પાયાની કેળવણી/૨૭. યોગ્ય શિક્ષકોની મુશ્કેલી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ૨૬. વર્ધાપદ્ધતિના શિક્ષકો પાયાની કેળવણી
૨૭. યોગ્ય શિક્ષકોની મુશ્કેલી
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૮. શ્રદ્ધા જોઈએ →


એક ચીની અધ્યાપક તાઓ સાથેની વાતચીતના શ્રી.મ₀ હ₀ દેસાઈના 'વર્ધાયોજના અને ચીનની કેળવણી' એ મથાળેથી આપેલા હેવાલમાંથી આ છે. - સં₀]

અધ્યાપક તાઓને વર્ધા શિક્ષણયોજનામાં ઘણો રસ હતો.એમણે પૂછ્યું : "એ યોજનાના સારરૂપ વસ્તુ કઈ છે?

ગાંધીજી: "એ યોજનામાં કેંદ્રરૂપ વસ્તુ તે કોઈક ગામઠી ઉદ્યોગ તે છે, ને તે વાટે બાળકમાં રહેલા પુરુષ્ત્વ કે સ્ત્રીત્વનો સંપૂર્ણ વિકાસ સાધવો એવી કલ્પના છે."

અધ્યાપક તાઓએ કહ્યું કે એમને ત્યાં શિક્ષકોની મુશ્કેલી છે. એના પર ગાંધીજી હસ્યા. આપણે ત્યાં પણ એ જ મુશ્કેલી છે ને. અધ્યાપક તાઓએ પૂછ્યું, "આપ તાલીમ પામેલા શિક્ષકો કોઈ ઉદ્યોગ શીખે એમ ઈચ્છો, કે કારીગર અધ્યાપનકળા શીખે તેમ ઇચ્છો છો?"

ગાંધીજીએ લખીને જવાબ આપ્યો: " સામાન્ય શિક્ષિત માણસ કોઈ ઉદ્યોગ સહેજે કસ્તગત કરી લે તેવી અપેક્ષા રાખી શકાય. દાખલા તરીકે, તમારા જેવા સુશિક્ષિત માણસને સુથારી જેવો ઉદ્યોગ શીખતાં જેટલો વખત લાગે તેના કરતાં આપણા કારીગરોને આવશ્યક સામાન્ય શિક્ષણ મેળવતાં ઘણો વધારે વખત લાગે."

અધ્યાપક તાઓ કહે, "પણ અમારા કેળવાયેલા માણસોને મોટી મોટી નોકરીઓ ને પૈસાની લગની લાગેલી હોય છે. એમને આમાં રસ શી રીતે પડે?"

ગાંધીજી : "આ યોજના જો પાયાશુધ્ધ હોય અને કેળવાયેલા માણસોને ગમે તો એ આકર્ષક નીવડવી જ જોઈએ ને એ રીતે કેળવાયેલા જુવાનોને પૈસાની લાલચમાંથી ખેંચવાનું સામર્થ્ય એનામાં હોવું જોઇએ. એ જો કેળવાયેલા જુવાનોમાં પૂરતી દેશદાઝ ન જગવી શકે તો એ નિષ્ફળ જ નીવડવાની. અમારે ત્યાં એક લાભ છે. જેમને હિંદી ભાષાઓ મારફતે શિક્ષણ મળ્યું હોય છે, તેઓ કૉલેજોમાં દાખલ થઈ શકતા નથી. એમને આ યોજના આકર્ષક લાગે એવો પૂરેપૂરો સંભવ છે."

ह.बं., ૨૮-૮-'૩૮

(પૂર્ણ)