લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૨૩. અંગ્રેજીને એમાં સ્થાન નથી

વિકિસ્રોતમાંથી
← ૨૩. તકલી વિ૦ રમકડાં પાયાની કેળવણી
૨૩. અંગ્રેજીને એમાં સ્થાન નથી
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૫. કેટલાક વાંધા →


૨૪
અંગ્રેજીને એમાં સ્થાન નથી

['ગ્રામશિક્ષણ વિ૦ શહેરી શિક્ષણ'એ મથાળાની નોંધ આ છે. — સં.]

એક કેળવણીકાર લખે છેઃ

"જો તમે સાવધ નહીં રહો તો જોશો કે, શહેરોમાં દાખલ થઈ રહેલી પાયાની કેળવણી ગામડાંમાં દાખલ થઈ રહેલી પાયાની કેળવણી કરતાં જુદું જ સ્વરૂપ પકડશે. દા.ત. માતૃભાષાને ધક્કો પહોચાડીને અંગ્રેજી દાખલ થશે અને પરિણામે એક જાતનું ગુમાન પોષાશે."

મારે કબૂલ કરવું જોઈએ કે, મારી યોજના ગામડાંની પ્રજાની દૃષ્ટિએ ઘડાઈ છે. અને જ્યારે હું તે ખીલવી રહ્યો હતો ત્યારે મેં એમ કહ્યું હતું ખરું કે, શહેરોને તે લાગુ કરવામાં થોડાક ફેરફારો કરવા પડશે. આ ફેરફારોની કલ્પના શિક્ષણના માધ્યમ તરીકે જે ઉદ્યોગો પસંદ કરવાના તે પરત્વે જ માત્ર હતી. મને કદી ખ્યાલ નહોતો કે, પ્રાથમિક ધોરણોમાં અંગ્રેજીને સ્થાન આપવાનો ક્યાંયે પ્રયત્ન થશે. અને આ યોજના તો હજુ માત્ર પ્રાથમિક ધોરણોની જ કક્ષામાં રહી છે. અલબત્ત આ પ્રાથમિક મર્યાદા અંગ્રેજી વિનાના મેટ્રિક્ના ધોરણની બરોબર પહોંચવા જાય છે ખરી. આ પાયરીએથી બાળકો ઉપર અંગ્રેજી લાદવું એ તો એમના સ્વાભાવિક વિકાસને ડામવા બરાબર અને કદાચ તેમનામાંથી સ્વયંપ્રેરણાને મારી નાખવા બરાબર છે. ભાષા શીખવી એ મૂળે તો સ્મરણશક્તિ કેળવવાની જ તાલીમ છે. શરૂથી જ અંગ્રેજી શીખવું એ બાળક ઉપર એક સાવ બિનજરૂરી બોજો છે. બાળક માતૃભાષાને ભોગે જ તે શીખી શકે. હું તો માનું છું કે, ગામડાંના બાળકના જેટલું જ શહેરી બાળકને માટે પણ એ જરૂરી છે કે તેના વિકાસનું ચણતર માતૃભાષાના સંગીન ખડક પર જ રચાય. આવી દેખીતી અને ખુલ્લી વાત કેવળ હિંદુસ્તાન જેવા દુર્ભાગી દેશમાં જ સાબિત કરવી પડે છે.

સેગાંવ, ૨-૯-'૩૯

ह૦ बं૦, ૧૦-૯-'૩૯