પાયાની કેળવણી/૩. ત્યારે કરીશું શું

વિકિસ્રોતમાંથી
← ૨. કેટલાક પ્રશ્નો પાયાની કેળવણી
૩. ત્યારે કરીશું શું
મોહનદાસ કરમચંદ ગાંધી
૪. નકામો ડર →



ત્યારે શું કરીશું

['ટીકાનો જવાબ' એ લેખમાંથી]


કેળવણીના પ્રશનનો ઉકેલ કેમ કરવો, એ સવાલ દુર્ભાગ્યે દારૂની આવક બંધ થઈ જવાના સવાલની સાથે સંકળાઈ ગયેલો છે. નવા કર ઉઘરાવવાના રસ્તા તો અવશ્ય છે જ. અધ્યાપક શાહ અને ખંભાતાએ બતાવ્યું છે કે, આ ગરીબ દેશમાં પણ હજુ નવા કર ભરવાની શક્તિ છે. ધનિકોના ધનની ઉપર હજૂ પૂરતા કર નથી નખાયા. દુનિયામાં સૌથી વધારે આ દેશમાં અમુક વ્યક્તિઓએ પોતાના હાથમાં અઢળક ધન જમા કરી રાખવું, એ હિંદી માનવસમાજ સામે ગુનો છે. એટલે અમુક હદમાં વધારેની દોલત પર ગમે એટલા કર નાખો તોયે કરની સીમા આવી ગઈ છે એમ ન ગણાય. મેં સાંભળ્યું છે કે, ઈંગ્લંડમાં અમુક હદથી વધારાની આવક પર આવકના સિત્તેર ટકા જેટલો કર નાખવા સુધી પહોંચ્યા છે. હિંદુસ્તાનમાં એથી મોટા આંકડા લગી શા સારુ ન પહોંચે? એક માણસના મરણ પછી બીજાને વારસો મળે તેના ઉપર કર શા સારુ ન નંખાવો જોઈએ? લખપતિના છોકરા પુખ્ત થાય છતાં તેમને બાપની દોલતનો વારસો મળે તો એ વારસાને લીધે તેમને જ નુકસાન થાય છે. રાષ્ટ્રને તો એ રીતે બમણી હાનિ થાય છે.કેમ કે વારસા પર યોગ્ય રીતે જોતાં તો પ્રજાની માલિકી ગણવી જોઈએ. અને તે ઉપરાંત એ દોલતના વારસોની પૂરેપૂરી શક્તિ, દોલતના બોજા તળે કચડાઈ જવાને લીધે, ખીલવા પામતી નથી.એથી પણ રાષ્ટ્રને તો એટલું નુકસાન થાય છે. આવો વારસાવેરો નાખવાની પ્રાંતિક સરકારોને સત્તા નથી એ હકીકતથી મારી દલીલમાં કશો બાધ આવતો નથી.

પણ આપણને પ્રજા તરીકે કેળવણીમાં એટલા પછાત છીએ કે, એ વિષયના કાર્યક્રમનો આધાર જો પૈસા ઉપર રહેવાનો હોય, તો આપણે એ બાબતમાં પ્રજા પ્રત્યેના આપણા કર્તવ્યનું પાલન કરવાની આશા કદી ન રાખી શકીએ, એટલે મેં મારી રચનાકાર્ય કરવાની શક્તિ વિષેની સઘળી પ્રતિષ્ઠા ગુમાવી બેસવાનું જોખમ વહોરીને પણ કહેવાની હામ કરી છે કે કેળવણી સ્વાવલંબી હોવી જોઇએ. કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્માં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી.એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંના એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઈ કેળવણી નથી, એટલે હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કાંઈક ઉપયોગી હાથ ઉદ્યોગ શીખવીને અને તેની કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી એને કંઈક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું. આ રીતે દરેક નિશાળ સ્વાવલંબી થઈ શકે.માત્ર શરત એ છે કે, નિશાળો એ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઇએ. હું માનું છું કે, આ શિક્ષણપધ્ધતિમાં મન અને આત્માનો ઊંચામાં ઊંચો વિકાસ સાધવો શક્ય છે. માત્ર દરેક હાથઉદ્યોગ આજે શીખવાય છે તેમ જડ યંત્રવત નહીં પણ શાસ્ત્રીય રીતે શીખવાવો જોઈએ. આ હું કાંઇક આત્મવિશ્વાસપૂર્વક લખું છું, કેમ કે એની પાછળ મારો અનુભવ પડેલો છે.જ્યાં જ્યાં મજૂરોને રેંટિયા પર કાંતતાં શીખવવામાં આવે ત્યાં બધે આ પધ્ધતિ ઓછીવત્તી દાખલ કરવામાં આવી છે. મેં જાતે એ પધ્ધતિએ ચંપલ સીવતાં ને કાંતતાં પણ શીખવ્યું છે, ને તેનાં સારાં પરિણામ મેળવ્યાં છે. આ પધ્ધતિમાં ઇતિહાસ, ભૂગોળના જ્ઞાનનો બહિષ્કાર નથી. પણ હું જૌં છું કે, એ વિષયમોઢાની સામાન્ય માહિતી આપવાથી જ સારામાં સારી રીતે શીખવી શકાય છે. વાચનલેખન કરતાં પણ ।બ્બ। પધ્ધતિથી દસ ગણું જ્ઞાન આપી શકાય છે. બાળક કે બાળા જ્યારે સારાસારનો ભેદ પાડતાં શીખે ને તેની અભિરુચિનો કંઈક વિકાસ થાય પછી તેને કક્કો શીખવવો જોઇએ.આ સૂચના આજની શિક્ષણપધ્ધતિમાં ક્રાંતિ કરવાનું સૂચવનારી છે, પણ એથી પાર વિનાની મહેનત બચી જાય છે, અને વિદ્યાર્થીને જે વસ્તુ શીખવમાં ઘણો વધારે વખત લાગે તે આ રીતે એક વરસમાં શીખી શકે છે. આને પરિણામે બધી રીતની બચત થાય છે. બેશક વિદ્યાર્થી હાથઉદ્યોગ શીખતો થાય તેની સાથે સાથે ગણિતનું જ્ઞાન તો મેળવે જ.

પ્રાથમિક શિક્ષણને હું સૌથી વધારે મહત્વ આપું છું. મારી કલ્પના પ્રમાણે એ શિક્ષણ અત્યારના મૅટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ એના જેટલું હોવું જોઇએ.બધા કૉલેજિયનો એકાએક એમનું ભણતર ભૂલી જાય તો થોડાક લાખ કૉલેજિયનોની સ્મૃતિ આમ એકાએક ભૂંસાઈ જવાને લીધે જે નુકસાન થાય તે એક બાજુ મૂકો, ને બીજી બાજુ પાંત્રીસ કરોડ માણસોની આસપાસ જે અંધકારનો સાગર ઘેરાઈ વળેલો છે તેને લીધે રાશ્ટ્રને જે નુકસાન થયું છે ને હજુ થઇ રહ્યું છે તે મૂકો, તો પહેલું નુકસાન બીજાની આગળ કશી વિસાતમાં નથી. દેશમાં જે નિરક્ષરતા વર્તે છે તેના આંકડા પરથી લાખો ગામડાંમાં પ્રવર્તી રહેલા ઘોર અજ્ઞાનનો પૂરતો ખ્યાલ આવી શકે તેમ નથી.

હું તો કૉલેજની કેળવણી ધરમૂળથી પલટો કરું ને એનો દેશની જરૂરિયાતોની સાથે મેળ સાધું. યંત્રશાસ્ત્રના ને બીજા ઇજનેરોને માટે પદવીઓ રખાય. એમને જુદા જુદા ઉદ્યોગોની જોડે જોડી દીધેલા હોય ને એ ઉદ્યોગોને જે ગ્રેજ્યુએટો જોઇએ તેમને તાલીમ આપવાનું ખરચ એ ચલાવનારા જ આપે. દાખલા તરીકે, ટાટા કંપની પાસે એવી અપેક્ષા રખાય કે, તેમને જે ઇજનેરો જોઈએ તેમને કેળવવા માટે તે રાજ્યની દેખરેખ નીચે એક કૉલેજ ચલાવે. તે જ પ્રમાણે મિલમાલિકોનાં મડળ મળીને પોતાને જોઈતા ગ્રેજ્યુએટો કેળવવાની કૉલેજ ચલાવે, એવું જ બીજા અનેક ઉદ્યોગો વિષે. વેપારને માટે પણ કૉલેજ હોય. પછી 'આર્ટ્‍સ', ડાક્ટરી ને ખેતીવાડી રહ્યાં. આજે કેટલીયે ખાનગી 'આર્ટ્‍સ' કૉલેજો સ્વાવલંબનપૂર્વક ચાલી રહેલી છે. એટલે રાજ્ય પોતાની આર્ટ્‍સ કૉલેજો ચલાવવી બંધ કરે. ડાક્ટરી કૉલેજોને પ્રમાણપત્રવાળાં ઇસ્પિતાલોની સાથે જોડેલી હોય. એ કૉલેજો ધનિકોમાં લોકપ્રિય છે, એટલે તેઓ એ કૉલેજોને નભાવવા માટે સ્વેચ્છાએ પૈસા આપે એવી અપેક્ષા રખાય. અને ખેતીવાડી કૉલેજો સ્વાવલંબી હોય તો જ એનું નામ સાર્થક થાય.મને કેટલાક ખેતીવાડીના ગેજ્યુએટોનો કડવો અનુભવ થયેલો છે. એમનું જ્ઞાન છીછરું હોય છે. એમને વ્યવહારુ અનુભવ હોતો નથી. પણ જો તેમને સ્વાવલંબી ને દેશની જરૂરિયાતો પૂરી પાડનારી વાડીઓમાં ઉમેદવારી કરવી પડી હોય તો તેમને પદવી મેળવ્યા પછી ને જેની નોકરી કરતા હોય એને ખરચે અનુભવ મેળવવાની જરૂર ન રહે.

આ કાલ્પનિક ચિત્ર નથી, ગગનવિહાર નથી. આપણે જો ફક્ત આપણા મનનું એદીપણું કાઢી નાખીએ, તો કેળવણીનો જે સવાલ મહાસભાવાદી પ્રધાનોની અને તેથી મહાસભાઓની સામે આવી ઊભેલો છે તેનો આ બહુ જ વાજબી અને વહેવારુ ઉકેલ છે એમ જણાઈ આવશે.થોડા વખત પર બ્રિટિશ સરકાર તરફથી જે જાહેરાતો કરવામાં આવેલી તેનો અર્થ જેવો કાનને લાગે છે તેવો ખરેખર હોત, તો પ્રધાનોને સિવિલ સર્વીસની સંગઠીત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઈસરૉયે ઠરાવેલી રાજ્ય્નીતિને મલમાં ઉતારવાનું સરકારી નોકર વર્ગ શીખેલો છે. પ્રધાનો ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે, અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો સાચાં પાડે ને જે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.

પછી શિક્ષકોનો સવાલ રહે છે. વિદ્વાન પુરુષો અને સ્ત્રીઓ પાસેથી ફરજિયાત સેવા લેવી એવો જે વિચાર અધ્યાપક ખુશાલ શાહે પ્રગટ કર્યો છે* [૧] તે મને ગમે છે. એમને અમુક -પાંચેક -વરસ લગી પોતે જે વિષયમાં યોગ્યતા મેળવી હોય તે ભણાવવા પાછળ આપવાની ફરજ પાડવી જોઈએ, અને તે મુદ્દત દરમ્યાન દેશની આર્થિક સ્થિતિને છાજે એવા ધોરણે આજીવિકા માટે પગાર આપવો જોઈએ. ઊચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં શિક્ષકો ને અધ્યાપકો બહુ જ ઊંચા પગાર માગે છે તે પ્રથા નીકળી જવી જોઈએ. ગામડામાં અત્યારે જે શિક્ષકો છે તેમને બદલે બીજા કાબેલ માણસોને મૂકવા જોઈએ.

ह.बं.,૧-૮-૩૭

["કેળવણીનો કોયડો" એ નોંધમાંથી]

"નવા સુધારાની સૌથી મોટી વિપરીતતા તો એ છે કે, આપણા બાળકોને કેળવણી આપવાને આપણી પાસે દારૂની આવક સિવાય બીજા પૈસા જ નથી રહ્યા. એ કેળવણીનો કોયડો છે. પણ આપણે એથી હાર ખાવાની જરૂર નથી. આપણે એ કોયડો ઉકેલતાં ગમે તેટલો ભોગ આપવો પડે તોયે આપણાથી આપણો દારૂની જડ નાબૂદ કરવાનો આદર્શ નીચે ન ઉતારી શકાય. આપણને દારૂમાંથી આવક ન મળે તો આપણાં બાળકો કેળવ્ણી વિનાનાં રહે એ વિચારથી જ આપણને શરમ ને ભોંઠપ ઊપજવી જોઈએ. પણ એવો જ વખત આવે તો બેમાંથી એ ઓછી ખરાબ સ્થિતિ છે એમ સમજીને આપણે તે સ્વીકારવી જોઈએ. આપણે આંકડાના ચકરાવામાં પડી ન જઈએ, ને આજે બાળકોને

અમુક જાતની કેળવણી મળવી જ જોઈએ એવી જે માન્યતા પ્રચલિત છે તેમાં ફસાઈ ન જઈએ, તો આ સવાલથી આપણને મૂંઝવણ નહીં ઊપજે."

કેળવણીને ખરચ વિનાની અને સાથે સાથે આપણી ગામડાંની નિશાળ વસ્તીની હાજતો પૂરી પાડે એવી કેળવણીની પધ્ધતિ ખીલવવાનો આપણા કેળવ્ણીકારોએ ભેગા મળીને વિચાર કરવો જોઈએ એ વાત પર ગાંધીજી ભાર શા સારુ મુકે છે તે એમના ઉપરના ઉદ્‍ગારો પરથી સમજી શકાય છે. એક પ્રશ્નકર્તાએ આશ્ચર્યથી પૂછ્યું, "ત્યારે શું આપ હાઈસ્કૂલની કેળવણી કાઢી નાકશો ને મેટ્રિક સુધીની આખી કેળવણી ગામઠિ નિશાળોમાં આપશો?"

ગાંધીજી કહે, "જરૂર. તમારી હાઇસ્કૂલની કેળવણીમાં શું ભર્યું છે? જે વસ્તુ છોકરા પોતાની માતૃભાષામાં બે વરસમાં શીખી શકે તે પારકી ભાષામાં સાત વરસમાં શીખવાની ફરજ પાડવી એ સિવાય એમાં બીજું કંઈ છે ખરું કે? તમે જો બાળકો પરથી પરદેશી ભાષા દ્વારા ભણવાનો અસહ્ય બોજો કાઢી નાખવાનો નિશ્ચ યમાત્ર કરો, ને એમના

હાથપગનો ઉપયોગ કંઈક ફાયદો થાય એવા કામમાં વાપરતાં એમને શીખવો, તો કેળવણીનો કોયડો તો ઉકલી ગયો સમજો. દારૂની આખી આવક જતી કરવાનો વિચાર કરવો જોઈએ, ને પછી કેળવણી માટેના પૈસા ક્યાંથી મળી શકે એનો. આ એક મોટું પગલું ભરીને શરૂઆત કરો."

ह.बं.,૨૨-૮-'૩૭

  1. * એ લેખ તા. ૮-૮-૩૭ના हरिजनबंधुમાં જુઓ.