પાયાની કેળવણી/૩૬. કૉંગ્રેસ પ્રધાન મંડળો અને નવી તાલીમ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
←  ૩૫. મારી અપેક્ષા પાયાની કેળવણી
૩૬. કોંગ્રેસ પ્રધાનમંડળો અને નવી તાલીમ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૭. ગ્રામવિદ્યાપીઠ →


[કેળવણી ખાતાના પ્રધાનોની પરિષદ જોડે ગાંધીજીને થયેલા વાર્તાલાપનો શ્રી પ્યારેલાલજીએ આપેલો હેવાલ આ છે. - સં.]

૧૯૩૯ની સાલમાં મહાસભાની સરકારોએ સાત પ્રાંતોમાં રાજીનામાં આપ્યાં, ત્યાર બાદ તે તે પ્રાંતોમાં હિંદી રાજ્યબંધારણના ૧૯૩૫ની સાળાના કાયદાની ૯૩મી કલામ મુજબના રાજ્યવહીવટનો અમલ ચાલુ થયો. તે અમલ દરમિયાન તે વહીવટ ચલાવનારા લોકોએ મહાસભાની સરકારોએ શરૂ કરેલા નવી તાલીમ, દારૂબંધી અને ગ્રામસુધારણા તેમ જ પાયાના ગ્રામોદ્યોગના પુનરુદ્ધારના કાર્યક્રમોમાં વહીવટી રીતરસમોનો દારૂગોળો વાપરીને અંદરખાનેથી સારી જેવી ભાંગફોડ કરી મૂકી. મહાસભાની સરકારોએ રાજ્યવહીવટની લગામ પાછી હાથમાં લીધી, તેની સાથે જ તેમણે પહેલી ફિકર પોતાના પ્રયોગોમાંથી પેલી ભાંગફોડ થયા છતાં, જે કંઇ રહી ગયું તેને બચાવી લેવાની અને પોતે જ્યાંથી તે કાર્યક્રમોને લગતાં કામો છોડ્યાં હતાં ત્યાંથી પાછાં હાથા પર લેવાની હતી.

એ કામને માટે વિચાર કરવાને મહાસભાના વહીવટના પ્રાંતોમાં કેળવણી ખાતાના પ્રધાનો, શ્રી બાળાસાહેબ ખેરના નિમંત્રણથી, તેમના પ્રમુખપણા નીચે પૂનાના કાઉન્સિલ હૉલમાં તા ૨૯મી. અને ૩૦મી જુલાઈના દિવસોએ એક પરિષદમાં ભેગા માળ્યા હતા. બધા પ્રાંતોના કેળવણી ખાતાના પ્રધાનોને બોલાવવામાં આવ્યા હતા. પણ બે પ્રાંતના પ્રધાનો આવી શક્યા નહોતા. ગાંધીજી ૨૯મી તારીખે સાંજે પરિષદમાં કલાકેકથી વધારે વખત હાજર રહ્યા હતા. સરકારની અને સરકારે માંય કરેલી અથવા અથવા તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં નવી તાલીમના પ્રયોગનું કામ ખોટકાઈ પડ્યું હતું, છતાં તાલીમી સંઘને આશ્રયે તેનું કામ ચાલુ રહ્યું હતું અને ગાંઘીજીની ભવિષ્યને ઓળખવાની દ્રષ્ટિને લીધે સંઘની, આજની કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની, પૂરેપૂરી તૈયારી હતી. પહેલાં સાત વરસ પછી હવે નવી તાલીમા સગીર મટી પુખ્ત ઉંમરની થઈ ગણાય. ૧૯૪૪ની સાલમાં ગાંધીજી અટકમાંથી છૂટી તાલીમી સંઘના સભ્યોને પહેલવહેલા મળ્યા, ત્યારે તેમણે તેમને સમજાવ્યું કે, હવે તમારૂમ કામ એવી મજલે પહોંચ્યું છે કે, ત્યાંથી તેનું ક્ષેત્ર વધારવું જોઇએ. તમારે તમારા કામની મર્યાદામાં હવે પાયાની કેળવણીની પછીની અને પાયાની કેળવણી પૂર્વેની તાલીમને સમાવી લેવી જોઈએ. પાયાની કેળવણી ખરેખરી જીવનને માટેની અથવા તેના ઘડતર માટેની કેળવણી બનવી જોઈએ. અહીંથી આગળ પોતાની દલીલનો તાર ઉપાડીને પોતાના ભાષણમાં ગાંધીજીએ પરિષદને પાયાની કેળવણીના ક્ષેત્રનો વિસ્તાર હવે કયે ધોરણે તેમ જ કઇ દિશામાં કરવો અને પોતાના અભિપ્રાય મુજબ તે બાબતમાં પ્રધાનોની શી ફરજ છે, તે બાબતોની સમજૂતી આપી. ડૉ. ઝાકીર હુસેને એક સવાલ પૂછી એવી ચિંતા બતાવી કે, નવી તાલીમનું કાર્ય કરનારા વધારે પડતા ઉત્સાહમાં આવી જઇ ગળે ઊતરે તેનાથી મોટો કોળિયો ભરી બેસે, તેવો ભય નથી ? પોતે જે કાર્યક્રમ માથે લે, તે ગજા ઉપરવટનો હોય અને તેને અમલમાં મૂકવાનાં નવી તાલીમનું કામ કરનારા લોકો પાસે સાધન ન હોય, તો તે એક જોખમકારક તેમ જ આગળ ઉપર ફસાવી દેનારી જાળ જેવો ન થઈ બેસે? આ સવાલના જવાબમાં ગાંધીજીએ બોલવાનું શરૂ કર્યું

હું પ્રધાન હોઉં તો?

ગાંધીજીએ કહ્યું કે, શું કરવાનું છે તેની મને બરાબર ખબર છે, પણ તે કેમ કરવું ને કરવા માંડવું તે બાબત મારા મનમાં હજી બરાબર ગડ બેસતી નથી. અત્યાર સુધી તમારો (એટલે કે નવી તાલીમનું કાર્ય કરનારઓનો) રસ્તો બરાબર અંકાઈ ચૂકેલો હતો, પણ હવે તમારે અજાણ્યા દરિયામાં સફર ખેડવાની છે. તમારી મૂશ્કેલીઓ હું જાણું છું. જે લોકો (કેળવણીની) જૂની રૂઢિગત પરંપરામાં કેળવાયાં છે ને ઊછર્યાં છે, તે લોકો સહેજમાં એક તડાકે તેનાથી જુદે રસ્તે ફંટાઈ ન શકે.

પ્છી ગાંધીજીએ જણાવ્યું કે, હું પ્રધાનના હોદ્દા પર હોઉં, તો એવી વ્યાપક સૂચનાઓ આપી દઉં કે, હવે પછી કેળવણીને લગતી સરકારની બધી પ્રવૃત્તિ પાયાની કેળવણીને ધોરણે તેની દિશામાં ચાલ્શે. પહેલાં ઘણા પ્રાંતોમાં પ્રૌઢશિક્ષણના કાર્યક્રમો પણ હું એકાદ પાયાના ઉદ્યોગની મારફતે ચલાવું. મારો અભિપ્રાય એવો છે કે, રૂ કાંતવાની અને તેની સાથે સંકળાયેલી બીજી ક્રિયાઓ આ કાર્યને માટે સૌથી સારા અને સૌથી વધારે અનુકૂળ હાથકામના ઉદ્યોગો છે. પણ ઉદ્યોગોની પસંદગી હરેક દાખલામાં, જે કામ કરનારા લોકો આ કાર્યની સાથે જોડાયેલા છે, તેમના પર છોડી દેવાને હું તૈયાર છું, કેમ કે મારી એવી ચોક્કસ શ્રધ્ધા છે કે, આખરે તે ઉદ્યોગ જ આ કામમાં ટકશે, જેમાં આ કામને લાયકના જરૂરી ગુણો હશે. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટરો, એટલે કે નિરીક્ષકો, અને બીજા અમલદારોનું કામ લોકોમાં અને નિશાળોના શિક્ષકોમાં સીધા જઈ, તેમને દલીલથી અને સમજાવટથી સરકારની કેળવણી વિષેની નવી નીતિની કિંમત અને ઉપયોગિતાની કેળવણી આપવાનું રહેશે.લોકો પર અને શિક્ષકો પર અમલ બજાવવાનું નહીં, પણ આ તેમનું પહેલું કામ છે. હવે એ ઇન્સ્પેક્ટરો અને અમલદારોને આ નીતિ કે આ કેળવણી વિષે શ્રદ્ધા ન હોય, અથવા વફાદારીથી નવી નીતિનો અમલ કરી તેને પાર પાડવાની તેમની નામરજી હોય, તો તેમને હું રાજીનામું આપી સરકારની નોકરીમાંથી અળગા થવાની છૂટ આપું.પણ પ્રધાનો પોતાનું કામ બરાબર જાણતા હોય અને તેની પાછળ તન તોડીને હોંશથી તેમ જ ખંતથી મડે, તો આવું કરવાની જરૂર પડે, એમ મને નથી લાગતું. પણ એટલું સાફ સમજાવું જોઈએ કે, ઑફિસની ખુરશીમાં બેઠે બેઠે એક પછી એક હુકમો છોડવાથી આ કામ બનવાનું નથી.

યુનિવર્સિટી કેળવણીનું નવસંસ્કરણ

પુખ્ત ઉંમરનાં સ્ત્રીપુરુષોની કેળવણીની બાબતમાં તે જ યુનિવર્સિટી, એટલે કે વિશ્વવિદ્યાલયો અથવા વિદ્યાપીઠોની કેળવણીને લાગુ પડે છે.તે કેળવણીનો હિંદની ભૂમિની સાથે અથવા તેની પરિસ્થિતિની સાથે જમીન અને તેમાંથી ઊગતાં ઝાડના જેવો સંબંધ હોય. તેથી, વિદ્યાપીઠની કેળવણી પાયાની કેળવણીના અભ્યાસક્રમનો વિસ્તાર હોય. ધ્યાનમાં રાખવાનો અને સવાલના કેન્દ્રમાં રહેલો મુદ્દો જ આ છે. તમારા લોકોને આ વાત ગળે ઉતરતી ન હોય, અથવા આ મુદ્દાની બાબતમાં તમે મારી સાથે સંમત ન થતા હો, તો મને લાગે છે કે, મારી સલાહ તમને ખપમાં નહીં આવે. એથી ઊલટું,તમે મારી સાથે સમ્મત થતા હો કે, હાલની યુનિવર્સિટીની કેળવણીથી કેળવણી લેનારા વિદ્યાર્થીઓ પૂર્ણ સ્વરાજને લાયક બને એવા ઘડાતા નથી, ઊલટું તે કેળવણી તેમને કેવળ ગુલામીનું શિક્ષણ આપે છે ને ગુલામ બનાવે છે, તો તે પદ્ધતિને ધરમૂળથી સમારવાને અથવા તેને રદ કરી રાશ્ટ્રની જરૂરિયાતને અનુકૂળ થાય તેવા નવા ધોરણે ફરીથી રચવાનો તમે પણ મારી માફક અધીરા થઈ જશો.

આજે આપણી યુનિવર્સિટીઓમાં ભણી નીકળતા જુવાનિયા કાં તો સરકારી નોકરીની શોધમાં ફરતા રહે છે અથવા જૂનો ચિલો તદ્દન મૂકી દઈ,જાત જાતને રવાડે ચડી પોતાની વ્યર્થતાની ભાવનાને મોકળો માર્ગ આપવાને સમાજમાં બખેડો જગાડે છે. વળી, તેમને ભીખ માગવાની કે બીજાની કમાણી પર જીવવાની પણ શરમ આવતી નથી.તે બિચારાઓની આવી દયા ઉપજાવે તેવી દશા થાય છે. વિદ્યાપીઠની કેળવણીનું ધ્યેય પોતાના મુલકની આઝાદીને ખાતર મરી ફીટનારા પ્રજાના સાચા સેવકો પેદા કરવાનું હોય. તેથી મારો અભિપ્રાય છે કે, વિદ્યાપીઠની કેળવણી તાલીમી સંઘમાંથી શિક્ષકો લઈ પાયાની કેળવણી સાથે એકસૂત્રે પરોવી, તેના ધોરણ પર લાવવી જોઈએ. તમે પ્રધાનોએ પ્રજાના પ્રતિનિધિઓ તરીકે રાજ્યવહીવટ ચલાવવા અધિકાર લીધો છે. તમે પ્રજાને તમારી સાથે રાખી નહીં શકો, તમારા વિચારોમાં અને કાર્યોમાં ભાગ લેતી નહીં કરો, તો તમારા હુકમો આ કાઉન્સિલ હૉલની બહાર કોઈ માનવાનું નથી. આજે મુંબઈમાં ને અમદાવાદમાં જે બની રહ્યું છે, તેનો અર્થ જો એવો થતો હોય કે કોંગ્રેસે લોકો પરનો પોતાનો પ્રભાવ અથવા કાબૂ ગુમાવ્યો છે, તો તે એક અપશુકનિયાળ લક્ષણ છે. નવી તાલીમ હજી કુમળો છોડ છે, પણ તે મોટાં ફળની આશા આપનારો છે.પ્રજાના ટેકાને અભાવે કેવળ પ્રધાનોનાં છોડેલાં ફરમાનોથી એ છોડનો વિકાસ જબરજસ્તીથી નહીં કરી શકાય.તેથી તમને લોકોનો અથવા તેમની ભાવનાનો કે નિષ્ઠાનો આધાર નહીં મળે, તો મારી તમને સલાહ છે કે, તમારે તમારી જગ્યાનાં રાજીનામાં આપીદેવાં. એથી અહીં અંધાધૂંધી ફેલાશેએવો ડર ન રાખશો. તમારૂં કાર્ય તમને સૂઝે એવી તમારી પોતાની ફરજ બજાવી છૂટવાનું અને બાકી બધું ઇશ્વરના હાથમાં સોંપી દેવાનું છે. આ અનુભવમાંથી પણ પ્રજા સાચી સ્વતંત્રતાનો પાઠ શીખશે.

એ પછી ગાંધીજીએ શ્રોતાઓને સવાલો પૂછવાને જણાવ્યું. પહેલો સવાલ આ હતોઃ "સ્વાવલંબનનું ધોરણ બાદ રાખીને પાયાની કેળવણી ચલાવી શકાય?"

ગાંધીજીએ જવાબમાં કહ્યું, "તમે જરૂર ચલાવી શકો. પણ મારી સલાહ પૂછો તો હું કહીશ કે, તો પછી તમે પાયાની કેળવણીની વાત તદ્દન ભૂલી જજો. સ્વાવલંબનનો, એટલે કે કેળવણીની પ્રક્રિયામાંથી જ તેનું ખર્ચ મેળવી લેવાનો સિધ્ધાંતની સાથે કાર્યકારણ ભાવે સંકળાયેલો નથી. પણ મારે મન એ જ તેની સાચી કસોટી છે.આનો અર્થ એવો નથી કરવાનો નથી કે, પાયાની કેળવણી તદ્દન શરૂઆતથી જ પોતાનું ખર્ચ કાઢતી થઈ સ્વાવલંબી થાય. પણ પાયાની કેળવણીની યોજનાનો આખો સાત વરસનો ગાળો સળંગપણે લેતાં આવક અને ખર્ચનાં પાસાંનો મેળ મળી રહેવો જોઈએ. કેમે કે, નહીં તો એનો અર્થ એવો થાય કે, પાયાની કેળવણી પૂરી કર્યા પછી પણ નવી તાલીમમાં કેળવાનારા વિદ્યાર્થીઓ જીવનને માટે ઘટતી રીતે ઘડાતા નથી. એ તો પાયાની કેળવણીનો ઇન્કાર થાય. એટલે સ્વાવલંબનના પાયા વગરની પાયાની કેળવણી ચેતન વગરના શરીર જેવી થઈ રહેશે.

ત્યાર બાદ બીજા સવાલજવાબ થયા.

સ₀- પાયાનો એકાદ હુન્નર લઈ તેની મારફ્તે કેળવણી આપવાનો સિદ્ધાંત અમે સ્વીકાર્યો છે. પણ કોઈક કારણ્સર મુસલમાનો રેંટીયાનો વિરોધ કરે છે. જે પ્રદેશમાં કપાસ થાય છે, તેમને માટે તમે કાંતવાના ઉદ્યોગ પર ભાર દો, તે બરાબ્ર થાય. પણ જે પ્રદેશમાં કપાસ નથી થતો, તે પ્રદેશોને એ ઉદ્યોગ અનુકૂળ નથી, એ વાતમાં તમે સંમત કેમ નથી થતા? એવાં સ્થળોને કાંતણની અવેજીમાં બીજો કોઈ હુન્નર ન ચાલે? દાખલા તરીએ, ખેતી ન ચાલે?

જ₀- આ સવાલ બહુ જૂનો થયો. કેળવણીના સાધન અથવા માધ્યમ તરીકે કોઈ પણ ઉદ્યોગ કામ આપે કે નહીં, તેની એ કસોટી છે. તે ઉદ્યોગ સાર્વત્રિક, એટલે કે સૌથી થાય એવો હોવો જોઈએ. આજથી પહેલાં છેક ૧૯૦૮ની સાલમાં મેં એવો નિર્ણય બાંધ્યો હતો કે, હિંદુસ્તાનને સ્વતંત્ર કરવાને અને તેને પોતાની તાકાત પર ઊભું રહેતું કરવાને હિંદુસ્તાનના ઘરેઘરમાં રેંટિયો દાખલ કરવો જોઈશે. ઇંગ્લેંડમાં કપાસનું એક પૂમડું ફૂટતું નથી અને છતાં તે હિંદુસ્તાનમાં, બલ્કે દુનિયાભરમાં સુતરાઉ કાપડની નિકાસ કરી શકે છે. તો પડોશના જિલ્લામાંથી કે બહુ તો પ્રાંતમાંથી કપાસ લાવવો પડશે તેટલા ખાતર આપણા ઘરેઘરમાં આપણે કાંતણ શા સારુ દાખલ ન કરી શકીએ, તે મારી સમજમાં ઊતરતું નથી. હકીકતમાં હિંદુસ્તાનનો એક વિભાગ એવો નથી, જ્યાં એક જમાનામાં કપાસની ખેતી નહોતી થતી.કપાસની ખેતી અમુક અમુક વિભાગોમાં મર્યાદીત કરી તેમને 'કપાસના પ્રદેશો'ને નામે ઓળખાવવાની અકુદરતી વાતો છેક હમણાંની નીકળેલી છે; એને કપાસમાંથી બનતા સૂતરના તૈયાર માલમાં સ્વાર્થ ધરાવનારા સ્થાપિત હિતોએ હિંદુસ્તાનના ગરીબ કર ભરનારા વતની તેમ જ તેમાં કાંતનારાઓને ભોગે હિંદુસ્તાનને માથે મારેલી છે. આજેયે કપાસનાં ઝાડો પર ફૂટતો કપાસ તો હિંદુસ્તાનમાં બધે મળે છે. તમે જે દલીલ કરો છો, તે જાતની દલીલો આપણી પહેલ કરવાની અથવા નવું નવું કરવાની, સાહસ ખેડવાની અને નવાં નવાં સાધનો બેઠાં કરી લેવાની શક્તિને નાનમ લગાડે તેવી છે. બીજા કોઈક સ્થળમાંથી કાચો માલ આયાત કરવાની જરૂરને ટાળી ન શકાય તેવી અડચણ લેખવામાં આવે, તો બધી જાતનો માલ તૈયાર બનતો અટકી જાય ને બધા ઉદ્યોગો માર્યા જાય.

વળી, નાગા ફરવાની દશામાંથી ઉગારો ન હોય, ત્યારે પોતાના હાથની મજૂરીથી કોઈ માણસને પોતાનાં કપડાં પહેરતો કરવામાં સાચે જ ઉત્તમ પ્રકારની કેળવણી રહેલી છે.બરાબર સમજીને રૂને કાંતીને તેનું સૂતર બનાવવાની અને તેને લગતી બીજી ક્રિયાઓ બુદ્ધિની કેળવણીની દૃષ્ટિથી બહુ કીમતી છે એટલું જ નહીં, બીજા કોઈ ઉદ્યોગમાં ન થતી હોય તેવી માણસની સંપૂર્ણ કેળવણી તે ક્રિયાઓ દ્વારા થાય છે. મુસલમાનોનો વહેમ આજે કદાચ આપણે ટાળી નહીં શકીએ, કેમ કે તે બધાનું મૂળ ભ્રમમાં રહેલું છે; અને ભ્રમની જાળમાં સપડાનારને મન ભ્રમ ટળે નહીં, ત્યાં સુધી તે ભ્રમના જેવી સત્ય વસ્તુ બીજી કોઈ લાગતી નથી. પણ આપણી શ્રદ્ધા ચોખ્ખી તેમ જ દૃઢ હશે અને આપણી પદ્ધતિની સફળતાનો આપણે અમલી પુરાવો આપીશું, તો ખુદ મુસલમાનો આપણને શોધતા આવશે અને આપણી સફળતાનું રહસ્ય પોતાને બતાવવાને આપણને જાતે થઈને કહેશે. ખુદ મુસ્લિમ લીગ અથવા બીજી કોઈ મુસ્લિમ સંસ્થાના કરતાં રેંટિયાએ ગરીબમાં ગરીબ મુસ્લિમ આમજનતાની વધારે સેવા કરી છે, એ વાત મુસલમાનોને હજી સમજાઈ નથી. બંગાળના વણકરોમાંથી મોટો ભાગ મુસલમાનોનો છે. વળી એ પણ ન ભૂલશો કે, પોતાની શબનમોને માટે દુનિયાભરમાં પંકાયેલા ઢાલાની ખ્યાતિ તેના મુસ્લિમ કાંતનારાઓ અને વણકરોને આભારી છે.

મહારાષ્ટ્રનું પણ આમ સમજવું. ભ્રમ મટાડવાનો સૌથી શ્રેષ્ઠ ઇલાજ પોતપોતાની ફરજ બજાવવામાં એકાગ્રતાથી મંડી રહેવાનો છે. ટકનારું એક સત્ય છે, બાકી બધું કાળના જુવાળમાં ઘસડાઈ જવાનું છે. તેથી સૌ કોઈ મને છોડી જાય, તોયે મારે તો સત્યને પોકારી પોકારીને જાહેર કરવું રહ્યું. આઅજે મારો અવાજ અફાટ જંગલમાં એકલો હશે, તોયે તે જો સત્યનો અવાજ હશે, તો બાકી બધા અવાજો ચૂપ થઈ જશે ત્યારેયે તે સંભળાયા કરશે.

કુંડાળામાં ફરતી દલીલ

"નવી તાલીમ માટે પાવરધા શિક્ષકો નિપજાવવામાં વખત જશે. તે દરમિયાન નિશાળોમાં અપાતી કેળવણીને સુધારવા શું કરવું?" એવો સવાલ અવિનાશલિંગમ્ ચેટ્ટિયારે અંગ્રેજીમાં પૂછ્યો. સૌની હસાહસ વચ્ચે ગાંધીજીએ તેમની ઠેકડી ઉડાવતાં કહ્યું કે, તમારાથી હિંદુસ્તાનીમાં ન બોલાતું હોય, તો તમારે જે કહેવું હોય તે તમારી પાસે બેઠેલા ભાઈના કાનમાં કહો અને તે મારે માટે તમારા સવાલનું હિંદુસ્તાની કરી દેશે !

પછી ગાંધીજીએ આગળ ચલાવ્યું, "તમને સમજાયું હોય કે, ચાલુ કેળવણીની પદ્ધતિ હિંદુસ્તાનને સ્વતંત્રતા અપાવી શકે તેમ નથી.પણ ઊલટું તેની ગુલામીનાં બંધનોને મજબૂત કરે છે, તો તેની અવેજીમાં કેળવણીની બીજી કોઈ પદ્ધતિ મળવાની છે કે નથી તેનો વિચાર સરખો કરવાને ન થોભતાં, તમે ચલુ પદ્ધતિને ઉત્તેજન નહીં આપો;નવી તાલીમના સિદ્ધાંતની મર્યાદામાં સમાયેલું જે કંઈ થઈ શકે તે તમે કરવા માંડશો અને તેટલાથી સમાધાન માનશો.પ્રજાને પ્રધાનો આ શરતે ન જોઈતા હોય, તો પ્રધાનોએ બહેતર છે કે, પોતાની જગ્યાનાં રાજીનામાં મૂકી દેવાં. તમારાથી લોકોને જીવનને પોષક આહાર આપી શકાતો નથી, અથવા લોકોને તમારો આપેલો એવો ખોરાક ભાવતો નથી, તેટલા ખાતર તમે તેમને ઝેરી ખોરાક ખવડાવવાને તો તૈયાર નહીં થાઓ?

સ₀ - તમે કહો છો કે, નવી તાલીમને મટે આપણને પૈસો નહીં, માણસો જોઈએ છે. પણ માણસોને તૈયાર કરવાને સંસ્થાઓ જોઈશે અને તેથી નાણાં જોઈએ. આમ કુંડાળામાં ફર્યા કરતી આ દલીલમાંથી રસ્તો કેમ કાઢવો?

જ₀ - એનો ઇલાજ તમારા પોતાના હાથમાં છે.તમારી જાતથી શરૂઆત કરો. અંગ્રેજીમાં એક ડહાપણભરી કહેવત નથી કે, 'ઉદારતાની શરૂઆત પંડથી થાય છે?' પણ તમે સાહેબની માફક આરામખુરશીમાં પડ્યા પડ્યા આ કામને માટે તમે જેમને તમારાથી ઉતરતાં પ્રાણીઓ માનો તે તૈયાર થઈ જાય, એવી અપેક્ષા રાખો, તો તમે છો ત્યાંના ત્યાં જ રહેશો. મારો રસ્તો એ નથી.છેક બચપણથી નાની સરખી કાં ન હોય, પણ પંડથી જ અને મારી આજુબાજુના લોકોથી શરૂઆત કરવાનો મારો રિવાજ છે. આ વિષયમાં આપણે અંગ્રેજો પાસેથી ધડો લેવા જેવો છે. શરૂઆતમાં અહીં હિંદુસ્તાનમાં માત્ર મૂઠીભર અંગ્રેજો આવ્યા અને વસ્યા. અને પછી તેમણે પોતાને માટે એવું સામ્રાજ્ય ઊભું કર્યું, જે સંસ્ક્રુતિની અને રાજકીય દૄષ્ટિએ કેટલું ભયંકર નીવડ્યું તેનો વિચાર કરો. ગુલામ જેમ પોતાને જકડી રાખનાર બેડીને વળગી રહે છે ને તેને છોડવા માગતો નથી, તેમ આપણે માતૃભાષાને તરછોડી અંગ્રેજી બોલીને કોટે વળગાડી છે, ને તેને અળગી કરવા માગતા નથી. આ સલ્તનતના ઘડતરની પાછળ જે એકાગ્ર ભક્તિ, જે ત્યાગ અને જે એકધારી ખંત રહેલાં છે, તેનો વિચાર જરા કરી જુઓ.એનો અર્થ એક જ છે.અમે તે આવી પડે, તોયે આપણે ડગવાના નથી, હાથમાં લીધેલું કામ પાર પાડ્યા વિના છોડવાના નથી, એવો દૃઢ નિશ્ચય કરીને કામમાં મડી પડો, એટલે એકેએક મુશ્કેલી ને અડચણ જોતજોતામાં ઓગળી જશે.

અંગ્રેજીનું શું?

સ₀- આ કાર્યક્રમમાં અંગ્રેજીનું શું થવાનું તેનું સ્થાન કેવું રહેશે? તેનું શિક્ષણ ફરજિયાત રહેશે કે બીજી ભાષા તરીકે મરજિયાત રહેશે?

જ₀- મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય તોયે, માની છાતીએથી અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દીધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે? એને સ્થાને અંગ્રેજી બોલીનો હું આશક છું; પણ જે સ્થાન તેનું નથી તે પડાવી લેવા નીકળે, તો હું તેનો કટ્ટો વિરોધી થાઉં. સૌ કોઈ સ્વીકારે છે કે અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે. તેથી, હું તેને નિશાળમાં નહીં, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું. અને તે પણ પસંદગીના થોડા લોકો માટે હોય; કરોડોને માટે તો ક્યાંથી હોય? આજે આપણી પાસે ફરજિયાત પ્રાથમિક કેળવણી દાખલ કરવાનાં પણ સાધન નથી, તો અંગ્રેજીનાં શિક્ષણ માટેની જોગવાઈનાં સાધનો ક્યાંથી લાવવાં? રશિયાએ વિજ્ઞાનમાં પોતાની બધી પ્રગતિ અંગ્રેજી વગર જ કરી છે. આપણી મનોવૃત્તિ એવી ગુલામ બની ગઈ છે કે, અંગ્રેજી વગર આપણું ચાલે નહી, એવું આપણને લાગ્યા કરે છે. કામ શરૂ કર્યા પહેલાં આગળ હારી બેસવાની આવી માન્યતાને હું કદી નહીં સ્વીકારું.

ह.बं., ૨૫-૮-૪૬


(પૂર્ણ)