનાં ખંડિયેરો પરનું ટાંચણ ઉકેલાવો—

‘ચોબારી–મૂળ દ્રુપદ શહેર.

૧ – પંચમુખી વાવ–યજ્ઞકુંડ જેવી. પણ ખોટી : પગ પર પગ ચડાવીને શેષશાયીની મૂર્તિ.

ર – ગણેશવાવ. ગણેશની ઊભી મૂર્તિઓ બે : હનુમાન.

૩ – કુવો ભોંયરાવાળો : ભોંયરાનો સંબંધ ગામમાં; ભોંયરૂ દટાઇ ગયું છે.

૪ – તળાવ-કિનારે બે દેરાં : તળાવ પર પૂલ : પૂલ પરથી જતાં અંદર દેરૂં. શેષશાયી ભગવાન : એની કેડ સુધી પાણી આવે એટલે તળાવની ઓગન (Wateroutlet) ઊઘડી જાય. અસલી દેરૂં શૈવી ઘાટનું.

૫ – ગામમાં એકલદંડીઆ મહેલનો અવશેષ : પડખેના જ ઘરમાં, ફળીમાં કોઇ રબારણ યુવતી બેઠેલી : ફૂલવંતીનું સ્મરણ.

ફૂલવંતી – અનંત ચાવડાની દીકરી. શાલિવાહનનો ‘રીસાળુ’ કુમાર રિસાઈને જંગલમાં આવ્યો. અનંત ચાવડાએ એને કન્યા ફૂલવંતી પરણાવી. પણ ફૂલવંતી આઠ-નવ જ વર્ષની. કુંવર એને બેલાડે (પોતાના ઘોડા પર પોતાની પાછળ) બેસાડીને લઈ ચાલ્યો. એકલદંડીઆ મહેલમાં રાખીને પાળે પોષે–દુધ ટોવે ને ઉછેરે; યૌવનકાળે પરણીશ : યુવતી બની : વિકાર : કચ્છનો હઠીઓ વણઝારો ઘોડેસ્વાર થઇને નીકળ્યો. બોલાવ્યો. પ્રેમ થયો : હીંડોળે હીંચકે : હીંચકતાં હીંચકતા હઠીએ તાંબુલની પિચકારી લગાવેલ : પિચકારી ઘુમ્મટમાં પડી. સાંજ પડે એટલે હઠીઓ પાછો ચાલ્યો જાય પોતાના ડેરા હતા ત્યાં. સાંજે રીસાળું કુંવર ઘેર આવ્યો. ઘોડાએ પરાયા ઘોડાની લાદ દેખી ડાણ દીધી : પિચકારીના છાંટા જોયા. પૂછ્યું – કોણે તાંબુલની પિચકારી ઠેઠ ઘુમ્મટે છાંટી ?

ફૂલવંતી :—મેં.

રીસાળુ :—કરી બતાવ.  ન કરી શકી. (હીંડોળે હીંચકતી હીંચકતી પાનની પિચકારી ઘુમ્મટ પર ન પહોંચાડી શકી.)

બીજે દિવસે ઘોડાના તાજા સગડ જોયા. રીસાળુએ જઈને હઠીઆને માર્યો; એનું કલેજું લાવી રંધાવ્યું : પોતે કોળીઆ ભરાવ્યા : પૂછ્યું, ‘કેવું મીઠું !’

‘બહુ જ.’

‘જીવતાં મીઠું તે મર્યા પછી યે મીઠું લાગે હો !’

ફૂલવંતી ચાલી ગઈ.

ખંડેર પરથી વાર્તાસર્જન ?

ટૂંકા ટાંચણમાંથી એ આખી કરુણ કથા ઊપસી આવે છે. એકલદંડીઆનાં બલાડાં મેં નોટમાં તાણેલાં છે તે મોજૂદ છે. એટલો જ જો એ એકલદંડીઓ હોય તો તો એમાં નથી કોઈ હિંડોળો બાંધવાની જગ્યા, કે નથી હઠીઆ–ફૂલવંતીની પ્રેમલીલાને પ્રકટવાનું ઠેકાણું. કદાચ એ તો મૂળ મહાલયનો અવશેષ માત્ર હશે. રૂદ્રમહાલયનું એક તોરણ આજે જેમ છે તેમ જ. સંભવ છે કે મૂળ પ્રેમાલય નષ્ટ થયું છે. એથી વધુ સંભવ છે કે કોઈક લોકવાર્તાકારે ત્યાં બેઠાં બેઠાં વાર્તા કલ્પી કાઢી છે ને સ્થાન તો ઘણું કરીને ઓઠું જ બન્યું છે.

આમ આ પાષાણી અવશેષો પર તો બુદ્ધિ માત્ર એક હાસ્ય વેરીને પાછી વળી જાય છે. પણ એવું હાસ્ય આ ટાંચણ કરેલી વાર્તાના અવશેષો પર વેરી શકાતું નથી. રીસાળુ, ફૂલવંતી અને હઠીઓ વણઝારો, એ ત્રણ પાત્રો આ પૃથ્વી પર કદી હો વા ન હો, મારું મન તો એમનું સનાતન અસ્તિત્વ સ્વીકારી બેઠું છે. નાની એવી બાલિકાનું કળી–જીવન એના પરણ્યા પતિના કોઈક એકલ ગૃહમંદિરમાં પુરાયું હશે, દિનો પછી દિનોનાં વહાણાં વાતાં હશે, કળીને ખીલવતાં ખીલવતાં વર્ષો વિદાય લેતાં હશે, પરણ્યો એની પરિપૂર્ણ પુષ્પિતાવસ્થાની વાટ જોતો હશે.

એની સબૂરીને કલ્પનામાં ખડી કરું છું. કાચી કળીને અંતરની  ધીરીધીરી ઉષ્મા આપતો એ દિવસો ખેંચતો હશે. તો શું એને ખબર નહિ રહી હોય ને જોબન ફૂલવંતીમાં સળવળી ઊઠ્યું હશે ! એકલવાસી યૌવના પિયુને પોતાના ઉરની વાત મુખેથી શું કહી નહિ શકી હોય ? કે શું એ આઠ વર્ષના વચગાળામાં સ્ત્રીનો હૃદયભાવ જુદે રસ્તે વહ્યો હશે ? પોતાના પાલક પોષક પ્રત્યે વલ્લભની નહિ પણ વડીલની લાગણી પોષાયે ગઈ હશે ? એ લાગણીને વશ બનેલું કન્યા–હૃદય, પોતાનો જોબનમહોર બેઠા પછી ય ટૌકાર નહિ કરી શકતું હોય તેથી જ શું રીસાળુએ ‘વાર છે ! હજુ વાર છે !’ એવી ભ્રમણા સેવે રાખી હશે ?

બન્ને નિર્દોષ

બન્ને અસહાય હશે : બન્ને નિરપરાધી હશે. તું મારી પરણેતર છે : હું તારો કંથ છું : તારા જોબનના પ્રથમ મલ્લાર–સ્વરની જ વાટ જોઉં છું : એવી ચોખવટ નહિ કરનારો રીસાળુ કોઈક સુહાગી પલ પર પહોંચીને નિજ સુંદરીને વિસ્મયના પ્રેમ–પછેડામાં લપેટી લેવાની ધીરગંભીર પ્રતીક્ષા કરતો હશે અને બીજી બાજુએ ઘનપલ્લવ અટવીની નિતાંત એકલતા વચ્ચે ઊછરતી કિશોરી, પોતાને રોજ પ્રભાતે એકલદંડીઆમાં મૂકીને સંસારની ગડમથલમાં ચાલ્યા જતા આ એકાકી માનવીનું આકર્ષણ હારી બેઠી હશે. યૌવન છાનુંમાનું આવીને રોમેરોમે લપાઈ ગયું હશે – અને એકલદંડીઆની નીચે થઈને નીકળ્યો હશે હઠીઓ વણઝારો.

વણઝારાનું આકર્ષણ

‘વણઝારો’ શબ્દ જેવો લાગે છે તેવો સાદો ને નીરસ નથી. એકલદંડીઆને જરૂખે બેઠેલી ફૂલવંતીના પ્રથમ યૌવનને જેણે મઘમઘાવી દીધું, તે હઠીઆની પોતાની જુવાની કેવી હશે ! મારા ટાંચણની અંદર જ એની સાહેદી પડી છે. તાંબુલ : તાંબુલની પિચકારી : હીંડોળાખાટેથી મારી તે છેક ઘુમ્મટને રંગી રહેલી પિચકારી : એ ઘણું ભાખી આપે  છે. વનમાં એની પોઠોના પડાવ : કસ્તુરી, તેજાના અને અત્તરો મોતીડાંના એના વણઝાર–ભાર :

ને આખરે એનું કલેજું ! રીસાળુએ ઠાર મારીને કાઢી આણેલું એ કલેજું ફૂલવંતીના પેટમાં પહોંચ્યું.

પ્રેમ જે વેર વાળે છે, તેનો છે કોઈ જોટો આ જગત પર ?

પ્રીતમના કલેજાનું રાંધણું

આ કલેજું રાંધીને ખવરાવવાની વાત સાહિત્યમાં એકથી વધુ ઠેકાણે કેમ આવતી હશે ? એક લોકગીત છે. રાણી પાણી ભરવા સંચરેલી છે. નવાણકાંઠે મોરલો બેઠો છે—

‘પાણીડાં ભરે ને મોર
ઢોળી ઢોળી નાખે રે.’

રાણીને મોરલાની માયા લાગે છે. રાજાને જાણ થાય છે. પ્રણયી પંખી પ્રત્યે દ્વેષ જન્મે છે. રાજા શિકારે ચડે છે. રાણી વીનવે છે—

‘મારજો તે મારજો રાજ !
‘હરણ ને હળીઆરાં રાજ !
‘એક નો મારજો રે વનનો મોરલો.

પણ રાજા તો મોરલાને જ મારે છે. એનું માંસ લાવે છે. રાણી પાસે રંધાવે છે. રોતાં ને રહકતાં રાણી રાંધે છે. પણ જમતી નથી.

જીવનમાં નીરસ બનેલી રાણીને પછી રાજા બહુ બહુ મનાવે છે, કે ‘રાણીજી ! જમો. હું ટોડલે મોરલો કોતરાવું, તમારા અલંકારો પર મોરલો આલેખાવું : પણ, ના, ના, ઊડી ગયેલો જીવન–રસ પાછો વળતો નથી. નર્મદ લખે છે કે એમના સમયમાં આ ગીત સુરતની સુંદરીઓ ટીપના તીણા સ્વરે ગાતી ત્યારે સુરત ડોલી હાલતું.

આ મોરલો તે પંખી સમજવો ? કે કોઈ પ્રણયી માનવ–મયૂર ?

ચાલો કલમ ! આમ થોભતી રહીશ તો પાનાં ક્યારે પૂરાં થશે ?  ફૂલવંતી તો ચાલી ગઈ. રીસાળુ કુમારે એને જીવતી જવા દીધી ! ક્યાં ગઈ ? ક્યાં રઝળી હશે ? જોબનના એ નિચોડ કઈ ભૂમિમાં છંટાયા હશે ?

બેઠી હતી – એક રબારણ યુવતી. મારે મન તો એ ફૂલવંતી જ બેઠી હતી. એકલદંડીઆની છાયામાં એ બેઠી હતી. એનું મોં આજે યાદ નથી. રબારણનાં દૂધમલ રૂપ આજે રોળાતાં રોળાતાં પણ કાઠિયાવાડને ભીંજવે છે.

ઘોડાં

જેવી ફૂલવંતી, તેવી જ ફૂલમાળ : ફૂલમાળ એ તો પાંચાળની કાઠી ઘોડી. એ પાંચાળ–પુત્રીઓની પિછાન વગર લોકસાહિત્યનો પટ ખેડાય નહિ. ટાંચણનું નવું પાનું એના ટૂંકા કીર્તિલેખે અંકિત છે—

‘કાંથડભાઈના પિતા દાદાભાઇની લખી જાતની ઘોડી : ગામતરામાં દરબારને વાય આવે : તરત લખી બેસી જાય : દરબારને ભોંય પર સુવાડી દે : આસપાસ કુંડાળું ફર્યા જ કરે.’

‘ચાંગી ચોટીલાની. ફૂલમાળ રાતડકાની. લખી ને કેસર ભીમોરાની.'

‘નાજા ખાચર : ચોટીલાના અને ચોરવાણના ડુંગર વચ્ચે જામની સાથે લડાઈ કરી. ઘોડી ગોળીએ વિંધાણી. આંતરડાં લબડતાં આવે. કુંઢડાના વોંકળા સુધી લઈ આવી. નીચે ઊતર્યા ત્યારે પડી.’

પ્રતાપ રાણાનો ચિતોડીઓ ચેતક ઇતિહાસ–પાને ઉજ્જવળ છે. સોરઠમાં વોંકળે વોંકળે ચેતક–જનેતાઓના આવા મૂંગા કીર્તિ લેખ લોકમુખે ઊભા છે. ભીમોરાની લડાઇની વાર્તા તો મેં લખ્યાને પણ એ વખતે ચાર વર્ષ થયાં હતાં. આ પ્રવાસમાં એનો એક બાકી રહી ગયેલો સોનાનો ટુકડો સાંપડ્યો ટાંચણ બોલે છે કે—

‘ભીમોરાની લડાઇ વખતે જસદણનો શેલો ખાચર મરાઠા બાબારાવની ફોજને લઈને આવેલ છે. નાજો ખાચર ભીમોરાના ગઢની અંદર આઠ દિવસ અન્નજળ વગરના ખેંચ્યા પછી કેસરીઆંની છેલ્લી પળે પોતાની કેસર જાતની  ઘોડીઓને ગૂડવાનો હુકમ આપે છે, આઠને ગૂડી નાખી. એક નવમી વધ કરવા ટાણે હણહણે છે. નાજા ખાચરે કહ્યું કે બસ, ‘કાળા ખુમાણ ! એનો જીવ મોળો પડ્યો છે. દુશ્મન પાસે જવા એ રાજી છે. સરક કોટિયું ગળે વીંટીને છોડી દ્યો.’


ફોડાંમાંથી કાઢ્યો

મારો ય નાનકડો અનુભવ કહું. ૧૯૨૮ના રેલસંકટમાં સૌરાષ્ટ્ર સેવા સમિતિ તરફથી મદદ વહેંચવા મને આ પાંચાલ સોંપાયો. કામ પૂરું કરીને રેશમીએથી સ્વ. કાંથડભાઈની ઘોડી લઈ ચોટીલે ટ્રેન પકડવા ચાલ્યા. ખબર હતી, ને પ્રવાસમાં અનુભવો પણ થયા હતા કે ચોમાસે પાંચાળની ભોંયમાં ‘ફોડાં’ પડી જાય છે. આ ‘ફોડાં’ દગલબાજ હોય છે. ઉપરથી ધરતી સૂકી હોય છે, પણ અંદર પગ દીધે પૃથ્વીમાં ગારદ બનાય છે. ચેતજો ! પણ રાંગમાં જ્યારે તેજીલી ઘોડી હોય છે ત્યારે માણસની–તેમાં ય પાછી જુવાન માણસની આખ્યું ઓડે જાય છે. પાંચાળના રેલમછેલા લીલા ડુંગરા, રાંગમાં પહાડ જેવડી કદાવર અને પાણીના રેલા જેવી તરવરતી ઘોડી, જુવાનીનો મદ, મીઠી ફોરમ છાંટતી ધરતી, અને રંગે રમાડતું આકાશ : એમાં ભાન ન રહ્યું. ઘોડીને પણ મારગ સોપારી રડતી જાય તેવો ટાકરીઓ લાગતો હતો. એકાએક એક ઠેકાણે ઘોડીને જાણે ધરતીએ ગળવા માંડી. ભાન આવે તે પૂર્વે તો ઘોડી સાથળ સુધી ભોંમાં ઊતરી ગઈ. મેં પાછળ આવતા ઘોડેસવાર સાથીને બૂમ પાડી, ‘હરિભાઈ, મૂવા ! તમે દૂર રહેજો ! ફોડું !’

સાંભળેલું કે આ ફોડાં એકાદ પલઘડીમાં જ માણસને ગળી જાય છે, ને માથે થોડી વાર ફક્ત બડબડીઆં જ બોલીને ખેલ ખલાસ થાય છે, કોઈ નિશાની પણ રહેતી નથી. મેં મારો ખેલ ખલાસ માન્યો .પણ એ તો પાંચાળી કાઠીઘોડલીનું જ ગજું કે સાથળ લગી ખૂત્યા પછી ય પાછી બહાર નીકળે ! મને નવો અવતાર આપનાર એ પાંચાળી ઘોડી હતી. ને એને  ગળે પડતી મારા પંજાની થબડાટીનો પોતાની બંકી ગરદન વડે જ મુંગો પ્રત્યુપકારભાવ પ્રકટ કરતી, કાનસોરીના ડાબાજમણા ઘૂમટા કાઢ્યે જતી એ ઘોડી પણ આજ હૃદયને ખીલે બાંધેલ છે.

માનવીનાં શીલ

ઘોડાંનાં યે શીલ હતાં. ઓલાદનું ઓઢણું હતું. એની વચ્ચે જીવનારા માનવીને યે શીલ પ્રાણ સાટે હતાં. એ માનવી નહોતાં પ્રાચીન, નહોતાં પ્રાગૈતિહાસિક, નહોતાં મધ્યયુગી. એ તો જીવતાં અર્વાચીનતાને ટીંબે. પાનું ફરે છે, ને પાંચાળના એક ‘લખમણ જતિ’ના બિરદ–દુહા ટપકાવેલા જોઉં છું. ભીમોરાનો ઓઢો ખાચર. નાડીનો સાબૂત આદમી : नाऽहं जानामि केयुरं, नाऽहं जानामि कंकणं, नूपुरं चैव जानामि नित्यं पदाभिवंदनात् ॥ એવો ભોજાઈ જાનકીના પગ સિવાયના કોઇ અંગને ન ઓળખનારો લક્ષ્મણ સંસારી છતાંયે લોકજીભે જતિ વદાયો, ને એ જતિબિરદ સાચા શીલવંતાઓને ચડતાં આવ્યાં છે. ‘એની તો નાડી ધોયે આડાં ભાંગે’ એ લોક–કહેણી એવા શીલવંતાઓ માટે યોજાય છે. ઓઢા ખાચરની નાડી ધોઇને સગર્ભાને પવાતાં આડા ગર્ભ સવળા બનતા તેની બિરદાવળના ટપકાવેલા દુહા છે.

‘હે નાડી હમીરરા !
વૈદક હોડ વદાં,
‘પીધે પાવરરા !
આડાં ભાંગે ઓઢીઆ !

(હે હમીરના પુત્ર ! તારી તો નાડી એવી છે કે હું વૈદક સામે હોડ વદી શકું, વૈદકની દવા પીધે જે આડા ગર્ભ સવળા ન થાય તે તારી નાડીને પલાળીને પીવાથી થાય.)

‘સુંદરને બાળક સમે,
કસર દિયે કરતાર !
‘એનો તે ઉગાર,
આવત નાડી ઓઢીઆ.



(સુંદરીને પ્રસૂતિની પીડા ટાણે તારી નાડી જ ઉગાર લઈને આવે છે.)

‘તરિયા અન્ન નીંદર તજણ,
જગભલ બે ખટ જુગ;
ભમરો વિંધણ ભૂપ !
તોં ઓળખીઓ ઓઢીઆ !

(હે ઓઢા ! તને મેં ઓળખ્યો. તું તો ત્રિયા, અન્ન અને નિદ્રા ત્યજનાર છે. રાવણ ભમરો થઈને ઈંદ્રના વિમાનમાં સંતાયો તેને પોતાના અણિશુદ્ધ શીલને કારણે જ વીંધી શકનાર લક્ષ્મણ તુલ્ય તું છે.)

ખટ જાતિ ભાંખે ખલક,
નવળંગ નાજહરા !
એમાં શોરખ ગરઢેરા !
તું આડીદર ઓઢીઆ !


ભાષાભાન વિના સંશોધન

કાઠી ગામધણીને ‘ગરઢેરો’ કહેવાય છે. મેટ્રીકના અભ્યાસક્રમમાં મારી વારતાઓ મુકાય છે. તેની ઉપર નોટ-ગાઇડો પ્રકટ કરનારાઓ સોરઠી તળપદા પ્રયોગોની સમજણ વગર ‘ગરઢેરા’ને ‘ઘરડા’ તરીકે વયસૂચક ગણાવે છે. આ બાપડાઓનો શો દોષ કાઢું ! અમારા ખુદ સંશોધકો જ સોરઠી ભાષાને ઓળખતા નથી. ‘નાજહરા’ એટલે નાજાનો પૌત્ર થાય. ‘હરા’ પ્રત્યય ખૂબ પ્રચલિત, એ જ રીતે ‘નાજાઉત’ એટલે નાજાનો સૂત (દીકરો): એ ‘ઉત’ પણ ચાલુ વપરાશમાં છે. છતાં એની ગતાગમ નથી હોતી. માત્ર શબ્દોપ્રત્યયોના પરિચયથી પણ લોકસાહિત્યનું સંશોધન શુદ્ધ બનતું નથી. લોકજીવનનો ઝીણો પરિચય ન હોય તો નીચલો દુહો તૂંબડીમાં કાંકરા જેવો–

‘ખેળાને બેસારે ખલક,
મેપત ખોળામાંય;
‘ખંડ૫ત ખુશી થાય,
અણસારેથી ઓઢીઆ !



ખેળો એટલે ભવાયો. સ્ત્રીનો વેશ લઈને આ ભવાયો મરદ ઈનામ મેળવવા માટે પ્રેક્ષકો પૈકીના સારા સારા પુરુષોના ખોળામાં બેસી પ્રણય–ચેષ્ટા કરે, અને એથી ફિદા થતા મેપતો (મહીપતિઓ-દરબારો) ઉલટમાં આવે છે. એ દૃશ્ય મેં નાનપણમાં ભવાઈમાં જોયું છે. ભુંડાભૂખ પુરુષના સ્ત્રીવેશની આવી ચેષ્ટાઓ પર પણ બીજા દરબારો લટ્ટુ બની જાય છે, તેવા કળિકાળમાં હે ઓઢા ! —

પદમણીએ પાવરના ધણી !
(તું) રીઝ્યો નહિ કળરૂપ !
ભોળવાઈ ગ્યો’તો, ભૂપ !
એકલશીંગી ઓઢીઆ !

(તું તો સાક્ષાત પદ્‌મણીનાં રૂ૫ પર પણ ન મોહાયો, નહિતર એકલશીંગી ઋષિ જેવા પણ લટુ બની ગયા હતા.)

‘પાવરના ધણી’ — ન સમજતા કે પાવર નામનો કોઈ પ્રદેશ કાઠિયાવાડમાં છે. ના, પાવર તો પુરાતન કાળમાં માળવા તરફનો કોઈ પ્રદેશ હતો, અસલ કાઠીઓના પૂર્વજો એ પાવરમાં રાજ કરતા. એટલે આજે પણ એ સંબોધન સર્વકોઈ કાઠીઓ માટે પ્રચલિત છે.

એમ ટીપે ટીપે, ટુકડે ટુકડે, સમસ્ત જીવન, ભાષા, વાણી, કવિતા, રીતો રસમો, પશુઓ, પરંપરાઓ, પહેરવેશો, સંસ્કારો, ભૌગોલિક અવસ્થાન્તરો ઇત્યાદિનું સમગ્રતાએ ખેડાણ કરતો કરતો હું લોકસાહિત્યમાં પલોટાયો છું. અને લોકસાહિત્ય કે અન્ય સાહિત્ય, સર્વકોઈ સાહિત્યમાં પલોટાવાની રીત એ એક જ છે. બિન્દુએ બિન્દુએ મધુસંચય વગર અને પોતાની અંદરના રસ વડે એ વનમધુનું નૂતન રસાયન નીપજાવ્યા વગર મધપૂડો બનતો નથી.

જીવતાં પાત્રો જડ્યાં છે.

પાનું ફરે છે–મીંઆણા બહારવટીઆ વાલા નામોરીની મેં ‘સોરઠી બહારવટીઆ’ ભાગ ૧ માં લખેલી કથાના કિસ્સા પૂરા પાડનાર માણસનો  પતો મળે છે. એ આદમી આ પ્રવાસમાં ભેટ્યો હતો. સ્વ. દરબાર કાંથડ ખાચરની રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખો : ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી, કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડાનાર એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી, પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહિ પણ સક્રિય પાત્ર હતો. ચારણ, ભાટો અને કથાકારો જ મને ઉટાંગ વાતો કહી ગયા છે એ માન્યતા ખોટી છે. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડ્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેમણે સારૂં બુરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોનો પણ સરલ ભાવે ઈન્કાર કર્યો છે.

એ વૃદ્ધ મિયાણાના છેલ્લા શબ્દો–કલ્યાણકારી શબ્દો–ટાંચણમાંથી અહીં ઉતારીને હું તેને સલામો દઉ છું—

‘વાલો મોર : ઘઉંલો વાન : સામાન્ય કદનો :

શરીરે મજબૂત : સ્વભાવ બહુ સાદો શાંત : કોઇ ગાળ દ્યે તો પણ બોલે નહિ : કોઈ દી’ હસે નહિ : કોઇ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલે : સાંજ પડ્યે બંદુકને લોબાન કરે : એની હાજરીમાં ભૂંડું બોલાય નહિ.’

આ બહારવટીઓ ! આ મિંયાણો ! આવા શીલવંતા કેવે કમોતે ગયા ! આમ કેમ થયું ? પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાસો કરી ટાળ્યા.

સંતોનાં જીવનરહસ્ય

ખેર ! સલામો દઇને જ આગળ ચાલું છું. પાંચાળનાં બહારવટીઆની પડખોપડખ મારી નોંધપોથીમાં પાંચાળના પીરાણાં–સંતજનોની શ્રેણી બેઠી છે—

“આપો રતો – નાની મોલડી “આપો જાદરો – સોનગઢ

“આપો મેપો – થાન

“આપો ઝાલો રબારી – મેસરીયું વાંકાનેર તાબે

આપો ગોરખો – જાદરાનો પુત્ર : આપો વણવીર વંથળી પાસે વર્ધા ગામનો કાઠી : આપો – ઢાંગો દલડી પાસેનો કુંભાર.”

બીજાનાં ચરિત્રો તો ‘સોરઠી સંતો’માં આપ્યાં છે. પણ ઢાંગા — વણવીરને મેં ગુમાવ્યા છે. એનું ટાંચણ મારે હૈયે, સ્વ. ચારણ મિત્ર ગગુભાઈ નીલા સનાળીવાળાએ જે જૂજ કરાવેલું તે યાદ કરું છું.—

‘બેઉ લોકસંતો એકબીજાને મળ્યા નથી. એક દિવસ કુંભાર ભક્ત ઢાંગો ગધાડાંના લગડાં પર ચલમો ભરીને વેચતા વેચતા વણથળી પંથકમાં જાય છે પણ વણવીર ભગતને ઘેર પહોંચે તો ભગત નથી. ઘરની કાઠીઆણી પરોણાને કુંભાર જાણી કશો આદરસત્કાર કરતી નથી. સંત પાછો વળે છે. વણવીરને સંદેશો કહેવરાવતા જાય છે કે ‘ભગત ! ખોરડું તો મોટું, પણ્ થાંભલી જાહલ !’ વણવીર એ સંદેશાનો ભેદ પામી જઈને સ્ત્રીનો ત્યાગ કરે છે. બીજી લાવે છે. ઢાંગાને કહેવરાવે છે કે ‘થાંભલી બદલાવી છે. ઘર જોઈ જજો’.

ઢાંગા ભગત ફરીવાર આવે છે. નવાં કાઠીઆણીનો સત્કાર પામે છે. વણવીર તો ઘેર નથી. રાતે મહેમાનનો ને પોતાનો, બેઉ ખાટલા ભક્ત–પત્ની પડખોપડખ ઢળાવે છે. મોડી રાત સુધી જ્ઞાનભક્તિની ગોષ્ઠિ કરીને બેઉ ઊંઘી જાય છે. ઊંઘમાંથી ઢાંગા ભક્ત એકાએક ઝબકી ઉઠે છે. જુએ છે તો પોતાનો હાથ યજમાન–પત્નીની છાતી પર પડેલો ! હાથનો પંજો કાપીને, ત્યાં મૂકી પોતે રાતોરાત છાનામાના જતા રહે છે. સંદેશો મૂકતા જાય છે. કે ‘તારા ચોરને સોંપતો આવ્યો છું.’

આવી નાનકડી હૈયા–નોંધ મને આ લોકસંતોની આંતર્ગત, અરસપરસના આચારવિચારની એક નિગૂઢ પરંપરા તરફ લઈ જાય છે. હું આ દિવસોમાં સમસ્ત ભજનસાહિત્યમાં ને ભક્તપ્રણાલિકામાં ઊંડો ઊતરી રહ્યો છું. આ મહેમાન–યજમાનની, પુરુષ ને સ્ત્રીની, પાસે પાસે પથારી શું ! પરોણાગતની આવી પ્રણાલિકાનું રહસ્ય શું ! એ પછીથી ચર્ચશું.