પાયાની કેળવણી/૩૩. કાંતણ અને ચારિત્ર
← ૩૩. કેળવણીના પુનર્ઘટનની જરૂર | પાયાની કેળવણી ૩૪.કાંતણ અને ચારિત્ર મોહનદાસ કરમચંદ ગાંધી |
૩૫. બિહાર પ્રાંતની શાળાઓ → |
૩૪
કાંતણ અને ચારિત્ર
ગુનેગાર ગણાતી કોમો માટેની વસાહતોમાં થયેલા કાંતણકામનો નીચેનો હેવાલ ચરખા સંઘ, કર્ણાટક શાખાના મંત્રીએ મોકલ્યો છેઃ
- "હુબળીની વસાહતના સંચાલક રેવરંડ અશર વિલ્સન અને આ વસાહતમાંની પ્રમાણિત શાળાની મુખ્યાધ્યાપિકા મિસ બિસ્કોએ જ્યારે અખબારોમાં વાંચ્યું કે, અખિલ ભારત ચરખા સંઘ ની કર્ણાટક પ્રાંતિક શાખાએ બિજાપુર અને ગદગની વસાહતોમાં વસતાં બેકાર માણસોને કાંતણ પીંજણ શીખવવા માટે શિક્ષકો મોકલ્યા છે,ત્યારે હુબળીની વસાહતમાં એ અખતરો અજમાવી જોવાનો વિચાર એમને પણ આવ્યો. રેવરંડ વિલ્સન અને મિસ બ્રિસ્કોનાં ઉત્સાહ અને ઉત્કંઠા જોઈ શાખાને હુબળીની વસાહતમાં કામ ઉપાડવાનું મન થયું.
"છોકરાઓ માટેની કાચી કેદમાં અમે કામ શરૂ કર્યું. આ કાચી કેદમાં આઠ અને સોળની વચ્ચેની બધી ઉંમરના કુલ ૩૩ છોકરા છે. છોકરાને કાચી કેદમાં તેમનાં વાલી અથવા પોલીસ મૂકી જાય છે. એટલા માટે કે તેમના પર પાકી દેખરેખ રહે. છોકરાઓને ત્યાં રાખવાનું કારણ સામાન્યપણે એમનું વિચિત્ર વર્તન અથવા તો નાની નાની ચોરીઓ કરવાની વૃત્તિ હોય છે. કાચી કેદના સંચાલકોને આ છોકરાઓને સખણા રાખવાનું કામ વસમું લાગતું હતું. ઘણા છોકરા નાસી જતા તેમનો પીછો પકડવો પડતો, ને તેમને શોધીને પાછા કાચી કેદમાં લાવવા પડતા. શહેરની કોઈ પણ પ્રાથમિક કે માધ્યમિક શાળામાં તેમને મોકલી શકાય તેમ નહોતું, કેમ કે તેઓ રખેને નાસી જાય એવો ભય હંમેશાં રહેતો.છોકરાઓનાં શરીર અને મનને કંઈક અનુકૂળ કામમાં રોકાયેલાં રાખવાનો કોઈ તરીકો વસાહતના અધિકારીઓને સૂઝ્યો ન હતો.
"ચરખા સંઘે એક શિક્ષક મોકલ્યો. તેણે છોકરાઓને શીખવવાનું કામ સાડા ત્રણ મહિના કર્યું છે.રૂ સાફ કરીને પીંજવાનું ને કાંતવાનું કામ આંધ્ર પધ્ધતિએ ચાલે છે. ચૌદ અને સોળ વરસની વચ્ચેના મોટા છોકરાઓને આ વર્ગમાં લીધા છે. દરેક છોકરો રોજનું ૨૫થી ૩૦ આંકનું ૧,૨૦૦થી ૧,૫૦૦ વાર સૂતર કાંતે છે. કાચી કેદના સંચાલક મને જણાવે છે કે, છોકરાઓ કંઈક મહેનતાણું મેળવીને નિયમિત કામ કરતા થયા ત્યારથી તેમનાં વર્તન અને રીતભાતમાં ઘણો સુધારો થયો છે. મિસ બ્રિસ્કોના કાગળમાં તેનું વર્ણન આપેલું હોઈ તે વાંચવા જેવું છે.એમાં મારે કશું ઉમેરવાનું નથી.એ કાગળ હુ આ સાથે મોકલું છું." મુખ્યાધ્યાપિકા મિસ બ્રિસ્કોનો રસપ્રદ કાગળ આ રહ્યોઃ
"અમારી પ્રમાણિત શાળામાં અમે જે કાંતણકામ ચલાવી રહ્યાં છીએ તેને વિષે મારે આપને લખવું તેવી માગણી ચરખા સંઘે કરી છે.
"૧. અમે ૧૯૪૦ના જાન્યુઆરીની ૧૫મીએ કાંતણ વર્ગ શરૂ કર્યો.
"૨. એમાં લીધેલા છોકરા ચૌદથી સોળ વરસના છે, ને તેમને આ કામમાં આટલો રસ પડતો લાગે છે તે જોઈને અમને વિસ્મય થયું.
"૩. પહેલાં તો નવરા બેસી રહેતા, કેમ કે કંઈ પણ ખરચાળ ઉદ્યોગ શરૂ કરવાનું અમને પરવડતું નહોતું. હવે તો મોજ કરે છે ને કામમાં રોકાયેલા રહે છે, ને એમને નાસી જવાનું મન થતું નથી.
"૪. તેઓ રોજના પાંચેક કલાક કામ કરીને માથા દીઠ બેથી સવાબે આના કમાય છે. આ કાંતણકામ શરૂ કરવાને જે પૈસા ખાનગી રીતે ધીરવામાં આવેલા, તે તેઓ ભરપાઈ કરી આપે છે. થોડાક પૈસા તેમના હાથમાં અપાય છે ને બાકીના તેમના ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી કાચી કેદમાંથી બહાર જતી વખતે તેમની પાસે કંઈક પૈસા હોય. છોકરાઓની બાબતમાં આ પ્રયોગ આટલો સફળ થયો. એટલે આ અઠવાડિયે અમે વસાહતની કન્યાશાળાની મોટી છોકરીઓને પણ આ કામ શીખવવું શરૂ કર્યું છે. અમને લાગ્યું કે, આ ખબર જાણીને આપને આનંદ થશે; તેથી આ કાગળ લખું છું, ને કાંતતા છોકરાઓની છબી મોકલું છું. તેઓ કેવા મોજ કરે છે તે આપ જોશો."
કાંતણની મનને સ્થિર કરનારી અસર વિષેના ઉપરના વર્ણનને ટેકો આપનારો પુષ્કળ પુરાવો છે. હું આશા રાખું છું કે, મિસ બ્રિસ્કો તેમના પ્રયોગની પ્રગતિ વિષે મને વખતોવખત અહેવાલ મોકલતાં રહેશે.
ह૦ बं૦ , ૩-૮-'૪૦